(રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં નિવાસ દરમિયાન શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદ (હરિ મહારાજ)ના વાર્તાલાપની નોંધ એમના શિષ્યોએ રાખી હતી. ઉદ્બોધન કાર્યાલય દ્વારા મૂળ બંગાળીમાં પ્રકાશિત ‘સ્વામી તુરીયાનંદેર સ્મૃતિકથા’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે અંજનાબહેન ત્રિવેદી. -સં)
૩ જુલાઈ, ૧૯૨૦, સંધ્યાકાળ, સાત વાગ્યે.
ઉપસ્થિત વ્યક્તિઓ: એક બ્રહ્મચારી અને અનાથાશ્રમનો એક વયસ્ક વિદ્યાર્થી
સ્થાન: સેવાશ્રમના મેદાનના વટવૃક્ષ નીચેની બેંચ.
હરિ મહારાજ: “ખૂબ ગરમ.”
બ્રહ્મચારી: “હમણાં થોડો ઘણો વરસાદ તો પડ્યો છે.”
હરિ મહારાજ: “ક્યાં, વધારે વરસાદ ક્યાં પડ્યો છે? આજ બહાર સૂઈશ. ગઈ કાલે રાત્રે બે વાગ્યા સુધી બહાર જ સૂતો હતો. તે લોકોએ મચ્છરદાની ઉપર એક ચાદર નાખી દીધી હતી, ત્યારબાદ જ્યારે મચ્છરદાનીની અંદર ટપ ટપ કરીને પાણી પડવાનું શરૂ થયું, ત્યારે ઉપર જતો રહ્યો. શરીરના સુખ માટે લોકો કેટલું કરે! દિવસ-રાત એ જ કરે છે. છતાં શું હવે શરીર સારું રહે?”
બ્રહ્મચારી: “મહારાજ, Elizabeth Hemans (એલિઝાબેથ હિમન્સ)ની એક કવિતાનો ભાવાર્થ એવો છે, બે છોકરા બે જુદી જુદી જગ્યાએ જુદી જુદી અવસ્થામાં જન્મેલા હોય અને જો બન્નેને એક જ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે અને ચારેય બાજુ એક જ સરખા વાતાવરણમાં રાખવામાં આવે, તો પછી તેનું પરિણામ એક જ પ્રકારે હોય. તે લોકો તો સંસ્કારમાં માને નહીં. શરીર પણ શરૂઆતમાં બધાનું એક પ્રકારે રહે ત્યારબાદ જે જેટલો પ્રકૃતિનો નિયમ ભંગ કરે, તે તેટલું ભોગવે તથા તેનાથી જ શરીરનો ફેરફાર થઈ જાય.”
હરિ મહારાજ: “તે શું હંમેશાં થાય? એક સાથે પાંચ છોકરાઓ હોય તો તેઓ પાંચ પ્રકારના થઈ જાય. તે લોકોમાં પુનર્જન્મ વગેરેની ધારણા નથીને! તેથી સંસ્કાર-ફંસ્કાર સમજે નહીં. કોઈ શું એક Tabula rasa (કોરી પાટી અર્થાત્ કોઈપણ પ્રકારના સંસ્કાર વિનાનું મન) લઈને આવે?”
બ્રહ્મચારી: “આપણું શાસ્ત્ર કહે છે, આત્મા ક્રમશ: નીચલી કોટીના શરીરમાંથી ઉચ્ચતર કોટીના શરીરનો આશ્રય લે. ડાર્વિનના મતથી જ તેઓને પુનર્જન્મ સંબંધમાં નજીવો આભાસ મળ્યો છે.”
એક શુદ્ધ આચારસંપન્ન બ્રાહ્મણ બાળકને કોઈએ ડાર્વિનનો સંદર્ભ આપીને વાનરનો વંશધર કહેતાં, હરિ મહારાજ બોલ્યા, “પાગલની જેમ શું બકે છે? તે સુસંસ્કારી સંપન્ન બ્રાહ્મણનો પુત્ર વાનરનો વંશજ કેવી રીતે થાય? પાંડિત્યથી કે આધુનિક વિજ્ઞાનની ભાષામાં બોલવાથી જ શું સત્ય છે, તેમ માની લેવું! વિજ્ઞાન તો જોઉં છું, આજે જે સિદ્ધાંત સાબિત કરે, તે કાલે ક્યાંય ઊડી જાય. ડાર્વિનનો દૃષ્ટિકોણ જે માને છે, તેમને માનવા દો, આપણાં શાસ્ત્રોમાં માનવસૃષ્ટિના બે અભિપ્રાયો મળે છે.
“એક તો છે ચોર્યાસી લાખ યોનિ ભ્રમણ કરે છે, ત્યારે મનુષ્ય જન્મ મળે છે. આ ઘણું ખરું ડાર્વિનના દૃષ્ટિકોણ જેવું છે. છતાં ડાર્વિન જડવાદી છે અને આપણાં શાસ્ત્રો આત્મવાદી છે. ડાર્વિન કહે છે કે, માત્ર સ્થૂળ શરીરની જ ઉત્ક્રાંતિ થાય.
“અને એક બીજો સિદ્ધાંત છે, ભગવાનમાંથી અવતરણ થવું. સૃષ્ટિકર્તા બ્રહ્માએ સર્વપ્રથમ સનત્કુમાર વગેરે કુમારોની સૃષ્ટિ કરી, ત્યારે તેઓને બ્રહ્માજી બોલ્યા, ‘સંસાર કરો.’ તેઓ ભગવાનમાંથી અવતર્યા હોવાથી બોલ્યા, ‘તે કેવી વાત! અમારા દ્વારા સંસાર નહીં થાય.’ ત્યારબાદ બ્રહ્માજીએ પ્રજાપતિઓની સૃષ્ટિ કરી, તેઓ સંસાર કરવા માટે રાજી થયા.
“એ તો સ્વાભાવિક વાત છે, એ તો આપણે પણ જોઈ શકીએ છીએ. અત્યારે પણ જોવામાં આવે છે, ઘણા લોકોમાં જન્મથી જ લગ્ન-બગ્નનો ભાવ-બાવ ન હોય. તેઓ જ છે કુમાર, જેઓની પુત્રોત્પાદનની શક્તિ જન્મી નથી. તેઓને જ સાધારણ રીતે કહે કુમાર. તે કુમારવત્ અવસ્થાને સાધનની જેમ જે આજીવન ધારણ કરી શકે છે, તેઓને યથાર્થરૂપે કુમાર કહી શકાય. શાસ્ત્રોનો આ બીજો મત જ સુંદર છે. આપણે અમૃતનાં સંતાન, વાનરનાં સંતાન શું કામ થવા જઈએ? ‘યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ.’
“ઠાકુર હોમાપંખીની વાત કહેતા, સાંભળી નથી? તે આકાશમાં જ ઈંડું મૂકે. ઈંડું આકાશમાંથી પડતાં પડતાં જ પંખીનું બચ્ચું જુએ કે એ જમીન ઉપર પડી રહ્યું છે અને તરત જ તેને સમજમાં આવે કે તેનાં મા-બાપ ઉપરની તરફ છે. તરત જ છૂટીને ઉપર તરફ દોડે. પછી જમીન પર પડે નહીં. તેવી રીતે ઘણા મનુષ્યો પણ છે, જેની થોડી ઉંમર થતાં થતાં જ સંસારમાં આસક્તિશૂન્ય થઈ ભગવાનની દિશામાં દોડ્યા જાય. એક છે દૃષ્ટાંત અને એક છે દૃષ્ટાંતિક.
“મને યાદ આવે છે કે મારી ઉંમર જ્યારે દસ વર્ષની હતી કે તેનાથી પણ ઓછી, કદાચ આઠ વર્ષ; ત્યારે મારા મિત્રને કહ્યું હતું, ‘હું લગ્ન નહીં કરું.’ તે મિત્ર પણ સાધુ થઈ ગયો, હું પણ સાધુ થઈ ગયો.
“(બાળક પ્રત્યે) તું સાધુ થઈશ કે ગૃહસ્થ થઈશ, બોલ તો?”
બાળક: “સાધુ થઈશ.”
હરિ મહારાજ: “નિશ્ચય, સાધુ જ થજે. બીજું શું વળી? અત્યારથી જ પ્રયત્ન કરે તો ઠીક ઠીક ભગવાનલાભ થઈ જશે. મનની અંદર એક પ્રતિજ્ઞા રહેવી જોઈએ, ‘તેમને મેળવીને જ રહીશ’. અત્યારથી જ જિતેન્દ્રિય તથા સંયમી થઈએ તો તેમનો સાક્ષાત્કાર થઈ જાય. અને જો સાધારણ માણસની જેમ થવું હોય તો હોંશે હોંશે ખાઈશ, છોકરાઓ થશે, પૈસા કમાઈશ, મરી જઈશ—બસ પૂરું થઈ જશે. ગૃહસ્થનાં માન-યશ જોઈએ કે સાધુ બનવા માગે છે?”
બાળક: “સાધુને શું માન-યશ નથી? સાધુને પણ માન-યશ છે.”
હરિ મહારાજ: “નિશ્ચય જ સાધુને પણ માન-યશ છે. જો ને, સ્વામીજીનો યશ! કેવા વીરની જેમ વિશ્વવિજય કરી ગયા. કેવો વીર ભાવ! કેવી જિતેન્દ્રિયતા! એવું થાય તો બીજું શું જોઈએ? ઉચ્ચ વિષયો પર મન હતું, તેથી નીચે તરફ જઈ જ ન શક્યું. ઠાકુર કહેતા, ‘મોટા ભાગે લોકોનું મન ગુદા, લિંગ અને નાભિ પર જ રહે. સાધકનું મન હૃદય સુધી ઊઠીને આવે, ત્યાર પછી તેનાથી પણ ઉપર કંઠે, ત્યારબાદ બ્રહ્મરંધ્રે મન ઊઠીને જતાં સમાધિ થાય, અને એકવીસ દિવસની અંદર દેહત્યાગ થઈ જાય.’ ઠાકુર સાથે સાથે જ આમ પણ કહેતા, ‘ઉકરડામાં રહે તોપણ સોનું, ઘરમાં રહે તોપણ સોનું. ક્યાંય પણ ફેંકી દો, શક્તિ હોય તો આલોકિત થશે જ થશે.’ ઈશ્વર પર વિશ્વાસ રાખીને, તેમની પાસે ભક્તિ માગવી.”
કોઈ એક વ્યક્તિ: “મહારાજ, આ બાળક શિવજી પાસે પાશુપત અસ્ત્ર ઇચ્છે છે.”
હરિ મહારાજ: “તું પાશુપત અસ્ત્ર લઈને શું કરીશ? તું ક્ષત્રિય નથી, તું તો બ્રાહ્મણ, તું તેમને સંતુષ્ટ કરીને બ્રહ્મજ્ઞાન માગી લે જે. બ્રાહ્મણોનું આથી મોટું બીજું કોઈ અસ્ત્ર નથી. વિશ્વામિત્ર અને વશિષ્ઠની વાત જાણે છે? રાજા વિશ્વામિત્ર એક દિવસ ધનુષ-બાણથી વશિષ્ઠના એકવીસ પુત્રોને મારીને કામધેનુને લઈ ગયા, પરંતુ વશિષ્ઠ બધું જોઈને કંઈપણ બોલ્યા વિના બ્રહ્મદંડ હાથમાં લઈને બેસી રહ્યા, ત્યારે વિશ્વામિત્ર હાથ જોડીને તેમના પગે પડીને બોલ્યા, ‘ક્ષત્રિય બળને ધિક્કાર છે’, એમ બોલીને ક્ષમાયાચના કરી.”
બાળકે સંધ્યાવંદન માટે વિદાય લેતાં હરિ મહારાજ બોલ્યા, “છોકરામાં ખૂબ શુદ્ધ સંસ્કાર છે. તેનો રજ: મિશ્રિત સત્ત્વ અને અમુક વ્યક્તિ ખૂબ સત્ત્વગુણી. અત્યારે સારી રીતે ચાલશે તો સારું થશે, નહિ તો બીજા પાંચ જણા જેવો થઈ જશે. નિયતિ જેવું કંઈ નથી. સાર વસ્તુ કહી દેવી હોય, તો એ છે પુરુષકાર (જાત મહેનત), યોગવાશિષ્ઠમાં પુરુષાર્થની ખૂબ પ્રશંસા કરી છે. પ્રારબ્ધ તો બિલકુલ નથી. ‘દૈવં નિહત્ય કુરુ પૌરુષમાત્મશક્ત્યા.’ પ્રારબ્ધ પણ પુરુષાર્થસંપન્ન વ્યક્તિને અનુકૂળ થઈ જાય. God helps those who help themselves (જે પોતે પ્રયત્ન કરે, ઈશ્વર તેને સહાયતા કરે છે.) પ્રારબ્ધ ઉપર નિર્ભર રહીને, લોકો નિમ્નગામી થઈ જાય. લોકો પોતાની ભૂલથી ગરબડ કરી મૂકે અને ત્યારબાદ પ્રારબ્ધને દોષ આપવા મંડે. સમજવું જોઈએ કે પછડાટ ખાવી accident (આકસ્મિક) છે, પ્રગતિ જ સ્વાભાવિક છે. ભૂલભ્રાંતિ થવી accident છે, ઉપર ઊઠવું જ સ્વાભાવિક છે.”
બ્રહ્મચારી: “કાતરના બે ભાગમાંથી કયો ભાગ કાપવા માટે વધારે જવાબદાર છે, તે આપણે જેવી રીતે જાણી શકતા નથી, તેવી રીતે આપણા કાર્યની સિદ્ધિ માટે આપણું પ્રારબ્ધ કે પુરુષાર્થ કયું કેટલું જવાબદાર છે તે આપણે ઠીક ઠીક નક્કી ન કરી શકીએ, છતાં આપણે માની લઈએ કે કાતરના બન્ને ભાગ કાપવા માટે સરખા જ જવાબદાર છે. આપણો પુરુષાર્થ-ભાગ આપણા હાથમાં છે. તેને તીક્ષ્ણ કરવો પણ આપણા હાથમાં છે. પ્રારબ્ધનો ભાગ આપણા હાથમાં નથી માટે જ પોતાના હાથમાં રહેલ ભાગને (પુરુષાર્થને) ધારદાર કરી, બીજા ભાગ (પ્રારબ્ધ)ની અપેક્ષામાં રહેવું એ જ આપણા માટે ઉચિત છે.”
હરિ મહારાજ: “સાચી વાત, એ જ તો ઉપાય છે. એવી રીતે ન થાય, તો કોઈ ફળ જ ન મળે. છતાં ભક્ત માટે નિર્ભરતા એક સાધના છે. તે દુર્બળતા નથી. તે એવી રીતે કે, ‘તમારી ઇચ્છા જ પૂર્ણ થાઓ.’”
Your Content Goes Here