(લેખિકા : રેખાબા સરવૈયા લેખિકા પોરબન્દર ખાતે એડિશનલ કલેકટર તરીકે ફરજ બજાવે છે. તેઓ સાહિત્ય સર્જક–ઉદઘોષક, વકતા તથા રામકૃષ્ણ ભાવધારા બેલૂરમઠનાં દીક્ષાર્થી છે.)

સ્વામી વિવેદકાનંદ દૃઢપણે એવું માનતા કે સાચી રીતે લીધેલું શિક્ષણ સમાજમાં પ્રવર્તી રહેલા દરેક અનિષ્ટોને મૂળમાંથી મટાડી દેવાનું અમોધ ઔષધ છે. આજની આધુનિક શિક્ષણવ્યવસ્થામાં આપણે બાળકો કે યુવાનો દ્વારા જે શિક્ષણ પ્રાપ્ત કરી રહયા છીએ. તેમાંય અમુક તત્વો તો સારા છે, પણ એનાંથી એટલા બધા ગેરફાયદા થાય છે કે, આ સારા તત્વો એથી નહિવત જ બની રહે છે. પહેલુ તો એ કે આ શિક્ષણથી માનવ ઘડાતો નથી એતો કેવળ નકારાત્મક છે ને આવુ નકારાત્મક શિક્ષણ તો મૃત્યુ કરતા પણ ભૂંડું હોય છે. સાચું શિક્ષણ તો વ્યકિતત્વ વિકાસની દિશામાં ચાલીને સમગ્ર સમાજનાં અનિષ્ટો સામે બાથ ભીડે એવું હોવું જોઈએ.

બાલ્યકાળથી જ આપણે આ પ્રકારનું નકારાત્મક શિક્ષણ પામતા આવ્યા છીએ. પોતાની જાતને નગણ્ય માનીએ છીએ એટલું જ આપણે શીખ્યા છીએ. આ દેશમાં પણ કદીક મહાન વિભૂતિઓ જન્મી હતી એવું તો આપણને ભાગ્યે જ શીખવવામાં આવે છે. કશું પણ સંગીન સ્વરૂપનું આપણને કદીય શીખવવામાં આવતું નથી. આપણે કેવળ આપણી નિર્બળતાઓનું જ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ.

જો કોઈ એક માણસ અમુક પરીક્ષામાં ઉતીર્ણ થાય અને વ્યાખ્યાનો આપી શકે તો જ તે શિક્ષિત છે એમ તમે માનો છો ? જીવન માટેનાં સંઘર્ષમાં ટકી રહેવા પૂરતી સાધનસામગ્રી સામાન્ય જનસમૂહને પ્રાપ્ત કરી આપવામાં જે શિક્ષણ મદદ નથી કશી શકતુ, ચારિત્ર્યને દૃઢતા નથી આપી શકતું, પરોપકારની ભાવના અને સિંહના જેવી હિંમત ખીલવી નથી શકતુ તે શિક્ષણનાં નામને પણ લાયક છે ખરૂ?

શાળાઓમાં અને કોલેજોમાં હાલમાં જે શિક્ષણ અપાય રહ્યું છે તે તો અજીર્ણથી પીડાતા રોગીઓ જ બનાવી મૂકે છે. માણસ કેવળ યંત્રની જેમ કાર્ય કર્યે જાય છે. અને કુવામાંનાં જ દેડકા જેવું જીવન જીવી રહે છે.

તો પછી સાચું શિક્ષણ એટલું શું ?− આ સવાલનો જવાબ સ્વામીજી આપે છે કે : “શિક્ષણ એટલે ડીગ્રીઓનું પ્રમાણપત્ર ? – ના. પુસ્તકાભ્યાસ? ના. અનેકવિધ જ્ઞાન ? એ પણ નહી. જે કેળવણીથી ઈચ્છાશકિતનો પ્રવાહ અને આવિષ્કાર સંપતિ બનીને ફળદાયી બની શકે તેનું નામ શિક્ષણ.” સાચા શિક્ષણને એક પ્રકારની વિશિષ્ટ શકિત અથવા તો સમર્થ અને શુભ સંકલ્પો કરતાં શીખવવાની કેળવણી તરીકે વર્ણવી શકાય. શિક્ષણ એટલે કેવળ શબ્દોનો મેળો નહી.

માનવનું ઘડતર એ જ દરેક સાચા શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ. શિક્ષણ એટલે તમારા મગજમાં એકઠો થઈને આત્માસાત બન્યા વિના જીવનભર ઉત્પાત મચાવ્યા કરનારો માહિતીઓનો ઢગલો નહી. જીવન ઘડનારા, સાચા માનવીનું નિર્માણ કરનારા, ચારિત્ર્ય વિકસાવનારા વિચારોને આત્મસાત કરવાની આપણને ઘણી જરૂર છે. જો તમે કેવલ પાંચ જ વિચારોને આત્મસાત કરી તમારા જીવન સાથે, સ્વભાવ સાથે એકરૂપ કરી શકયા હો, તો એક પુસ્તાકાલયના ગ્રંથોને કંઠસ્થ કરનારનાં કરતાં તમારામાં વિશેષ જ્ઞાન છે એટલું જરૂર માનજો.

“યથા ખરચંદનભારવાહી ભારસ્ય વેતા ન તુ ચંદનસ્ય!”

‘ચંદનકાષ્ઠનો ભારો લઈ જનાર ગધેડો લાકડાના ભારને જ જાણે છે, ચંદનની સૌરભને ઓળતો નથી.’

શું આજનાં મોટા ભાગનાં વિદ્યાર્થીઓ આવા નથી શું ? જો માહિતીનાં સંચયનું નામ જ શિક્ષણ હોય તો પુસ્તકાલયોને મહર્ષિઓ કહેવા જોઈએ. અને જ્ઞાનકોષને ઋષિઓ તરીકે ઓળખવા જોઈએ.

સ્વામીજીએ શિક્ષણ અને કેળવણીને નોંખા તારવ્યા છે એમણે કેળવણીની વ્યાખ્યા અદભૂત કરી છે : “માણસમાં ગૂઢરૂપે રહેલી પૂર્ણતાનો આવિષ્કાર સાધી આપે તેનું નામ જ કેળવણી.” ધર્મને હું શિક્ષણનું હાર્દ લેખું છુ. પણ એટલું ધ્યાનમાં રાખજો કે અહી ધર્મ એટલે કે મારા કે બીજા કોઈનાં ધર્મ વિશેના વિચારો એવો અર્થ નથી, ધર્મ મુખ્ય વસ્તુ છે, બીજુ બધું ગૌણ છે. પણ આપણને તો બધાની જ જરૂર છે. – ધારયતે…ઈતિ ધર્મ.” ધર્મ ધારણ કરીને અમલમાં મૂકવાની વિચારધારા છે.

શિખવાની આદર્શ પદ્ધતિ એટલે કે ચિતની એકાગ્રતા અને અનાસક્તિ આપણી પાસે તો જ્ઞાન પ્રાપ્ત કરવાની જ એક પદ્ધતિ છે. ક્ષુદ્રમાં ક્ષુદ્ર માણસથી માંડીને તે મહાન યોગી સુધી બધાને એ જ પદ્ધતિનો ઉપયોગ કરવાનો રહે છે. એનું નામ ચિતની એકાગ્રતા દ્વારા જ્ઞાનપ્રાપ્તિ.

આ સામર્થ્ય, અંતરાયને પ્રહારથી છેદી નાંખવાની શક્તિ ચિતની એકાગ્રતામાંથી જ ઉદભવે છે. માનવમનના સામર્થ્યને કશી મર્યાદા નથી. જેમ તમે એને વધારે એકાગ્ર કરશો તેમ એ વધારે કાર્યસાધક બનશે. પદ્ધતિનું રહસ્ય આટલું જ છે.

મારે મન તો શિક્ષણનું સાચુ સત્વ તે આ ચિતને એકાગ્ર કરવાની શક્તિ જ છે. હકિકતોનો ઢગલો એકઠો કરવો તે શિક્ષણ નથી. જો મારે મારૂ શિક્ષણ ફરી પ્રાપ્ત કરવાનું હોય ને જો એમાં મારૂ કઈ ચાલી શકે એમ હોય તો હું આ માહિતીઓનો ઢગ એકઠો કરવાની પંચાતમાં પડવાનું જરા પણ પસંદ નહી કરૂ. મને ચિતને એકાગ્ર કરવાની અને અનાસક્ત રહેવાની શકિતઓને વિકસાવવાનું જ વધારે ગમશે. એ રીતે ગ્રહણ કરનારૂ સાધન વધારે કાર્યક્ષમ બન્યું હોય પછી હકિકતોનો સંગ્રહ કરતાં શી વાર લાગવાની હતી ? એટલે બાળકમાં એકી સાથે બે શક્તિઓનો વિકાસ કરતા રહેવું જોઈએ.

વિદ્યાર્થીઓ સાથે એકાત્મતા કેળવીને તેમની રૂચિ મુજબનાં વિષયોનું જ્ઞાન આપે એ સાચો શિક્ષક છે. સાચા વિદ્યાર્થીની અંદર પણ કંઈક નવું શિખવાની તીવ્રતમ જિજ્ઞાસા, જ્ઞાન પ્રાપ્તિની ઉત્કટ પિપાસા, શુચિતા અને અણથક કામ કરવાની ઉત્સાહી ઉદ્યમશીલતાનાં ગુણો સમગ્ર જિવનને કેળવવા માટે આવશ્યક છે.

અને આ ગુણોને ઉજાગર કરે તે જ સાચુ શિક્ષણ. પેલું ઉદાહરણ તો ખબર છે ને, પથ્થરમાં પ્રથમથી જ સુંદર મૂર્તિ વિદ્યમાન હોય છે, બસ…મૂર્તિકારે તેની આસપાસનો નકામો પથ્થરનો મેદ છીણી – ટાંકણું અને હથોડી વડે દૂર કરીને મૂર્તિને દ્વશ્યમાન ઘાટ આપવાનો છે. બસ… આવું જ કામ એક કેળવાયેલાં શિક્ષકે પોતાનાં વિદ્યાર્થીમાંહેની અંતરનિહિત શક્તિઓને કેળવણી થકી ઉજાગર કરવાની છે.

રેખાબા સરવૈયા
ડે. કલેકટર, કેશોદ

‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.

Total Views: 161

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.