ઘર-પ્રથમ શાળાઃ

બાળકોના વ્યક્તિત્વને ઘડવામાં માતા-પિતા જે ભૂમિકા ભજવે છે, તેની બરોબરી તમામ પુસ્તકો, સેમિનાર અને પ્રવચનો કરી શકતાં નથી. પોતાની દેખરેખ હેઠળ યુવાનોનાં મનને વિકસાવવામાં માતા-પિતાનું સ્થાન કોઈ ન લઈ શકે તથા તેની અસર દૂરગામી છે. બાળક પોતાને પણ ખ્યાલ ન હોય એ રીતે માતા-પિતાનાં વ્યક્તિત્વની વિશેષતાઓ મેળવે છે અને તે રીતે તેના વ્યક્તિત્વને આકાર આપે છે. મોટાભાગે વ્યક્તિ, વડીલો, માતા-પિતા કે ઘરના વાતાવરણમાંથી જે જે મેળવે છે કે ગ્રહણ કરે છે, તે જ તેના વ્યક્તિત્વને બનાવે છે કે બગાડે છે.

ખરું જ કહેવાયું છે કે, “ઘર એ પ્રથમ શાળા છે.” ઘરથી જ બાળક વિચાર, વર્તન અને જીવનની પ્રથમ અને કાયમી છાપ મેળવે છે. ઘરથી જ તેની શિક્ષણ પ્રક્રિયા શરૂ થાય છે. શાળામાં શિક્ષણ તો પાછળથી શરૂ થાય છે અને શાળામાં પ્રવેશ્યા પછી પણ વ્યક્તિનું ઘર, તે વ્યક્તિની શીખવાની પ્રક્રિયા પર મજબૂત પ્રભાવ પાડતું રહે છે. માતા-પિતા બાળકનાં પ્રથમ શિક્ષક છે, તેમાં કોઈ આશ્ચર્ય નથી. તૈત્તરીય ઉપનિષદ ઉદ્‌ઘોષણા કરે છે, “માતૃ દેવો ભવઃ, પિતૃ દેવો ભવઃ”

બીજા શબ્દોમાં કહીએ તો વ્યક્તિએ પોતાનાં માતા-પિતાને આદરપૂર્વક જોવા જોઈએ અને માતા-પિતાએ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ સ્તરે પહોંચવું તે કેટલી મોટી જવાબદારી છે.

બાળક ઉંમરમાં જેમ જેમ મોટું થતું જાય, તે ગાળામાં મદદરૂપ થવા માટે માતા-પિતાએ સુસજ્જ રહેવું જોઈએ. તે માટે તેમને તેમની જવાબદારીઓ વિશેની જાણકારી હોવી જોઈએ. આ જવાબદારીઓ અસરકારક રીતે બજાવવા માટે માતા-પિતાએ પહેલાં તો તેમનાં પોતાનાં તાલીમ કાર્યક્રમનો વિકાસ કરવો પડશે. ત્યારે જ તેઓ બાળકોમાં મૂલ્યો અને સદ્‌ગુણોનું સિંચન કરી શકે છે. જેમ આપણી પાસે શૈક્ષણિક અભ્યાસ માટે શાળામાં અભ્યાસક્રમ હોય છે, તેમ માતા-પિતાનો પોતાનાં ‘ઘરનો અભ્યાસક્રમ’ અને સારી રીતે વિચારેલી તાલીમ પદ્ધતિઓ હોવી જોઈએ. બાળપણની તાલીમ બાળકને ઘણો જ લાંબો માર્ગ પૂરો પાડે છે, તેથી માતા-પિતાએ સમજવું જોઈએ કે તેઓ જે કંઈ બોલે છે, કરે છે અને વિચારે છે, તે બાળકના મન પર કાયમી છાપ છોડી જાય છે. જેમ કે, જે પ્રકારનો સોફટવેર નાખેલો હોય તે રીતે કોમ્પ્યુટર કામ કરે છે તેવી જ રીતે બાળકનું ચારિત્ર્ય તેનામાં કેવા પ્રકારની માનસિક છાપ અંકિત કર કરવામાં આવી છે, તેની અભિવ્યક્તિ જ છે. આથી, માતા-પિતાએ બાળકને તેઓ કેવા પ્રકારની તાલીમ આપે છે તે અંગે સાવચેત રહેવું જોઈએ.

માતા-પિતા, જે બાળકના વ્યક્તિત્વના વિકાસ માટેના પ્રાથમિક ઘડવૈયા છે, તેમણે એ પણ યાદ રાખવું જોઈએ કે તેઓ તેમનાં માતા-પિતા દ્વારા કેવી રીતે પ્રભાવિત છે કે ઘડાયા છે. તેમને યાદ કરવા દો કે તેમના ભૂતકાળે તેમનો વર્તમાન કેવી રીતે બનાવ્યો છે. આ જાણકારી તેમનાં વર્તન અને નિર્ણયોમાં તેમને વધુ જવાબદાર અને સચેત બનાવશે. તેમ જ માતા-પિતાએ બાળક પર પોતાને જે ગમે છે, તે કંઈ પણ લાદવું ન જોઈએ. જે વાલીઓ બાળકો પર દબાણ કરે છે, તે તેમનું સારું કરવાને બદલે અહિત કરતાં હોય છે. સ્વસ્થ-પુખ્ત વ્યક્તિત્વનો પાયો તેના તંદુરસ્ત બાળપણ પર રહેલો હોવાથી માતા-પિતાની પવિત્ર ફરજ છે કે તેઓ ભગવાન દ્વારા આપવામાં આવેલાં બાળકને એક સારા મનુષ્યની સેવાની ભાવનાથી ઉછેર કરે.

બાળકને મજબૂત અને સ્વસ્થ વ્યક્તિત્વ વિકસાવવામાં મદદરૂપ થવાં માટે અને માતા-પિતા કે વડીલો માટે કેટલીક માર્ગદર્શિકા સૂચવીએ, તે પહેલાં અહીં શ્રીરામકૃષ્ણદેવ દ્વારા કહેવાયેલો એક નાનો ટૂચકો જોઈએ.

“એક ચિકિત્સકે દર્દી માટે દવાઓ સૂચવી અને તેને કહ્યું, ‘કાલે આવજે હું તને આહાર વિશે માર્ગદર્શન આપીશ.’ તે દિવસે વૈદ્ય પાસે તેની રૂમમાં ગોળની આકીઓની અનેક બરણીઓ હતી. દર્દી ખૂબ દૂર રહેતો હતો. તે બીજી વાર આવ્યો ત્યારે ચિકિત્સકે કહ્યું, ‘તમારા ખોરાક વિશે સાવચેત રહો. ગોળ ખાવો તમારા માટે સારો નથી.’ દર્દીના ગયા પછી ત્યાં હાજર અન્ય વ્યક્તિએ ડૉક્ટરને કહ્યું, ‘તમે તેને ફરીથી અહીં આવવાની આટલી બધી તકલીફ કેમ આપી? તેને પહેલા જ દિવસે સારી રીતે સૂચના આપી શક્યા હોત. ચિકિત્સકે સ્મિત સાથે જવાબ આપ્યો, ‘ તેનું એક કારણ છે. તે દિવસે મારા ઓરડામાં ગોળની ઘણી બરણીઓ હતી. જો મેં દર્દીને ત્યારે ગોળ છોડી દેવા કહ્યું હોત તો તેને મારી વાત પર વિશ્વાસ ન આવત. તેણે વિચાર્યુ હોત કે ચિકિત્સકના ઓરડામાં ગોળની ઘણી બધી બરણીઓ છે તો તેણે તેમાંથી થોડી ખાધી જ હશે. પછી ગોળ આટલો ખરાબ ન હોઈ શકે. આજે મેં બરણીઓ છૂપાવી દીધી છે. હવે તેને મારા શબ્દો પર વિશ્વાસ આવશે.” વાર્તાનો નૈતિક બોધ છે કે દાખલો બેસાડવો તે સૌથી મહત્ત્વનું છે. દરેક શિક્ષક અને માતા-પિતાએ આ ધ્યાનમાં રાખવું જોઈએ.

માતા-પિતા માટે માર્ગદર્શિકાઃ

બાળકનાં સ્વસ્થ અને સદ્‌ગુણી વ્યક્તિત્વનું નિર્માણ કરવામાં મદદરૂપ થવા માટે તેમનામાં મૂલ્યો કેળવવા અહીં કેટલીક માર્ગદર્શિકા રજૂ કરવામાં આવી છે.

(૧) ઘરનું સ્વસ્થ વાતાવરણઃ

બાળક તેના ઘરમાં શીખવવામાં આવતી જીવનશૈલીને અપનાવે છે. તે તેમનાં માતા-પિતા જે કરે છે તે શીખે છે. તે આદતો અને શિસ્તની શ્રૃંખલા દ્વારા થાય છે. જેમ કે, સારું ખાવાની આદતો વિકસાવવી, કામ અને અભ્યાસમાં વ્યવસ્થિત રહેવાનું શીખવવું, સ્વચ્છતા અને આરોગ્ય બાબતની જાગૃતિ વગેરે. બાળકનું સામાજીકરણ પણ ઘરથી જ શરૂ થાય છે. અહીંથી જ બાળક સહકાર અને અનુકૂલનની ભાવનાને આત્મસાત્‌ કરે છે. જયારે અન્ય લોકો સાથે ભળે છે ત્યારે તે તેની સમકક્ષના વડીલો અને સમાજના અન્ય લોકો સાથે વાતચીત કરવાનું શીખે છે.

વર્તમાન સમયના સંદર્ભે, જ્યાં સંયુક્ત કુટુંબ પ્રથા લગભગ નાબૂદ થઈ ગઈ છે, જ્યાં બાળકો તેમનાં દાદા-દાદીનાં પ્રેમ અને સ્નેહથી પણ વંચિત છે ત્યારે માતા-પિતાની જવાબદારી વધુ નિર્ણાયક બની જાય છે. જો માતા-પિતા વ્યસ્ત હોય તો તેમનાં બાળકો માટે સમય આપી શકતા નથી, તેથી તેઓ બધી જ ખરાબ અસરો તરફ સંવેદનશીલ બનતા જાય છે. ઘરનું વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે બાળકોનું વલણ સ્વકેન્દ્રિત અને અન્યની જરૂરિયાતો તરફ અસંવેદનશીલ બનતું જાય છે. સૌથી ખરાબ અસર જે સામાન્ય રીતે આધુનિક દિવસોમાં જોવા મળે છે, તે એ કે બાળકોને પગારદાર નોકરોની દેખરેખ હેઠળ છોડી દેવામાં આવે છે. આને કારણે બાળકો પોતાને ઉપેક્ષિત માને છે અને તેઓ હજુ સમજદાર થાય તે પહેલાં જ નકારાત્મક વલણ બાળકની ચેતનામાં પ્રવેશે છે. બેદરકારી અને સ્નેહનો અભાવ બાળકને માનસિક અને ભાવનાત્મક રીતે અસુરક્ષિત બનાવે છે, જેનાથી બાળકનું વ્યક્તિત્વ વિઘટિત થાય છે. તેથી એક જવાબદાર માતા-પિતાએ બાળકને ભાવનાત્મક રીતે સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવા માટે દરેક રીતે કાળજી લેવી જોઈએ. તેમણે બાળકની સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરવો જોઈએ. તેની સાથે વાતચીત કરવી જોઈએ, તેમને ઉમદા વિચારોથી પ્રેરિત કરવા જોઈએ અને ખરા અર્થમાં વિશ્વસનીય માતા-પિતા બનવું જોઈએ.

(૨) અનુકરણ દ્વારા શીખવુંઃ

બાળપણમાં મોટાભાગનું શિક્ષણ અનુકરણ દ્વારા મળે છે. સામાન્ય રીતે બાળક માટે માતા-પિતા જ સૌ પ્રથમ અનુકરણીય વ્યક્તિ હોય છે. ખાસ કરીને માતા-પિતા તથા જે લોકો બાળક સાથે નજીકથી સંકળાયેલાં હોય છે તેની બાળક પર બાળપણમાં જે છાપ પડે છે, તે તેના વ્યક્તિત્વ અને વર્તનને ઘડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તે તેનાં ‘પપ્પા’ અને ‘મમ્મી’ જે કરે છે તેનું અનુકરણ કરે છે. તેઓ જ તેના માટે દેખી શકાય અને અનુભવી શકાય તેવી વ્યક્તિઓ છે, કારણ કે અન્ય કોઈ વ્યક્તિ એટલી સરળતાથી હંમેશ માટે તેમની સાથે નથી હોતી.

દાખલા તરીકે, જો માતા-પિતા પોતાનું બાળક ભણે તેમ ઇચ્છે છે તો તેમને પોતાને પુસ્તકો પસંદ હોવાં જોઈએ અને ખુદ વાંચતાં હોવાં જોઈએ, માત્ર ઉપદેશ આપવાથી ન ચાલે. માતા-પિતાએ બાળકોને જીવનને વ્યાપક અર્થમાં શીખવા, સમજવાની અને અન્વેષણ કરવાની તકો પૂરી પાડવી જોઈએ. મ્યુઝિયમ, મંદિરો અને મહાપુરુષો વગેરેની મુલાકાત બાળકને જીવન પ્રત્યેનો વ્યાપક દૃષ્ટિકોણ વિકસાવવામાં મદદ કરે છે. તેનાથી એવું વાતાવરણ ઊભું થાય છે કે જ્યાં શિક્ષણ અને જીવનના ઉદાત્ત મૂલ્યોની ગણના થાય છે.

(૩) શરીર અને મનની કેળવણીઃ

એક વિચારકે કહ્યું છે કે “શિસ્ત એ ધ્યેય અને સિદ્ધિ વચ્ચેનો સેતુ છે.” ઉદારતાની જેમ શિસ્તની શરૂઆત પણ ઘરથી થાય છે. માતા-પિતાએ બાળકને બાળપણથી જ શિસ્તના પાઠ ભણાવવા જોઈએ. શિસ્તની શરૂઆત પોતાનાં આચરણ અને જીવનનાં વિવિધ પાસાં પ્રત્યે યોગ્ય વલણ અને સ્વભાવ વિકસાવવાથી થાય છે. શિસ્ત એટલે નૈતિક અને સાંસ્કૃતિક સુધારણા માટેના નિયમોનો સમૂહ. શિસ્ત બાહ્ય અને આંતરિક બંને છે. શું ખાવું, કેવી રીતે ભણવું, પોતાનો સામાન કેવી રીતે રાખવો વગેરે શારીરિક શિસ્ત હેઠળ આવે છે, જ્યારે વ્યક્તિએ પોતાની લાગણીઓનું નિયંત્રણ કેવી રીતે કરવું, એકબીજા સાથેની સમસ્યાઓ કેવી રીતે હલ કરવી, શું બોલવું, પોતાના સ્વભાવ પર નિયંત્રણ રાખવું વગેરે માનસિક શિસ્ત હેઠળ આવે છે. અલબત્ત, સ્વ-શિસ્ત એ શિસ્તનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. શરૂઆતથી જ શિસ્ત-પાલન શીખી લેનાર વ્યક્તિનું જીવન વધુ સરળ અને આયોજનબદ્ધ હોય છે. શિસ્ત બાળકને તેનાં વિચારો, લાગણીઓ અને શક્તિને સાચી દિશામાં વાળે છે. માતા-પિતા બાળકને શારીરિક એન માનસિક રીતે શિસ્તબદ્ધ રહેવાનો આગ્રહ રાખે છે ત્યારે એક રીતે માતા-પિતા પોતાને જ લાંબા ગાળે મદદ કરે છે.

જો કે તે શક્ય નથી કે આપણે બાળકને બધું જ શીખવી શકીએ. અમુક વસ્તુઓ અનુભવ અને પ્રયોગો દ્વારા તથા સમય પસાર થવાથી શીખાય છે. એક જાણીતી સંસ્કૃત કહેવત છેઃ

आचार्यात् पादमादत्ते पादं शिष्यः स्वमेधया।
पादं सब्रह्मचारिभ्यः पादं कालक्रमेण च॥

અર્થાત્‌ બાળક ચોથા ભાગનું શિક્ષણ તેમના શિક્ષકો પાસેથી મેળવે છે, ચોથા ભાગનું સ્વયંની બુદ્ધિથી, ચોથા ભાગનું સહપાઠી મિત્રો પાસેથી અને બાકીનું ચોથા ભાગનું અનુભવથી પ્રાપ્ત કરે છે.

(૪) જ્ઞાન માટે પ્રેમ જગાડવોઃ

બૌદ્ધિક શોધમાં બાળકની તાલીમ ઘરેથી શરૂ થાય છે. બાળકને પ્રશ્નો પૂછવા અને પૂછપરછ કરવા માટે પ્રોત્સાહિત કરવાથી તે બૌદ્ધિક રીતે સક્રિય બને છે. બાળકને આવી ઘટનાઓ, પુસ્તકો અને પ્રવાસોથી પરિચિત કરાવવું જોઈએ, જેથી તે તેની યાદશક્તિને ઉપયોગી હકીકત, વિચારો અને કુશળતાથી ભરી દે. બાળકો કુદરતી નિરીક્ષક હોવા છતાં માતા-પિતાએ બાળકની અવલોકનશક્તિને તીક્ષ્ણ અને શુદ્ધ કરવા મહેનત કરવી જોઈએ. બાળકને મહાપુરુષોની જીવનકથાઓ અને વિચારો ઉપલબ્ધ કરાવવા ઉપરાંત, માતા-પિતાએ તેમના અવલોકન કૌશલ્યને વધુ સારું બનાવવાનો પણ પ્રયાસ કરવો જોઈએ. બાળકને છોડ, જીવજંતુઓ, પ્રાણીઓ, આકાશના તારોઓ, બદલાતી ઋતુઓ, પથ્થરો અને માટીને ખૂંદવાનું વગેરે નિહાળતા શીખવવું જોઈએ, જેનાં દ્વારા બાળકનું મન કુદરતનાં રહસ્યો ખોલે છે. તેથી જ સ્વામી વિવેકાનંદ કહે છે, “કુદરતની સાથે સતત સંવાદમાં રહેવાથી સાચું શિક્ષણ પ્રાપ્ત થાય છે. વધુમાં, જો ઘર મહાન વ્યક્તિઓ અને દેવ-દેવીઓનાં ચિત્રોથી શણગારેલું હોય અને બાળકોને મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરનારાઓનાં સચિત્ર જીવનચરિત્રો વાંચતા કરવામાં આવે તો સ્વાભાવિક રીતે તેઓને તેમના વિશે વધુ જાણવાની જિજ્ઞાસા જન્મે છે. આનાથી તેમનામાં મહાન બનવાની આકાંક્ષા પણ જાગે છે. મહાન કવિ એચ. ડબલ્યું લોન્ગરેલોના શબ્દોમાંઃ “મહાપુરુષોનું જીવન આપણને યાદ અપાવે છે કે આપણે આપણાં જીવનને ઉત્કૃષ્ટ બનાવી શકીએ.” માતા-પિતાએ હંમેશાં બાળકોને મહાપુરુષોના જીવનની યાદ અપાવવી જોઈએ.

જ્ઞાન પ્રત્યેનો પ્રેમ તે વ્યક્તિની શીખવાની ક્ષમતા વિકસાવવામાં જરૂરી છે. શીખવાની ક્ષમતા શિક્ષણનાં કોઈ પણ ક્ષેત્રમાં આવશ્યક છે. બાળકનું જ્ઞાન, કૌશલ્ય, વલણ અને વ્યક્તિત્વ તેની શીખવાની ક્ષમતા સાથે સીધો સંબંધ ધરાવે છે. જ્ઞાન-પ્રાપ્તિ માટેનો પ્રેમ વિકસાવવો એ માતા-પિતાની બાળક માટેની એક ભેટ સમાન છે. તેઓએ આ જવાબદારી શાળાને સોંપવી જોઈએ નહીં. ઘર તે જ છેવટે તો પ્રથમ શાળા છે.

બાળકને અપાતી શીખમાં આરામ કરવાનું પણ શીખવવું જરૂરી છે. બાળકોને રમવાનું ગમતું હોય છે. સંસ્કૃતમાં કહેવાય છે કે बालस्तावत्‌ क्रीडासक्तः અર્થાત્‌ બાળકો રમવામાં આસક્ત હોય છે. માતા-પિતાએ બાળકને આનંદદાયક અનુભવ આપે તેવું શીખવા માટે મદદરૂપ થવા પ્રયત્ન કરવો જોઈએ. બાળકને તેના રોજિંદા જીવનમાં બહારની રમતો અને ઘરની અંદર રમી શકાય તેવી રમતોની પ્રવૃત્તિઓને એકીકૃત કરવા માટે પણ પ્રોત્સાહન આપવું જોઈએ.

અંતમાં, દરેક બાળકમાં રહેલી સર્જનાત્મક વૃત્તિઓનો ઉપયોગ કરીને જ્ઞાન પ્રત્યેનો પ્રેમ ખીલવવો જોઈએ. સર્જનાત્મકતા એ જીવનનું શ્રેષ્ઠ અને સૌથી મહત્ત્વપૂર્ણ પાસું છે. બાાળકોમાં જે સર્જનાત્મકતા આપણે બાળપણમાં જોઈએ છીએ, તેને ઓળખવાની અને પ્રોત્સાહિત કરવાની જરૂર છે.

(૫) સુગ્રથિત વ્યક્તિત્વનો વિકાસઃ

બાળકને જ્યારે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને પ્રામાણિકતા અને સરળતા જેવા સદ્‌ગુણોનો વિકાસ કરવાનું કહેવામાં આવે છે ત્યારે તે એક સુગ્રથિત વ્યક્તિત્વનો વિકાસ કરે છે. ઘણાં બાળકો વિભાજિત વ્યક્તિત્વ વિકસાવે છે અને તેથી તેઓ વિરોધાભાસી રીતે વર્તે છે. આ તેઓ માતા-પિતામાં જુએ છે અને તેથી તેવી રીતે વર્તે છે. તેઓ માતા-પિતાનાં સદ્‌ગુણો અને મૂલ્યોનાં ધોરણોનું અનુકરણ કરે છે. જો માતા-પિતા શંકાસ્પદ સાધનો અને ખોટાં મૂલ્યો અપનાવશે તો બાળકો પણ તેવું જ શીખશે. જો બાળક કંઈ ખોટું કરે તો તેમને તરત જ નિખાલસતાથી કબૂલ કરવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ અને જ્યારે તેઓ કબૂલ કરે ત્યારે વડીલોએ દયાળુ વિચાર કરી અને સમજદાર બનીને પ્રતિભાવ આપવો જોઈએ. માતા-પિતાએ જોવું જોઈએ કે કબૂલ કરેલી ભૂલ હંમેશાં માફ કરવામાં આવે અને આમ, બાળકને શક્તિ અને પ્રામાણિકતા વિકસાવવાની તક પૂરી પાડવી જોઈએ.

બાળકને દૃઢતાથી સુધારવું જોઈએ પણ ક્રૂરતાથી નહિ. સમયસરનો ઠપકો ભૂલભરેલા બાળકની ઇચ્છાની દિશા બદલવામાં ઘણું ઉપયોગી થઈ શકે છે. બીજી તરફ માતા-પિતાનો સ્નેહ અને નમ્રતાભરી સમજાવટ વિશ્વાસનો સંબંધ બનાવવામાં મદદ કરે છે, જે બાળકને મૂલ્યોને અસરકારક રીતે આત્મસાત્‌ કરવા માટે અનિવાર્ય છે. જેમ કે, અબ્રાહમ લિંકને તેની જૂની શાળાના મુખ્ય શિક્ષકને લખ્યું હતું કે જ્યાં લિંકનનો પોતાનો દીકરો અભ્યાસ કરવા ગયો હતોઃ

“તેને અધીરા થવાની હિંમત કરવા દો. તેને બહાદુર બનવા માટેની ધીરજ રાખવા દો. તેને હંમેશાં પોતાનામાં ઉત્કૃષ્ટ વિશ્વાસ રાખવાનું શીખવા દો, કારણ કે ત્યાર પછી જ તે હંમેશાં માનવજાતમાં ઉત્કૃષ્ટ વિશ્વાસ રાખશે.

(૬) ભાવનાત્મક સ્થિરતાઃ

ભાવનાત્મક રીતે સ્થિર થવાનો અર્થ થાય છે કે નાની-મોટી મુશ્કેલીઓનો અર્થપૂર્ણ અને બહાદુરીથી સામનો કરવો. બાળકને સમજાવવું જોઈએ કે મુશ્કેલીઓ એ જીવનનો એક ભાગ છે. મુશ્કેલીઓનો સામનો કરવા અને ઉકેલવાથી જ બાળકની માનવીય ક્ષમતાનાં તમામ પરિમાણોનો સંપૂર્ણ ઉપયોગ થાય છે.

ભાવનાત્મક સ્થિરતામાં મક્કમ થઈને ‘ના’ કહેવાની ક્ષમતાનો પણ સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં મીડિયાના પ્રભાવના આડેધડ વિસ્તરણના વાતાવરણમાં અને સાથી જૂથોના તમામ પ્રકારના બિન આરોગ્યપ્રદ દબાણના વાતાવરણમાં માતા-પિતાએ બાળકને હાનિકારક અને દુષ્ટ તમામ બાબતોને ‘ના’ કહેવાની ક્ષમતા વિકસાવવામાં મદદ કરવાની જરૂર છેે. આ વિશેષ રૂપે ટી.વી. પર ખરાબ કાર્યક્રમો જોવા વિશે સાચું છેે.

બાળકોને અર્થહીન સ્વરૂપોના મનોરંજનમાં લાંબો સમય પસાર કરવાની મંજૂરી આપવાથી તેઓના વિકાસમાં અવરોઘ આવે છે, વિકાસ રુંધાય છે કેમ કે અતિશય મનોરંજન વ્યક્તિની બુદ્ધિને કુંઠિત કરે છે. ઇચ્છાશક્તિ નબળી પાડે છે અને તેમની સર્જનાત્મકતાની પાંખો કપાઈ જાય છે. આ સંદર્ભમાં, ચાલો આપણે બાળકની સ્વસ્થ સ્વ-છબી રાખવાની જરૂરીયાતને ઓળખીએ. બાળક પોતાના વિશે જે વિચારે છે, તે તેની સ્વ-છબી બનાવે છે. તે એક સૂક્ષ્મ મનોવૈજ્ઞાનિક ઘટના છે. વડીલો બાળક પર જે આત્મવિશ્વાસ અને શ્રદ્ધા મૂકે છે તે તેની સકારાત્મક સ્વ-છબિ બનાવે છે. સારાં કાર્યોની ઓળખ અને પ્રસંશા, ક્ષમતા અને સિદ્ધોઓ તેમના આત્મ-સન્માનમાં વધારો કરે છે. આ આત્મ-સન્માન છે, જે બાળકને પોતાની છાપ બચાવવા માટે ખોટાં કાર્યોથી દૂર રહેવાની આંતરિક શક્તિ આપે છે.

(૭) આધ્યાત્મિક અને સાંસ્કૃતિક તાલીમઃ

ઘણાં માતા-પિતા બાળકોને પુસ્તકો અને રમકડાં આપે છે પરંતુ તેઓ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક તાલીમ આપવાની ઉપેક્ષા કરે છે. જો બાળકને પ્રાર્થના અને પૂજા કેવી રીતે કરવી તે શીખવવામાં આવે તો તે પછીના જીવનમાં ઘણો આધ્યાત્મિક લાભ મેળવશે. ઘરના મંદિરમાં કે સાર્વજનિક મંદિરમાં ફૂલો અર્પણ કરવા, શ્લોક અને કહેવતો યાદ રાખવી અને પવિત્ર ગ્રંથોને સાંભળીને તેના અર્થથી પરિચય મેળવવો વગેરે બાળકના આધ્યાત્મિક શિક્ષણનો મજબૂત પાયો નાખશે. શાસ્ત્રીય સંગીત અને લલિતકળાના સંપર્ક દ્વારા સારું સાંસ્કૃતિક શિક્ષણ આપી શકાય છે. રચનાત્મક વર્ષો દરમિયાન અંકિત કરવામાં આવેલી આવી ઉમદા છાપ બાળકના મનને સૌંદર્યલક્ષી મૂલ્યો પ્રત્યે સંવેદના આપશે.

ભારતનો આધ્યાત્મિક જ્ઞાનનો વિશાળ ભંડાર ભગવદ્‌ગીતા, ઉપનિષદો અને મહાન મહાકાવ્યો (જેવા કે રામાયણ અને મહાભારત) જેવા મહાન ગ્રંથોમાં અને લોકસાહિત્યમાં અને સંતોના જીવનમાં રહેલો છે. બાળકમાં આ આધ્યાત્મિક શાણપણ અને આપણી સંસ્કૃતિના જ્ઞાનને સારી રીતે સિંચિત કરવું જોઈએ. આનાથી તેઓ કરુણાની ભાવના, બીજાનું ભલું કરવા માટે ત્યાગ કરવો, બીજાની સંભાળ રાખવી, વહેંચવાની વૃત્તિ વગેરે ગુણો આત્મસાત્‌ કરશે.

ઉપસંહારઃ

ઘરની તાલીમ અને માતા-પિતાની ભૂમિકા બાળકના શિક્ષણનું અત્યંત મહત્ત્વનું પાસું છે. શાળાનું ૩-R માતા-પિતાના શિક્ષણ દ્વારા યોગ્ય રીતે પૂરક બનશે. નહિ તો એકતરફી વિકાસનો શિકાર બને છે. યોગ્ય પ્રકારનું શાળાકીય શિક્ષણ અને ઘરે જ તાલીમના સંયુક્ત પ્રયત્નો અને સમન્વય દ્વારા જ આપણે વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરી શકીશું. જો માતા-પિતા બાળકને સારું સાહિત્ય ન આપે તો શાળાને સારા સાહિત્યનું શું મૂલ્ય છે તે શીખવવામાં મુશ્કેલી પડે છે. જો કુટુંબના અનિયંત્રિત ઝઘડાઓ અને અસંતોષની લાંબી શ્રેણી હોય તો શાળા ક્યારેય બાળકમાં આત્મ-નિયંત્રણ અને સૌજન્યનો વિકાસ કરી શકતી નથી. જો માતા-પિતા અને પરિવારના અન્ય વડીલો ઇરાદાપૂર્વક અથવા તો અજાણતા ધાર્મિક અને વંશીય (જાતીય) પૂર્વગ્રહો પ્રદર્શિત કરે છે તો શાળા સફળતાપૂર્વક ધાર્મિક સહિષ્ણુતા અને માનવતાનો પ્રેમ શીખવી શકશે નહિ. વાસ્તવમાં, તે માતા-પિતા જ છે જે બાળકના સર્વાંગી કલ્યાણના જનક છે. પરંતુ, મૂલ્યો શીખવી શકાતા નથી. તેઓ માત્ર પકડી શકાય છે. સૌથી મહત્ત્વની બાબત છે; ઘરનું વાતાવરણ. અંતમાં આપણે યાદ કરીએ કે—

જો બાળકો ટીકા સાથે જીવે છે, તો તે નિંદા કરવાનું શીખે છે.
જો બાળકો દુશમનાવટ સાથે જીવે છે, તો તે લડવાનું શીખે છે.
જો બાળકો ભય સાથે જીવે છે, તો તેઓ ભયભીત થવાનું શીખે છેે.
જો બાળકો પ્રોત્સાહન સાથે જીવે છે, તો તે આત્મવિશ્વાસ ધરાવતા શીખે છે.
જો બાળકો નિષ્પક્ષતાથી જીવે છે, તો તેઓ ન્યાય કરવાનું શીખે છે.
જો બાળકો સહનશીલતા સાથે જીવે છે, તો ધીરજ રાખતા શીખે છે.
જો બાળકો સલામતી સાથે જીવે છે, તો લોકોમાં શ્રદ્ધા રાખતા શીખે છે.

મુદ્દો એ છે કે બાળકો જેની સાથે જીવે છે, તે આખરે તેમનું વ્યક્તિત્વ નક્કી કરે છે.

(અનુવાદકઃ શ્રી સેજલબેન કે. માંડવિયા)

Total Views: 456

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.