સ્વામી વિવેકાનંદની પ્રથમ વિદેશયાત્રા દરમિયાન ભવિષ્યની પેઢી માટે એમનાં પ્રવચનો લિપિબદ્ધ કરી રાખવા માટે ડિસેમ્બર, 1895માં ગુડવીનની નિમણૂક કરવામાં આવી હતી. ગુડવીન એક સારા શીઘ્ર લિપિકાર તો હતા જ, પરંતુ સાથે સાથે તેઓ સ્વામીજીના એકનિષ્ઠ અનુયાયી પણ બની ગયા હતા. એમણે સ્વામીજીનાં અમેરિકન વ્યાખ્યાનોની તો નોંધો રાખી જ હતી, પણ સાથે જ તેઓ સ્વામીજીની સાથે ભારત આવ્યા હતા અને ભારતીય વ્યાખ્યાનો પણ લિપિબદ્ધ કર્યાં હતાં. એમણે રાખેલ નોંધોમાંથી જ સ્વામીજીનાં યોગ પરનાં પ્રવચનો તથા ભારતમાં આપેલ વ્યાખ્યાનો પુસ્તક રૂપે પ્રકાશિત થઈ શક્યાં હતાં. આ પુસ્તકો આજે માનવ-સભ્યતાનો એક અમર વારસો બની ચૂક્યાં છે. દૈવયોગે ગુડવીનનું જીવન અલ્પાયુ નીવડ્યું. 2 જૂન, 1898માં દક્ષિણ ભારતના ઊટી શહેરમાં એમણે દેહત્યાગ કર્યો.

જૂન, 1899 થી નવેમ્બર, 1900 સુધીની સ્વામીજીની બીજી વિદેશયાત્રા દરમિયાન એમનાં પ્રવચનો લિપિબદ્ધ કરવા માટે કોઈ શીઘ્ર લિપિકાર નિમણૂક થયા ન હતા, તેથી આ યાત્રાના એમનાં પ્રવચનો તથા વર્ગોની નોંધ માટે આપણે એમના અનુયાયીઓએ રાખેલ નોંધો તથા સમાચારપત્રોમાં છપાયેલ અહેવાલો ઉપર નિર્ભર છીએ.

લાંબા સમયથી એવું માનવામાં આવતું હતું કે સ્વામીજીએ સાન ફ્રાન્સિસ્કો તથા આલામેડામાં આપેલ પ્રવચનોની કોઈ નોંધો રાખવામાં આવી નથી અને ત્યાં આપેલ લગભગ તમામ પ્રવચનો લુપ્ત થઈ ચૂક્યાં છે. પરંતુ શિવસ્વરૂપ સ્વામીજીનો જન્મ જ થયો હતો આપણને નવા પરોઢનો સંદેશ આપવા માટે. વિધાતા સ્વયં એમની વાણી જાળવી રાખવા માટે કટિબદ્ધ હતા.

એ સમયે આઈડા આન્સેલ નામક એક યુવતીએ સ્વામીજીનાં વ્યાખ્યાનોમાં નિયમિત હાજરી આપવાનું શરૂ કર્યું હતું. તે શીઘ્ર લિપિકાર બનવા માગતી હતી અને એ વિષયક પરીક્ષા પાસ કરવાની તૈયારી કરી રહી હતી. એણે સ્વામીજીની વાણીને લિપિબદ્ધ કરવાની શરૂઆત કરી. એ દિવસો વિશે તે એક પત્રમાં લખે છે:

“મારાં માતા-પિતાનું હું એક માત્ર સંતાન હતી અને ખૂબ એકલવાઈ હતી. હું જ્યારે આઠ વર્ષની હતી ત્યારે મારી મા મને બોસ્ટન શહેરમાં છોડીને પોતાની સ્વાસ્થ્ય સુધારણા માટે કેલિફોર્નિયા શહેરમાં ચાલી આવી હતી. બે વર્ષ બાદ માએ મને પોતાની પાસે બોલાવી તો લીધી પરંતુ એ સમય દરમિયાન મારા પગમાં લકવો થઈ ગયો હતો ને હું પાંગળી બની ગઈ હતી. આના પરિણામે મારું એકલવાયાપણું વધી ગયું હતું, હું કલ્પનાના જગતમાં રહેવા લાગી હતી અને સારા-નરસાનું વિવેકભાન ગુમાવી બેઠી હતી. પગની તકલીફે પહેલાં તો મને ડૉક્ટરોની પાસે મોકલી અને ત્યારબાદ ‘ક્રિશ્ચિયન સાયન્સ’ (ખ્રિસ્તી ધર્મ તથા આધુનિક વિજ્ઞાનના કેટલાંક પાસાંની ખીચડી બનાવી ચમત્કારો તથા માનસિક શક્તિ વડે રોગમુક્તિ સાધવાનો પ્રયત્ન કરતું એક દળ) પાસે, અને ત્યાંથી મોકલી હતી સાન ફ્રાંસિસ્કોના ‘હોમ ઓફ ટ્રુથ’ (Home of Truth – સત્યાનુસંધાન ભવન)ના નેતા કુમારી બેલ પાસે.

“હું જ્યારે કુમારી બેલ સાથે સત્યાનુસંધાન ભવનમાં રહેતી હતી એ સમયે જ સ્વામી વિવેકાનંદ સાન ફ્રાન્સિસ્કો પધાર્યા હતા. એ સમયે હું ‘હિમાલયની ટોચ ઉપર,’ ‘દિવ્ય નિશ્રામાં’ વગેરે પુસ્તકો (અધ્‍યાત્મને રોમાંચક સાહસ તથા ચમત્કારોના રંગમાં રંગતાં પુસ્તકો) વાંચી રહી હતી, તથા કુમારી બેલના ભગવત ગીતા ઉપરના વર્ગોમાં હાજરી આપી રહી હતી.

“આ પૂર્વભૂમિકાના પરિણામે હું સ્વામીજીને એક મહાત્માના રૂપમાં જોતી થઈ ગઈ હતી અને એમના પ્રત્યેક પ્રવચનોમાં ઉપસ્થિત રહેવા લાગી હતી. હું વ્યાવસાયિક શીઘ્ર લિપિકાર ન હતી. મારી ઇચ્છા તો હતી સંગીતના શિક્ષક બનવાની પરંતુ જ્યારે મને હાઈસ્કૂલમાં શીઘ્રલિપિ શીખવાની તક મળી હતી ત્યારે મેં એ ઝડપી લીધી હતી. પક્ષાઘાતનો હુમલો થવાથી મારે હાઈસ્કૂલ તથા શીઘ્રલિપિનો અભ્યાસ છોડી દેવા પડ્યા હતા. ત્યારબાદ કુમારી બેલનાં વર્ગવ્યાખ્યાનો તથા સ્વામીજીનાં પ્રવચનોની નોંધો લેવા માટે શીઘ્રલિપિનો અભ્યાસ પુનઃ પ્રારંભ કર્યો હતો.

“કુમારી બેલ સ્પષ્ટ અને ધીમી ગતિથી વાત કરતા જેથી એમના શબ્દોની નોંધ લેવી સરળ હતી, પરંતુ સ્વામીજીના શબ્દો નોંધવા અઘરા હતા. હું દર અઠવાડિયે કુમારી બેલના વર્ગોની નોંધો પૂર્ણ વ્યાખ્યાનોમાં પરિવર્તિત કરી દેતી, પરંતુ સ્વામીજીનાં વ્યાખ્યાનની નોંધોનું રૂપાંતરણ ભવિષ્ય પર છોડી દીધું હતું.”

સ્વામીજીના શબ્દો નોંધવા અઘરા કેમ હતા, એનાં કેટલાંક કારણો છે. સર્વપ્રથમ, સ્વામીજીના શબ્દોનો પ્રવાહ વેગવાન હતો, જેથી કેટલાંક વાક્યો છૂટી જતાં. દ્વિતીય, આઈડા આન્સેલ માટે વેદાંત તદ્દન નવો જ વિષય હતો એટલે જ્યારે તેઓ સ્વામીજીને સમજવાનો પ્રયત્ન કરતાં એ સમયે નોંધો નહોતા લઈ શકતાં. તૃતીય, સ્વામીજી વેદાંતના અઘરા વિચારો સમજાવવા માટે રસપ્રદ વાર્તાઓ ટાંકતા. આઈડા આન્સેલ આ વાર્તાઓના જાદુમાં એવા ખોવાઈ જતાં કે એમની પેન ચાલતી બંધ થઈ જતી! આ કારણોસર પ્રવચનની નોંધોમાં ઘણાં બધાં ગાબડાં રહી ગયાં હતાં.

આ ઉપરાંત, સમય વીતતાં આઈડા આન્સેલે શીઘ્રલિપિની એક નવી પદ્ધતિ અપનાવી લીધી હતી, અને જૂની પદ્ધતિ અનુસાર લખેલ સ્વામીજીનાં પ્રવચનોની નોંધો સમજવામાં તકલીફ પડે એમ હતું.

આ વાતને અડધી સદી વીતી ગઈ. 1945માં આઈડા આન્સેલ લોસ એન્જલસમાં રહેતાં હતાં. એ સમયે સાન ફ્રાન્સિસ્કો વેદાંત સોસાયટીના અધ્‍યક્ષ સ્વામી અશોકાનંદજીની વિનંતીને માન આપીને તેઓએ સ્વામીજીનાં પ્રવચનોના પુનરુદ્ધારનું મહત્‌ કાર્ય પ્રારંભ કર્યું. પોતાની પાસે રહેલ જૂની નોંધોના આધારે ખાલી જગ્યાઓ એમની એમ જ રહેવા દઈને તેમણે જેટલાં સમજાયાં એટલાં વાક્યો પૂર્ણ કર્યાં.

આ ખાલી જગ્યાઓ સ્વામી અશોકાનંદજીએ કૌંસ આપીને ભરી દીધી. અશોકાનંદજીએ તૈયાર કરેલ સંપૂર્ણ વ્યાખ્યાનો વાંચીને આઈડા આન્સેલ એમને 6 જાન્યુઆરી, 1946ના એક પત્રમાં લખે છેઃ

“કાલે રાત્રે હરિદાસે તમે મોકલેલ પ્રવચનો વાંચીને મને સંભળાવ્યા. હું સાથે સાથે જ મારી શીઘ્રલિપિની નોંધો સરખાવતી ગઈ. અમે બન્ને ખૂબ ખુશ થઈ ગયાં. સાચે જ પ્રવચનોમાં પહેલેથી આખર સુધી સ્વામી વિવેકાનંદનો પ્રાણ છલકી ઊઠે છે. નાની તેમજ મોટી, બધી જ ખાલી જગ્યાઓ તમે એવી રીતે ભરી દીધી છે કે જેથી સ્વામીજીની વાણીનો પ્રવાહ ક્યાંય ભંગ થતો નથી. હું ખુશ છું કે મેં પોતે ખાલી જગ્યાઓ ભરવાને બદલે સ્પષ્ટતાથી સમજાય એટલી નોંધોનું જ અનુલેખન કર્યું. મારી અધૂરી નોંધોથી મને ખૂબ દુઃખ થયું હતું, પરંતુ તમે સ્વામીજીની વાણીના સૌંદર્ય અને પ્રભાવનો યથાવત્‌ જીર્ણોદ્ધાર કર્યો છે. આ તમે કેવી રીતે કરી શક્યા?”

સ્વામી અશોકાનંદ સ્વામી વિવેકાનંદની લુપ્ત વાણીને યથાવત્‌ પુનઃ પ્રકાશિત કરી શક્યા હતા એનું એક કારણ છે. સ્વામીજીને સદેહે દર્શન કરવાનો મોકો અશોકાનંદજીને મળ્યો ન હતો પરંતુ જ્યારે તેઓ તરુણ હતા ત્યારે સ્વામીજીએ સ્વપ્નમાં આવીને એમને મંત્ર આપ્યો હતો. તેઓ જ્યારે બેલુર મઠ સંન્યાસી બનવા આવ્યા હતા ત્યારે મહાપુરુષ મહારાજ પરમાધ્‍યક્ષ હતા. જ્યારે અશોકાનંદજીએ સ્વપ્નમાં મંત્ર મેળવવાની વાત કરી ત્યારે મહાપુરુષ મહારાજે કહ્યું કે એમને હવે ફરીથી મંત્ર લેવાની જરૂર નથી, સ્વામીજી જ એમના ગુરુ છે. આમ સ્વામીજીની મહાસમાધિ બાદ પણ અશોકાનંદજી એમના શિષ્ય બન્યા હતા. ગુરુ સદેહે હયાત ન હોવા છતાં શિષ્યને દીક્ષા આપે એ એક અદ્‌ભુત ઘટના છે.

અશોકાનંદજીએ સ્વામી વિવેકાનંદના જીવન તથા સંદેશનો ગહન અને વિશ્લેષણાત્મક અભ્યાસ કર્યો હતો. તેઓને સ્વામીજી દ્વારા આરંભિત માસિક પત્રિકા ‘પ્રબુદ્ધ ભારત’ના સંપાદક રૂપે નિમણૂક કરાયા હતા. તેઓના સંપાદકીય વાંચીને આપણને તેમની તીક્ષ્ણ બુદ્ધિમત્તા તથા ગભીર આધ્યાત્મિક અનુભૂતિનો આભાસ મળે છે.

સાન ફ્રાન્સિસ્કોમાં વેદાંત સોસાયટીના અધ્યક્ષ હતા ત્યારે તેમણે જ પોતાનાં એક શિષ્યા સિસ્ટર ગાર્ગી (મેરી લુઈસ બર્ક)ને પ્રેરિત કરીને સ્વામીજીની વિદેશયાત્રા ઉપર ધરખમ સંશોધન કરાવીને ‘વિવેકાનંદ ઇન ધ વેસ્ટ, ન્યૂ ડિસ્કવરીઝ’ (પશ્ચિમમાં સ્વામી વિવેકાનંદ, નવી શોધખોળ)ના 6 ગ્રંથ પ્રકાશિત કરાવ્યા હતા.

એક પત્રમાં આઈડા આન્સેલ અશોકાનંદજીને લખે છે: “સ્વામી તુરીયાનંદજી કહેતા હતા કે મા જગદંબા એક ઉંદરને પણ સિંહ બનાવી દઈ શકે છે. મારા કિસ્સામાં માએ ઉંદરને સિંહ નથી બનાવ્યો પરંતુ ઉંદરનું કાર્ય સિંહના હાથમાં સોંપી દીધું છે કે જેથી સિંહ એ કાર્યની જ્યારે સૌથી વધુ જરૂર હોય ત્યારે એનો પુનરુદ્ધાર કરી શકે.”

પરંતુ સ્વામીજીની શું ઇચ્છા હતી, એ આપણે કેવી રીતે કલ્પી શકીએ? સમય જતાં સ્વામી અશોકાનંદનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું અને અપૂર્ણ પ્રવચનોને પૂર્ણ કરવાનું કાર્ય લગભગ અસંભવ જણાવા લાગ્યું. આઈડા આન્સેલ તેમને એક પત્રમાં લખે છે: “તમે સ્વામીજીનાં પ્રવચનોને જેવી રીતે પૂર્ણ કર્યાં છે, એનાથી હું ખૂબ ખુશ છું. પરંતુ જો તમે એ પૂર્ણ ન કરી શકો તો મેં મોકલેલ અપૂર્ણ પ્રવચનો તમે બીજા કોઈને આપતા નહીં. સ્વામીજીનાં પ્રવચનો ઉપર વેદાંત સોસાયટીનો અધિકાર છે, એમ સમજીને તથા, માત્ર આપ જ તેને સંપૂર્ણ પ્રવચનોમાં પરિવર્તિત કરી શકો છો, એ વિશ્વાસ હોવાથી જ નોંધો મેં આપને આપી છે.”

જેમ જેમ આઈડા આન્સેલ નોંધોના આધારે અપૂર્ણ પ્રવચનો અશોકાનંદજીને મોકલતાં ગયાં એમ એમ ખાલી જગ્યાઓ ભરીને પ્રવચનોને સંપૂર્ણ કરવાનું કાર્ય અશોકાનંદજી કરી શક્યા નહીં. જાન્યુઆરી, 1955માં પ્રથમ પ્રવચન વેદાંત સોસાયટીના માસિક ‘વેદાંત એન્ડ ધ વેસ્ટ’ (વેદાંત અને પશ્ચિમી જગત)માં પ્રકાશિત થયું. આ પ્રવચન વાંચ્યાં બાદ 31 જાન્યુઆરીએ 78 વર્ષની ઉંમરે આઈડા આન્સેલે દેહત્યાગ કર્યો. બાકીનાં અપૂર્ણ પ્રવચનો સંપૂર્ણ થતાં તેઓ જોઈ શક્યાં નહીં. આ પણ સ્વામીજીની જ એક લીલા છે.

Total Views: 382

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.