સ્વામી વિવેકાનંદ મહાભારતના યુદ્ધની સમજણ આપતા કહે છે, “‘આત્માઓના સ્વામી’ શ્રીકૃષ્ણ, ગુડાકેશ ‘નિદ્રાના સ્વામી’ (જેણે નિદ્રા ઉપર વિજય મેળવ્યો છે તે) અર્જુનને ઉપદેશ આપે છે. આ જગત ‘ધર્મક્ષેત્ર’ (રણભૂમિ) છે. પાંચ ભાઈઓ (ધર્મના પ્રતિનિધિઓ) બીજા સો ભાઈઓ (જે વિષયોમાં આપણે આસક્ત રહીએ છીએ અને જે વિષયોનો આપણે સામનો કરવો પડે છે) તેની સાથે લડે છે; વીર શ્રેષ્ઠ ભાઈ અર્જુન (જાગ્રત આત્મા) સેનાપતિ છે.”1સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. 3, પૃ. 263

પૂરતી નિદ્રા મેળવવી એ સ્વાસ્થ્ય માટે કેટલી આવશ્યક છે, એ આપણે ક્યારેક સમજી શકતા નથી. ડૉક્ટરો કહે છે કે સામાન્ય માણસને જો પ્રતિદિન ઓછામાં ઓછા 7 કલાકની ઊંઘ ન મળે તો એની ચરબી વધે છે, સુગર વધે છે, બ્લડપ્રેશર વધે છે, અને હૃદય નબળું પડે છે.2મેયો ક્લિનિક, અમેરિકાની વેબસાઈટ, https://www.mayoclinic.org/healthy-lifestyle/adult-health/expert-answers/how-many-hours-of-sleep-are-enough/faq-20057898

જેઓ વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાની ઊંઘ પૂરી કરી શકે, તેઓ જીવન-સંગ્રામમાં સહજે વિજેતા બને છે. નેપોલિયન વિશે કહેવાતું કે એ યુદ્ધના મેદાનમાં પણ ઘોડા ઉપર સૂઈ શકતો.

પરંતુ સામે પક્ષે સ્વામી બ્રહ્માનંદ કહેતા, “સાધક માટે પાંચ કલાકની નિદ્રા પૂરતી છે. ચોવીસ કલાકમાંથી ઓછામાં ઓછા બે તૃતીયાંશ ભાગ જપ-ધ્યાન માટે, બાકી એક તૃતીયાંશ પૂજા-પાઠ, ચિંતન, નિત્યકર્મ અને આરામ માટે ફાળવવો સારો છે. સ્વસ્થ શરીરને ચાર કલાકની ઊંઘ પૂરતી છે. કોઈ કોઈને એકાદ-બે કલાકની વધુ ઊંઘની જરૂર રહે છે. પાંચ કલાકથી વધારે ઊંઘ રોગની સૂચક છે, વધારે ઊંઘવાથી શરીરને આરામ નથી મળતો ઊલટું શરીર બગડે છે. અનિષ્ટ થાય છે. સાધક માટે ઊંઘીને સમય નષ્ટ કરવો યોગ્ય નથી.”3‘ધ્યાન, ધર્મ અને સાધના’, પૃ. 169

શરીર આત્માનું જ ચંચળ સ્વરૂપ છે. ઠાકુર કહેતા, “જે બ્રહ્મ તે જ શક્તિ. તેને જ મા કહીને બોલાવું છું. જ્યારે એ નિષ્ક્રિય, ત્યારે તેને બ્રહ્મ કહું; પણ વળી જ્યારે સૃષ્ટિ, સ્થિતિ, સંહારરૂપી કાર્ય કરે ત્યારે તેને શક્તિ કહું. જેમ કે સ્થિર જળ અને જળમાં મોજાં ઊઠ્યાં છે.”4‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ખંડ 15, અધ્યાય 11

સાધક કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, અથવા રાજયોગ, આમાંની કોઈ પણ સાધના કરે ત્યારે અતિચેતન શક્તિના દરવાજા ખૂલે અને ઓજસનો ધોધ વહે. આ ઓજસ શક્તિના પરિણામે યોગી હવા, અન્ન, નિદ્રા, વગેરેના અભાવમાં પણ જીવન ધારણ કરી શકે છે! કથામૃતમાં એક યોગીની વાર્તા આપણે વાંચી છે કે જે લાંબા સમયથી સમાધિમાં હતો. એને જબરદસ્તી ભાનમાં લાવવામાં આવ્યો, જેના પરિણામે એણે શરીરત્યાગ કર્યો.5‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ખંડ 13, અધ્યાય 6

ગુડાકેશ એટલે માત્ર નિદ્રા ઉપર જ વિજય નહીં પરંતુ સંપૂર્ણ ઇન્દ્રિયજય, જીવન ધારણ કરવા માટે આવશ્યક બધા પદાર્થો ઉપર વિજય. આ સિદ્ધિ અધ્યાત્મ-ક્ષેત્રમાં જેટલી મહત્ત્વની છે, એટલી જ મહત્ત્વની એ યુદ્ધ-ક્ષેત્રમાં પણ નીવડી શકે છે.

સ્વામીજી આગળ કહે છે કે આપણું હૃદય જ છે ધર્મક્ષેત્ર. આપણે વિચારતા કે ધર્મના રક્ષક પાંડવો અધાર્મિક કૌરવો સાથે લડે છે. પરંતુ ધર્મ અને અધર્મનું આ યુદ્ધ મહાભારતના રૂપમાં ભારતવર્ષમાં માત્ર એક જ વાર નહીં પરંતુ પ્રતિદિન આપણા હૃદયમાં લડાય છે.

અધર્મ છે પ્રેય, અર્થાત્‌ ઇન્દ્રિય સુખ કે જે આપણને ગમે છે. ધર્મ છે શ્રેય, અર્થાત્‌ સાધના કે જે આપણને ધર્મપથે સર્વોચ્ચ શિખરો આરોહણ કરાવી શકે.

અર્જુન છે સેનાપતિ અર્થાત્‌ સંકલ્પશક્તિ કે બુદ્ધિ. શ્રેય અને પ્રેય વચ્ચે જ્યારે ખેંચતાણ થાય ત્યારે અર્જુનરૂપી સંકલ્પશક્તિ જ આપણને શ્રેયનું આચરણ કરવા માટે બળ આપે છે. એક બાજુથી દુર્યોધન ખેંચે છે તો બીજી બાજુથી અર્જુન.

સ્વામી બ્રહ્માનંદ વારાણસીના સંકટમોચન મંદિરના પ્રાંગણમાં રામનામ સંકીર્તન કરી રહ્યા હતા ત્યારે જોયું કે એક શ્વેતકેશ વૃદ્ધ બ્રાહ્મણ ત્યાં આવીને સ્થિરભાવે બેસીને તન્મયતાથી રામનામ સંકીર્તન સાંભળવા લાગ્યા. સૌમ્ય, સુંદર આ વૃદ્ધ કીર્તન સમાપ્ત થતાં પૂર્વે થોડા સમય પહેલાં આ મંદિરમાંથી ચાલ્યા ગયા. કીર્તન પૂરું થયા પછી મહારાજશ્રીએ કહ્યું કે એ વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં સ્વયં મહાવીર હનુમાનજી ઉપસ્થિત રહ્યા હતા.6‘સ્વામી બ્રહ્માનંદ’, પૃ. 47 રામનામ સંકીર્તનના અંતમાં આપણે ગાઈએ છીએ ને કે,

यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिम्।
भाष्पवारि परिपूर्ण लोचनं मारुतिं नमत राक्षसान्तकम्।।

“જ્યાં જ્યાં શ્રીરામચંદ્રજીનાં ગુણગાન થાય છે ત્યાં ત્યાં સજલ નેત્રો વડે હાથ જોડી (શરણાગત) મસ્તક રાખી (ઉપસ્થિત રહેનાર),  રાક્ષસોનો  નાશ  કરનાર, શ્રીહનુમાનજીને નમસ્કાર કરો.”

કથામૃતમાં ઠાકુર કહે છે કે મંદિરમાં ઘણી વાર આપણને વાંદરાઓ સ્થિર થઈને બેઠેલા દેખાય. આપણને લાગે કે તેઓ ઈશ્વરનું ચિંતન કરતા હશે, પણ નહીં, હકીકતમાં તો વિચારતા હોય કે હવે શું તોફાન-મસ્તી કરવી છે અને ક્ષણિક ચિંતન પૂરું થયા બાદ તુરત જ પાછા ઊછળકૂદમાં લાગી જાય.

ઠાકુર કહેતા કે રામના ગુરુ શિવ અને શિવના ગુરુ રામ. એ બે વચ્ચે યુદ્ધ પણ થયું અને સમાધાન પણ થઈ ગયું. પરંતુ રામનાં વાંદરાં અને શિવનાં ભૂતડાંના ઝઘડા હજુ પણ ચાલે છે.

આપણે પણ ભગવાન રામના વાંદરાઓ જ છીએ. આપણે પણ જ્યારે ક્ષણિક સ્થિર થઈને બેઠા હોઈએ ત્યારે રામનામ-ચિંતન અને ઊછળકૂદ કરવાની લાલસા એકબીજા સાથે ટકરાતી હોય. આજે કદાચ રામનામ-ચિંતનનો વિજય થશે તો કાલે ઊછળકૂદનો. અને આમ આપણા હૃદયમાં મહાભારતનું યુદ્ધ અનંતકાળ સુધી ચાલતું રહેશે. છેવટે જ્યારે પાંડવો કૌરવોને હરાવશે ત્યારે આપણે ધર્મક્ષેત્રમાં વિજયી બનીશું, આત્મ- સાક્ષાત્કાર કરીશું અને જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિરૂપી સંસારચક્રમાંથી હંમેશને માટે મુક્તિ પ્રાપ્ત કરીશું.

  • 1
    સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. 3, પૃ. 263
  • 2
    મેયો ક્લિનિક, અમેરિકાની વેબસાઈટ, https://www.mayoclinic.org/healthy-lifestyle/adult-health/expert-answers/how-many-hours-of-sleep-are-enough/faq-20057898
  • 3
    ‘ધ્યાન, ધર્મ અને સાધના’, પૃ. 169
  • 4
    ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ખંડ 15, અધ્યાય 11
  • 5
    ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ખંડ 13, અધ્યાય 6
  • 6
    ‘સ્વામી બ્રહ્માનંદ’, પૃ. 47
Total Views: 311

One Comment

  1. Jigar Joshi June 28, 2023 at 10:54 am - Reply

    Jai Maa! Jai Thakur! Jai Swamiji! 🙏🏻🕉🙏🏻. When Thakur becomes our Sarthi, victory is inevitable.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.


  • 1
    સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. 3, પૃ. 263
  • 2
    મેયો ક્લિનિક, અમેરિકાની વેબસાઈટ, https://www.mayoclinic.org/healthy-lifestyle/adult-health/expert-answers/how-many-hours-of-sleep-are-enough/faq-20057898
  • 3
    ‘ધ્યાન, ધર્મ અને સાધના’, પૃ. 169
  • 4
    ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ખંડ 15, અધ્યાય 11
  • 5
    ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ખંડ 13, અધ્યાય 6
  • 6
    ‘સ્વામી બ્રહ્માનંદ’, પૃ. 47