વ્યાસે ગણેશજીનું ધ્યાન ધર્યું અને ગણેશજી તેમના સમક્ષ પ્રગટ થયા. વ્યાસે હાથીના મસ્તકવાળા દેવતાને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કર્યા અને વિનયપૂર્વક બોલ્યા, ‘મહારાજ, હું એક બહુ જ મોટા કાવ્યની રચના કરી રહ્યો છું અને બ્રહ્માજીએ મને સલાહ આપી છે કે તેને લિપિબદ્ધ કરવા માટે તમે સૌથી ઉપયુક્ત છો. શું તે માટે હું આપને વિનંતી કરી શકું?’

ગણેશજી બોલ્યા, ‘હું પ્રસન્ન છું, પરંતુ મારી એક શરત છે. તમારે અટક્યા વિના બોલતું રહેવું પડશે. જો તમે અટક્યા તો હું ચાલ્યો જઈશ.’

વ્યાસ સહમત થયા, પણ તેઓએ પણ પોતાની એક શરત રાખીને કહ્યું, ‘ઠીક છે, પરંતુ તમારે લખતાં પહેલાં મારા દ્વારા કહેવાયેલાં બધાં વાક્યોનો અર્થ સમજી લેવો પડશે.’

ગણેશજીએ ‘ૐ’ મંત્રનું ઉચ્ચારણ કર્યું અને લખવાનું શરુ કર્યું. તેઓ બહુ ઝડપથી લખી રહ્યા હતા જેને કારણે વ્યાસે પણ બહુ ઝડપથી રચના કરવી પડતી હતી.

સ્વાભાવિક રીતે જ વ્યાસને કોઈ કોઈ ઉત્તમ શ્લોકની રચના કરતી વખતે વચ્ચે વચ્ચે થોડા વધુ સમયની જરૂર પડતી હતી. આથી તેઓએ એક યુક્તિનો આશરો લીધો.

તેઓ વચ્ચે વચ્ચે એક કઠિન શ્લોકની રચના કરતા હતા, જેથી ગણેશજીને તે સમજવામાં થોડો વધુ સમય લાગતો. આ સમય દરમ્યાન મનમાં ને મનમાં પછીના શ્લોકની રચના કરી લેતા.

લખવાનું પૂરું થયા પછી વ્યાસે આ મહાન કથા સૌથી પહેલાં પોતાના પુત્ર શુકદેવને સંભળાવી.

“એવું કહેવાય છે કે જ્યારે શુકદેવ આ મહાભારતની કથા ગંધર્વો, રાક્ષસો અને યક્ષોને સંભળાવી રહ્યા હતા, તે જ સમયે નારદજી પણ આ કથા દેવતાઓને સંભળાવી રહ્યા હતા. વ્યાસના જ્ઞાની અને વિદ્વાન એવા મુખ્ય શિષ્ય વૈશમ્પાયને આ કથા રાજા જનમેજયના સર્પયજ્ઞના સમયે જગતના કલ્યાણ અર્થે તેમને સંભળાવી. અને હવે આ કથા મારા (ઉગ્રશ્રવા) દ્વારા સંભળાવવામાં આવી રહી છે.”

તેમના આમ કહેવાથી બધા તપસ્વીઓ ધ્યાનપૂર્વક આ કથાનું શ્રવણ કરવા લાગ્યા. ઉગ્રશ્રવાએ મહાભારતની કથાને વૈશમ્પાયન અને જનમેજય વચ્ચેના સંવાદના રૂપમાં વર્ણિત કરવાનું શરુ કર્યું.

શાન્તનુનાં ગંગા સાથે લગ્ન

મહાભારતની પ્રચલિત કથાનો આરંભ હસ્તિનાપુરના રાજા શાન્તનુના આખ્યાન સાથે થાય છે. આ રાજા પોતાની વીરતા અને જ્ઞાન માટે બહુ પ્રસિદ્ધ હતા. તેઓ પ્રજામાં પણ બહુ લોકપ્રિય હતા. બધા લોકો ધર્મ અને પરોપકારના માર્ગ પર ચાલવા માટે તેમની પાસેથી જ પ્રેરણા મેળવતા હતા. એક વખત તેઓ શિકાર કરવા ગયા અને તેમણે ઘણો સમય જંગલમાં વિતાવી દીધો.

જ્યારે ગંગાજીના કિનારા પાસેથી પસાર થતા હતા ત્યારે તેમણે દૈવી-આભાથી સંપન્ન એક અત્યંત સુંદર કન્યાને જોઈ. તેમણે પોતાના જીવનમાં પહેલાં ક્યારેય આટલી સુંદર કન્યાને જોઈ ન હતી. તેમના મનમાં તુરંત જ તે કન્યા પ્રત્યે પ્રેમ ઉદ્‌ભવ્યો અને તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા જાગૃત થઈ ઊઠી.

તેઓએ તે કન્યા પાસે જઈ અતિ મૃદુ સ્વરે કહ્યું, ‘તમે કોઈ દેવી, અપ્સરા છો કે કોઈ માનવ? તમે જે કોઈ પણ હો, હું તમારી સાથે લગ્ન કરવા માગું છું.’

તે કન્યા સાક્ષાત્ દેવી ગંગાજી જ હતાં. તેઓ બોલ્યાં, ‘હે રાજન્, હું તમારી આજ્ઞાકારી પત્ની બનવા તૈયાર છું, પરંતુ મારી એક શરત છે. તમે મારા વિશે કશી પૂછપરછ નહીં કરો, અને હું જે કંઈ પણ કરું તે ઉચિત હોય કે અનુચિત, તેમાં તમે હસ્તક્ષેપ નહિ કરો અને મને નિર્દયી પણ નહિ કહો.

જ્યાં સુધી તમે મારી આ શરત માનશો ત્યાં સુધી હું તમારી સાથે રહેવાનું વચન આપું છું; પરંતુ જે ક્ષણે તમે મારા કાર્યમાં હસ્તક્ષેપ કરશો કે મારા માટે કઠોર વાણીનો પ્રયોગ કરશો તે જ ક્ષણે હું ચોક્કસપણે તમારો ત્યાગ કરીશ અને જતી રહીશ.’

Total Views: 446

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.