ચાતુર્માસ દરમિયાન સંન્યાસીએ રાજીવ દીક્ષિતના સ્વાસ્થ્ય પરનાં અતિ મહત્ત્વપૂર્ણ ઓડિયો-પ્રવચનો સાંભળ્યાં હતાં. સંધ્યા-વંદના પૂરી થતાં સંન્યાસીએ હાજર રહી ગયેલ આઠ-દસ યુવાનોને આ પ્રવચનનો ટોપલો ઓઢાળી દીધો!

બીજે દિવસે સવારે નિત્યકર્મ પૂર્ણ કરી, બે-ત્રણ કિલોમીટર જ દૂર કોટેશ્વર તીર્થે પહોંચી ગયા. નર્મદાતટ પર અતિ સુંદર, રમણીય અને શાંત આશ્રમ હતો. ત્યાંના લોકોની સદ્‌ભાવના જોઈને બંને સંન્યાસીઓ આગ્રહપૂર્વક રોકાઈ ગયા. અહીં ઘણાં બધાં પરિક્રમાવાસી ભાઈ-બહેનો ચાતુર્માસ કરતાં હતાં. નર્મદામાં સ્નાન તથા કોટેશ્વર મહાદેવની પૂજા કરીને આશ્રમના શાંત પરિવેશનો આનંદ માણવા લાગ્યા. બપોરે અમૃત સમાન ભોજન ગ્રહણ કરી વિશ્રામ કર્યો. આશ્રમની ગૌશાળામાં સેવા આપતાં ઇન્દોરનાં ચાતુર્માસ કરી રહેલાં એક સેવાભાવી પરિક્રમાવાસીની સાથે સંન્યાસીની મુલાકાત થઈ. પરિક્રમા કરવાનું કારણ પૂછતાં એમણે કહ્યું, ‘મારા બે યુવાન બાળકોને નોકરી મળતી ન હતી, આથી મેં નર્મદામૈયાને પ્રાર્થના કરી કે, ‘હે મા! જો તેમની નોકરી મળી જશે તો હું તમારી પરિક્રમા કરીશ.’ મારા બંને બાળકોને શ્રીમાની કૃપાથી નોકરી મળી ગઈ અને ગયા મહિને બંનેએ પહેલા પગારમાંથી ઘણા બધા પૈસા મને મોકલ્યા અને મેં અહીં ગૌશાળામાં દાનમાં આપી દીધા!’

આજે કોટેશ્વર આશ્રમ ટ્રસ્ટનાં મુખ્ય ટ્રસ્ટી, વૃદ્ધ માતાજી આવવાનાં હતાં. તેમના માટેની બધી દોડાદોડી ચાલી રહી હતી. જાણવા મળ્યું કે ચાતુર્માસ કરી રહેલ કેટલાંક પરિક્રમાવાસી બહેનો વચ્ચે ખટરાગ ઊભો થયો છે અને તેના નિરાકરણ માટે તેઓ આવવાનાં છે. અત્યંત પ્રેમાળ, શાંત, ધીર તેમજ દયાળુ વ્યક્તિત્વનો સંન્યાસીને તેમની મુલાકાત કરીને અનુભવ થયો. તેમણે અહીં થોડા દિવસ રહી જવા માટે સંન્યાસીને આગ્રહ પણ કર્યો.

તારીખ ૩/10/2015 અને શનિવારના રોજ સવારે નિત્યકર્મ પૂર્ણ કરી કોટેશ્વર તીર્થ (ગુજરાતમાં નર્મદાના દક્ષિણતટ પર ઓરી ગ્રામ પાસે આવેલ કોટેશ્વર.)થી ત્યાગીજીના સાનિધ્યમાં ‘નર્મદે હર..’ના નાદ સાથે સંન્યાસી પરિક્રમામાં આગળ નીકળી પડ્યા. રસ્તામાં સિસોદ્રા ગામ થઈ વેરાઈ માતાજી, મુકુટેશ્વર મહાદેવ, સિકોતર માતાજીનાં દર્શન કરી, મુદડીયા હનુમાન થઈને કાર્તિકેશ્વર મહાદેવ તીર્થમાં પહોંચી ગયા. અપૂર્વ આશ્રમ! વિશાળ વટવૃક્ષની છાંવમાં એક વિશાળ ઓટલો હતો, પક્ષીઓનો કલરવ તથા વૃક્ષની છાયાનો આનંદ લેતાં લેતાં સંન્યાસીને ત્યાગીજી ત્યાં જ બેસી પડ્યા. કેટલાય પરિક્રમાવાસીઓ અહીં ચાતુર્માસ કરી રહ્યા હતા. આ બધાંને કામે લગાડવા કદાચ અહીંના પૂજ્ય મહારાજે સવારે 8:00 થી સાંજના 8:00 વાગ્યા સુધી ‘સીતારામ ધુન’નું આયોજન કર્યું હશે. અવાજોનો સમૂહમેળો પણ કર્ણગોચર થતો હતો. મંદિરમાં દર્શન કર્યાં તથા સૂચન મુજબ મહારાજનાં પણ દર્શન કર્યાં. ખૂબ સૌમ્ય, પ્રેમાળ, સ્થૂળકાય અને પીઢ મહાત્મા હતા. બંને સાધુઓને વસ્ત્ર અને થોડી પ્રણામી આપી. પૂજ્ય મહારાજના ઘણા ભક્તો સુરતમાં રહે છે અને મહારાજ પણ મોટાભાગનો સમય વિચરણમાં જ હોય છે, આ તો અમારાં સદ્‌ભાગ્યે, આજે પૂજ્ય મહારાજનાં દર્શન થઈ ગયાં.

આશ્રમથી લગભગ ૨૦૦ મીટર જ દૂર શ્રીમા નર્મદા! આશ્રમમાંથી નર્મદા નદી તરફ બહાર નીકળતા સુંદર ફળ-ફૂલથી શોભતો બગીચો હતો, ત્યાંથી રેતાળ ભાડામાં થોડું ચાલીને પહોંચી ગયા રેવા મૈયા પાસે! સુંદર સ્ફટિક સમાન નિર્મલ જળ! ‘મગરથી સાચવવું’ એવી સૂચના સાથે અમે મા રેવા મૈયામાં સ્નાન કરી, પરમ તૃપ્તિ અનુભવી! આશ્રમમાં અન્નક્ષેત્ર ચાલે, આવીને જોયું તો ભોજનપ્રસાદને થોડી વાર છે એટલે ‘સીતારામ-ધુન’માં હર્ષપૂર્વક ભાગ લીધો. આશ્રમથી થોડે દૂર માર્કંડેય પહાડ, સાધારણ ઊંચાઈ પર આવેલો છે તેના પર સુંદર મજાના એક રૂમની વ્યવસ્થા હતી. તેની ચારેતરફ થોડી જગ્યા, થોડા ફૂલ અને વૃક્ષોથી આ પહાડની સમતલ જગ્યા શોભાયમાન હતી. રૂમમાં આવવા-જવા માટે જાળીવાળો દરવાજો હતો. જે સાધુ-સંતોને તપસ્યા-સાધના કરવી હોય, તેઓને અહીં રહેવા માટેની સુંદર વ્યવસ્થા હતી.

અહીં એક ઘટના બની હતી. આવતા-જતા કદાચ દરવાજો ખુલ્લો રહી ગયો હશે કે કેમ, દાદા (નાગરાજ) પ્રવેશી ગયા હતા! જમીન પર પાથરેલી ત્રણ પથારીઓમાંથી એક પથારીમાં ઓશીકા નીચે ગોઠવાઈ ગયા હતા. પછી જ્યારે મહારાજ અંદર ગયા અને પોતાની પથારીમાં સૂવા જતાં જ દાદા એકદમ છંછેડાઈ ગયા અને હાથ ઉપર દંશ આપ્યો! નાગરાજને બહાર કાઢ્યા, એ પહેલાં મહારાજને દવાખાને લઈ ગયા અને તાત્કાલિક સારવાર આપવાથી તેમનો જીવ બચી ગયો.

Total Views: 335

One Comment

  1. Ramesh Yadav July 6, 2023 at 6:47 am - Reply

    સારો લેખ

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.