સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામે ૧૮૮૭ના સપ્ટેમ્બર માસમાં શ્રી રામચંદ્ર દવે અને તેમનાં ધર્મપત્ની પાર્વતીબેનને ત્યાં હિંમતલાલનો જન્મ થયો. આ બાળક જ મોટા થઈને સ્વામી આનંદના નામે પ્રખ્યાત થયા. ૨૫મી જાન્યુઆરી, ૧૯૭૬માં તેમનું ૮૮ વર્ષની વયે નિધન થયું. આ સમયગાળામાં તેમણે અનેક કાર્યો કર્યાં.

સ્વામી આનંદ એક મોટા ગજાના ગુજરાતી સાહિત્યકાર હતા, અને માત્ર સાહિત્યકાર જ નહિ પરંતુ સમાજસુધારક, સામાજિક કાર્યકર્તા, દેશસેવક હોવા ઉપરાંત રાજકારણમાં પણ સક્રિય રહ્યા હતા.

બહુ પ્રખ્યાત પુસ્તક ‘હિમાલયનો પ્રવાસ’માં કાકાસાહેબ કાલેલકરે તેમના હિમાલય-પ્રવાસનું વર્ણન કરેલ છે. આ પ્રવાસમાં તેમની સાથે સ્વામી આનંદ પણ સામેલ હતા. તેમના વિશે કાકાસાહેબે પણ તે પુસ્તકમાં લખ્યું છે.

સ્વામી આનંદે પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં લીધું. તેઓ બાળપણથી જ ધર્મનિષ્ઠ હતા. ઈશ્વર-દર્શનની આતુરતા ધરાવતા બાળક હિંમતલાલને કોઈ એક સાધુએ ઈશ્વર-દર્શન કરાવી દેવાની વાત કરતાં, તેઓ ગૃહત્યાગ કરી તેની સાથે ચાલી નીકળ્યા, ત્યારે તેઓ માત્ર ૧૦ વર્ષના હતા! ઘરમાં બધાં ચિંતિત હતાં અને તેઓને જાણવા મળ્યું કે તે સાધુ પણ યોગ્ય સાધુ ન હતો. રખડતાં-ભટકતાં ૧૩ વર્ષની ઉંમરે તેઓ અદ્વૈત આશ્રમ, માયાવતી પહોંચ્યા અને ત્યાં કેટલાંક વર્ષો રહ્યા. પછી રામકૃષ્ણ સેવાશ્રમ, કનખલમાં થોડાં વર્ષો રહ્યા. આ સમય દરમિયાન સંન્યાસીઓના સત્સંગ તથા રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય વાંચવાનો લાભ મળ્યો અને આમ, તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા.

૧૯૦૭માં તેઓ ભારતના સ્વાધીનતા આંદોલનમાં જોડાયા. તેમની મુલાકાત બાલ ગંગાધર તિલક સાથે થઈ. તેઓ ગુજરાતી ઉપરાંત મરાઠી અને અન્ય કેટલીયે ભાષાઓ જાણતા હોવાથી, તિલકે તેમના મરાઠી સમાચારપત્ર ‘કેસરી’નો સંપૂર્ણ કાર્યભાર તેમને સોંપી દીધો. આ ઉપરાંત અન્ય મરાઠી સમાચારપત્રોનો ભાર પણ તેમના પર આવી પડ્યો. તેમણે વિધિવત્‌ સંન્યાસ-દીક્ષા નહોતી લીધી. તેઓ માત્ર સફેદ વસ્ત્રો જ પહેરતા. છતાં તેમણે પોતે જ પોતાનું નામ પહેલાં ‘સ્વામી આનંદાનંદ’ અને પછીથી ‘સ્વામી આનંદ’ રાખ્યું હતું.

૧૯૦૯માં કાકાસાહેબ સાથે હિમાલયના પ્રવાસે ગયા પછી પણ તેઓ કાકાસાહેબ અને તિલક સાથે સ્વાધીનતા સંગ્રામનું કાર્ય કરતા રહ્યા. ૧૯૧૫માં ગાંધીજી આફ્રિકાથી પરત આવ્યા એના બીજા જ દિવસે તેઓ તેમને મળ્યા ત્યારે ગાંધીજી તેમને મળીને ખૂબ રાજી થયા હતા. ૧૯૧૯માં ગાંધીજીએ તેમની પ્રતિભા પિછાણીને તેમને ‘નવજીવન’ પત્રિકાના એડિટર, મેનેજર વગેરે તરીકેનો સંપૂર્ણ ભાર સોંપી દીધો, એટલું જ નહિ અન્ય એક અંગ્રેજી સામયિક ‘યંગ ઇન્ડિયા’નો બોજો પણ તેમના શિરે આવ્યો.

૧૯૨૨ના મે માસમાં નીડરતાપૂર્વક સંપાદનકાર્ય કરવા દરમિયાન તેમને ‘નવજીવન’માં બ્રિટિશ સરકાર વિરુદ્ધ લેખ લખવા બદલ દોઢ વર્ષની જેલ ફટકારવામાં આવી. તેમણે જ ગાંધીજીને આત્મકથા લખવાનું કહ્યું હતું, જેથી લોકો તેમના જીવન વિશે જાણે અને ‘નવજીવન’ પત્રિકાનો ફેલાવો પણ વધે. ૧૯૨૫-૨૮ દરમિયાન ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ લેખમાળા સ્વરૂપે પ્રકાશિત થઈ. પછી ‘યંગ ઇન્ડિયા’માં પણ પ્રકાશિત કરવામાં આવી. આમ ગાંધીજીની આત્મકથા પાછળ સ્વામી આનંદનો બહુમૂલ્ય ફાળો છે. ગાંધીજીનાં ગીતા વિષયક પુસ્તકો પ્રકાશિત થવા પાછળ પણ તેમનો જ હાથ છે.

૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહના સમયે તેઓ સરદાર પટેલના સેક્રેટરી બન્યા. ૧૯૩૦માં તેમને ફરી ૩ વર્ષની જેલ થઈ. ત્યાર બાદ બોરડી, થાણે વગેરે સ્થળોએ તેઓએ આશ્રમોની સ્થાપના કરી અને આદિવાસીઓ વચ્ચે રહીને અનેક સેવાકાર્યો કર્યાં. ૧૯૩૪માં ઉત્તર ભારતમાં ભૂકંપ સમયે રાહતકાર્યમાં પણ તેઓ જોડાયા. ૧૯૪૨માં તેમણે ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લીધો.

સ્વતંત્રતા મળ્યા પછી ૧૯૫૭ થી ૧૯૭૬ સુધી તેઓ સંપૂર્ણપણે સમાજસેવામાં રત રહ્યા અને પોતાની સંપૂર્ણ શક્તિ દહાણુ પાસે ‘કોશબાદ એગ્રિકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ’ શરૂ કરવામાં લગાવી દીધી.

માત્ર સામાજિક સેવાના ક્ષેત્રમાં જ તેઓ આગળ પડતા ન હતા, પરંતુ સાહિત્ય ક્ષેત્રના પણ તેઓ જ્ઞાની હતા અને પાશ્ચાત્ય લેખકોનાં અનેક પુસ્તકો વાંચ્યાં હતાં. ધર્મ, સંસ્કૃતિ, સમાજસેવા, વિજ્ઞાન, જીવનચરિત્ર, દર્શન, પ્રવાસ-વર્ણન વગેરે વિષયો પર તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે. તે ઉપરાંત, અનેક પુસ્તકોનો અનુવાદ પણ તેમણે કર્યો છે. તેમના ‘કૂળકથાઓ’ પુસ્તકને ૧૯૬૯માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો, પરંતુ તેમણે તે ન સ્વીકાર્યો. તેમણે લેખનકાર્ય માટે કોઈ પણ પ્રકારના પુરસ્કારનો સ્વીકાર ન કરવાનું પ્રણ લીધું હતું. આમ ઔપચારિક રીતે તેઓએ સંન્યાસ-દીક્ષા ન લીધી હોવા છતાં તેમનાં વૈરાગ્ય, સેવા, નિષ્ઠા, ભક્તિ, જ્ઞાન, વિવેકને કારણે તેમનું ‘સ્વામી આનંદ’ નામ સાર્થક જ હતું. તેમની જીવનકથા ‘ધરતીની આરતી’ ચંદ્રકાન્ત શેઠે લખી છે.

તેમના જીવન પર સ્વામી વિવેકાનંદના પ્રભાવ વિશે ઘણાં પુસ્તકોમાં તેઓ પોતે જ લખે છે:

‘ધરતીની આરતી’માં તેઓ જણાવે છે કે તેઓ જ્યારે કનખલમાં હતા ત્યારે તેમણે રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય વાંચ્યું હતું. ‘અનંતકાળ’ નામના પુસ્તકમાં તેમણે ‘રામકૃષ્ણ મિશન’ના સંન્યાસીઓ વિશે લખ્યું છે. ‘ઉત્તરાપથની યાત્રા’માં તેમણે શ્રીરામકૃષ્ણના અદ્‌ભુત ત્યાગ વિશે ચર્ચા કરી છે. ‘સમાજચિંતન’ અને ‘હિમાલયનાં તીર્થસ્થાનો’ પુસ્તકોમાં તે વખતના બધા સ્વાધીનતા સંગ્રામવીરો અને રાષ્ટ્રીય નેતા પર સ્વામી વિવેકાનંદના પ્રભાવ અને સિસ્ટર નિવેદિતા વિશે તેમણે લખ્યું છે. આમ, રામકૃષ્ણ મિશનના સંન્યાસી ન હોવા છતાં તેમણે ‘શિવજ્ઞાને જીવસેવા’ના મંત્રને સાર્થક કર્યો છે.

Total Views: 545

One Comment

  1. વિમલ વ. દવે June 10, 2023 at 7:49 am - Reply

    ધરતીની આરતી શ્રી શેઠ દ્વારા સંપાદિત ્્ સ્વામી આનંદના લેખો નું બહુ જ સરસ પુસ્તક છે. સ્વામી અને સાંઇ પુસ્તક માં એમના તુરીયાનંદજી, શિવાનંદજી વ. શ્રી રામકૃષ્ણદેવના સીધા શિષ્યો સાથે તથા માસ્ટર મહાશય સાથેના એમના સ્મરણોની સરસ વાતો છે. તેઓ પોતાને હંમેશા રામકૃષ્ણમતાનુયાયી સાધુ તરીકે ઓળખાવતા. એમના વિશે આ લેખ વાંચીને ખુબ આનંદ થયો.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.