સનાતની તત્ત્વજ્ઞાન પ્રમાણે દરેક કાર્ય પાછળ કારણ હોય છે અને પ્રત્યેક કાર્ય કોઈ સ્વરૂપે કારણમાં પરિણમે છે. જે કંઈ થઈ રહ્યું છે, એમ જ નથી થતું. ઘણી વાર કારણ-કાર્યનો સંબંધ ઓછા સમયમાં છતો થાય છે તો ક્યારેક આમ થવામાં એટલો બધો સમય લાગે છે કે તે સંબંધ જ માનસપટલ પરથી લગભગ લુપ્ત થઈ જાય. પર્યાવરણ આજે જે સ્થિતિમાં છે તેની પાછળ ચોક્કસ કારણ સાથેનાં કાર્યોની શ્રૃંખલા છે. પર્યાવરણ નથી રાતોરાત ખંડિત થયું કે નથી કોઈ કારણ વગર આ સ્થિતિ ઉદ્ભવી; કારણો છે, કાર્યો છે અને તેનું આ પરિણામ છે.
પર્યાવરણનો ખ્યાલ રાખવો એ એક સમયે સનાતની જીવનશૈલીનો એક ભાગ, એક અવિસ્મરણીય હિસ્સો હતો. તુલસીનું પાન તોડતી વખતે તે તુલસીના છોડને મનોમન પૂછી, તેને પાન માટે વિનંતી કરી, તે પાન તોડીને તેની ક્ષમાયાચના પ્રાર્થવાની પરંપરા હતી. પ્રભુને અર્પણ કરવા માટે પણ જો ફૂલ ચૂંટવાના હોય તો તેની માટે પણ જાણે છોડ પાસે પરવાનગી લેવાની! પર્યાવરણને મહત્ત્વ આપવાની, તેના અસ્તિત્વને પોતાના અસ્તિત્વ જેવું જ સ્થાન આપવાની, પોતાની જેમ તેની પણ સંભવિત લાગણીઓને સમજવાની, તેના અસ્તિત્વના અધિકારને માન્ય રાખવાની અને પર્યાવરણ સાથે સમન્વયથી રહેવાની જે સનાતની પરંપરા હતી, તે હાલમાં લગભગ લુપ્ત થઈ છે. હવે તો જાણે કુદરતને નિચોવી લેવાની હોડ જાગી છે! કુદરત જાણે માનવીની યોગ્ય-અયોગ્ય મહેચ્છાઓને પૂરી પાડવા માટે જ ન હોય તેવો અભિગમ રખાય છે. આવી મનોવૃત્તિવાળા સમાજ સાથે પર્યાવરણનાં જતનની વાત કેમ કરી શકાય?
વિકાસની-પ્રગતિની વ્યાખ્યા જ પ્રશ્નાર્થ ચિહ્ન સમાન છે. ઝડપી આવાગમન માટે લાખો ઝાડ કાપીને છ માર્ગીય કે તેથી પહોળા મહામાર્ગ-દ્રુતગતિ માર્ગ બનાવાય છે, પણ તેટલી સંખ્યામાં વૃક્ષો ઊગાડવાના પ્રયત્નને વિકાસ નથી કહેવાતો. બુલેટ ટ્રેનની માટે જમીનનું કુદરતી તળ ઉપર-નીચે કરી દેવાય છે પણ આ તળ-બદલથી થનારી લાંબા ગાળાની કુઅસર નિયંત્રિત કરવાની કોઈ યોજના નથી હોતી. મહામાર્ગ પણ જોઈએ અને બુલેટ ટ્રેન પણ, પરંતુ અહીં પ્રશ્ન સમન્વિત વિકાસનો છે. શું આવા વિકાસની આડઅસરો ઓછી કરવાના અસરકારક પ્રયત્નો ન થઈ શકે. પહેલાં જેવી કુદરતી વ્યવસ્થા તો ન સ્થપાય પણ કંઈક તો પર્યાવરણની ગુણવત્તા વધે! પ્રશ્ન વિકાસને પર્યાવરણ સાથે સંતુલિત કરવાનો છે.
આ સમાજ ઉપભોક્તાવાદી છે. ‘દેવું કરીને ઘી પીનાર’ આ સમાજ પર્યાવરણને નીચોવીને જલસા કરવામાં માને છે. સમાજનાં મૂલ્યો જ એવાં નિર્ધારિત થઈ ગયાં છે કે કાલની પેઢી માટે ચિંતિત થયા વગર આજને જ માણી લેવાની હોડ લાગી છે. સંપન્ન લોકો રોટલી સોનાની નથી ખાતા; પણ તે લોકો ખોરાકનો એટલો બગાડ કરે છે કે તે બગાડને સમકક્ષ કદાચ સોનાની રોટલી જ બની જાય! સમાજનો અમુક વર્ગ કરકસર કે બચતમાં માનતો નથી અને અન્ય વર્ગ વંચિત હોવાથી તેમની કરકસર કે બચત સંભવ નથી; જાણે આ જીવનશૈલી જ ‘બગાડ’ આધારિત છે. ‘વાપરીને ફેંકી દો’ ની સાથે સાથે ‘પૂરતું વપરાયું ના હોય તો પણ ફેંકી દો’ નો ભાવ પ્રવર્તે છે. પૈસા સિવાય કશું જ કિંમતી નથી. લોકો ૫૦ લીટરવાળા બાથટબમાં સ્નાન કરે છે. લોકો ચોવીસ કલાક એસી.માં રહે છે. ચાર વ્યક્તિના કુટુંબ માટે પણ આઠ અલગ અલગ શાક રંધાતા હોય છે. આ બધો બગાડ અંતે તો પર્યાવરણને જ ઝેલવો પડે ને! કેટલાંક ઘરની રોશની માટે રોજ એટલી વીજળી વપરાતી હોય છે કે તેમાંથી એક મહોલ્લાને આખો મહિનો વીજળી આપી શકાય. જાહેરાતના એક પાટિયા પાછળ નાખવામાં આવેલી ટયૂબલાઇટોની સંખ્યા જોતા ચોક્કસ એમ પ્રશ્ન થાય છે કે પૈસા હોવા એ પર્યાવરણને નુકસાન પહોંચાડવા માટેની પરવાનગી તો નથી ને! જેની પાસે છે તે બગાડના માર્ગ પર છે અને જેની પાસે નથી તે મજબૂર છે.
સનાતની સંસ્કૃતિમાં બાળકનું ભણતર अहं ब्रह्मास्मि થી શરૂ થતું. આવી શરૂઆતથી બાળક શરૂઆતથી જ સમગ્રતા સાથે જોડાતો અને કશાને પણ નુકસાન પહોંચાડતા પહેલાં કે કશાનો પણ વ્યય કરતાં પહેલાં તેની જાગૃતતા કાર્યરત થઈ જતી. ઉપનિષદના મંત્રોમાં પણ संगच्छध्व… જેવા મંત્રો સમગ્ર સાથે સહઅસ્તિત્વની ભાવના દૃઢ કરતા. આજનું શિક્ષણ માત્ર કમાવવા માટેનું પગથિયું બની રહ્યું છે. વધારે કમાવવાનું ને પછી વધારે તો ક્યારેક બિનજરૂરી વાપરવાનું, અને પરિણામે બગાડ માટે નિમિત્ત બનવાનું. પર્યાવરણનાં પ્રશ્નો અને તેના સંભવિત ઉપાયો માટેના સ્નાતક સુધીનાં ભણતરમાં માત્ર ત્રણથી સાડા ત્રણ પાનાં અપાય છે. શું મોટી નજરઅંદાજી નથી! બાળકના મનમાં જ જો અમુક બાબતોનું મહત્ત્વ ન સ્થપાય તો આગળ વાત જ કેવી રીતે થઈ શકે?
આજના જીવનમાં કુદરતનાં ઘણાં પરિબળો સાથેનો સંપર્ક જ લુપ્ત થઈ ગયો છે. શહેરનાં બાળકોને એ પણ ખબર નથી હોતી કે દૂધ ગાય આપે! તેમની માટે તો દૂધની કોથળીનું જ અસ્તિત્વ હોય છે. વાડીમાં ઊગતાં ફળો, ખેતરમાં ઊગતાં ધાન અને વીજળીની બનાવટમાં અગત્યના ગણાતાં કોલસા વિશે તેઓ સાવ અજાણ્યા હોય તેમ લાગે છે. બાળકની સમજ જો મૂળ સુધી ન પહોંચે તો અસ્તિત્વના મૂળમાં રહેલ કુદરતનો આપણા જીવનમાં શું ફાળો છે એ વિશે ક્યાંથી સંવેદનશીલ થાય?
વસ્તી વધારો પણ પર્યાવરણ પર અનિયંત્રિત ભાર લાદે છે. આઝાદ થયા પછી ભારતની જનસંખ્યા લગભગ ચાર ગણી થઈ ગઈ. આ વસ્તી વધારાને પોષવા આપણે કુદરત પાસે જ અપેક્ષા રાખીએ છીએ. આ ચાર ગણી વસ્તીને સાચવવા-સમાવવા કુદરતને નીચોવી કાઢવી જ પડે ને! અનિયંત્રિત વસ્તીને પોષણ આપતી કુદરતને સક્ષમ બનાવવાના કેટલા પ્રયત્નો થાય છે?
જેમને સેલિબ્રિટી-નામી વ્યક્તિ કહેવાય તે પણ ખોટા આદર્શો સ્થાપે છે. આવી વ્યક્તિઓ કેટલીય કારોનો કાફલો પોતા માટે રાખી જાણે પર્યાવરણનાં જતનની વાતોની હાંસી ઉડાવતા રહે છે. આ તો એક નાનું ઉદાહરણ થયું, બાકી તેમની પ્રત્યેક ચેષ્ટા માત્રને માત્ર ‘બગાડ’ આધારિત જ હોય છે, અને આ લોકો જે ‘બગાડ’ નાં ધોરણ સ્થાપે છે, તેને સમાજનો અન્ય વર્ગ આંધળાંની જેમ અનુસરે છે. આવા નામી લોકો દંભી પણ હોય છે. ક્યાંક તેઓ પર્યાવરણની વાતો પણ કરતા હોય છે અને પર્યાવરણનાં જતન માટે ફાળો પણ આપતા હોય છે, પરંતુ આવી વાતો તેમની જીવનશૈલીમાં વ્યક્ત નથી થતી. જો નામી લોકો પર્યાવરણ બાબતે ખરેખર ગંભીર રહે તો તેમના ચાહકવર્ગમાં પણ તેની અસર જોવા મળે.
પર્યાવરણને બચાવવા માટે વિકાસના નવા મોડલની જ જરૂર છે. હવે તે જ સામગ્રી અને તે જ તકનીક ન ચાલે. આ બધું ત્યારે સ્વીકારાયેલું કે જ્યારે પર્યાવરણની પરિસ્થિતિ સાવ જ ભિન્ન હતી, હવે તો આખો ખેલ જ બદલાઈ ગયો છે. નવી ટેક્નોલૉજી લાવવી પડશે, નવી જીવનશૈલી અપનાવવી પડશે, પર્યાવરણનાં વિવિધ પરિબળોનો આભાર માનતા શીખવું પડશે, વ્યય ઓછો કરીને કરકસરને જીવનનો મંત્ર બનાવવો પડશે. ભવિષ્યનું આયોજન સમષ્ટિમાં આગળના ભવિષ્યની પેઢીની સંભવિત પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને કરવું પડશે. સામગ્રીની વહેંચણીમાં પણ નૈતિક સંતુલન જાળવવું પડશે. આપણી તૃપ્તીનાં ધોરણો પણ ફરીથી નક્કી કરવાં પડશે.
વ્યક્તિએ સંવેદનશીલ વધુ થવું પડશે. પોતે સૃષ્ટિનો ભોક્તા માત્ર છે, તે પ્રકારની મનોવૃત્તિમાંથી બહાર નીકળવું પડશે. ભોગવવાનું અતિ સામર્થ્ય હોવા છતાં સંયમ રાખતા શીખવું પડશે. સૂચનો તો ઘણાં છે પણ ટૂંકમાં—ભવિષ્યની પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આજથી જ તૈયારી કરવી પડશે.
(લેખક પરિચય: શ્રી હેમંતભાઈ વાળા એન.આઈ.ડી., એન.આઈ.એફ.ટી., સી.ઈ.પી.ટી. જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત અન્ય ૨૦ જેટલી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય માટે જોડાયેલા છે. તેઓ લેખનકાર્યમાં પણ તેટલી જ રુચિ ધરાવે છે. કુમાર, અખંડ આનંદ, વિશ્વવિહાર, શબ્દસર જેવાં સામયિકો અને દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, મુંબઈ સમાચાર, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ, જયહિંદ, કચ્છમિત્ર જેવાં નામાંકિત સમાચારપત્રોમાં તેમના લેખો પ્રકાશિત થયા છે. આ લેખોમાં અધ્યાત્મ, ભારતીય ચિંતન, સ્થાપત્ય તથા કળાને લગતા વિષયોનો સમાવેશ થતો રહ્યો છે. )
Your Content Goes Here