(રામકૃષ્ણ સંઘના દ્વિતીય પરમાધ્યક્ષ મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ) શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘શિવાનંદ સ્મૃતિસંગ્રહ’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. – સં.)

50 વર્ષ પહેલાંની વાત છે. પૂજ્યપાદ રાજા મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) 1916માં પૂર્વ-બંગ (હાલનું બાંગ્લાદેશ)ની મુલાકાતે આવ્યા હતા અને ઢાકા શહેરમાં કાશીમપુરના જમીનદારના બંગલામાં રોકાયા હતા. સૌભાગ્યક્રમે અને બહુ જન્મના સુકૃતિફળે એમનાં પુણ્યદર્શન-લાભ અને પદપ્રાંતે ત્રણ દિવસ રહેવાનો સુયોગ મળ્યો હતો. પ્રથમ ચરણસ્પર્શ કરતાં જ રાજા મહારાજે કહ્યું હતું: “ગમે તેટલું ભણો-ગણો પણ હંમેશાં યાદ રાખજો કે ઈશ્વરલાભ જ છે જીવનનો ઉદ્દેશ્ય.”

એ વખતે ખબર ન હતી કે એમની વાતમાં કેટલી શક્તિ રહેલી છે! માત્ર એટલા શબ્દોએ જ મારા અંતરમાં વૈરાગ્ય-વહ્નિ પ્રજ્જ્વલિત કરી, ઘટના પરંપરામાંથી પસાર કરી, મને અમૃતની શોધમાં લગાવી દીધો હતો!

જાન્યુઆરી, 1920ની કોઈ એક બપોરે બાલી રેલવે સ્ટેશનથી પગપાળા, રસ્તો પૂછતાં પૂછતાં હું બેલુર મઠના પ્રાંગણમાં આવી ઉપસ્થિત થયો. ગંગાદર્શન કરી પ્રાણ ભરાઈ ગયો. અનેક ક્ષણ ગંગાના કિનારે વિતાવીને છેવટે મઠવાડીમાં પ્રવેશ કરી, ગંગાની સામે આવેલ વરંડામાં એક સાધુને જોઈને પ્રશ્ન કર્યો: “મઠાધ્યક્ષ મહારાજની સાથે શું અત્યારે મુલાકાત થઈ શકશે?” એમણે ઉત્તર આપ્યો: “મહારાજ અત્યારે ભોજન કરી રહ્યા છે. ભોજન બાદ પશ્ચિમ દિશામાં આવેલ વરંડામાં આવીને બેસશે. એ સમયે મળી શકશો.”

થોડી વાર રાહ જોતાં જ મહારાજ ભોજન સમાપ્ત કરી વરંડામાં આવીને બેઠા અને ઉપસ્થિત અન્ય સાધુ-બ્રહ્મચારીઓની સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. થોડા વાર્તાલાપ બાદ મહાપુરુષ મહારાજ ઉપરના માળે ચાલ્યા ગયા. હું માત્ર ઊભાં ઊભાં એમની વાતો સાંભળી રહ્યો હતો પરંતુ મને એમની સાથે વાત કરવાનો સુયોગ ન મળ્યો, માટે હવે હું એમના પાછા ફરવાની રાહ જોવા લાગ્યો. ગંગાની સામે આવેલ વરંડામાં બેઠાં બેઠાં વિચારી રહ્યો હતો કે ક્યારે એમની સાથે મુલાકાત થશે અને ક્યારે મારી પ્રાણભરી પ્રાર્થના એમનાં પાદપદ્મે નિવેદન કરી નિશ્ચિંત બનીશ. ત્યાં સુધીમાં તો બપોરના ચાર વાગી ગયા. સર્વપ્રથમ જે સાધુની સાથે વાત થઈ હતી, તેમણે આવીને મને પૂછ્યું: “તેં ભોજન કર્યું?” મેં કહ્યું: “હું જ્યાં સુધી મહારાજની સાથે મુલાકાત ન થાય ત્યાં સુધી જમીશ નહીં. મહેરબાની કરીને મને એમની પાસે લઈ જાઓ.”

સામાનમાં મારી પાસે શરીરે વીંટાળેલા ધાબળા સિવાય બીજું કંઈ હતું નહીં. એ જોઈ સાધુએ અનુમાન કર્યું કે હું પણ સાધુ બનવાના ઉદ્દેશ્યથી આવ્યો છું. થોડી વાતચીત કર્યા પછી એમણે મને એક પાતળમાં થોડો પ્રસાદ લાવીને આપ્યો. હું એ ગ્રહણ કરીને દર્શનમુહૂર્તની પ્રતીક્ષા કરવા લાગ્યો—ક્યારે હું મહારાજનાં પાદપદ્મે આળોટી પડવાનો સુયોગ મેળવીશ. જે આશા લઈને આવ્યો છું, એ શું સફળ થશે કે નહીં? સંદેહોથી ઘેરાઈને મારું મન ચંચળ થઈ ઊઠ્યું. એ સમયે ઉપલા માળે જવાની અનુમતિ મળી. હું પણ મન સ્થિર કરીને ધીરે ધીરે પૂજ્યપાદ મહાપુરુષ મહારાજના ચરણપ્રાંતે ઉપનીત થઈ પ્રણામ કરીને જ બેસી પડ્યો. તેમના પવિત્ર દર્શનથી જ મારાં મન-પ્રાણ શુદ્ધ થઈ ગયાં— એક અવિરત આનંદધારાથી હૃદય પરિપૂર્ણ થઈ ઊઠ્યું. એમણે ધીરે ધીરે સુમધુર વાણીમાં મારો પરિચય પૂછ્યો અને ઘર છોડીને બેલુર મઠમાં આવવાનું કારણ પૂછ્યું. એમની કરુણાભરી વાતો સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયો. થોડી વાર પછી એક બ્રહ્મચારીને બોલાવીને એમણે મને મઠમાં રહેવાની અનુમતિ આપી. આ દિવસ મારા જીવનમાં ચિરસ્મરણીય બનીને રહ્યો છે. આ મિલન-ક્ષણની વાત યાદ આવવાથી આજે પણ મહાપુરુષ મહારાજની કરુણાધારા મારા પ્રાણમાં પ્રવાહિત થઈ એક નિત્ય અખંડ આનંદની સૃષ્ટિ કરતી રહે છે.

પૂજ્યપાદ મહાપુરુષ મહારાજની કૃપાદૃષ્ટિના ફળે જ મને મઠમાં સ્થાન મળ્યું છે. એમના સાંનિધ્યમાં નિવાસ કરવાનો અપૂર્વ સુયોગ પણ એમણે જ કરાવી દીધો. તેઓ જે ઓરડામાં રહેતા એના બાજુના જ ઓરડામાં લાઇબ્રેરી અને ઓફિસ હતા. ત્યાં જ કાર્ય કરવાનો આદેશ મેળવીને મહાપુરુષ મહારાજના પવિત્ર દર્શનનો સુયોગ પ્રતિદિન એકાધિકવાર મળતો જ. મઠના નિયમ અનુસાર સવારે તથા સાંજે એમનાં દર્શન તો બધાને મળતાં જ, પરંતુ મારું સૌભાગ્ય એવું હતું કે કાર્ય ઉપલક્ષ્યે વારંવાર એમનાં દર્શન કરવા મળતા. એમની આટલી સેવા કરવાનો સુયોગ મળતાં જ હું પોતાને ધન્ય માનતો. એ સમયે એમનો કોઈ સેવક નિયુક્ત હતો નહીં. એમની થોડી ઘણી આવશ્યક દૈનિક સેવા એક સાધુ કરી દેતા. તેઓ પંગતમાં બધા સાધુ અને ભક્તોની સાથે જ ભોજન કરતા. તેમનો આહાર પણ હતો અતિઅલ્પ. માત્ર થોડા ઝોલ-ભાત (ઝોલ એટલે બાફેલું રસાવાળું શાક) હતા એમનો મુખ્ય આહાર. ભોજન બાદ મઠવાડીના પશ્ચિમ દિશાના વરંડામાં થોડી વાર સાધુ-ભક્તોની સાથે વાર્તાલાપ કરતા તથા થોડી હરિતકી (હરડે) ખાઈ મુખશુદ્ધિ કરી ઉપલા માળે થોડા સમય પૂરતા વિશ્રામ માટે જતા.

સંધ્યા વેળાએ ભક્તોની સાથે શ્રીશ્રીઠાકુરની વાતો કરી બધાને આનંદ પ્રદાન કરતા. ક્યારેક સંધ્યા-આરતીમાં ઉપસ્થિત રહેતા તો ક્યારેક મઠ-પ્રાંગણના કેરીના ઝાડની નીચે એક બાંકડા ઉપર બેસી ધ્યાન રાખતા કે સાધુ-બ્રહ્મચારીઓ નિયમિત સંધ્યા-આરતીમાં આવે છે અને જપ-ધ્યાન કરે છે કે નહીં. નિયમિત ધ્યાન-જપ બાદ રાત્રે અતિથિ-કક્ષમાં ભજન થતાં. તેઓ બધાને ભજનમાં યોગદાન કરવાનું કહેતા. તેઓ પોતે પણ ભજન સાંભળીને ખૂબ આનંદ મેળવતા.

મહાપુરુષ મહારાજ આટલી વૃદ્ધવયે પણ રાત્રે 3 વાગે શય્યા ત્યાગ કરતા. નિયમિત ઠાકુરઘરના એક ખૂણામાં હરણના ચર્મના બનેલ એક આસન ઉપર બેસીને પરોઢ થતા સુધી ધ્યાન કરતા. ધ્યાન પૂર્ણ થયા બાદ આસન બગલમાં લઈને પોતાના ઓરડામાં આવતા. અમે બધા જઈને એમને પ્રણામ કરતા. તેઓ ખૂબ સ્નેહપૂર્વક બધાના ખબર પૂછતા. જો કોઈ બીમાર હોય તો ડૉક્ટરને બોલાવીને તેના ઔષધ-પથ્યની સારી રીતે વ્યવસ્થા કરાવતા. જેઓ દૈનિક શ્રીશ્રીઠાકુરની સેવાના (મંદિરના) કાર્યમાં નિયુક્ત રહેતા એમને કહી દેતા કે ઠાકુર-સેવામાં કોઈ પ્રકારની ત્રુટિ ન રહે. મઠના પ્રત્યેક કર્મીને નિયમિત યાદ કરાવી દેતા કે મઠનું બધું કાર્ય ઠાકુરનું જ કાર્ય છે. પાયખાનાની સાફ-સફાઈથી માંડીને ચંડીપાઠ સુધીનું બધું જ કાર્ય ઠાકુરની સેવા છે. કોઈ કાર્ય તુચ્છ નથી—એવા સેવાભાવથી કર્મ કરવાથી ચિત્તશુદ્ધિ થાય.

મહાપુરુષ મહારાજ રોજ સાંજે એક વાર સમસ્ત મઠ-પ્રાંગણનો આંટો મારી જો તા કે કોઈ મહેમાન આવ્યા છે કે નહીં. જો એમને કોઈ નકામો કે પાગલ જેવો લાગતો તો તત્ક્ષણાત્‌ એને મઠમાંથી બહાર કાઢી મૂકવાનું કહી દેતા. એક દિવસ સાંજે આંટો મારતાં મારતાં એમણે એક પાગલ જેવા લાગતા છોકરાને જો ઈને એક સાધુને એને મઠમાંથી કાઢી મૂકવાનું કહ્યું. સાધુએ છોકરાને બહાર લઈ જતા, એનું ઘર ક્યાં છે અને મઠમાં શું કામ આવ્યો છે એ પૂછ્યું. છોકરાએ ઉત્તર આપ્યો કે એ મારા જ પૂર્વાશ્રમનો (સંન્યાસ પહેલાંનો) પરિચિત છે.

આ સાંભળી સાધુએ છોકરાને બેલુર ગામના એક ઘરમાં આશ્રય લેવાનું કહ્યું. હું સાધુની પાસે આ વાત સાંભળીને રાત્રે એ છોકરાને મઠમાં પાછો લઈ આવ્યો અને ભોજન કરાવી, સૂવાની વ્યવસ્થા કરી દીધી. બીજે દિવસે સવારે ગભરાતાં ગભરાતાં પૂજ્યપાદ મહાપુરુષ મહારાજને આ આખી ઘટના જણાવી. મને થયું હતું કે તેઓ એ છોકરાને તો મઠમાંથી કાઢી જ મૂકશે પણ સાથે સાથે કદાચ મને પણ જતા રહેવાનું કહી દેશે. પરંતુ જે જોયું અને સાંભળ્યું એથી મારું હૃદય અપાર આનંદથી પૂર્ણ થઈ ઊઠ્યું અને મસ્તક સહજે એમનાં ચરણોમાં નત થયું.

તેઓએ ગુસ્સે થવાને બદલે મને ઉત્સાહપૂર્ણ વાણીમાં કહ્યું: “સારું કર્યું, એને રાત્રે ભરપેટ ભોજન કરાવ્યું હતું તો? સૂવાની વ્યવસ્થા કરી દીધી હતી તો? જે કેટલાક દિવસો પૂરતો એ રહે ત્યાં સુધી એની સંભાળ રાખજે.”

Total Views: 466

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.