(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. સ્વામી અતુલાનંદજી (જેઓ ‘ગુરુદાસ મહારાજ’ તરીકે ઓળખાતા) અમેરિકાના રહેવાસી હતા. 1898માં તેઓ સ્વામી અભેદાનંદજીના સંપર્કમાં આવ્યા. તેમની પાસેથી જ તેમની બ્રહ્મચર્યની દીક્ષા અને સંન્યાસ દીક્ષા થઈ. જો કે તેમની મંત્રદીક્ષા શ્રીમા શારદાદેવી પાસે થઈ હતી. સ્વામી વિવેકાનંદજી, સ્વામી તુરીયાનંદજી વગેરે શ્રીરામકૃષ્ણદેવના બીજા ઘણા અંતરંગ શિષ્યોના પરિચયમાં આવવાનો લહાવો તેમને મળ્યો હતો. 1921માં તેઓ અમેરિકાથી ભારત આવી ગયા અને 1966માં 97 વર્ષની ઉંમરમાં મહાસમાધિ લીધી ત્યાં સુધી ભારતમાં જ રહીને પોતાના પુનિત સંતજીવન દ્વારા અસંખ્ય લોકોને પ્રેરિત કરતા રહ્યા. અનુવાદક છે શ્રી વિમલભાઈ વ. દવે. -સં.)
મન વડે સારવાર
નૂતન વિચાર (ન્યુ થોટ) સાથે સંકળાયેલા ઘણા મિત્રોનો મને પરિચય છે, અને મને આ વિચારધારાના લોકો ગમે છે. તેઓ ખૂબ જ આનંદી, ઉત્સાહી અને સકારાત્મકતાથી ઊભરાતા હોય છે. તેમને જાણે કે આ દુ:ખી જગતના બધા પ્રશ્નો માટે રામબાણ ઉપાય મળી ગયો હોય એવું જણાય છે. પરંતુ આ નૂતન વિચારની પણ અનેક ધારાઓ છે. મલ્ટીકલ્ચર, હાયર થોટ, મેન્ટલ હીલીંગ, ન્યુ કોન્શિયસનેસ, જોય ફિલોસોફી વગેરે વગેરે. આ બધા માટે તો નહીં કહું, પરંતુ ઘણી વખત એમના અતિ ઉત્સાહ, અપરિપક્વતા અને બાલિશતા મને હાસ્યાસ્પદ જણાયાં છે. આ અંગે એક પ્રસંગ ટાંકવાનું મન થાય છે. અહીં જેઓ વધુ પરિપક્વ છે (જેમાં હું મિ. કોલ્વિલનો સમાવેશ જરૂર કરીશ), જેઓ એમના કમનસીબ બંધુજનોની સહાય માટે સદા તત્પર છે, એમની જો કે અહીં વાત નથી. આ સ્વાર્થસભર, ગમગીન જગતમાં પ્રસન્નતાના ધર્મને હસી કાઢી તો ન જ શકાય. આશાવાદ ચેપી હોય છે અને નિરસ, નિરાશાવાદી લોકો માટે તો એ નિ:શંક ઘણો ફાયદાજનક બની રહે છે.
નૂતન વિચાર (ન્યુ થોટ)ની મોટાભાગની વિચારધારાઓ, ટૂંકમાં કહીએ તો, એવું શીખવે છે કે દરેક વ્યક્તિએ તંદુરસ્ત, સમૃદ્ધ અને સુખી હોવું જોઈએ. જેઓ આવા નથી તેઓ ‘રોગિષ્ઠ’ છે, અને આ રોગનો ઉપાય આવી વિપરીત સ્થિતિનો અસ્વીકાર કે ઉપેક્ષા કરવાનો છે. આને માટે દરેક વ્યક્તિએ બધું સારું અને બરાબર છે, એવા વિધેયાત્મક વિચારને પકડી રાખવો જોઈએ. જો તમને માથાનો દુ:ખાવો કનડે છે તો એને ભૂલી જાઓ. તમે તમારી જાતને કહો અને એવું માનવાનો પ્રયત્ન કરો કે તમે તો દિવ્ય મનસ છો, પૂર્ણત: તંદુરસ્ત છો અને તમને કોઈ સમસ્યા છે જ નહીં. માથાનો દુ:ખાવો ક્ષણમાત્રમાં દૂર થઈ જશે.
જો તમે આવું ન કરી શકો તો ‘નૂતન વિચાર’ ના નિષ્ણાતની મદદ લો. એ તમારા વતી આવા વિધેયક વિચારને ઘૂંટશે અને તમે સાજા થઈ જશો. આને ‘નૂતન વિચાર’ હેઠળ સારવાર લીધી એવું કહેવાય. એમાં દરદીએ કશું કરવાનું નથી, માત્ર એના દરદને ભૂલી જવાનો પ્રયત્ન કરવાનો છે અને ઉપરોક્ત સારવારને સાનુકૂળ રહેવાનું છે. પેલી ‘નિષ્ણાત’ વ્યક્તિ શાંત બની રહીને ‘આરોગ્ય’ વિષય ઉપર પોતાના મનને એકાગ્ર કરશે. “તમે દિવ્ય-મનસ છો, દિવ્ય-મનસ રોગમુક્ત છે, તમે રોગમુક્ત છો, તમે પૂર્ણત: નિરોગી છો.”
દરદીને કોઈ પ્રશ્ન પૂછવાના નથી. તેને માત્ર એની મુશ્કેલી વિશે કોઈ વિચાર કે ઉલ્લેખ ન કરવાનું તથા સ્થિર તેમજ શાંત રહેવાનું કહેવામાં આવે છે. અને ખરેખર ડોક્ટરોએ જેમને માટે આશા છોડી દીધી હોય એવા પણ કેટલાક લોકો આ પ્રક્રિયાથી સાજા થયા છે એવું જણાય છે. ક્યારેક તો ચમત્કારિક લાગે એવાં પરિણામ પણ આવ્યાં છે. માત્ર એટલું જ નહીં, પરંતુ પ્રાણીઓ પર પણ સંમોહનવિદ્યા કામ કરતી હોય છે. આપણી સહાનુભૂતિ અને સહાય પ્રાણીમાત્ર પ્રતિ વહે એનાથી રૂડું શું? મને આવી પ્રક્રિયામાં વિશ્વાસ છે કે કેમ એ પ્રશ્ન અત્રે અસ્થાને છે. એવું જણાય છે કે કોઈ પણ ઉપાય, માદળિયાં સિક્કે, વ્યક્તિને ક્વચિત્ સાજી કરી શકે છે. એવી દલીલ પણ અહીં અસ્થાને છે કે આરોગ્ય, ધન અને સમૃદ્ધિ સાથે જોડાયેલ ‘નૂતન વિચાર’નો આ પંથ ભૌતિકવાદની જ એક સુધરેલી આવૃત્તિ છે. કેમ કે અહીં ઈશ્વરને સાધન બનાવી ભૌતિક પ્રાપ્તિઓને સાધ્ય બનાવી દેવાય છે. હું અહીં ‘નૂતન વિચાર’ ની વિધવિધ ધારાઓના ગુણદોષની ચર્ચામાં ઊતરવા માગતો નથી. હું તો માત્ર પ્રારંભની મારી કેટલીક સ્મૃતિઓ અહીં મૂકું છું અને વર્ષો પહેલાં આ સંદર્ભમાં બનેલ એક રમૂજી પ્રસંગ ટાંકવા ઇચ્છું છું.
એક રમૂજી પ્રસંગ
કેલિફોર્નિયામાં ‘નૂતન વિચાર’ ના એક કેન્દ્રમાં બગીચાના એક રખેવાળ ભાઈ હતા. એક વખત ઘણા સમય સુધી વરસાદ પડ્યો નહીં અને બગીચાને પાણી પાવાની સમસ્યા ઊભી થઈ. પરંતુ દુર્ભાગ્યે બગીચાની સીંચાઈ માટે રાખેલી પવનચક્કી બંધ પડી ગઈ. હવે શું કરવું? જો ‘નૂતન વિચાર’ નો અનુયાયી માનવદેહની સમસ્યા માટે ડોક્ટર પાસે ન જતો હોય તો પવનચક્કીના સમારકામ માટે એ મિકેનિક પાસે કેવી રીતે જઈ શકે? દિવ્ય-મનસ તો સર્વશક્તિમાન છે. પવનચક્કીની તો એના દ્વારા જ સારવાર કરાવવી જોઈએ! આ કેન્દ્રના નિવાસીઓ સવારના નાસ્તા માટે બેઠા હતા ત્યારે આ બગીચાના રખેવાળે ત્યાં પ્રવેશ કર્યો અને ખૂબ જ નિર્દોષતાપૂર્વક એમને થોડી ક્ષણો મૌનમાં બેસવા વિનંતી કરી. એણે કહ્યું, ‘ચાલો, આપણે પવનચક્કીની સારવાર કરીએ. પૂરી શાંતિપૂર્વક ઉચ્ચારીએ: બધું જ દિવ્ય-મનસમાં છે. દિવ્ય-મનસમાં કોઈ બગાડો હોઈ શકે નહીં. પવનચક્કી સરસ ચાલે છે અને આપણને પાણી પૂરું પાડવા તૈયાર છે.”
બધા નિવાસીઓ તુરત જ સંમત થયા. મૌન પૂરું થયું અને આપણા આ મિત્રો પૂરા વિશ્વાસપૂર્વક બગીચા તરફ દોડ્યા, પવનચક્કી ચાલુ કરાઈ, પરંતુ અરે! મને કહેતાં ખેદ થાય છે કે તેમના વિશ્વાસને અહીં ક્રૂર ધક્કો લાગ્યો. પવનચક્કીએ થોડાક મંદ પ્રયત્ન કર્યા, ચૂં ચૂં કર્યું અને ધડ કરતી બંધ થઈ. આપણા આ સરળ મનના બગીચાના રખેવાળને પછી તો આ ભયંકર અવહેલનાને પચાવી મિકેનિક પાસે જ જવાની ફરજ પડી!
આ પ્રસંગ પછી થોડા દિવસોમાં જ આ રખેવાળ સજ્જન મારા પરિચયમાં આવ્યા હતા, અને મને શંકા છે કે આ પ્રસંગમાં એમણે જે નિર્દોષતા દર્શાવી હતી એટલા નિર્દોષ ખરેખર તેઓ હતા નહીં! આવી પ્રાસંગિક રમૂજો કરવાનો એમને શોખ હતો એવું પણ પછી મને જણાયું.
ઘોડીને ‘માયા’થી બાંધી
પાછળથી આ જ સજ્જન અમારી સાથે કેલિફોર્નિયાના ‘શાંતિ આશ્રમ’માં રહેવા આવ્યા હતા. ત્યાં અમારે એક ઘોડી હતી, જે આશ્રમના વિશાળ પરિસરમાં રખડ્યા કરતી. જરૂર પડે ત્યારે અમે તેને શોધીને પકડતા, પરંતુ ઘોડીને અમે તેને પકડીએ એ જરાય ગમતું નહીં! ૧૬૦ એકરનો વિસ્તાર ધરાવતા આગળના પરિસરમાં એ દોડ્યા કરતી અને એને પકડવામાં અમારે સારી એવી કસરત થતી. એક દિવસ તો એ વધુ પડતી ચપળ નીવડી અને એ દોરડે બંધાઈ એ પહેલાં અમે દોડી દોડીને સાવ થાકી ગયા. ઉપરોક્ત સજ્જન પણ ઘોડી પાછળ દોડવામાં સામેલ હતા… અમે જ્યારે વિજયી અદામાં એ ઘોડીને દોરડાથી દોરીને તબેલા તરફ લઈ જઈ રહ્યા હતા ત્યારે એમણે સ્વામી તુરીયાનંદજીને બૂમ પાડી: ‘સ્વામી, ઘોડી મુક્ત રહેવા ઇચ્છતી હતી, પરંતુ અમે એને દોરડાથી બાંધી દીધી અને હવે એ ‘માયા’ માં છે!’
માયા શબ્દના આવા પ્રયોગથી સ્વામીને ખૂબ રમૂજ થઈ હતી. એ મુક્તમને હસ્યા અને પછી કહ્યું, ‘હા, મિ. પી., તમે સાચા છો. આપણે ઘોડીને તો ‘માયા’ બાંધી, પરંતુ આપણે હવે માયામાંથી મુક્ત થવાનું છે. સાવચેત! તમારી પણ આ ઘોડી જેવી દશા ન થાય એ જોજો. દોરડું સત્વરે કાપો અને મુક્ત બનો!’
માંહ્યલા રસોયાનું પ્રગટીકરણ
એક બીજા દિવસે સ્વામી અમને અમારી માંહ્યલી દિવ્યતાના પ્રાગટ્ય માટે પ્રયત્ન કરવાનું કહેતા હતા. ત્યાર બાદ તેઓ જ્યારે મિ. પી.ને મળ્યા ત્યારે પૂછ્યું, ‘મિ. પી., તમે શું કરી રહ્યા છો?’ તે સમયે મિ. પી. સાંજનું ખાણું બનાવી રહ્યા હતા. તેમણે તુરત જ ઉત્તર આપ્યો, ‘સ્વામી, હું મારી અંદરની દિવ્યતાને પ્રગટ કરવા ન પામું તો ઓછામાં ઓછું મારી અંદરના રસોયાને પ્રગટ કરવા હાલ પ્રયત્ન કરું છું, અને એમાં પણ મને ભારે મુશ્કેલી પડી રહી છે!’ તો મિ. પી. માટે હાલ આટલું જ.
સ્વામી અભેદાનંદ સાથે પ્રથમ મુલાકાત
સ્વામી અભેદાનંદનું મને અદમ્ય આકર્ષણ થયું અને તેથી હું એમને સાંભળવા પહોંચી ગયો. પછી તો હું એમના રવિવારના વર્ગનો નિયમિત શ્રોતા જ બની રહ્યો. આમ છતાં હું એમને વ્યક્તિગત રીતે તો ઘણા સમય સુધી ન જ મળ્યો. આ બધું મારા માટે એટલું બધું નવું હતું, ચર્ચની વેદી પરથી થતાં પ્રવચનોથી એટલું બધું વધુ સંતોષજનક હતું, અને એના વિશે વધુને વધુ ગાઢ ચિંતન એટલું તો જરૂરી હતું કે મને અજાણ જ રહીને જીવનના પ્રશ્નો વિશેના આ નૂતન અભિગમ સાથે તાલમેલ સાધતા મારી શાંત જિંદગી જીવ્યા કરવાનું વધુ પસંદ પડ્યું. હું આ બધું ધ્યાન દ્વારા આત્મસાત્ કરવામાં વ્યસ્ત બન્યો. ઘરે જે વેદાંતના ગ્રંથોનો હું અભ્યાસ કરતો હતો તેના પૂરક તરીકે આ રવિવારનાં વર્ગો મારે માટે ભારે મદદગાર નીવડ્યા.
પરંતુ એક રવિવારે વર્ગ પૂરો થયા પછી એક બહેન મારી પાસે આવ્યાં. તેઓ કહે, ‘તમે આ વર્ગોમાં નિયમિત આવો છો, અને તેથી કદાચ તમને સ્વામીનો અંગત પરિચય કેળવવો ગમશે. મારા ઘરે સ્વામીનો પ્રશ્નોત્તરીનો વર્ગ છે. સ્વામીને તમને ત્યાં મળવાનું ગમશે. ત્યાં આપણામાંથી થોડા જ લોકો હોય છે, અને અમે દર બુધવારે સાંજે મળીએ છીએ. તમે જરૂર આવો અને સ્વામીને મળો.’ આ સ્નેહાળ નિમંત્રણને મેં સ્વીકારી લીધું અને એ જ અઠવાડિયે હું એમણે આપેલા સરનામે પહોંચી ગયો.
લગભગ વીસ જેટલા મિત્રો ત્યાં હાજર હતા. બેઠકખંડ હૂંફાળો હતો, એક નાનકડા મેજ ઉપર થોડી તસ્વીરો અને પુષ્પો મૂક્યાં હતાં. અગરબત્તીની પવિત્ર ધૂમ્રસેર સર્વત્ર છવાઈ રહી હતી. થોડીક ક્ષણો બાદ સ્વામીએ સંસ્કૃતમાં પ્રાર્થના સાથે બેઠકનો આરંભ કર્યો. મને લાગ્યું કે તે કેટલાક ઉપનિષદોના આરંભે તથા અંતે બોલાતો શાંતિમંત્ર હતો. ॐ सह नाववतु। सह नौ भुनक्तु। सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु। मा विद्विषावहै॥ વગેરે, સર્વ દોષોથી ‘તે’ અમારી રક્ષા કરે! આચાર્ય અને શિષ્ય ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરે! અમે જે અભ્યાસ કરીએ તે સરસ થાય, અમને એ પ્રકાશ પ્રદાન કરે! અમારી વચ્ચે કોઈ દ્વેષ ઊભો ન થાય! ૐ शांति: शांति: शांति: हरि: ૐ! સ્વામી દ્વારા એમના મધુર, ઘેરા કંઠે આ પ્રાચીન પ્રાર્થનાનું ગાન અદ્ભુત અને અસરકારક હતું.
ત્યાર બાદ થોડીક ક્ષણો મૌન રહ્યું. સ્વામી મિલિત નયને બંને હાથ મેળવી સ્થિર, ટટ્ટાર બેઠા હતા. અમે બધાએ એમનું અનુકરણ કર્યું, અને થોડો સમય ધ્યાન કર્યું. પછી એમણે કર્મના સિદ્ધાંત વિશે થોડી વાત કરી અને ત્યાર બાદ અમને પ્રશ્નો પૂછવા નિમંત્રણ આપ્યું. પ્રશ્નો કોઈ એક વિષય પૂરતા મર્યાદિત ન હતા અને કોઈ પણ વિષય પર પૂછી શકાતું હતું.
‘જિસસ યોગી હતા?’
‘હા, નહીં તો એમણે સ્વર્ગમાં સ્થિત એમના પિતા સાથે એકત્વ કેવી રીતે અનુભવ્યું હોત?’
‘ભારતના સંન્યાસીઓ શા માટે પરિભ્રમણ કરતા રહે છે?’
‘કારણ કે તેઓ કોઈ એક પર ભારરૂપ થવા ઇચ્છતા નથી. વળી ઈશ્વર પર પૂર્ણત: આધારિત જીવન જીવવા ઇચ્છે છે!’
‘યોગાભ્યાસ માટે શાકાહારી હોવું જરૂરી છે?’
‘રાજયોગ કરતી વખતે માંસાહાર ન કરવો જોઈએ. અન્ય યોગમાર્ગોમાં પૂર્ણત: શાકાહારી હોવું અનિવાર્ય નથી. પરંતુ ભારતમાં બધા યોગીઓ શાકાહારી હોય છે, લગભગ બધા હિંદુઓ પણ શાકાહારી છે.’
પછી સ્વામીએ હિંદુઓ શા માટે માંસાહાર કરતા નથી એ સમજાવ્યું, અને આમ ચર્ચાના વિષયોમાં વૈવિધ્ય રહ્યું. બેઠક એક કલાકથી વધુ ચાલી. બેઠક પૂરી થઈ એટલે મારી સ્વામી સાથે ઓળખાણ કરાવવામાં આવી. તેમનો વ્યવહાર ખૂબ જ મૈત્રીપૂર્ણ રહ્યો. એમણે મને થોડાક પ્રશ્નો પૂછયાં અને હું ફરીથી આવીશ એવી અપેક્ષા દર્શાવી. મેં એમને એમનાં પ્રવચનો મારા માટે કેટલાં રસપ્રદ તથા મદદગાર રહે છે એ જણાવ્યું. તેઓ ખુશ થયા.
એમણે કહ્યું, “થોડો થોડો અભ્યાસ કરતા રહો, સફળતાની ચાવી ધ્યાનાભ્યાસમાં છે. નિયમિત રીતે અહીં આવો અને તમને કોઈ શંકા થાય કે કોઈ પણ પ્રકારની મદદની જરૂર લાગે તો મારી પાસે નિ:સંકોચ આવતા રહો.” મેં એમનો આભાર માન્યો અને એમ કરવા વચન આપ્યું. અમારી પ્રથમ મુલાકાતનો આ રીતે અંત આવ્યો.
Your Content Goes Here