(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઇનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો સબજેક્ટ રાખવો ‘News for Jyot’ -સં.)

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

‘વિવિધતામાં એકતા – હિંદુ ધર્મની વિશેષતા’ વિષય પર પરિસંવાદનું આયોજન

રામકૃષ્ણ મિશનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે રવિવાર, ૩૦ એપ્રિલના રોજ રાજકોટ ખાતે ‘વિવિધતામાં એકતા – હિંદુ ધર્મની વિશેષતા’ વિષય પર એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયોના ધર્મગુરુઓ તથા મહાનુભાવો દ્વારા પ્રવચનો, પ્રશ્નોત્તરી સત્ર, દ્રશ્ય-શ્રાવ્ય વગેરે સમાવિષ્ટ હતાં. આ પરિસંવાદમાં ૫૫૦ જેટલા ધર્મજિજ્ઞાસુઓ ઉપસ્થિત રહ્યા.

‘વિવિધતામાં એકતા – હિંદુ ધર્મની વિશેષતા’ પરિસંવાદમાં શ્રોતાઓ

‘વિવિધતામાં એકતા – હિંદુ ધર્મની વિશેષતા’ પરિસંવાદમાં વક્તાઓ

પરિસંવાદમાં વલ્લભાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહારાજ (પુષ્ટિમાર્ગ); મોટા મંદિર, સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ, લીંબડીથી મહામંડલેશ્વર મહંત શ્રી લલિત કિશોર શરણજી મહારાજ (દ્વૈતાદ્વૈત વાદ); સ્વામી શ્રી નિર્દોષાનંદ સેવા સાધના આશ્રમ, સુરતથી સ્વામી ભોલાનંદ સરસ્વતીજી (શૈવ ઉપાસના); સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ, શ્રી જ્યોતિર્નાથ બાવાજી (નાથ સંપ્રદાય); બ્રહ્માકુમારીના રાજયોગ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સિનિયર રાજયોગ ટ્રેનર અને વાઇસ ચેરપર્સન બ્રહ્માકુમારી શીલુ બહેન; ઇસ્કોન મંદિર, રાજકોટના સેક્રેટરી શ્રી અનિકેતન દાસજી; પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજન્સના એમ્બેસેડર ડો. જયેશ શાહ; ચિન્મય મિશન, વડોદરાના મુખ્ય સંચાલક સ્વામી દેવેશાનંદજી અને રામકૃષ્ણ મિશન આશ્રમ, કાનપુરના સચિવ સ્વામી આત્મશ્રદ્ધાનંદજીએ પોતાના સંપ્રદાય અથવા વિચારધારા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા અને હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયો વચ્ચે એકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો. રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા સ્વાગત પ્રવચન તથા આભારવિધિ કરવામાં આવી. સહુ વકતાઓએ પરિસંવાદમાં વિવિધ સંપ્રદાયોને હિંદુ ધર્મનું વૈવિધ્ય અને સમૃદ્ધિ ગણાવી તથા આ કાર્યક્રમના આયોજનને ખૂબ આવકાર્યું.

‘વિવિધતામાં એકતા – હિંદુ ધર્મની વિશેષતા’ પરિસંવાદમાં દીપપ્રાગટ્ય

વિવેકાનંદ સંસ્કાર શિબિર અંતર્ગત સમર કેમ્પનું આયોજન

દર વર્ષની જેમ આ વર્ષે રાજકોટ આશ્રમ દ્વારા ૧ થી ૧૫ મે દરમિયાન ધો. ૩ થી ૮નાં બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૨૭૩ બાળકોએ ભાગ લીધો. કેમ્પમાં બાળકોને વેદપાઠ, ગીતાપાઠ, વિષ્ણુસહસ્ત્રનામ, સ્વામી વિવેકાનંદ દ્વારા શીખવવામાં આવેલ મૂલ્યો પર ચિંતન, દ્રશ્ય-શ્રાવ્ય, આર્ટ એન્ડ ક્રાફ્ટ, પેઇન્ટિંગ, વિવિધ રમતો, નિબંધલેખન, સંવાદ અને ચર્ચા વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. કેમ્પ દરમ્યાન ચેતન કમાન્ડો ફોર્સ, ગાંધીનગરના ડી.વાય.એસ.પી. શ્રી પી.જી. ધારૈયા સાહેબે બાળકો સાથે સફળતા સંબંધે તથા પોલીસદળના કાર્ય સંબંધે ચર્ચા કરી. તથા ડો. સમીર મારવાણિયા (બી.ડી.એસ) અને ડો. પૂજા ભીંડોરા (એમ.ડી., સ્કીન) દ્વારા સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન અપાયું. ૧૫ મે ના રોજ સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં બાળકોએ વિવિધ નાટકો, દેશભક્તિગીતો, યોગાસન, વગેરે પ્રસ્તુત કર્યાં તથા વાલીઓએ સમર કેમ્પ અંગેનાં પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં. અંતમાં બાળકોને એજ્યુકેશન કીટ તથા સ્વામી વિવેકાનંદનાં પુસ્તક ભેટ આપવામાં આવ્યાં.

વિવેકાનંદ સંસ્કાર શિબિર અંતર્ગત સમર કેમ્પ

‘બાળકોના ઘડવૈયા માતા-પિતા’ વિષય પર સેમિનાર

રાજકોટ આશ્રમ દ્વારા રવિવાર, તા. ૭ મે ના રોજ સમર કેમ્પમાં જોડાયેલ બાળકોના વાલીઓ માટે ‘બાળકોના ઘડવૈયા માતા-પિતા’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. સેમિનારમાં લગભગ ૨૫૦ જેટલા માતા-પિતાએ ભાગ લીધો. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા માતા-પિતાને બાળકોના ચરિત્ર નિર્માણ પર ધ્યાન આપવા માટે માર્ગદર્શન આપ્યું. સેમિનારના અંતે તેઓને પુસ્તકો ભેટરૂપે આપવામાં આવ્યાં.

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર

આશ્રમ પરિસરમાં 12 મેના રોજ યોજાયેલ નિ:શુલ્ક નેત્રશિબિરમાં 28 દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી. વીરનગરની શિવાનંદ આંખની હોસ્પિટલમાં જરૂરતમંદ 9 દર્દીઓનાં મોતિયાનાં ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યાં.

Total Views: 164

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.