(આદરણીય વાચકો, આપને મૂંઝવતા પ્રશ્નો આપ srkjyot@gmail.com પર ઇ-મેઇલ કરી શકો છો. ઇ-મેઇલનો વિષય My Question રાખવાનો રહેશે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા અપાયેલ પ્રશ્નોનો ઉકેલ અહીં છાપવામાં આવશે. – સં.)
પ્રશ્ન: માતા-પિતા ખીજાય એ ન ગમે, ત્યારે એમ થાય હવે જીવવું નથી. ટૂંકમાં, નેગેટિવ વિચારો આવે. આવા વિચારો દૂર કેમ કરવા?
ઉત્તર: પહેલી વાત તો એ કે તમારે નેગેટિવ વિચારો ન કરવા. ૮૪ લાખ યોનિમાં માત્ર મનુષ્ય યોનિમાં જ ઈશ્વરપ્રાપ્તિ થઈ શકે. અને અનંત સુખ, અનંત જ્ઞાન અને અનંત આનંદ પ્રાપ્ત કરી શકાય. મર્યા પછી ફરી મનુષ્ય યોનિ મળશે કે નહિ તેનો કોઈ ભરોસો નથી. આપણાં શાસ્ત્રો કહે છે કે આત્મહત્યા કર્યા પછી પ્રેતયોનિ મળે છે. એટલે આત્મહત્યાનો વિચાર ન કરવો.
ઉપાય માટે એક સલાહ છે. કોઈ એવા ઓળખીતા હોય, જેમના પર તમને ભરોસો હોય તેને તમારી વાત કરો. એ તમારાં માતા-પિતાને સમજાવશે. તમે પણ તેમની પાસે જઈ માફી માગો કે જે ભૂલ થઈ છે તે હવે ફરીથી નહિ થાય એ તમને માફ કરી દે.
જો કંઈ ન થઈ શકે તો ઈશ્વરને ખરા દિલથી પ્રાર્થના કરો. ઈશ્વર તમને રસ્તો બતાવશે. તમારાં માતા-પિતાનો ગુસ્સો ભૂલાવી દેશે.
પ્રશ્ન: ધ્યેય નક્કી ન થતું હોય તો શું કરવું?
ઉત્તર: ધ્યેય બે પ્રકારનાં છે. ૧. અસ્થાયી અને ૨. કાયમી. મારે ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, એ અસ્થાયી ધ્યેય છે. જ્યારે કાયમી ધ્યેય છે અંતરની દિવ્યતાને અભિવ્યક્ત કરવી, ઈશ્વરપ્રાપ્તિ કરવી, અનંત સુખ; અનંત જ્ઞાન અને અનંત આનંદ પ્રાપ્ત કરવા. યોગ્ય ધ્યેય નિશ્ચિત કરવા માટે વડીલો અને મિત્રો પાસેથી માર્ગદર્શન લો.
પ્રશ્ન: રામકૃષ્ણ મિશનનું જે ચિહ્ન છે તેનો શો અર્થ છે?
ઉત્તર: આ ચિહ્ન સ્વામી વિવેકાનંદે તૈયાર કર્યું છે. જેમાં સાપ, જળની લહેરો, કમળનું ફૂલ, સૂર્ય અને હંસ છે. સાપ કુંડલિની શક્તિનું પ્રતીક છે. મૂલાધાર(નીચે)થી સહસ્રાર(મસ્તક) સુધી સર્પાકારે જતી કુંડલિની શક્તિ એટલે રાજ્યોગ (ધ્યાન). જળની લહેરો કર્મયોગનું પ્રતીક છે. કમળનું ફૂલ પ્રેમનું પ્રતીક છે. (ભક્તિયોગ) સૂર્ય જ્ઞાનનું પ્રતીક છે. (જ્ઞાનયોગ). અને હંસ પરમહંસનું પ્રતીક છે. નીચે લખ્યું છે “તન્નો હંસ: પ્રચોદયાત્” એટલે કે આવી રીતે, ચારેય યોગોના સમન્વય થકી પરમાત્માનાં દર્શન થાય.
રાજયોગ – સવાર-સાંજ ધ્યાન કરવું,
ભક્તિયોગ – સવાર-સાંજ પ્રાર્થના કરવી,
જ્ઞાનયોગ – સવાર-સાંજ સારાં પુસ્તકો વાંચવા
કર્મયોગ – નિ:સ્વાર્થ સેવા કરવી.
One Comment
Leave A Comment
Your Content Goes Here
સરસ ઊર્જા મળે છે, જય ઠાકુર