પરમાત્મા પ્રત્યે પ્રેમ ખાતર જ પ્રેમ રાખવો એ જ વધારે સારું છે
આ જીવનમાં કે પછીના જીવનમાં કોઈ બદલો મળે માટે પરમાત્મા પ્રત્યે પ્રેમ ખાતર જ પ્રેમ રાખવો એ સારું છે, પણ પરમાત્મા પ્રત્યે પ્રેમ ખાતર જ પ્રેમ રાખવો એ વળી વધારે સારું છે અને એથી આ રીતે પ્રાર્થના કરવામાં આવે છેઃ ‘હે ઈશ્વર! મારે સંપત્તિ, સંતાન કે વિદ્યાની ઇચ્છા નથી. જો તારી ઇચ્છા હશે તો હું એક જન્મમાંથી બીજા જન્મમાં ભમીશ, પણ મને આટલું વરદાન જરૂર આપ કે હું તને કોઈ પણ બદલાની આશા રાખ્યા વગર, નિઃસ્વાર્થ પ્રેમથી, પ્રેમને ખાતર પ્રેમથી ચાહું.’
શ્રીકૃષ્ણના એક શિષ્ય, એ વખતના ભારતના એક સમ્રાટ યુધિષ્ઠિરને એમના દુશ્મનોએ રાજ્યમાંથી હાંકી કાઢ્યા હતા. એમને હિમાલયના વનમાં રાણી સાથે આશ્રય લેવો પડેલો. આ રાજર્ષિને એક વાર રાણીએ પૂછ્યુંઃ ‘મહારાજ! આપના જેવા ઉત્તમ સદાચારી પુરુષને આટલું બધું દુઃખ શા માટે સહન કરવું પડે?’
યુધિષ્ઠિરે જવાબ આપ્યો, ‘જુઓ, મહારાણી! આ હિમાલય કેવો ભવ્ય અને સુંદર છે! મને તેના પર પ્રેમ છે. આ હિમાલય મને કશું આપતો નથી; પણ મારી પ્રકૃતિ ભવ્ય અને સુંદર પ્રત્યે પ્રેમ કરવાની છે અને તેથી મને તેના પ્રત્યે પ્રેમ છે. એ જ રીતે હું પરમાત્માને પ્રેમ કરું છું. ભવ્યતાનું અને સૌંદર્યનું એ ધામ છે, મારી પ્રકૃતિ ‘એને’ પ્રેમ કરવાની છે, માટે હું ‘એને’ પ્રેમ કરું છું. હું કોઈ બદલાની આશાથી એની પ્રાર્થના કરતો નથી; હું કોઈ વસ્તુ માગતો નથી. ‘એને’ ગમે ત્યાં મને ‘એ’ રાખે. હું તો ‘એના’ પ્રત્યે પ્રેમ ખાતર પ્રેમ કરીશ; મારે પ્રેમનો વેપાર કરવો નથી.’
(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૧.૧૩)
ભેદભાવ શા માટે?
હું તમારી સમક્ષ એક નાનકડી વાર્તા રજૂ કરું છું. હમણાં જ એક છટાદાર વક્તાને બોલતા તમે સહુએ સાંભળ્યા. એમણે કહ્યું, ‘એકબીજાને ગાળો દેતાં આપણે અટકવું જોઈએ.’ આટલો બધો ભેદભાવ હંમેશાં રહેતો હોય છે, તેથી તેમને દુઃખ થયું.
આ અંગે મને લાગે છે કે એ ભેદભાવનું કારણ બતાવતી એક વાર્તા મારે તમને કહેવી જોઈએ. એક દેડકો હતો. ઘણા વખતથી એ કૂવામાં રહેતો હતો. એ ત્યાં જ જન્મ્યો હતો, ને ત્યાં જ ઊછર્યો હતો; અને એમ છતાં એ એક નાનકડો દેડકો જ હતો. અલબત્ત, એ સમયે દેડકાએ આંખો ગુમાવી દીધી હતી કે કેમ, તે કહેવાને ઉત્ક્રાંતિવાદીઓ હાજર ન હતા; પણ આપણી આ કથા પૂરતું આપણે એમ કહીએ કે, એને આંખો હતી. વળી અત્યારના જંતુશાસ્ત્રીને માત કરે એવી શક્તિ વડે, આ દેડકો કૂવામાંનાં જીવ-જંતુઓનો નાશ કરી ત્યાંના પાણીને સ્વચ્છ રાખતો હતો, એમ પણ આપણે માની લઈએ. આમ દેડકાનું જીવન વહ્યું જતું હતું. પરિણામે શરીરે એ જરા સુંવાળો અને સ્થૂળ બન્યો. પછી એવું બન્યું કે, એક દિવસે સાગરમાં રહેતો બીજો એક દેડકો એ કૂવામાં આવી પડ્યો.
પેલાએ તેને પૂછ્યુંઃ ‘તમે ક્યાંથી આવો છો?’
‘હું સાગરમાંથી આવું છું.’
‘સાગરમાંથી? સાગર વળી કેવડો મોટો હશે? શું એ આ કૂવા જેટલો મોટો છે ખરો?’ આમ કહીને પેલા કૂવામાંના દેડકાએ કૂવાની એક બાજુએથી બીજી બાજુ સુધી કૂદકો માર્યો.
સાગરના દેડકાએ જવાબમાં કહ્યું, ‘મિત્ર! સાગરને શું તમે તમારા નાનકડા કૂવા સાથે સરખાવો છો?’
પેલા કૂવામાંના દેડકાએ બીજો કૂદકો માર્યો અને પૂછ્યું, ‘ત્યારે તમારો સાગર આવડો મોટો છે?’
‘તમે કેવી મૂર્ખાઈભરી વાત કરી રહ્યા છો. સાગરને તે વળી કૂવા સાથે સરખાવાતો હશે?’
કૂવામાંના દેડકાએ કહ્યું, ‘સમજ્યા હવે! મારા કૂવા કરતાં કશું મોટું ન હોઈ શકે; આ કૂવા કરતાં બીજું કશું વધારે વિશાળ હોઈ ન શકે, આ સાગરનો દેડકો જુઠ્ઠાબોલો છે; એને તગડી મૂકવો જોઈએ.’
અત્યાર સુધી આપણી આ જ મુશ્કેલી રહેલી છે.
હું હિંદુ છું; મારા નાના કૂવામાં બેસી હું એમ વિચારું છું કે, સમગ્ર જગત આ મારા નાના કૂવામાં સમાઈ જાય છે. ખ્રિસ્તી ધર્મનો અનુયાયી એના નાના કૂવામાં બેસી રહે છે અને સમગ્ર જગત એના કૂવામાં સમાઈ જાય છે એમ માને છે. ઇસ્લામનો અનુયાયી એના નાના કૂવામાં બેસી રહે છે અને એને જ સમગ્ર જગત માને છે. આપણા આ નાના જગતની ભેદભાવની દીવાલો તોડવાનો મહાપ્રયત્ન કરી રહેલા અમેરિકન બંધુઓ! તમારો સહુનો હું આભાર માનું છું. તમારા મનનો હેતુ પરિપૂર્ણ કરવામાં પરમેશ્વર તમને ભવિષ્યમાં સહાયભૂત થાય, એવી હું શ્રદ્ધા સેવું છું.
(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૧.૪)
Your Content Goes Here