બીજા સ્વામીઓની માફક સ્વામી અભેદાનંદ એમના શિષ્યો સાથે મુક્ત રીતે ભળતા નહીં. જો કે શિષ્યો એમને મળીને અનૌપચારિક ચર્ચા કરી શકે એ માટે તેઓ ખાસ બેઠકો તો યોજતા અને દરેક સપ્તાહમાં એમને મળીને વ્યક્તિગત પ્રશ્નોની ચર્ચા માટે એક કલાક ફાળવતા. પરંતુ પ્રકૃતિના તેઓ થોડા અતડા હતા અને વ્યક્તિગત સ્તરે એમને સહેલાઈથી મળવાનું શક્ય ન બનતું. સ્વામીને કોઈની ખલેેલ વિના એકલા રહેવાનું અમુક હદે પસંદ હતું, અને તે એમના માટે કદાચ યોગ્ય અને જરૂરી પણ હતું. પોતાનાં કામમાં તેઓ એમનું હૃદય રેડી દેતા અને એમના સંભાળપૂર્વક તૈયાર કરેલાં પ્રવચનો માટે કોઈ બાહ્ય ખલેલ વિના કલાકોના અભ્યાસની એમને જરૂર પડતી. પરંતુ જો કોઈ સહાય માટે એમની પાસે આવે તો એને એમની સત્વર સહાય, સહાનુભૂતિ અને પ્રોત્સાહન તો સદા મળી જ રહેતાં.

હું સ્વામીને એમના અંગત ખંડમાં ભાગ્યે જ મળતો. છતાં વખતોવખત એમની સાથે ખૂબ જ આત્મીય અને અંગત ચર્ચાઓ થતી અને ત્યારે હમેશાં મને એમનું અતિ મૂલ્યવાન માર્ગદર્શન મળી રહેતું.

વયની દૃષ્ટિએ અમારી વચ્ચે બહુ તફાવત ન હતો. સ્વામી મારાથી ૫-૬ વર્ષથી વધુ મોટા નહીં હોય. પરંતુ હું એમનામાં એક જ્ઞાની, સ્નેહાળ પિતૃત્વનાં દર્શન કરતો, જે મારી મથામણો અને મુશ્કેલીઓને સહજતાથી સમજી માર્ગદર્શક બની રહેતા. મને લાગતું કે મને પણ તેઓ પુત્રની જેમ જ ચાહે છે. જે પ્રાપ્ત કરવા હું મથતો હતો એ જેમણે પ્રાપ્ત કરી લીધું છે એવા એક આચાર્યને પ્રાપ્ત કરીને મને ખૂબ જ આનંદ થયો. શ્રીરામકૃષ્ણના સાક્ષાત્‌ શિષ્યનું માર્ગદર્શન મને મળ્યું એ માટે મેં ભારે કૃતજ્ઞતાનો અનુભવ કર્યો. હું જ્યારે સ્વામીની સાથે હસ્તધૂનન કરતો ત્યારે ક્યારેક મને વિચાર આવતો: ‘જેણે શ્રીરામકૃષ્ણ જેવા મહાત્માની સેવા કરી છે એના હસ્તને હું અત્યારે સ્પર્શી રહ્યો છું.’

મને કોઈ અન્ય વ્યક્તિ આપણને અધ્યાત્મ માર્ગમાં ખરેખર મદદ કરી શકે કે કેમ તે વિશે ઘણી વખત શંકા થઈ છે. એવું લાગે કે અધ્યાત્મનો વિકાસ તો આપણા પોતાના પ્રયત્ન પર જ આધારિત છે અને જરૂરી મદદ તો અંદરથી જ મળી રહે છે. પરંતુ સ્વામીને જાણ્યા પછીનાં મારાં અનેક વર્ષો વિશે જ્યારે હું વિચાર કરું છું ત્યારે મારે એ કબૂલ કરવું જ જોઈએ કે લગભગ કાયમ આપણને ગુરુના માર્ગદર્શનની જરૂર રહેતી જ હોય છે. ધ્યેય માટેનું આપણું હૃદયપૂર્વકનું સમર્પણ અને એ માટે યોગ્ય પુરુષાર્થ વિના કોઈ સહાય કામ ન કરી શકે એ ખરું, પરંતુ ગુરુ આપણને સાચો માર્ગ દર્શાવી દે છે. એ આપણાં જ્ઞાનચક્ષુનો ઉઘાડ કરે છે, સાચી દિશામાં આપણને દોરે છે તથા સલાહ તેમ જ પ્રોત્સાહન દ્વારા આપણા પ્રયત્નોમાં બળ પૂરે છે. જ્યારે ગુરુ અને શિષ્ય વચ્ચે સરસ અને સુખદ સંબંધ બંધાય છે ત્યારે અધ્યાત્મ-વિકાસનો માર્ગ પ્રશસ્ત બને છે. સનાતન ધર્મનાં શાસ્ત્રો જ્ઞાની પુરુષોના સંગ માટે એટલે તો આટલો ભાર મૂકે છે તથા શિષ્યને એના ગુરુ પ્રતિ પ્રેમ અને ભક્તિ કેળવવા તથા શક્ય હોય તો એની સેવા કરવા માટે પ્રેરે છે. ગીતા કહે છે ને: ‘એ જ્ઞાનને તું તત્ત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે; એમને પ્રણિપાત કરીને, એમને કપટ રહિત સરળ ભાવે પ્રશ્નો કરવાથી તથા સેવા કરવાથી તેઓ તને એ તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપશે.’ (૪.૩૪)

આપણી અંદર જ છૂપાયેલા પરમ તત્ત્વને ઊંડા ઊતરીને શોધવાનું તો આપણે જ છે, પરંતુ કેવી રીતે અને ક્યાં એની શોધ કરવી એનું માર્ગદર્શન તો અનિવાર્ય બની રહે છે. આવા માર્ગદર્શન વિના રસ્તો મળવો તથા રસ્તા પર આગળ વધવું બંને ભારે મુશ્કેલ બની રહે છે. ઉપનિષદ કહે છે, ‘આ પ્રાચીન, સૂક્ષ્મ પથ છૂરાની ધાર જેવો તીક્ષ્ણ, પસાર કરવો ભારે મુશ્કેલ છે.’ આ સત્ય કોઈનાથી પણ નકારી શકાય એમ નથી. માટે ઋષિએ ઉમેર્યું: ‘ઊઠો! જાગો! મહાત્માઓને શોધી આ જ્ઞાન પ્રાપ્ત કરો.’ આવું હોવાથી જેમણે આ માર્ગ માટે આપણા પ્રતિ હાથ લંબાવ્યો એમના માટે આપણને પ્રેમ અને ભક્તિ કેમ ન ઉદ્‌ભવે? તેમણે આપણા માટે જે કર્યું એનું ઋણ કદી ચૂકવી શકાય ખરું?

સમય જતાં હું મારા સહાધ્યાયીઓના પરિચયમાં આવ્યો, જેમાંથી કેટલાક તો મારા નજીકના મિત્રો બની રહ્યા. જ્ઞાન તથા સાક્ષાત્કાર માટે હૃદયપૂર્વક, ઉત્સાહપૂર્ણ પ્રયત્નોના એ સુખી દિવસો અવિસ્મરણીય હતા. એટલું બધું તો શીખવાનું, વાંચવાનું, ચર્ચવાનું હતું! આ જાણે કે નૂતન જીવનમાં પ્રવેશ હતો. એક તત્પર જીવન, વિચાર અને અસ્તિત્વના સાવ નવા પ્રદેશમાં પ્રવેશ હતો. દરેક માહિતી, દરેક નવું પુસ્તક કે છબી અમારા માટે નક્કર સુખ અને પ્રેરણાનાં સ્રોત બની રહેતાં.

અમે શ્રીરામકૃષ્ણ વિશે પણ સાંભળ્યું—એમનો સંઘર્ષ, ‘મા’ માટેનું એમનું રુદન, ‘મા’નાં દર્શન માટે ખોરાક, નિદ્રા અને દેહભાન ભૂલીને રાત-દિવસ પ્રાર્થના અને અંતે કેવી રીતે એમણે આ સંઘર્ષ જીત્યો અને ‘મા’નાં અદ્‌ભુત દર્શન થયાં, આ બધું અમે જાણ્યું. આ પવિત્ર અને પૂર્ણ જીવન વિશે જાણવાથી અમને જે પ્રેરણા પ્રાપ્ત થઈ એ શબ્દોમાં મૂકવાનું શક્ય નથી. અને પછી જેમને અમે હજુ મળી શક્યા ન હતા એ શ્રીરામકૃષ્ણના સૌથી મહાન શિષ્ય સ્વામી વિવેકાનંદની વાત અમે સાંભળી. અધ્યાત્મની શોધમાં વ્યાકુળ આ કિશોર એક દિવસ દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણના ઓરડામાં ધસી આવ્યો અને લાગલો આ ચોંકાવનારો પ્રશ્ન પૂછી લીધો: ‘તમે ઈશ્વરને જોયો છે?’ અને ગુરુનો ઉત્તર: ‘હા, મેં ઈશ્વરને જોયો છે અને હું તને એ માર્ગે દોરી જઈશ, જેથી તું પણ એને જોઈ શકે.’ આવી અદ્‌ભુત, આવી પ્રેરક ઘટનાઓ જેમણે અમને કહી એમના શબ્દોને અમે જાણે કે પી જઈએ તો એમાં નવાઈ ખરી? અમારી અધ્યાત્મ-ખોજમાં બળ અને ગતિ પ્રેરનાર વ્યક્તિના અમે સદા ઋણી બની રહીએ એમાં કશું આશ્ચર્યજનક ખરું? આ પ્રારંભના દિવસોમાં સ્વામી અભેદાનંદ પાસેથી અમને જે મળ્યું એ માટે એમના પ્રતિ મારી કૃતજ્ઞતાને હું કદી ભૂલું નહીં એ જ મારી પ્રાર્થના રહી છે.

હું હવે વેદાંતનો સાચો વિદ્યાર્થી બની રહ્યો હતો. બાહ્ય દૃષ્ટિએ તો મારું જીવન સાવ સરળ રીતે વહી રહ્યું હતું. મારા વ્યવસાયમાં મારે ખાસ શ્રમ કરવો પડતો ન હતો અને તેથી વેદાંતના અભ્યાસ માટે મને ઘણો સમય મળી રહેતો. ઘણો બધો સમય હું વેદાંતના કેન્દ્રમાં ગાળતો જ્યાં મને સ્વામી અભેદાનંદના નજીકના પરિચયમાં આવવાની તક મળી રહેતી. કેન્દ્રની પ્રવૃત્તિમાં પણ હું બને એટલા મદદરૂપ થવાનો પ્રયત્ન કરતો. સ્વામીના એક પણ પ્રવચન કે વર્ગ હું ગેરહાજર નહોતો રહ્યો. જ્યારે મને કોઈ શંકા કે મુશ્કેલી હોય ત્યારે હું સ્વામી પાસે મદદ માટે જઈ પહોંચતો. મને આવા દરેક સમયે સ્વામી સદાયે કેટલા ધીરજપૂર્ણ અને માયાળુ બની રહેતા!

સ્વામી અભેદાનંદે અમને કેવી રીતે ધ્યાન કરવું તથા પ્રાર્થના કરવી એ શીખવ્યું. ‘અસત્યોમાંથી સત્ય પ્રતિ અમને દોરી જા, અંધકારમાંથી પ્રકાશમાં, મૃત્યુમાંથી અમૃતત્વ પ્રતિ અમને દોરી જા. ઓ! અજ્ઞાનવિનાશક પરમાત્મા અમને દર્શન દેે. સદાયે તારી કૃપા અમારું રક્ષણ કરે તથા તે દ્વારા અમે દિવ્ય આત્મસ્વરૂપ છીએ એ અમને સદા યાદ રહે.’

કેવી અદ્‌ભુત આ પ્રાર્થના છે! સહુ પ્રથમ કોણે, ક્યાં અને ક્યારે આ પ્રાર્થનાનું ઉચ્ચારણ કર્યું હશે? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા આપણે સદીઓ પહેલાંના ભારતના ઇતિહાસને જોવો પડશે. શું ગંગાના કિનારે કોઈ ધ્યાનમગ્ન ઋષિના હૃદયમાં આ પ્રાર્થનાનો પ્રથમ ઉદય થયો હશે? મને લાગે છે કે આ પ્રાર્થનાનો સહુ પ્રથમ ઉલ્લેખ પ્રાચીનતમ ઉપનિષદોમાંના એક બૃહદારણ્યક ઉપનિષદમાં કદાચ મળે છે. અને ત્યાર બાદ ૩૦૦૦ થી વધુ વર્ષોથી હિંદુઓના હૃદયમાં તેમ જ કંઠે આ પ્રાર્થના ગુંજતી રહી છે… અને હવે અંતે આ પ્રાચીન પ્રાર્થના પશ્ચિમમાં અમારી સમક્ષ પ્રગટ થઈ.

જો આપણે હૃદયના ઊંડાણથી પોકારી શકીએઃ ‘અમને સત્ય પ્રતિ દોરી જા, અમને અમૃત્વ પ્રદાન કર, અમે આત્મસ્વરૂપ છીએ એ અમને સદા યાદ રહે.’ અને પછી જો આપણને આ પ્રાર્થનાનો થોડોક, અસ્પષ્ટ જેવો પણ પ્રતિભાવ મળે તો કેવી અનિર્વચનીય કૃપાની અનુભૂતિ થઈ રહે! ઈશ્વરે એમના પ્રેમી ભક્તો માટે જે રાખ્યું છે એને દુન્યવી માનવી તો સાંભળી પણ ન શકે, જોઈ પણ ન શકે!

સ્વામી કહેતા, ‘જ્યારે તમે ધ્યાનમાં બેસો, ત્યારે પ્રથમ તો વિશ્વના મહાન ગુરુઓનું સ્મરણ કરો, એમણે આપણને સર્વોચ્ચ સત્યની સર્વોત્તમ ભેટ ધરી છે. પછી બધા ગુરુઓમાં શ્રેષ્ઠ જગદ્‌ગુરુને યાદ કરો, એના વિશ્વાસુ સેવક બની રહેવાનો સંકલ્પ કરો. પ્રાણીમાત્ર પ્રતિ પ્રેમ વહાવો, સર્વે સુખી, શાંતિપૂર્ણ અને કલ્યાણને પ્રાપ્ત કરે એવી પ્રાર્થના કરો. પછી તમારા શરીર વિશે વિચારો. યાદ રાખો, આ શરીર આત્માના સાધન સમાન છે. આપણે એને મજબૂત અને આરોગ્યપૂર્ણ રાખવું જોઈએ, જેથી એ ઉપયોગી સાધન બની રહે. આ દેહ દ્વારા આપણું દિવ્ય સ્વરૂપ પ્રગટ થઈ રહે એ માટે આપણે એના પર પૂરું નિયંત્રણ પ્રાપ્ત કરવું પડશે. ધીમા, નિયમિત શ્વાસ લો. એવી કલ્પના કરો કે જ્યારે તમે ઉચ્છ્‌વાસ મૂકો છો ત્યારે તમારામાં જે કંઈ દુષ્ટતા, નિર્બળતા અને અનિચ્છનીય છે એ બહાર નીકળી રહ્યું છે. વળી, દરેક શ્વાસ લેતા તમારુંં દિવ્ય સ્વરૂપ તમારામાં પ્રવેશી રહ્યું છે એવી ભાવના કરો, અને પછી તમારા માંહ્યલામાં રહેલા પરમતત્ત્વનું ધ્યાન કરો. તમે અનંત, આનંદપૂર્ણ સત્ય સાથે એકરૂપ છો એવું અનુભવવા સજાગ પ્રયત્ન કરો.’ સ્વામી પાસેથી પ્રાપ્ત કરેલા કેટલાક અમૂલ્ય પાઠોમાં આ બધાનો સમાવેશ થાય છે.

બાહ્ય રીતે તો મારું જીવન સાવ સરળ અને ઉત્તેજનારહિત હતું, પરંતુ આંતરિક દૃષ્ટિએ મહાન પ્રવૃત્તિ સંચરતી રહી, એવી પ્રવૃત્તિ જે દ્વારા આરામ, શાંતિ અને સુખની જ અનુભૂતિ થતી રહે. વેદાંતના એક-બે સહાધ્યાયીઓની મુલાકાતે હું જતો અને મોડી રાત સુધી અમે વાતો કરતા રહેતા. ઘણી વખત રજાના દિવસોમાં હું મારી સાઇકલ લઈને નીકળી પડતો અને ખિસ્સામાં સ્વામીજીનું એકાદું પુસ્તક લઈ જંગલ કે દરિયાકિનારે કોઈ એકાંત સ્થાને પહોંચી જતો. પછી ત્યાં આખો દિવસ મારું વાંચન અને ધ્યાન ચાલતાં.

ક્યારેક સ્વામીના પૂરી નિષ્ઠાવાળા શિષ્યોમાંથી એકાદ—જે સ્વામી વિવેકાનંદ દ્વારા દીક્ષિત બ્રહ્મચારી હતો—મારી સાથે આવતો. એના સંગાથનું મને ખૂબ જ મૂલ્ય હતું, કેમ કે એ સ્વામીજી વિશે મને બધી જ વાત કરતો. એ ખૂબ જ ભક્તહૃદય હતો. એનો નાનકડો ઓરડો જાણે કે એક મંદિર જ હતું. દીવાલો પર સ્વામીઓના ફોટોગ્રાફ, મીણબત્તીઓ અને અગરબત્તી ગોઠવાયેલાં રહેતાં. એ મંત્રગાન બહુ જ સરસ રીતે કરી શકતો. હું એને ત્યાં ઘણા કલાકો ગાળતો. અમે વાતો કરતા, સાથે વાંચન કરતા અને ધ્યાનમાં બેસતા. વળી ક્યારેક અમે ત્રણેક મિત્રો સહપ્રવાસે નીકળી પડતા.

Total Views: 491

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.