(15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ ઉપલક્ષે સ્વામી વિવેકાનંદના ભારતની ભવ્યતા અને સાચી સ્વતંત્રતા શીખવતા સુવિચારો આપની સમક્ષ પ્રસ્તુત છે. આ સંકલન ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’માંથી કરવામાં આવેલ છે. કૌંસમાં આપેલ આંકડા ગ્રંથ અને પૃષ્ઠ સંખ્યા સૂચિત કરે છે. – સં.)
મનુષ્યની ઇચ્છાશક્તિ બધા સંજોગોથી પર થઈને રહે છે. એની પાસે – માણસની અંદર રહેલી બળવાન, રાક્ષસી, અનંત ઇચ્છાશક્તિ તથા સ્વાતંત્ર્યની પાસે બધી શક્તિઓ, પ્રકૃતિની સુદ્ધાં, નીચે નમી પડે, તાબે થઈ જાય, તેની ગુલામ બની જ જાય. કર્મના નિયમનું આ ફળ છે. (4.25)
જ્યારે આપણે જાણી જઈએ કે આપણે ઈશ્વર સાથે એક છીએ, આપણે અને ઈશ્વર મિત્રો છીએ, ત્યારે સમાનતા અને સ્વાતંત્ર્ય આવે છે. જ્યાં સુધી તમે પોતાને આ સનાતન પુરુષથી એક વાળ જેટલાય જુદા ગણશો ત્યાં સુધી ભય જઈ શકશે નહીં. (3.274)
વિશ્વમાં હિંદુ ધર્મનો પ્રસાર
…જગતના ઇતિહાસમાં જ્યારે જ્યારે એક વિજયી પ્રજા નીકળી આવી છે અને દુનિયાના જુદા જુદા વિભાગોને તેણે સાંકળી લીધા છે, ત્યારે ત્યારે એ માર્ગો દ્વારા ભારતની વિચારધારા વહેવા લાગી છે અને એ રીતે દરેક પ્રજાની શિરાઓમાં તેણે પ્રવેશ કર્યો છે. રોજબરોજ એવાં પ્રમાણો એકઠાં થતાં આવે છે કે બૌદ્ધોની ઉત્પત્તિ થઈ તેની પહેલાં જ ભારતીય વિચારધારા વિશ્વભરમાં પ્રવેશ કરી ચૂકી હતી. બૌદ્ધ ધર્મની પૂર્વે જ ચીન, ઈરાન અને પૂર્વીય આર્કિપેલાગોના ટાપુઓમાં વેદાંત પ્રવેશી ચૂક્યું હતું.
પોતાની સંસ્કૃતિની બહુ બડાઈ મારનારો ખ્રિસ્તી સંપ્રદાય ભારતીય વિચારધારામાં નાનામાં નાના ટુકડાઓનો સંગ્રહ માત્ર છે. બૌદ્ધ ધર્મની મહત્તા ગમે તેટલી હોય પણ એ આપણા ધર્મનું બળવાખોર બાળક છે અને ખ્રિસ્તી ધર્મ તો ઘણાં જ થીગડાંવાળી આપણા ધર્મની નકલ છે. (4.183)
પ્રાણશક્તિનું પ્રથમ પરિણામ છે વિસ્તાર
તમે દેશની બહાર વધારે પ્રવાસ કરીને જગતની પ્રજાઓ સાથે જેમ વધુ હળોમળો, તેમ તમારા માટે અને તમારા દેશ માટે એ વધારે સારું છે. છેલ્લાં સેંકડો વરસોથી જો તમે એમ કરતા રહ્યા હોત તો આજની પેઠે ભારત પર રાજ કરવા ઇચ્છતી દરેક પ્રજાના પગ પાસે તમારે આળોટવું ન પડત. પ્રાણશક્તિનું પ્રથમ દૃશ્ય પરિણામ છે વિસ્તાર. જો તમારે જીવવું હોય તો તમારે વિસ્તૃત બનવું જોઈએ. જે ઘડીએ તમે વિસ્તૃત થતા બંધ પડ્યા, તે ઘડીએ જ તમારું મૃત્યુ આવ્યું સમજો, ભય સામે જ ઊભો છે એમ જાણો.
મારા અમેરિકા અને યુરોપના પ્રવાસનો તમે પ્રેમપૂર્વક ઉલ્લેખ કર્યો છે; પણ મારે ગયા વિના છૂટકો જ ન હતો, કારણ કે રાષ્ટ્રિય જીવનના પુનરુત્થાનની પહેલી નિશાની છે વિસ્તાર. આ રાષ્ટ્રિય જીવનના પુનરુત્થાને, અંદરથી થઈ રહેલા વિસ્તારે મને બહાર ધકેલી દીધો; અને એ રીતે હજુ હજારો ધકેલાવાના છે. (4.180)
હરીફાઈમાં ભારતની હંમેશાં થતી જીત
ઉત્તરે હિમાલયનાં હિમાચ્છાદિત શિખરોથી સીમિત બનેલા, ધસમસતા સાગરો સમી તથા સુસ્વાદુ જળભરી, મેદાનોમાં વહેતી સરિતાઓથી વીંટાયેલા અને વિશ્વના છેડાનું ભાન ઉત્પન્ન કરાવનારી વિસ્તૃત અનંત વનરાજીથી પરિવેષ્ટિત રહેલા ભારતીય આર્યે સહેજે પોતાની દૃષ્ટિ અંદરની બાજુએ વાળી અને સહજ સંસ્કારને કારણે એ સૂક્ષ્માતિસૂક્ષ્મ આર્ય મેધા આસપાસની ભવ્ય વનશ્રીની વચ્ચે વિકસતાં, સ્વાભાવિક પરિણામ એ આવ્યું કે હિંદુ આર્ય અંતર્મુખ બન્યો. ભારતીય આર્યનો મુખ્ય હેતુ હતો પોતાના મનનું વિશ્લેષણ.
આવી પરિસ્થિતિને પરિણામે આપણે જોઈએ છીએ કે ભારતમાં બધાં વિશ્લેષણાત્મક વિજ્ઞાનો ઉદય પામ્યાં, જ્યારે ગ્રીસમાં સામાન્યીકરણાત્મક વિજ્ઞાનો આવ્યાં. ભારતીય માનસ પોતાની આગવી દિશામાં આગળ વધ્યું અને અતિ અદ્ભુત પરિણામો એણે જગત સમક્ષ લાવી મૂક્યાં. આજે પણ હિંદુઓની તર્ક કરવાની તાકાત અને ભારતીય મગજમાં પડેલી જબરદસ્ત શક્તિની તોલે કોઈ આવી શકે એમ નથી. આપણે સૌ જાણીએ છીએ કે, બીજા કોઈપણ દેશના યુવાનો સામેની હરીફાઈમાં આપણા દેશના યુવાનો હંમેશાં જીતે છે. (4.176)
One Comment
Leave A Comment
Your Content Goes Here
બહુ જ સરસ