(અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ. ચેતનાબહેન માંડવિયાકૃત સંકલન અને ભાષાંતર અહીં પ્રસ્તુત છે. ઉલ્લેખયોગ્ય છે કે પત્રોમાં નિવેદિતા ઘણી વાર સ્વામીજીને ‘રાજા’ કહે છે. -સં.)
મિસ મેક્લાઉડને લિખિત પત્ર
કોલકાતા, બુધવાર, ૧૦-૦૪-૧૮૯૯
આજે સવારે મને મળેલ તમારા મધુર પત્ર માટે આભાર. રાજાની સાથે યુરોપ વિશે ચર્ચા કરવા આજે હું મઠ (બેલુર મઠ) ગયેલ. બપોરના ૨:૩૦ થી ૩ વાગ્યા સુધી તેમણે સરસ ઊંઘ ખેંચી, ત્યાર બાદ જ તેમને હું મળી શકી. ઊંઘરેટી આંખો સાથે તેઓ ભવ્ય દીસતા હતા.
યુરોપ જવા વિશે અમે દરેક શક્ય મુદ્દાઓની ચર્ચા કરી અને ત્રણ અઠવાડિયાંની અંદર યુરોપ જવા માટે તેઓ સંમત થયા. ચર્ચા થયા મુજબ પેરિસ સ્થિત તમારાં ભાઈ તથા બહેનને મળવાનો સમય તેમની પાસે રહેશે નહીં. તેમણે જાણે મને વચન આપતા હોય એ રીતે ઉમેર્યું કે જો તેમની તબિયત સારી હશે તો એ મહિનાની શરૂઆતમાં એક અઠવાડિયું વધારે તેઓ અહીં રોકાશે. તેમની તબિયત સારી હતી તેનો પુરાવો એ હતો કે જેમ જેમ અમારી વાતચીત આગળ ચાલતી ગઈ, તેમ તેમ સૂક્ષ્મ રીતે જાણે મારા આનંદ અને હિંમતમાં વધારો થતો ચાલ્યો! ખરેખર તેમને મૂંઝવતા ઘણા પ્રશ્નોની તેમણે મારી સાથે ચર્ચા કરી.
આજે તમારા પત્રના અમુક અંશો મેં તેમને વાંચી સંભળાવ્યા. તમારી એ ઉક્તિ કે, મારે માટે “ગરીબી (અપરિગ્રહ) તથા ચારિત્ર્યની શુદ્ધતાનું પાલન કરવું સહેલું છે, પરંતુ નિર્લિપ્તતાનું પાલન સાચો સંઘર્ષ સાબિત થશે” —સાંભળીને તેઓ હસતા હતા. (નિવેદિતા ખૂબ જ લાગણીશીલ હતાં અને જેટલા આગ્રહપૂર્વક સ્વામીજીને અનુસરતાં હતાં એટલા જ દૃઢ નિશ્ચયથી તેઓ ભારતના સ્વતંત્રતા-સંગ્રામમાં ઝંપલાવી પડ્યાં હતાં. આ કારણે તેમને રામકૃષ્ણ સંઘનો ત્યાગ કરવો પડ્યો હતો.)
ઓહ! વાત વાતમાં તેમણે ખૂબ સંકોચ સાથે જણાવ્યું કે તમે તથા શ્રીમતી બુલ વિચારતાં હશો કે તમે શરૂઆતમાં આપેલી રકમ વપરાઈ ગઈ! તેમણે આગળ કહ્યું, “અચ્છા, તો શું તને નથી લાગતું કે એ પૈસા મારે આ વખતે સાથે રાખવા જોઈએ? અમેરિકાની મારી પ્રથમ યાત્રા વખતે જે (ગરીબીની) પરિસ્થિતિનો મારે સામનો કરવો પડ્યો, તો શું આ વખતે પણ આવી પરિસ્થિતિનો મારે સામનો કરવો પડશે?” કેટલું બાળસહજ! તેઓ જ્યારે આટલી નમ્રતા-વિનયથી વાત કરે છે ત્યારે મને રડવાનું મન થઈ જાય છે!
“સૌંદર્ય (વ્યક્તિનું બાહ્યસૌંદર્ય) એ અતિ મહત્ છે—પણ તેમાં સદ્ગુણની માત્રા ન હોય તો? આ પરિસ્થિતિમાં ઘણી વખત કઠોરતાનો અહેસાસ થાય છે. એવું સૌંદર્ય આકર્ષે તો ઘણું પરંતુ જ્યારે તેની નિકટતા કેળવાય ત્યારે તેમાં નિષ્ઠુરતા અને કઠોરતાની જ અનુભૂતિ થાય છે. આમ હોવા છતાં સૌંદર્ય ભવ્ય છે, કારણ કે બધા તેને જોઈ-વખાણી શકે છે. પરંતુ સૌંદર્યની સાથે સાથે વિશિષ્ટ સદ્ગુણ, બુદ્ધિ, સમજશક્તિ હોવી જરૂરી છે, નહીં તો તે જુગુપ્સાપ્રેરક બને છે.” સ્વામીજી ખુદ ચોક્કસ પ્રકારના સૌંદર્ય, એક પ્રકારના પ્રેરણાદાયી પ્રભાવના માલિક છે. તે વગર તેઓ આટલું બધું કામ કરી શક્યા ન હોત. તેઓ અદ્વિતીય છે, તેમની પાસે મોહકતા છે—તેઓ બાલકવત્ છે. પરંતુ હા, જરા ઊંડાણમાં ઊતરીએ તો સાંગોપાંગ પૌરુષત્વ ઝળકી ઊઠે છે—તત્ક્ષણ જ.
સ્વામીજીએ બે પ્રકારના પ્રેમ વિશે વાત કરી—પ્રથમ, પરસ્પર પ્રેમમાં આબદ્ધ બે વ્યક્તિઓમાંથી એક સમર્થ, શક્તિશાળી હોય અને બીજી તેના પર આધારિત હોય; દ્વિતીય, બંને વ્યક્તિઓ સમાન રૂપે સમર્થ હોય. ત્યાર બાદ એમણે તારણ કાઢ્યું કે પ્રથમ કરતાં દ્વિતીય પ્રેમ વધુ મહત્ અને વિસ્તીર્ણ હોય છે.
અગાઉ નક્કી થયા મુજબ સેવિયર્સ પાસે જવાની બાબત પૂછતાં તેમણે કહ્યું કે તેઓ જવાના નથી. તે પછી તેમણે મને ખાનગીમાં કહ્યું, “લોકો પોતાના વિશે વધુ પડતું વિચારતા હોય છે, માર્ગોટ. રોગને કારણે લખનૌ કે બનારસ આવવું હેરીને મુશ્કેલ લાગે છે, પરંતુ મારી વાત કરું તો neuralgia નો હુમલો હવે આવશે તો હું સહન કરી શકીશ નહીં. આ રોગને કારણે સમગ્ર છાતીમાં દર્દ-પીડા થાય છે, અને મારી છેલ્લી માંદગી પછી હજુ સુધી ડાબી બાજુનો દુ:ખાવો મટ્યો નથી, એ સતત ચાલુ છે.” ઈશ્વર સ્વામીજીને સહન કરવાની શક્તિ આપે!
(શ્રી અને શ્રીમતી સેવિયર્સ સ્વામીજીનાં બ્રિટિશ અનુયાયીઓ હતાં. તેઓ 1897માં સ્વામીજી સાથે ભારત આવ્યાં હતાં અને હાલમાં સ્વામીજીની સંકલ્પના અનુસાર હિમાલયમાં માયાવતી નામક સ્થાને અદ્વૈત આશ્રમમાં સાધના કરી રહ્યાં હતાં. શ્રીમાન હેરી સેવિયર neuralgia નામના ચેતાતંત્રના રોગથી પીડાતા હતા અને તેમને યાત્રા કરવી આકરી લાગતી હતી, પરંતુ તેઓ આ જ રોગથી પીડાતા સ્વામીજી પાસે અપેક્ષા રાખી રહ્યા હતા કે તેઓ પોતાને મળવા માટે કોલકાતાથી હિમાલય આવે. આ વાતથી સ્વામીજી થોડા નારાજ થઈ ગયા હતા.)
વહાલી યમ, યોગાનંદ (સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ)ના મૃત્યુ પછી સ્વામીજી શારીરિક રીતે કેટલા દુર્બળ થઈ ગયા છે! તેમને જોઈને તો મારું હૃદય બેસી જાય છે. માંદગીથી આગળ જતાં સ્વામીજીનું શું થઈ શકે છે, તે વિચારતાં જ હું થાકી-હારી જાઉં છું, મને કંપારી છૂટે છે!
તમારી પોતાની, માર્ગોટ
બુધવારની સાંજ
અમે પાછાં (સ્વામીજીના નિમંત્રણને માન આપી, તેમને મળીને બેલુર મઠમાં ભોજન લઈને) આવી ગયાં છીએ. બોઝ દંપતીને હું ખૂબ ચાહું છું અને તેમને સાથે લઈને સ્વામીજી પાસે જવું મને ખૂબ ગમ્યું. (નિવેદિતાની મુલાકાત વખતે) રાજા (સ્વામીજી) હંમેશની જેમ આનંદિત હતા, પરંતુ વાસ્તવમાં તેમની તબિયત જરાયે સારી નથી. મેં નોંધ્યું કે તેઓ હજુ સુધી ગઈકાલની પોતાની હતાશ મનોદશામાંથી બહાર આવ્યા નહોતા અને વારંવાર પોતાની છાતી દબાવતા હતા.
ચાની ટ્રે તૈયાર કરવા હું નીચે ગઈ અને ત્યાં શ્રીરામકૃષ્ણના એક યુવાન શિષ્યની સાથે વાતો કરતી ઊભી રહી—કેવો સુંદર યુવાન! તેણે મને ગંભીરતાપૂર્વક કહ્યું, ‘સિસ્ટર, મેં જાેયું છે કે આ દેશમાં મહાન માણસો ક્યારેય લાંબું આયુષ્ય ભોગવતા નથી.’ ખરેખર યમ, હું ડરી ગઈ છું. સ્વામીજીની ખુદની ભવિષ્યવાણી કે તેઓ ત્રણ વર્ષમાં પોતાની જીવનલીલા સંકેલી લેશે અને હવે પછીથી તેઓ ક્યારેય પશ્ચિમના દેશોમાં જઈ શકશે નહીં—મને વારંવાર પરેશાન કર્યા કરે છે. યમ-યમ-યમ. મારી તીવ્ર ઇચ્છા છે કે આ સંજોગોમાં તમે મારી પાસે હો! સ્વામીજી પાસેથી મેં આગ્રહપૂર્વક વચન લીધું છે કે તેમને કંઈ પણ થાય તો વિના વિલંબ મને સમયસર બોલાવી લે (સ્વામીજીની નાદુરસ્ત તબિયતને કારણે નિવેદિતા અત્યંત ચિંતિત હતાં) અને દિવસ-રાતની ચિંતા કર્યા વગર હું અન્ય લોકોને પણ (સ્વામીજીની મદદમાં) સાથે લઈ જઈ શકું.
આમ જુઓ તો હું સમજી શકું છું કે ભયના મૂર્ખામીભર્યા ખ્યાલોની હું શિકાર છું. લોકોના મત પ્રમાણે યોગાનંદના મૃત્યુને કારણે સ્વામીજી ઉદાસીની ઊંડી ગર્તામાં સરી પડ્યા છે, પરંતુ હું તો ખૂબ ડરી ગઈ છું. કશુંક ચિંતાજનક બનશે તો હું તમને ટેલિગ્રાફ કરીશ. ઓહ યમ! યમરાજને હું નજીક આવતા જોઈ રહી છું, અને કોઈ પણ ફિલસૂફી મને ભરોસો આપી શકતી નથી! મારે જો એકમાત્ર પ્રાર્થના કરવાની થાય તો તે હશે, “જો સ્વામીજી ખરેખર મહાસમાધિમાં પ્રવેશ કરવાના હોય, તો હે ઈશ્વર, તેમની વિદાય પહેલાં તેમને શાંતિ અને વિશ્રામ આપજે અને એમના ભાગની જે દર્દ અને પીડા હોય તે સઘળી મને આપી દેજે.”
તમને આ વાત બાલીશ લાગશે પણ એવા ઈશ્વરને પ્રાપ્ત કરવાની કે ચાહવાની મને કોઈ જરૂર લાગતી નથી કે જે ઈશ્વર મૃત્યુ પહેલાં સ્વામીજીને દારુણ શારીરિક પીડા અને યાતના આપવાના હોય.
આ અત્યંત મીઠડા માનવી માટે થઈને હું કાયમ માટે મૌન રહેવાનું (પ્રાર્થના ન કરવાનું) પસંદ કરીશ. હું મૃત્યુ પામીશ ત્યાં સુધી મારું સમગ્ર જીવન અને કર્મ તેમની સેવા હશે.
મને એવું લાગે છે કે જાણે તેઓ શિશુ છે અને એક ગુલામને જ મળે એવી ભયાવહ સજા મળવાની છે, એમ જાણીને એના હોઠ ક્રંદનની પહેલાં કંપે છે અને એ ભયનું માર્યું પીછેહઠ કરે છે. હું આ કેવી રીતે જાેઈ શકું? ‘બસ’ કહેવાથી જ હૃદય ધબકતું અટકી જાય, તો કેવું સારું. બધી યાતનાઓનો અંત આવી જાય. નિદ્રામાં જ તેઓ મૃત્યુ પામે.
આવું બધું લખીને હું તમને તથા મને પોતાને યાતના આપી રહી છું. મારે આવું ન કરવું જોઈએ, પરંતુ હું તમારાથી કશું છુપાવવા માગતી નથી. કદાચ તમને એવું પણ લાગતું હશે કે કારણ વગર હું આવા વજૂદ વિનાના વિચારો કરી રહી છું. જો મારો ટેલિગ્રામ તમને ન મળે તો માની લેજો કે છેલ્લા એક મહિનાથી તેઓ સાજા-સારા છે. અને હા, શાંતિ, સ્વસ્થતા અને શક્તિ આપનાર તમારો દિવ્ય પત્ર મને જરૂર પાઠવશો; કારણ કે યોગાનંદજીના મૃત્યુ બાદ બીજો આવો અસહ્ય આઘાત પણ મારી એકદમ સમીપ છે એવું મને લાગ્યા કરે છે; જે મારી સહનશક્તિની બહાર હશે.
હાશ પ્રભુ! આવતી કાલે આ પત્ર હું રવાના કરી શકીશ, અને મને ખાતરી છે કે તમે તેને એકદમ ગંભીરતાથી લેશો નહીં. અને હા, એવી સલાહ આપશો નહીં કે મારે હવાફેરની જરૂર છે અને અન્ય સ્થળે જતા રહેવું જોઈએ, કારણ કે જ્યાં સુધી સ્વામીજી જીવિત છે અને અહીં છે ત્યાં સુધી તેમને છોડીને હું અહીંથી ખસવાની નથી—એવું હું ક્યારેય ન કરી શકું—હું તેમને પૂજું છું. તેઓ મારા આરાધ્ય દેવ છે, તેમના પ્રત્યે મને અત્યંત અનુરાગ છે. તેમને મારી જરૂર હોય એ વખતે હું હાજર હોઉં નહીં, એવી પરિસ્થિતિ નિર્માણ કરવાનું જોખમ કદાપિ લઈ શકું નહીં.
આ વર્ષ પૂરું થતાં સુધી તો પ્રત્યેક મિનિટે તેમના પ્રત્યેનો મારો પૂજ્યભાવ વધતો આવ્યો છે, આ હું તીવ્રપણે અનુભવી રહી છું. અઢી વર્ષ પહેલાં તો હું તેમને ચાહી શકીશ તે જ અત્યંત દુષ્કર લાગતું હતું. વહાલી યમ! આપણે ત્રણેય હવે એકબીજાની ખૂબ નજીક છીએ—તમે, સારા બુલ (નાની) અને હું. અહીં આ નાનાકડા ખૂણામાં, નાનકડી જગ્યાએથી આપણું ખાસ કાર્ય (જીવનકાર્ય?) હવે શરૂ થઈ રહ્યું છે અને તેમને (સ્વામીજીને) જ્યારે તેઓ બીમાર પડ્યા ત્યારે વચન આપ્યા મુજબનું જીવન આપણે જીવી શકીએ, તે હવે તેમના હાથમાં છે. (નિવેદિતા કદાચ કહેવા માગે છે કે સ્વામીજીનું સ્વાસ્થ્ય સુધરે તો તેઓ ત્રણેય સ્વામીજીએ ચીંધેલ માર્ગે જીવન જીવવા તૈયાર રહેશે.) તમારો આભાર—તમારો વારંવાર, ખૂબ ખૂબ આભાર.
રાજાને (સ્વામીજીને) મેં લખ્યું છે કે તમે, શ્રીમતી બુલ અને હું, અને સરલા—અનંતકાળ સુધી તેમનાં જ છીએ અને તેમણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મને લાગે છે કે તેમનું (સ્વામીજીનું) એક મહત્ત્વનું કાર્ય હજુ બાકી છે, સરલાને એમના રંગે રંગવાનું અને તેને જરૂરી શિક્ષણ આપવાનું. આ કાર્ય જલદી થાય તે સરલા માટે ખૂબ જરૂરી છે.
ઓહ! હું ખોટી પડું તો કેવું સારું! (સ્વામીજી વિશે જે નિરાશાજનક વિચારો કર્યા તે બાબતમાં.)
માર્ગોટ
Your Content Goes Here