(31 ઓગસ્ટના રોજ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી નિરંજનાનંદ મહારાજની પુણ્ય જન્મતિથિ છે. આ શુભ પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘સ્વામી નિરંજનાનંદ’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. – સં)

નિરંજન એક તો શક્તિશાળી અને વીરતાથી સભર હતા, વળી ઠાકુરની અંતિમ માંદગી વખતે એમની સર્વ પ્રકારે રક્ષા કરવી એ એમણે પોતાનું મુખ્ય કાર્ય માન્યું હતું. એના પરિણામે જો કે ઘણી વાર એમનું આચરણ બીજાઓને અપ્રિય લાગતું; તોપણ શ્રીઠાકુર પ્રત્યે એમનો એકનિષ્ઠ, અનન્ય પ્રેમ જોઈને તેઓ નારાજ ન થતા, મુગ્ધ જ બની જતા. શ્રીઠાકુરની માંદગીના અંતિમ દિવસોમાં યુવાન ભક્તોએ મળીને એ નક્કી કરેલું કે દરેક વ્યક્તિને ઠાકુર પાસે જવા દેવી નહીં. વીરભક્ત નિરંજને આગળ આવીને આ અત્યંત જરૂરી પણ અપ્રિય એવા કાર્યનો ભાર સ્વીકારી લીધો.

૨૩મી ડિસેમ્બરની સવારે, શ્રીઠાકુરે ભક્તોને પોતાના અસીમ પ્રેમની પ્રસાદી આપી હતી. નિરંજનને એમણે કહ્યું હતું: ‘તું મારો બાપ છો; હું તારે ખોળે બેસીશ.’ બીજા ભક્તની છાતીએ સ્પર્શ કરી એ બોલ્યા: ‘તારો અંતરાત્મા જાગ્રત થાઓ.’ શ્રીઠાકુરની સાથે રહીને ભક્તોનાં પોતાનાં પ્રેમભક્તિ ખૂબ વધી ગયાં.

જીવનની અંતિમ ક્ષણે સમગ્ર સંસારનાં પાપ ગ્રહણ કરીને ઠાકુરને ગળાનો અસહ્ય રોગ થયો હતો. સારવાર માટે શિષ્યો એમને કોલકાતામાં કાશીપુર ઉદ્યાનગૃહમાં લઈ આવ્યા હતા. ત્યાં ઠાકુરની સેવા માટે યુવાન શિષ્યોએ વારા કાઢ્યા હતા. વિશેષમાં, એમની સૂચનાનુસાર તેઓ આધ્યાત્મિક સાધના કરતા. પોતાનાં ઘરબાર છોડીને એમણે જાતને શ્રીરામકૃષ્ણને સમર્પિત કરી દીધી હતી.

એક સાંજે નિરંજન અને બીજા થોડા શિષ્યો, બાગની દક્ષિણ તરફ આવેલી એક ખજૂરીનો રસ પીવા જતા હતા. આ વિશે ઠાકુર કંઈ જ જાણતા ન હતા. અંધારું થયે નિરંજન અને મિત્રો ખજૂરી તરફ જવા લાગ્યા. દરમિયાનમાં, શ્રીમાએ ઠાકુરને ઝડપથી ઊતરતાં અને દોડીને બહાર જતાં જોયા. એમને નવાઈ લાગી: ‘આ કેમ બની શકે? પથારીમાં પડખું બદલવા માટે પણ જેમને બીજાની મદદની જરૂર પડે છે તે તીરની માફક આમ કાં વેગથી જાય?’ એમણે જે જોયું હતું તેને શ્રીમા માની શક્યાં નહીં એટલે, ઠાકુર પોતાના ઓરડામાં છે કે નહીં તે જોવા તેઓ ત્યાં ગયાં. શ્રીઠાકુર ઓરડે ન હતા. ભયભીત થઈ એ ચારે કોર જોવા લાગ્યાં પણ, ઓરડામાં ક્યાંય ઠાકુર દેખાણા નહીં. આખરે શ્રીમા ખૂબ મૂંઝાતાં અને ગભરાતાં પાછાં પોતાને ઓરડે આવ્યાં.

થોડા સમય પછી, પોતાને ઓરડે ઝડપથી આવતા ઠાકુર એમની નજરે પડ્યા. એટલે શ્રીમા ઠાકુર પાસે ગયાં અને પોતે જે જોયું હતું તે વિશે તેમણે પૂછ્યું. ઠાકુરે ઉત્તર આપ્યો: “અરે, તમે એ જોયું હતું શું! જે છોકરાઓ અહીં આવ્યા છે તે બધા જ જુવાન છે તે તમે જાણો છો. એ સૌ મજા કરતા બાગમાં આવેલી ખજૂરીનો રસ પીવા જતા હતા. ત્યાં એક કાળો નાગ મારી નજરે પડ્યો. એ એવો તો ડંખીલો છે કે એણે આ બધાય છોકરાઓને ડંખ માર્યો હોત. છોકરાઓ આ જાણતા ન હતા. એટલે, એને હાંકી કાઢવા માટે હું જુદે રસ્તેથી ગયો હતો. મેં નાગને કહ્યું: ‘અહીં ફરી ન આવતો.’” આ વાત બીજાઓને કહેવાની એમણે શ્રીમાને ના પાડી હતી.

કાશીપુરમાં ત્રણ-ચાર મહિના રહ્યા પછી ઠાકુરનું શરીર એવું તો સુકાઈ ગયું હતું કે એમને ઓળખવા મુશ્કેલ પડે. પણ એમના ભક્તો સૌ આશા રાખતા હતા કે કેન્સરમાંથી પોતાની જાતને મુક્ત કરી શકશે. આ સમય દરમિયાન, ઠાકુરે નિરંજનને કહ્યું હતું: ‘જો, હું એવી દશામાં છું કે, આ દશામાં મને જે કોઈ જોશે તે માતાજીની કૃપાથી મોક્ષ પામશે. પણ મારી િજંદગી એટલી ટૂંકી થશે એ નક્કી જાણજે.’ આ બોલ ઠાકુરમુખેથી સાંભળ્યા પછી, ચોકીદાર તરીકેની પોતાની ફરજ બાબત નિરંજન વધારે જાગ્રત બની ગયા. માથે પાઘડી પહેરીને અને હાથમાં લાકડી લઈને એ દિવસ-રાત દરવાજે બેસતા અને બહારના લોકોને ઠાકુર પાસે જતાં અટકાવતા. આથી લોકોને કેટલીક વાર દુ:ખ લાગતું પણ ઠાકુરના જીવનના રક્ષણ માટે નિરંજને એ અપ્રિય કાર્ય સ્વીકાર્યું હતું.

માનસિક રીતે અસ્વસ્થ એક સ્ત્રી વિજય ગોસ્વામી સાથે કાલીમંદિરે આવતી અને ઠાકુરને ગાઈ સંભળાવતી. ઠાકુરને એનું ગાવું ગમતું પણ, એ સ્ત્રીના અંતરમાં ઠાકુર માટે મધુર ભાવ (પત્નીનો પતિ પ્રત્યેનો શુદ્ધ પવિત્ર પ્રેમ) હોઈ, ઠાકુર એ બાબતે ખૂબ સાવધ રહેતા. એકવાર એ સ્ત્રી કાશીપુરમાં બપોરે આવી અને ઠાકુરને એ મળવા માગતી હતી. નિરંજને એને દરવાજે જ રોકી. એ ભુરાંટી થઈ ગઈ. આ સાંભળી ઠાકુરે શશીને એને પોતાની પાસે લઈ આવવા કહ્યું અને એમણે એ સ્ત્રીને આશીર્વાદ આપ્યા. એટલે એ વારંવાર આવવા લાગી. નિરંજન એની સામે અટલ રહ્યા અને એને ઠાકુર પાસે જતાં એમણે અટકાવી. એના અચોક્કસ તથા દેખીતી રીતે ઝઘડાળુ સ્વભાવને લઈને કેટલાક યુવાન શિષ્યો ગભરાયા હતા. પરંતુ, એ સ્ત્રીને નિરુત્સાહિત કરવામાં આવતાં એની મુલાકાતો અટકી ગઈ. એ નારી પ્રત્યે રાખાલે હમદર્દી દેખાડી હતી.

એ વખતે એક દિવસ (૧૬મી એપ્રિલ, ઈ.સ. ૧૮૮૬) રાખાલ (સ્વામી બ્રહ્માનંદ) ઠાકુરની સાથે વાર્તાલાપ કરતા હતા, ત્યારે તે પાગલ સ્ત્રીનો ઉલ્લેખ કરતાં કહેવા લાગ્યા: ‘દુ:ખ થાય છે—તે ઉપદ્રવ કરે છે એટલે કેટલાય લોકોને તકલીફ પડે છે.’ ત્યારે નિરંજન તુરત જ રાખાલ તરફ નજર કરીને બોલી ઊઠ્યા, ‘તારે પત્ની છે. એટલે તારા મનમાં આ રીતે ચટપટી થાય છે. અમે તો એનો બલિ ચઢાવી દઈએ.’ રાખાલ વૈરાગ્યના નામે આવી નિષ્ઠુરતા સહન ન કરી શક્યા અને બોલી ઊઠ્યા, ‘બહુ બડાઈ કરવાની જરૂર નથી. એમની (શ્રીઠાકુરની) સામે આ બધી વાતો કરી રહ્યા છો!’ ઠાકુર મૂંગા જ રહ્યા. પીડિત આત્મા માટેની રાખાલની પ્રીતિ અને સહાનુભૂતિ એ સમજતા હતા તેટલી જ ગુરુ પ્રત્યેની નિરંજનની નૈષ્ઠિક સેવા પણ એ સમજતા હતા.

અહીં બે આદર્શોનો એક અપૂર્વ સંઘર્ષ જોવા મળે છે—એક બાજુ છે ગુરુસેવા, જ્યારે બીજી બાજુ છે માતૃજાતિ પ્રત્યેનું સન્માન અને ભક્તપ્રેમ!

Total Views: 188

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.