(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી અશોકાનંદ (1893-1969) સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના સંપાદક હતા. ત્યાર બાદ તેઓ અમેરિકાની ‘વેદાંત સોસાયટી ઑફ નોર્ધર્ન કેલિફોર્નિયા’ના વડા હતા. સ્વામી વિવેકાનંદે અમેરિકામાં વિતાવેલ દિવસો વિશેની અઢળક લુપ્ત માહિતી એમના માર્ગદર્શન હેઠળ પુન: ઉજાગર થઈ છે. -સં.)
(૬) આધ્યાત્મિક પ્રગતિ માટે કેટલીક શારીરિક કઠોરતા અતિશય જરૂરી છે. તમારામાંથી જે લોકો ધ્યાન કરવા એટલા ઉત્સુક નથી, તેઓ એવું કહી શકે છે, “તેને અમે આગલા જન્મ માટે છોડી દઈએ છીએ” અથવા “એ તરફ અમે થોડાં વર્ષો પછી જઈશું.” કેટલાક લોકો વિચારે છે કે યુવાની તો જીવનના ઉપભોગ માટે છે, જ્યારે આપણે વૃદ્ધ થઈશું ત્યારે ધર્મનો અભ્યાસ શરૂ કરીશું. બીજા શબ્દોમાં, જ્યારે સંસાર પરથી મન ઊઠી જશે ત્યારે તેઓ સોગિયું મોઢું લઈને મંદિર કે દેવળમાં જશે અને વિચારશે કે તેમને ધર્મ પ્રાપ્ત થઈ ગયો. તે ધર્મ નથી અને હોઈ પણ ન શકે. તે સમયે આપણે ભગવાન પાસે શું લઈને જઈએ છીએ? એક જીર્ણ શરીર અને શીર્ણ મન જે પૂર્ણ રીતે જર્જરિત થઈ ગયું છે. શું વિચારો છો, ભગવાન એથી પ્રસન્ન થશે! આપણે તેમની વેદી પર કીડા પડેલાં ફળો કે ચિમળાઈ ગયેલાં ફૂલો નથી ચઢાવતા, ત્યાં તો શુદ્ધ અને સર્વોત્તમ વસ્તુઓ જ અર્પણ કરીએ છીએ.
એટલે આપણી પાસે જે કંઈ શ્રેષ્ઠ છે, તેને એમનાં ચરણોમાં નિવેદિત કરવું જોઈએ. તેજસ્વી અને શુદ્ધ મનરૂપી નૈવેદ્ય ભગવાનને સૌથી વધુ પસંદ છે. જેઓ ધર્મને ફક્ત વૃદ્ધ લોકો માટે જ છે, એમ માને છે તેઓ બહુ મોટી ભૂલ કરે છે. યુવાનોએ તો સવિશેષ આધ્યાત્મિક બનવાનો પ્રયત્ન કરવો જોઈએ, કેમ કે જો ધાર્મિક જીવનનો શુભાંરભ શરૂઆતથી જ કરી દેવામાં આવે, તથા જે ઉપાયોનો ઉલ્લેખ મેં કર્યો છે, તેનો અભ્યાસ મન તેજસ્વી અને નિર્મળ હોય ત્યારે જ શરૂ કરી દેવામાં આવે, તો મનની ગતિવિધિઓ પર કડક નિરીક્ષણ રાખીને સાધક તેને દૂષિત થવાથી બચાવી શકે છે. આપણે કોઈ પણ સ્થિતિમાં મનને સાંસારિક ભાવનાઓથી પ્રભાવિત થવા ન દેવું જોઈએ. યૌવન આ દિશામાં કાર્ય આરંભ કરવા માટે સૌથી ઉત્તમ સમય છે.
શ્રીરામકૃષ્ણે એક વખત કોલેજના એક યુવાન વિદ્યાર્થીને કહ્યું હતું, “જ્યારે કુંભાર ઈંટ બનાવે છે તો ઈંટ કાચી હોય ત્યારે જ તેના પર પોતાનો ‘ટ્રેડમાર્ક’ અંકિત કરી દે છે. ત્યાર બાદ જ્યારે ઈંટને તડકામાં સૂકવી ભઠ્ઠીમાં પકાવી લેવામાં આવે છે ત્યારે તે માર્ક અમિટ બની જાય છે. એવી જ રીતે જો મન કાચું હોય ત્યારે તેના પર ભગવાનની છાપ મારી દો, તો તે છાપ ક્યારેય ભૂંસાતી નથી; કાયમ બની રહેશે.
(૭) અત્યાર સુધી મેં જે બાબતોની ચર્ચા કરી છે તે મહત્ત્વપૂર્ણ આરંભિક બાબતો છે. જીવનમાં દરરોજ તેનો અભ્યાસ અત્યંત આવશ્યક છે. માત્ર આધ્યાત્મિક સાધનાના શરૂઆતના દિવસોમાં જ એનો અભ્યાસ કરીને બંધ ન કરી દેવી જોઈએ. જે એનો નિયમિતપણે વિધિવત્ અભ્યાસ કરે છે, તે પોતાના મનને પૂર્ણતઃ કોઈ પણ વસ્તુ પરથી હટાવી શકે છે, કેમ કે તે મન પર જબરદસ્ત નિયંત્રણ પ્રાપ્ત કરી લે છે. પરંતુ જ્યાં સુધી તમે આ અભ્યાસમાં પૂર્ણ રીતે સ્થિર ન થઈ જાઓ ત્યાં સુધી ધ્યાનના સમયે મનને શાંત થવામાં થોડો સમય લાગશે. આ એક વિશેષ ધ્યાન આપવા યોગ્ય બાબત છે. જો ધ્યાન કરવાના થોડા સમય પહેલાં તમે અહીં-તહીં દોડધામ કરતા રહો અને ઘણી બધી બાબતો અંગે વિચાર્યા કરો તો સફળતાની આશા કેવી રીતે રાખી શકો?
વાસ્તવમાં, ધ્યાનમાં બેસવાના થોડા સમય પહેલાં તમારે સ્વયંને શાંત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવો અનુભવ કરવાનો પ્રયાસ કરો કે તમારો સંસાર સાથે કોઈ સંબંધ નથી, તમારે તેનાથી કોઈ લેવાદેવા નથી. ભલે પતિ, પત્ની, માતા-પિતા, પુત્ર કે પુત્રી તરીકે તમારાં ઘણાં કર્તવ્યો છે અને તમારે હજારો બાબતો તરફ ધ્યાન આપવું છે પરંતુ જ્યારે તમે ભગવાન પાસે જાઓ ત્યારે એવું વિચારો કે તમારા માટે આ જગત ત્રણેય કાળમાં નથી. તમારે પતિ, પત્ની, મા-બાપ, મિત્ર, સ્થાન-જગ્યા કંઈ પણ નથી. ધ્યાનના સમયે આ પ્રકારનું ચિંતન ઇચ્છનીય છે.
શાશ્વતનો વિચાર મનમાં રાખીને ધ્યાનમાં આગળ ધપો. ધ્યાનમાં સૌથી વધુ સફળ કોણ થાય છે? જે પોતાની જાતને ધ્યાનના સમયે પૂર્ણતઃ અલિપ્ત અનુભવી શકે છે તે. આનું તાત્પર્ય સમજ્યા? શાશ્વતની કલ્પના કરવાનો પ્રયત્ન કરો. તે કાળાતીત છે; પરિણામે બધી જ ઘટનાઓથી પર છે. આ એક અવસ્થા છે—જો તેને અવસ્થા કહી શકો તો—એવી અવસ્થા જેમાં આ સાપેક્ષ જગતની કોઈ વસ્તુ નથી. જ્યારે તમે શાશ્વત ઈશ્વરનું ચિંતન કરો છો, એટલા સમય માટે સમસ્ત સંબંધોથી ઉપર ઊઠવાનો પ્રયાસ કરો છો. તમારે દૃઢતાપૂર્વક કહેવું જોઈએ, “મારે શરીર નથી, મન નથી. દેશ-કાળ નાશ પામ્યાં છે. સમગ્ર બ્રહ્માંડ લુપ્ત થઈ ગયું છે; એકમાત્ર ઈશ્વર જ છે.” ત્યારે જ મનને તે સૂક્ષ્મ દૃષ્ટિ પ્રાપ્ત થશે, જેનાથી તે ઈશ્વરના કરુણામય અસ્તિત્વનો અનુભવ કરવા સમર્થ બનશે. આ પ્રકારે ધ્યાનના સ્થાનમાં પ્રવેશ કરતાં પહેલાં તમારે સમસ્ત સાંસારિક બાબતોને બહાર જ છોડી દેવી જોઈએ.
ભારતના મઠોમાં એવા કેટલાય સંન્યાસીઓ છે, જેઓ આધ્યાત્મિક નિયમોનું કડક પાલન કરે છે. તે લોકો આગંતુકોને પત્ની, પતિ કે બાળકોની અથવા બીજી કોઈ સાંસારિક બાબતોની ચર્ચા નથી કરવા દેતા, ભલે એ બાબતો ગમે તેટલી મહત્ત્વપૂર્ણ કેમ ન હોય! એવી વાત નથી કે પોતાના કર્તવ્યોનું પાલન કરવાવાળા વ્યક્તિઓને તેઓ હતોત્સાહ કરતા હોય, પરંતુ વાત એમ છે કે તેઓ જાણે છે કે જો મનને આધ્યાત્મિક બનાવવું છે, તો તેને શાશ્વતના રંગમાં રંગાવું પડશે. દિવસનો અમુક સમય એવો હોવો જ જોઈએ, જ્યારે તમે પોતાને એકદમ સ્વતંત્ર અનુભવ કરો છો, કેમ કે એવું રહેવું એ જ તમારો મૂળભૂત સ્વભાવ છે. ભલે તમે બીજા લોકો સાથે સંબંધિત છો એવું લાગે છે, છતાં પણ તમે જાણો છો કે આ સંબંધ અસ્થાયી છે. તમારો અસલ સ્વભાવ મુક્ત-સ્વતંત્ર રહેવાનો છે અને ધ્યાન કરતા સમયે તમારે આ મુક્ત-અવસ્થામાં પ્રવેશ કરવાનો છે.
(૮) મેં ઉપર જે ઉપાયોનો ઉલ્લેખ કર્યો છે, જો તેનું પાલન કરવામાં આવે તો ખરેખર કંઈક દૃઢતાપૂર્વક આધ્યાત્મિક પ્રગતિ કરી શકાય છે. પરંતુ અહીં તમને એ જણાવી દઉં કે બધી આધ્યાત્મિક સાધનાઓ, જેમાં ધ્યાનનો પણ સમાવેશ થાય છે, એક વાત પર આધાર રાખે છેઃ તે છે સત્ય-પ્રાપ્તિ માટેની તીવ્ર ઇચ્છા. શું તમારી અંદર આવો આગ્રહ છે? તમે કહી શકો છો, “મને તો આવી વ્યાકુળતા નથી થતી. ત્યારે પછી ધ્યાન કરવાથી શું લાભ?” પરંતુ, શું આવી વ્યાકુળતા પેદા કરવી અશક્ય છે? આપણે પ્રયાસ કરીને ભગવાન માટેની ભૂખને પ્રબળ કરી શકીએ છીએ. જો મનમાં કોઈ પણ પ્રકારે ભગવાન માટે વ્યાકુળતા લાવી શકાય તો તે ભાવના સ્વતઃ થતી વ્યાકુળતાની તુલનામાં સહેજ પણ ઓછી નથી. જો તમે સ્વાભાવિક રૂપે આ આગ્રહના જાગવાની રાહ જોઈને બેઠા રહ્યા તો સંભવ છે કે તે ક્યારેય જાગે જ નહીં. જો કે આ આગ્રહ, આ વ્યાકુળતા અનિવાર્ય છે માટે તેને જગાવો. શરૂઆતમાં તમારું મન ડામાડોળ થશે, પરંતુ હતાશ ન થવું. મનની આ અસ્થિર લાગણીઓથી વિચલિત ન થવું અને સર્વોપરી મનથી હારી ન જવું.
ધારી લો, તમે એક કિશોર વયના છોકરા છો અને તમારા પાડોશમાં રહેતો એક છોકરો હંમેશાં તમને દબાવવાની કોશિશ કરે છે. એને આવું કરવાનો કોઈ અધિકાર નથી અને તમે જાણો છો કે ખરેખર તો એ ડરપોક છે. એવી સ્થિતિમાં શું કરવું યોગ્ય છે? શું તમે એમ વિચારીને કે, “હું તો નિર્બળ છું અને તેની સામે લડાઈ કરવી વ્યર્થ છે”, એની ધમકીથી ડરી જશો? ના, પરંતુ તમે પ્રયત્ન કરીને તમારા પૌરુષત્વને જગાડશો. તમે સ્વયંને કહેશો, “હું તેની ધમકીથી દબાઈશ નહિ.” ત્યાર બાદ જ્યારે તેની સાથે તમારે મળવાનું થશે ત્યારે તમારી આ ભાવના ભલે થોડી કમજોર પડે તો પણ તમે તેની આંખની સામે આંખ મિલાવવાની હિંમત કરી લેશો અને અંતમાં તેની સામે પડકાર પણ ફેંકી શકશો. તમારું પૌરુષત્વ જાગી ઊઠશે અને તમે કહેશો, “આ જ મારો સ્વભાવ છે, હું ખરેખર બળવાન છું.”
આપણે પ્રત્યેક ક્ષણ આમ જ કાર્ય કરીએ છીએ. કોઈ પણ કુશળતા પ્રાપ્ત કરવામાં કે શાળામાં જ્ઞાન અર્જિત કરવામાં આપણે આ જ રીતે વારંવાર પ્રયત્ન કરવો પડે છે. પહેલાં તો જે કંઈ પણ આપણે મેળવવાની કોશિશ કરીએ છીએ, તે આપણા માટે સહજ નથી હોતું પરંતુ એક વાર તેના પર અધિકાર જમાવ્યા બાદ એવું લાગે છે કે તે આપણું અનિવાર્ય અંગ છે. આધ્યાત્મિક જીવનમાં આ વાત વધુ સાચી છે. આથી, એ પ્રમાણે આપણે પ્રયત્ન પણ કરવો જોઈએ. શરૂઆતમાં દરેક બાબત મુશ્કેલ માલુમ પડે છે અને તમે બોલી ઊઠો છો, “આખરે મારો સ્વભાવ શું છે? ધાર્મિક તો લાગતો નથી. લાગે છે મારા ભાગ્યમાં આધ્યાત્મિકતા નથી લખી.” એક સમય હતો જ્યારે હું પણ એવું વિચારતો હતો. કોઈ પણ મુશ્કેલીને ખૂબ મોટી માની લેતો હતો અને તેને દૂર કરવી એક અશક્ય કાર્ય સમજતો હતો. એવી સ્થિતિમાં હું સ્વયંને સચેત કર્યા કરતો હતો કે અસલમાં શરીર કે મન તો છું જ નહીં, હું તો આત્મા છું અને પોતાના આ આધ્યાત્મિક સ્વરૂપની અનુભૂતિ જ મારું લક્ષ્ય છે. હું જાણતો હતો કે મુશ્કેલી પર એ જ સમયે વિજય પ્રાપ્ત ન કર્યો તો કામ ભવિષ્ય પર ઠેલાતું રહેશે; માટે તરત જ પ્રયત્ન કરીને કામને પૂર્ણ જ કેમ ન કરી દેવામાં આવે? હું સાચે જ કહું છું કે આ વિચારને પકડી રાખવો એ જ મારું સૌભાગ્ય રહ્યું. એ સાચું છે કે ક્યારેક ક્યારેક આ પ્રયત્નને છોડી દેવાનો પણ વિચાર મારા મનમાં આવ્યા કરતો, પરંતુ હું એ સમયે તે જ નિશ્ચય કરતો હતો, “મારા આધ્યાત્મિક લક્ષ્યને તો મારે પ્રાપ્ત કરવું જ છે, આથી તેને અત્યારે જ કેમ ન પ્રાપ્ત કરી લઉં.”
ધ્યાનના અભ્યાસમાં તીવ્ર વ્યાકુળતા અને શ્રદ્ધા ખૂબ જ મહત્ત્વપૂર્ણ અંગ છે. ભગવાનમાં જો દૃઢ વિશ્વાસ ન હોય અને પ્રાપ્તિ માટે તીવ્ર વ્યાકુળતા ન રહે તો ધ્યાનમાં કોઈ ઉત્સાહ નથી રહેતો, તે નીરસ થઈ જાય છે. જ્યારે તમારી કોઈ કાર્યમાં રુચિ નથી રહેતી તો એ કાર્ય ફક્ત ઔપચારિક થઈ જાય છે અને તરત જ છૂટી પણ જાય છે.
જો તમે સગુણ ઈશ્વરમાં વિશ્વાસ કરતા હો, તો એમને પ્રાર્થના કરો. ‘સગુણ ઈશ્વર’ એટલે મારો કહેવાનો અર્થ ‘દેહધારી ઈશ્વર’ નથી, પરંતુ એવા ઈશ્વરથી છે જે આપણાં પિતા છે, માતા છે, મિત્ર અને પ્રભુ છે, જે આ જગતના સર્વવ્યાપી સ્રષ્ટા છે, જે આપણી પ્રાર્થનાઓને સાંભળે છે, જેમની પાસે આપણે એ જ વિશ્વાસથી જઈ શકીએ છીએ, જે સરળ વિશ્વાસથી બાળકો પોતાનાં માતા-પિતા પાસે જાય છે. એવા સગુણ ઈશ્વરમાં વિશ્વાસ અને એને પ્રેમ કરવો ધ્યાનને તમારા માટે સરળ બનાવી દે છે. મનને વધુમાં વધુ ઈશ્વર-ચિંતનમાં લીન રાખો. બધાં કાર્ય એને નિમિત્ત બનાવીને કરો. પ્રત્યેક વિચાર, પ્રત્યેક ઇચ્છા અને પોતાની શક્તિનો નાનામાં નાનો અંશ ઈશ્વરમાં કેન્દ્રિત કરવો એ જ આધ્યાત્મિક જીવનની સફળતાનું રહસ્ય છે.
Your Content Goes Here