(શ્રીરામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજાનું એક આગવું મહત્ત્વ છે. રામકૃષ્ણ મઠ, નાગપુરના સ્વામી તન્નિષ્ઠાનંદજી મહારાજ આ લેખ-શ્રેણી દ્વારા દુર્ગાપૂજાનો સુંદર પરિચય આપે છે. ઓગસ્ટ થી ઓક્ટોબર 2021 દરમિયાન આ શ્રેણીના ત્રણ લેખો પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ અંકથી હવે આ શ્રેણી આગળ વધારીએ છીએ. -સં.)
દુર્ગાપૂજાનો સારઃ
દુર્ગાપૂજામાં ઉપયોગમાં લેવાતાં સુવર્ણથી લઈને ગોબર સુધીનાં ઉપકરણ-દ્રવ્યોમાં દુર્ગાનાં સાર્વભૌમ અને સર્વવ્યાપી વિદ્યમાનતાનાં પ્રતીક છે. માનું પ્રતિબિંબ એક દર્પણમાં દેખાય છે, તે દર્પણને મહાસ્નાન કરાવાય છે, તે માટે ભારતભરની નદીઓ અને સાગરોનું જળ એકત્રિત કરવામાં આવે છે. તેમાં ઘણી જાતનાં રસ અને અર્ક, ઘણાં સ્થાનોની માટી પણ ઉપયોગમાં લેવાય છે. આ બધું આપણા દેશની એકતા દર્શાવે છે. નવ વૃક્ષોની ડાળીઓ—જેને નવપત્રિકા કહેવામાં આવે છે, તે વનસ્પતિ-સૃષ્ટિમાં દેવીનું અસ્તિત્વ દર્શાવે છે. નવપત્રિકાને દેવી-પ્રતિમા પાસે રાખીને નિત્યપૂજા થાય છે. કુમારીપૂજા બધી નારીઓમાં દેવીનું અસ્તિત્વ દર્શાવે છે. સંધિપૂજા માનું ભીષણ સ્વરૂપ દર્શાવે છે. નવમીના દિવસે અપાયેલ બલિને દુર્ગારૂપી હોમાગ્નિમાં અર્પણ કરવામાં આવે છે, તે પૂજારીનું દેવીનાં ચરણોમાં પ્રતીકાત્મક આત્મસમર્પણ છે. દશમીના દિવસે દેવી-પ્રતિમાનું નદીમાં વિસર્જન એ વિધિ અર્થાત્ દેવીનું પોતાનાં મૂળ સ્વરૂપમાં પ્રત્યાવર્તન છે. પરંતુ દેવી-ભાવ તો પૂજારીના હૃદયમાં સર્વદા પ્રતિષ્ઠિત રહે છે. ત્યાર પછી ભક્તો પરસ્પર આલિંગન કરીને શુભેચ્છા પ્રગટ કરે છે અને મિષ્ટાન્ન વહેંચે છે. આ રીતે તેઓ પરસ્પરનો સંબંધ દૃઢ કરે છે. સંપૂર્ણ પૂજા જ પ્રતીકાત્મક છે. પૂજાની સાથે સાથે ભજન પણ ગાવામાં આવે છે, જેમાં માનાં સ્વાગતમાં ગવાતાં ‘આગમની ભજનો’ પણ હોય છે. સાથે સાથે દેવીમાહાત્મ્યનો પાઠ પણ કરવામાં આવે છે. અંતમાં, વિસ્તૃત આરતી, ભક્તોની પુષ્પાંજલિ અને પ્રસાદ-વિતરણ, આ બધાંને કારણે આનંદનો એવો માહોલ સર્જાય છે કે, જે માની ઉપસ્થિતિનો અનુભવ કરાવે છે.
શ્રીરામકૃષ્ણદેવ અને દુર્ગાપૂજાઃ
શ્રીરામકૃષ્ણ કથામૃત અને શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ એ બન્ને ગ્રંથોમાં શ્રીરામકૃષ્ણદેવે દુર્ગાપૂજામાં અત્યંત ઉત્સાહ અને આનંદથી લીધેલા ભાગનું વર્ણન જોવા મળે છે. જગદંબાની સખી રૂપે સેવા કરતા આપણે તેમને જોઈએ છીએ. એ વખતે તેઓ મથુરબાબુના ઘરની સ્ત્રીઓ સાથે એટલા બધા હળીમળી ગયા હતા કે તેમને ઓળખવાનું કાર્ય મુશ્કેલ બની ગયું હતું. સૂક્ષ્મ શરીરે ભાણેજ હૃદયના ગામમાં દુર્ગાપૂજા સમયે હાજર રહેવું, પોતાની ભયંકર બીમારીના સમયે ભક્ત સુરેન્દ્રનાથ મિત્રને ત્યાં દુર્ગાપૂજા દરમિયાન ચૈતન્ય-જાગૃતિ કરાવવી—આ બધાનું વર્ણન જોવા મળે છે. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી વરાહનગર મઠમાં દુર્ગાપૂજા ઘટ-પટમાં થતી હતી. પરંતુ ઈ.સ. ૧૯૦૧માં સ્વામી વિવેકાનંદ અને સ્વામી બ્રહ્માનંદને દુર્ગાદેવીનાં દર્શન થવાને કારણે શ્રીમા શારદાદેવીની ઉપસ્થિતિમાં પહેલી વખત દુર્ગાપૂજા બેલુર મઠમાં પ્રતિમા સાથે મોટા પાયા પર ઊજવવામાં આવી. ઈ.સ. ૧૯૦૨ થી ૧૯૧૧ સુધી દુર્ગાપૂજા ઘટ-પટમાં જ ઉજવાતી રહી. પરંતુ ઈ.સ. ૧૯૧૨થી ફરી પાછી દુર્ગાપૂજા પ્રતિમા સાથે ઊજવવાનું શરૂ થયું; જે આજપર્યંત ચાલુ જ છે.
ઈ.સ. ૧૮૬૮ (ઠાકુરના ભાણેજ હૃદય દ્વારા શ્રીદુર્ગાપૂજાનું અનુષ્ઠાન)
શ્રીરામકૃષ્ણદેવના કથન ઉપર વિશ્વાસ રાખીને હૃદયને થોડી ઘણી શાંતિ મળી, પરંતુ મંદિરનું નિત્યકાર્ય હવે તેને પહેલાંની જેમ રુચિકર લાગતું ન હતું. તેનું મન કોઈ નવું કાર્ય કરીને આનંદ પ્રાપ્ત કરવાની શોધ કરવા લાગ્યું. બંગાળી સંવત ૧૨૭૫ના અશ્વિન મહિનાનો (ઈ.સ.૧૮૬૮) પ્રારંભ થતાં હૃદયે પોતાના નિવાસ્થાનમાં શ્રીશારદીય દુર્ગાપૂજા કરવાનો સંકલ્પ કર્યો.
કર્મકુશળ હૃદયને એ કાર્ય કરવાથી શાંતિ પ્રાપ્ત થવાની સંભાવના જાણીને શ્રીરામકૃષ્ણદેવે તેમાં સંમતિ આપી અને મથુરબાબુને હૃદયની એવી ઇચ્છા છે, એમ જાણવા મળતા એને આર્થિક મદદ કરી. એ રીતે આર્થિક સહાય મથુરે ભલે કરી, પણ પૂજાના દિવસોમાં શ્રીરામકૃષ્ણદેવને તો પોતાને ઘેર જ રાખવાનો વિશેષ આગ્રહ દેખાડવા લાગ્યા. તેથી હૃદય ખિન્ન મને દુર્ગાપૂજા માટે એકલો જ દેશમાં જવાને તૈયાર થયો. જવાને સમયે એને નારાજ જોઈને શ્રીરામકૃષ્ણદેવે કહ્યું કે, ‘તું દુઃખી શા માટે થાય છે? હું રોજ સૂક્ષ્મ શરીરે તારી પૂજા જોવા આવીશ, મને બીજું કોઈ જોઈ નહિ શકે, પણ તું જોઈ શકીશ. તું બીજા એક બ્રાહ્મણને તંત્રધારક તરીકે રાખીને, તારી પોતાની રીતે પૂજા કરજે અને નક્કોરડા ઉપવાસ ના કરીશ પણ બપોરે દૂધ, ગંગાજળ અને સાકરનું શરબત પીજે. એ પ્રમાણે પૂજા કરવાથી જગદંબા તારી પૂજા જરૂર સ્વીકારશે.’ એ પ્રમાણે ઠાકુરે કોની પાસે પ્રતિમા ઘડાવવી, કોને તંત્રધારક બનાવવાનો, કઈ રીતે બીજાં બધાં કાર્યો કરવાના… એ તમામ બારીક વાતો વિગતવાર એને સમજાવી દીધી અને હૃદય અતિ આનંદસહ પૂજા કરવા માટે પોતાના ગામે ગયા.
ઘેર પહોંચીને હૃદયે શ્રીરામકૃષ્ણદેવના કહ્યા મુજબ તમામ કાર્યોનું અનુષ્ઠાન કર્યું અને છઠ્ઠના દિવસે દેવીનું બોધન, અધિવાસ વગેરે સઘળો વિધિ પૂરો કરીને પોતે સ્વયં પૂજાના આસને બેઠા. સપ્તમીની પૂજા પૂર્ણ કરીને રાત્રે આરતી ઉતારતી વખતે હૃદયે જોયું કે, ઠાકુર જયોતિર્મય શરીરે પ્રતિમાની બાજુમાં ભાવાવિષ્ટ થઈને ઊભેલા છે. હૃદયે કહેલું કે, એ રીતે રોજ એ વખતે તથા સંધિપૂજાને સમયે દેવીની પ્રતિમાની બાજુમાં શ્રીરામકૃષ્ણદેવનાં દિવ્યદર્શન પામીને પોતે મહાઉત્સાહે ભાવવિભોર બની ઊઠેલો. પૂજા સમાપ્ત થયા પછી થોડા જ દિવસ બાદ હૃદયરામ દક્ષિણેશ્વર પાછા ફર્યા અને એ વિશેની બધી વિગત ઠાકુરને જણાવી. શ્રીરામકૃષ્ણદેવે એને કહ્યું, ‘આરતી અને સંધિપૂજાને સમયે તારી પૂજા જોવાને માટે સાચેસાચ પ્રાણ વ્યાકુળ થઈ ઊઠવાથી મને ભાવ થઈ ગયેલો અને અનુભવ કર્યો હતો કે જાણે જયોતિર્મય શરીરે, જયોતિર્મય માર્ગે થઈને તારા ચંડીમંડપે આવી પહોંચ્યો છું!’
હૃદય કહેતો કે, એક વખતે ભાવાવિષ્ટ થઈને શ્રીરામકૃષ્ણદેવે એને કહેલું કે, ‘તું ત્રણ વરસ પૂજા કરીશ,’ અને બનેલું પણ ખરેખર તેવું જ. ઠાકુરની વાત ના સાંભળીને ચોથી વાર પૂજાની તૈયારી કરવા જતા, એવી તો વિઘ્નોની પરંપરા ઊભી થઈ કે છેવટે નિરુપાય બનીને એમને પૂજા બંધ રાખવી પડેલી!
મથુરબાબુની દુર્ગાપૂજાઃ
આ વર્ષે મથુરબાબુના જાનબજારમાં આવેલા નિવાસ-સ્થાનમાં દુર્ગાપૂજા વખતે વિશેષ આનંદનો માહોલ સર્જાયો હતો, કારણ કે તે અવસરે શ્રીરામકૃષ્ણદેવ ત્યાં ઉપસ્થિત હતા. શ્રીરામકૃષ્ણદેવના અલૌકિક દેવભાવે બહારની જડ વસ્તુઓનો સ્પર્શ કરીને, તેમાં સાચે જ પ્રાણપ્રતિષ્ઠા કરી દીધી હતી. આરતી પહેલાં શ્રીરામકૃષ્ણદેવ જગદંબાના સખીભાવમાં એટલા તો તલ્લીન થઈ ગયા કે જાણે તેઓ જગદંબાના જન્મજન્માન્તરનાં દાસી છે! તેમનાં નેત્રોની દૃષ્ટિ, હાથ-પગનું હલનચલન વગેરે બધું સ્ત્રીઓ જેવું થઈ ગયું હતું. મથુરબાબુ દ્વારા આપવામાં આવેલાં વસ્ત્રો તથા આભૂષણો, તેઓએ સ્ત્રીઓની જેમ પહેરી રાખ્યાં હતાં. ભાવાવેશમાં તેમનો રંગ વિશેષ ઉજ્જ્વળ બની જતો હતો. મથુરબાબુનાં પત્નીએ શ્રીરામકૃષ્ણદેવને પોતાનાં આભૂષણો પહેરાવી દીધાં અને આરતીમાં જોડાવાનો આગ્રહ કરતાં, તેમની ભાવસમાધિમાં થોડુંક શમન થયું. સખીભાવથી ઠાકુર દુર્ગામાતાને ચામર ઢોળવા લાગ્યા. પોતાનાં પત્ની સમીપે સુંદર વસ્ત્રો તથા આભૂષણો વગેરે પહેરીને અપૂર્વ સૌંદર્ય ધરાવતાં કોઈ સન્નારી જાણે ઊભાં રહીને પ્રતિમાને ચામર ઢોળી રહ્યાં છે, એ જોઈને મથુરબાબુ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ ઓળખી પણ ન શક્યા કે તે અજાણી વ્યક્તિ સ્વયં ઠાકુર છે. સપ્તમી, અષ્ટમી તથા નવમી તિથિનાં પૂજન વગેરે અત્યંત આનંદપૂર્વક પૂર્ણ થયાં. વિજયાદશમીના દિવસે દર્પણ-વિસર્જનના સમયે બોલાવવા છતાં પણ મથુરબાબુ આવતા ન હતા.
ત્યારે પછી બધાંએ સલાહ-મસલત કરીને ઘરમાં જેમનું માન મથુરબાબુ રાખતા, તેમને સમજાવવા મોકલ્યા. તે લોકો ગયા, સમજાવ્યા પણ મથુરબાબુનું મન ફેરવી શક્યા નહીં. એમની વાતો જરાયે કાને ના ધરતાં મથુરબાબુ બોલ્યા, ‘કેમ? હું માની નિત્યપૂજા કરીશ. માની કૃપાથી જયારે મારી એવી પહોંચ છે, તો પછી શા માટે વિસર્જન કરવાનું?’ એટલે હવે એ લોકો બીજું કરે શું? નિરાશ થઈને પાછા ફરી ગયા અને ઠરાવ્યું કે—ભેજું ચસકી ગયું છે! પણ એવું ઠરાવવાથીયે શું વળવાનું હતું? હઠીલા મથુરબાબુને ઘરનાં બધાં સારી રીતે જાણતાં હતાં! બધાંને ખબર હતી કે ગુસ્સામાં બાબુને સારા-ખોટાનું ભાન રહેતું નથી, એટલે એમની મંજૂરી વગર દેવીના વિસર્જનનો આદેશ આપીને, કોણ એમનો ખોફ વહોરે? એમ કરવા કોઈ પણ આગળ આવ્યું નહીં. વાત આગળ વધતા ગૃહિણી પાસે ખબર પહોંચ્યા.
ભયભીત થઈને તેમણે મથુરબાબુને સમજાવવા માટે શ્રીરામકૃષ્ણદેવને વિનંતી કરી. ખરેખર જ જો બાબુનું મગજ ખરાબ થઈ ગયું હોય તો, ‘બાબા’ સિવાય આ વિપદમાંથી ઉગારનાર એમનું બીજું કોણ હતું? શ્રીરામકૃષ્ણદેવે જઈને જોયું તો મથુરબાબુનો ચહેરો ગંભીર, રક્તવર્ણો, આંખો લાલઘૂમ, અને જાણે કોઈ ઊંડા વિચારમાં ડૂબીને ઓરડામાં આમથી તેમ આંટા મારી રહ્યા છે! એમને જોતાં જ મથુરબાબુ તેમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બાબા, જેને જે કહેવું હોય, તે ભલે કહે પણ હું મારા જીવતેજીવ માનું વિસર્જન કરી શકીશ નહીં. મેં કહી દીધું છે કે હું નિત્ય પૂજા કરીશ. માને છોડીને કેવી રીતે રહું?’
શ્રીરામકૃષ્ણદેવ એમની છાતી પર હાથ ફેરવતાં બોલ્યા, ‘ઓહો, તમને આ જ વાતની બીક છે ને? તે માને છોડીને તમારે રહેવું પડશે એવું કોણે કહ્યું? અને વિસર્જન કરવાથીયે તે ક્યાં ચાલ્યાં જવાનાં છે? બાળકને છોડીને શું મા ક્યારેય પણ રહી શકે? આ ત્રણ દિવસ બહાર મંડપમાં બેસીને તમારી પૂજા લીધી, હવે આજથી તમારી પાસે એથીયે વધારે નજીક રહીને—હંમેશાં તમારા હૃદયમાં બેસીને તમારી પૂજા ગ્રહણ કરશે.’
ઈ.સ. ૧૮૮૩ : અધર સેનના નિવાસસ્થાને દુર્ગાપૂજા મહોત્સવ અને જગદંબા સાથે વાર્તાલાપઃ
શ્રીરામકૃષ્ણદેવ શ્રીયુત્ અધરને ઘરે નવમી પૂજાને દિવસે દેવ-સ્થાપનવાળી ઓસરીમાં ઊભા છે. સંધ્યા પછી શ્રીદુર્ગાની આરતીનાં દર્શન કરે છે. અધરને ઘેર દુર્ગાપૂજા-મહોત્સવ છે, એટલે એ ઠાકુરને આમંત્રણ આપીને તેડી લાવ્યા છે.
આજ બુધવાર, ૧૦મી ઓક્ટોબર, ઈ.સ. ૧૮૮૩. ૨૪, આસો માસ (બંગાબ્દ). શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે પધાર્યા છે. ભક્તોમાં બલરામના પિતા અને અધરના બંધુ તથા પેન્શનર શાળા-નિરીક્ષક સારદાબાબુ આવ્યા છે. અધરે પાડોશીઓ અને સગાંને નવરાત્રી પ્રસંગે આમંત્રણ આપ્યાં છે. તેઓમાંથીયે ઘણાંય આવ્યાં છે.
શ્રીરામકૃષ્ણદેવ સંધ્યાકાળની આરતીનાં દર્શન કરીને ભાવપૂર્ણ થઈને દેવતાવાળી ઓસરીમાં ઊભા છે. ભાવમગ્ન થઈને માતાજીને ગીત સંભળાવી રહ્યા છે.
અધર છે ગૃહસ્થ ભક્ત. તેમજ કેટલાય ગૃહસ્થ ભક્તો હાજર છે, બિચારા ત્રિતાપથી તાપિત. એથી જાણે કે શ્રીરામકૃષ્ણદેવ સહુના મંગળને માટે જગન્માતાનું સ્તવન કરે છેઃ
તારો તારિણી, આ વેળા તારો ત્વરા કરીને,
તપન – તનય – ત્રાસે, ત્રાસિત ઓ મા! પ્રાણ જાય ..
જગત- અંબે, જનપાલિની, જનમોહિની, જગતજનની,
યશોદા-જઠરે જનમ લઈને, સહાય હરિ-લીલા માંય…
શ્રીરામકૃષ્ણદેવ અધરના મકાનના બીજે માળે આવેલા દીવાનખાનામાં જઈને બેઠા છે. ઓરડામાં કેટલીક આમંત્રિત વ્યક્તિઓ આવેલી છે.
બલરામના પિતા અને સારદાબાબુ વગેરે પાસે જ બેઠેલા છે.
ઠાકુર હજીએ ભાવમગ્ન! આમંત્રિત વ્યક્તિઓને સંબોધન કરીને બોલે છે, ‘અરે બાબુઓ, મેં ખાધું છે, હવે તમે લોકો પ્રસાદ લો.’
ઠાકુર ભાવમગ્ન થઈને જગન્માતાને કહે છેઃ ‘મા, હું ખાઉં? કે તમે ખાશો? મા કારણાનંદરૂપિણી!’
શ્રીરામકૃષ્ણદેવ શું જગન્માતાને અને પોતાને એક જુએ છે? જે મા, તે જ શું સંતાનરૂપે લોકોપદેશ કરવાને માટે અવતર્યાં છે? એટલે શું ઠાકુર ‘મેં ખાધું છે’ એમ કહે છે?
હવે ઠાકુર ભાવ-આવેશમાં દેહની અંદર ષટ્ચક્રોને તથા તેની અંદર માતાજીને દેખી રહ્યા છે. એટલે વળી ભાવમાં મગ્ન થઈને ગીત ગાય છેઃ
ભુવન ભુલાવિયું મા, હર-મોહિની,
મૂલાધાર-મહોત્પલે, વીણા-વાદ્ય-વિનોદિની…
અભયાના શરણાગત થયે સર્વ ભય જાય; એટલે જાણે કે ભક્તોને અભય આપે છે અને ગીત ગાય છેઃ
‘અભય-પદે પ્રાણ સોંપ્યા છે, હવે ક્યાં યમનો ભય રાખ્યો છે!..’ ઇત્યાદિ
Your Content Goes Here