(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આજના વ્યસ્ત સમય માટે ધ્યાનનો અભ્યાસ કેવી રીતે કરવો એ વિષયક બહુ આયામો ‘એકાગ્રતા અને ધ્યાન’ પુસ્તકમાં આવરી લીધા છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત આ પુસ્તકના કેટલાક અંશો અહીં પુનઃમુદ્રિત કર્યા છે. ધ્યાન વિષયક સંપૂર્ણ જાણકારી મેળવવા આ પુસ્તક ખરીદવા આપને વિનંતી. -સં.)
આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીએ ભલે સ્થળ અને કાળનાં અંતરો ઓછાં કરી નાખ્યાં છે, ભૌતિક સુખસગવડનાં સાધનો અનેકગણાં વધારી આપ્યાં છે, ચીજવસ્તુના ઉત્પાદનના ઢગલે ઢગલા સર્જી દીધા છે અને સ્વર્ગના જેવાં મનોરંજનનાં સાધનો ઉપલબ્ધ કરી દીધાં છે. પણ એમ છતાં જો કોઈ પણ મનુષ્યને પૂછીએ તો તે એમ જ જણાવશે કે એના જીવનમાં સુખશાંતિ નથી. દરેક મનુષ્યનું જીવન તનાવથી ભરેલું જણાય છે. તેથી જ માનસિક રોગો અને આત્મહત્યાનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. એ સંજોગોમાં મનુષ્યને જો કોઈ સાચાં સુખશાંતિ આપી શકે તેમ હોય તો તે એકમાત્ર ધ્યાન છે. આ ઉપરાંત, અનેક રોગો વધી ગયા છે. મોટા ભાગના મનુષ્યો અનિદ્રાના રોગથી પીડાઈ રહ્યા છે. મનોરોગીઓનું પ્રમાણ વધતાં મેન્ટલ હોસ્પિટલો વધુ ને વધુ પ્રમાણમાં ખૂલી રહી છે. આવી પરિસ્થિતિમાં સાચા સુખ અને શાંતિ માટે ધ્યાનની જેટલી આવશ્યકતા આધુનિક યુગમાં રહેલી છે, તેટલી ક્યારેય નહોતી.
સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ધ્યાનની આવશ્યકતા
આજકાલ તો ઉદ્યોગધંધાઓમાં આંતરરાષ્ટ્રીય હરીફાઈ તીવ્ર બની છે. તેમાં ટકવા માટે ઉદ્યોગપતિઓ પણ સતત દોડધામ કરી રહ્યા છે. ઉપરાંત મજૂરોના પ્રશ્નો, મંદી, વગેરેને લઈને ધંધાકીય ક્ષેત્રે પણ તનાવ જોવા મળે છે. આથી જ મેનેજમેન્ટમાં ‘સ્ટ્રેસ મેનેજમેન્ટ’ મહત્ત્વનો વિષય બની ગયો છે. દેશવિદેશની અનેક કંપનીઓએ પોતાના અમલદારો અને ઓફિસરોના માનસિક તનાવને દૂર કરવા ધ્યાનના વર્ગો પણ શરૂ કર્યા છે. ‘મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા’ જેવી કંપનીઓ આ માટે અમેરિકન મનોવૈજ્ઞાનિક એલિસ એલ્બર્ટ દ્વારા પ્રતિપાદિત આર.ઈ.ટી. વિધિ (R. E. T.—Rational Emotive Theory)નો ઉપયોગ કરી રહી છે. ‘બિઝનેસ ટુડે’માં જણાવ્યું હતું કે લાર્સન એન્ડ ટુબ્રો (L&T), ડી.સી.એમ.(DCM), સેમટેલ ઈન્ડિયા, એચ.પી.સી.એલ. (HPCL), બી.એચ.ઈ.એલ. (BHEL), વગેરે અનેક મોટી કંપનીઓએ આ માટે ધ્યાન અને યોગનો સહારો લીધો છે. આજે આર્થિક ક્ષેત્રે વિશ્વકક્ષાએ ગળાકાપ હરીફાઈ થઈ રહી છે તેથી મોટી મોટી કંપનીઓના મેનેજરોમાં માનસિક તનાવ વધી રહ્યો છે. ઈન્ટરનેશનલ સર્વે રિસર્ચ કોર્પોરેશન, શિકાગોના સર્વેક્ષણ અનુસાર હવે અમેરિકાની ૪૦ ટકા કંપનીઓ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે નિયમિત કાર્યક્રમોનું આયોજન કરે છે.
એમસ્ટરડેમના મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ શ્રી થીસન અનેક કંપનીઓમાં ધ્યાન અને કુંડલિની યોગ કરાવી રહ્યા છે. તેમણે પોતાના પુસ્તક (Rhythm of Managing)માં આ વિશે વિસ્તૃત ચર્ચા કરી છે.
માનસિક તાણ દૂર કરવા ધ્યાન બહુ જ ઉપયોગી છે. એ અંગે ઘણા પ્રયોગો થઈ રહ્યા છે. જાપાનના ન્યૂરો સાઈક્યાટ્રીસ્ટ શ્રી કાસ્માત્સુ અને શ્રી હીરાઈએ ઈ.ઈ.જી. દ્વારા ઝેન સાધુઓ ધ્યાન કરતા હતા ત્યારે ધ્યાનની મગજ ઉપરની અસરો વિશે પ્રયોગો કર્યા. તેમણે પહેલાં તો ૧૦ થી ૧૨ c.p.s.ના આલ્ફા તરંગો જોયા. પછી તરંગોની ફ્રીકવન્સી ઘટીને ૯ થી ૧૦ c.p.s. થઈ ગઈ અને આ પછી ૪ થી ૭ c.p.s.ના થીટા તરંગો દેખાયા. થીટા તરંગો ચિત્તની પ્રશાંતિની માત્રાના સૂચક છે. આમ, વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સિદ્ધ થયું છે કે ધ્યાન મનને શાંત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
શારીરિક સ્વાસ્થ્ય માટે ધ્યાનની આવશ્યકતા
શરીરના રોગોને દૂર કરવા માટે ધ્યાન અસરકારક ઉપાય છે, એ ભારતના ઋષિમુનિઓએ પાંચ હજાર વર્ષ પહેલાં જે સાબિત કરીને પોતાના નિરામય શતાયુ દ્વારા બતાવ્યું હતું, તે હવે આજના વૈજ્ઞાનિકો સ્વીકારવા લાગ્યા છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના પ્રોફેસર ડો. હર્બટ બેન્સને પ્રયોગો દ્વારા પુરવાર કરી આપ્યું છે કે ધ્યાનથી મન ઉપર એટલી બધી અસર થાય છે કે ‘બ્લડ પ્રેશર’ ઓછું થઈ જાય છે. પોતાના આ પ્રયોગો અને તેનાં પરિણામ તેમણે The Relaxation Responses નામના પુસ્તકમાં પ્રકાશિત કર્યાં છે.
મોટા ભાગના શારીરિક રોગોનું કારણ મન છે. મનમાં જો ચિંતા હોય, હતાશા કે નિરાશા હોય તો શરીર અવશ્ય માંદું પડે છે. વૈજ્ઞાનિકો જણાવે છે કે સામાન્ય રીતે મગજને ૨૦ ટકા લોહી જોઈએ છે. પણ જો મગજમાં તનાવ હોય તો વધારે લોહી જોઈએ. આ વધારાનું લોહી મગજ, પેટ કે કરોડરજ્જુના સ્નાયુમાંથી લઈ લે છે. આથી અલ્સર, રક્તચાપ, હૃદયરોગ, સ્પોન્ડીલિસિસ વગેરે રોગો થાય છે. ડો. દીપક ચોપરાએ પોતાનાં સુપ્રસિદ્ધ પુસ્તકો ‘ધ કવોન્ટમ હિલિંગ’, ‘ધ એઈજલેસ બોડી એન્ડ ટાઈમલેસ માઈન્ડ’ વગેરેમાં ધ્યાનની માનસિક અને શારીરિક તંદુરસ્તી ઉપર કેવી અસર પડે છે, તે જણાવ્યું છે.
શરીર પર મનની કેવી અસર પડે છે તે વિશે એક રસપ્રદ પ્રસંગ પૂ. સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક ‘મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ’માં ટાંકવામાં આવ્યો છે. એક સ્ત્રી સંધિવાના રોગથી પીડાતી હતી. ઘણી દવા કરી પણ રોગ મટતો ન હતો. આ રોગથી તે કંટાળી ગઈ હતી. તે ‘ડિપ્રેશન’માં આવી ગઈ હતી એટલે તે એક ‘સાઈક્યાટ્રીસ્ટ’ પાસે ગઈ. તે મનોચિકિત્સકે તેની બધી વાતો ધ્યાનથી સાંભળી. પછી તેના પરિવારજનો વિષે તેને પ્રશ્નો પૂછ્યા અને ઘણી માહિતી મેળવી. તેમાંથી તેને તે સ્ત્રીના રોગનું મૂળ કારણ મળી ગયું. એ કારણ હતું, તેની બહેન સાથેનો અણબનાવ. એ ચિકિત્સકે તેને કહ્યું: ‘તમારો રોગ હવે ગયો જ સમજજો. પણ તમારે તમારી બહેન સાથે પ્રેમભર્યો વર્તાવ કરવો પડશે. તમે તેને ખરા દિલથી ચાહશો તો તમે સાજાં થઈ જશો.’
‘ના, એને તો હું જિંદગીભર બોલાવીશ નહીં. એણે મારા વિશે બધાંને કેવું ખોટું ભરાવી દીધું છે. એ માફીને લાયક જ નથી.’
‘તો પછી તમે જિંદગીભર આ આંગળાંની અકડાઈ અને સંધિવાના દર્દની પીડા ભોગવ્યા કરો.’
‘આવું તે નિદાન કદી હોય?’ એમ કહેતી કહેતી તે સ્ત્રી ચાલી ગઈ. પણ બે-એક મહિના પછી તે હસતી હસતી પાછી આવી અને આભાર માનતાં તેણે એ મનોચિકિત્સકને કહ્યું: ‘ખરેખર, તમારી સલાહ માનીને હું સામે ચાલીને મારી બહેનના ઘરે ગઈ અને કહ્યું: ‘આખરે તો આપણે બેઉ સગી બહેનો છીએ. આપણી વચ્ચે આવા અબોલા શોભતા નથી. ચાલ, મેં તને બધું માફ કરી દીધું.’ પછી તો મારી બહેન મને ભેટીને રડવા લાગી, તેણે પણ ભૂલ કબૂલ કરી લીધી. આમ, અમારી વચ્ચે પહેલાં જેવો જ પ્રેમનો તંતુ જોડાઈ ગયો. અને આશ્ચર્ય! મારા સાંધાઓનું અક્કડપણું ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. અને હવે તો હું લગભગ સાજી થઈ છું.’ મનના ભાવોની શરીર પર કેટલી ઊંડી અસર પડે છે, એનું આ સચોટ ઉદાહરણ છે. ધ્યાનથી મન શાંત અને સ્થિર થાય છે અને તેથી શરીર પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.
મનની અવસ્થાનો પ્રભાવ શરીર પર પડે છે. આ વિષે રાલ્ફ વાલ્ડ્રો ટ્રાઈને પોતાના પુસ્તક ‘ઈન ટ્યુન વીથ ધ ઇનફિનિટ’માં એક અન્ય દૃષ્ટાંત આપ્યું છે. એક વખત પ્લેગની દેવી બગદાદ તરફ જઈ રહી હતી, ત્યારે એક મુસાફરને તેનો ભેટો થતાં તેણે પૂછ્યું: ‘તમે કઈ તરફ જઈ રહ્યાં છો?’ ત્યારે તેણે કહ્યું: ‘હું પાંચ હજાર માણસોને મારવા બગદાદ જાઉં છું.’ ફરી તે જ્યારે પાછી ફરતી હતી ત્યારે એ મુસાફર પાછો તેને મળ્યો અને કહ્યું: ‘તમે તો પાંચ હજાર મનુષ્યોને મારવાનું કહેતાં હતાં અને મેં સાંભળ્યું છે કે પચાસ હજાર માણસો પ્લેગથી મરી ગયા!’ ત્યારે એ દેવીએ કહ્યું: ‘મેં તો તને કહ્યું હતું, તેમ પાંચ હજાર માણસોને જ માર્યા છે, પણ બીજા બધા તો ભયથી અને ચિંતાથી મરી ગયા!’ અને ખરેખર આવું જ બને છે. ભય અને ચિંતાથી શરીરમાં જીવનપ્રવાહ વહેવાના માર્ગો સંકોચાઈ જાય છે. શરીરમાં પ્રાણશક્તિ બહુ જ ધીમે વહેવા લાગે છે. પરંતુ ધ્યાન કરવામાં આવે તો આશા અને શાંતિના સંચાર દ્વારા શરીરમાં જીવનપ્રવાહના માર્ગો વધારે વિકસિત અને ખુલ્લા થાય છે. શરીરમાં પ્રાણશક્તિ વેગથી કૂદકા મારતી વહેવા લાગે છે. એટલે શરીરમાં રોગો ટકી શકતા નથી.
એક પ્રખ્યાત અમેરિકન ડોક્ટરે મનુષ્યના મનનો ઊંડો અભ્યાસ કરીને જણાવ્યું કે મન જ શરીરનો સર્જક છે. કોઈ પણ આકાર, રોગ કે દુર્વ્યસનની કલ્પના જ્યારે પ્રથમ મનમાં થાય ત્યારે તેનું માનસિક ચિત્ર ખડું થાય છે અને એ ચિત્રની જ શરીર ઉપર અસર થવા લાગે છે. ક્રોધથી થૂંકમાં એટલો ફેર પડે છે કે થૂંક જ વિષરૂપ બની જાય છે. એકાએક થઈ આવતી પ્રબળ અસર એટલી બધી વધી થાય છે કે ઘણી વાર તેનાથી હૃદયને ભારે ધક્કો લાગે છે. કેટલીક વાર તો હૃદયનું ધબકવું પણ બંધ થઈ જાય છે અને મનુષ્ય મૃત્યુ પામે છે. લાગણીઓના સખત આવેગથી મનુષ્યો ગાંડા થઈ જાય છે. એનાં પણ ઘણાં દૃષ્ટાંતો જોવા મળે છે. વૈજ્ઞાનિકોએ ઘણા પ્રયોગો કરી સાબિત કર્યું કે સામાન્ય મનુષ્યના પરસેવામાં અને અપરાધ કરવાથી જેનું કાળજું ધડકી રહ્યું હોય એવા ગુનાગારોના પરસેવામાં બહુ જ ફેર હોય છે. વૈજ્ઞાનિકોએ અનેક વખત આ એક પ્રયોગ કર્યો છે કે કેટલાક મનુષ્યોને એક ગરમ ઓરડીમાં બેસાડ્યા. એમાં કોઈ ક્રોધી, કોઈ કામી, કોઈ ઈર્ષાળુ વગેરે હતા. ગરમ ઓરડીના વાતાવરણને લઈને બધાંને ખૂબ પરસેવો થતો અને આ પરસેવાનાં ટીપાંઓને લઈને રાસાયણિક પ્રયોગ ઉપરથી તેનું પૃથક્કરણ કર્યું,અને એ જ વખતે તેઓએ તારણ કાઢી આપ્યું કે કયા મનુષ્યોમાં કેવી કેવી લાગણીઓ પ્રબળ હતી. આ બધા પ્રયોગો ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે મનની શરીર પર સીધેસીધી અસર થાય છે.
રાલ્ફ વાલ્ડ્રો ટ્રાઈનને કોઈએ પૂછ્યું કે શું કેવળ આંતરિક શક્તિના પ્રયોગથી રોગમાંથી શરીરને સાજું કરી શકાય? તેના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે ‘જરૂર સાજું કરી શકાય! અને શરીરને નીરોગી સ્થિતિમાં લાવવાનો એ જ સ્વાભાવિક માર્ગ છે. જીવનશક્તિના સ્થૂળ માર્ગમાં જે કંઈ અડચણરૂપ હોય તેને દૂર કરવાનું જ કાર્ય દવાઓ કરે છે. બાકી શરીરના રોગો મટાડવાનું ખરું કામ તો આંતરશક્તિઓ જ કરે છે.’
એક પ્રખ્યાત સર્જને આ વિષે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતાં કહ્યું હતું: ‘શરીરને પોષણ આપનાર ખરું તત્ત્વ જે જીવનશક્તિ છે, તેનો ઘણા સમયથી વૈદકશાસ્ત્રમાં બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નથી. બધા ડોક્ટરોનું ધ્યાન મન પર જડ પદાર્થની શી અસર થાય છે, એના ઉપર જ કેન્દ્રિત થયેલું છે. અને તેને લગતા જ ઉપાયો આપવામાં આવેલા છે. આનું પરિણામ એ આવ્યું કે ડોક્ટરો સમયની સાથે પ્રગતિ કરી શકતા નથી અને તેથી શરીરના રોગો દૂર કરવામાં મન કેટલો અગત્યનો ભાગ ભજવે છે, તેનો અભ્યાસ ઊંડાણપૂર્વક થયો નથી. ક્યાંક ક્યાંક માત્ર બીજરૂપે એ વિચાર જોવામાં આવે છે. પરંતુ હવે ડોક્ટરો પણ શરીર ઉપર થતી મનની અસરો વિશે જાગ્રત થયા છે અને આધુનિક યુગમાં ડોક્ટરો એના પ્રયોગો કરવા લાગ્યા છે.’
આપણા સાધુ-મહાત્માઓ અને યોગીઓ ધ્યાન દ્વારા પોતાના મન ઉપર નિયંત્રણ કરી પોતાના શરીરનું આરોગ્ય જાળવી રાખતા હતા. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પણ પોતાના ‘ધ્યાન, ધર્મ અને સાધના’ પુસ્તકમાં કહે છે: ‘ધ્યાનથી ફક્ત મનમાં જ શાંતિ આવે છે, એવું નથી. તેનાથી શારીરિક સ્વાસ્થ્ય પણ સારું થાય છે.’ આમ શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ધ્યાન કરવું જરૂરી છે.
નિશ્ચિત ધ્યેય પ્રત્યે ગતિ કરવા માટે ધ્યાનની આવશ્યકતા
એક વખત એક મોટર ચાલક પૂરઝડપે પોતાની મોટર ચલાવતો હતો. તેને પોતાના શહેરમાં જવું હતું પણ તે રસ્તો ભૂલી ગયો હતો. આથી તેણે મોટર ઊભી રાખીને ત્યાંથી પસાર થઈ રહેલા એક વિદ્યાર્થીને પૂછ્યું: ‘મારે આ શહેરમાં જવું છે, તો હું આ રસ્તે પહોંચી શકીશ?’
‘હા, જરૂર પહોંચી શકશો!’
‘અહીંથી કેટલું દૂર છે?’ તેણે પૂછ્યું.
આ વિદ્યાર્થી ભૂગોળનો અભ્યાસ કરતો હતો. તેણે કહ્યું: ‘અહીંથી પચીસ હજાર માઈલ દૂર છે.’ પછી મોટર ચાલકે પૂછ્યું: ‘અને જો હું આ બીજે રસ્તે જાઉં તો?’
‘તો માત્ર બે માઈલ દૂર છે.’
આ કહેવાનો અર્થ એ થયો કે પૃથ્વી ગોળ છે, એટલે ક્યારેક ને ક્યારેક તો તમે ફરી ફરીને પણ તમારા ગંતવ્ય સ્થળે પહોંચી જ જશો. આપણે સહુ સંસારના કામકાજમાં એટલા બધા ડૂબેલા છીએ કે આપણને એટલું વિચારવાની પણ ફુરસદ મળતી નથી કે આપણા જીવનનો ઉદ્દેશ શો છે, આપણા જીવનની મોટરને આપણે પૂરઝડપે હંકારીએ છીએ પણ આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ કે નહીં એનો ખ્યાલ રાખતા નથી. આપણા રોજિંદા જીવનમાં થોડીક ક્ષણો પણ જો આપણે ધ્યાનમાં ગાળીએ તો આપણે જીવનની સાચી દિશા સમજી શકીએ છીએ. અને સાચી દિશા મળતાં એ પ્રમાણે જીવનને પણ ગોઠવી શકીએ છીએ. જેઓ જીવનમાં કોઈ ધ્યેયને પ્રાપ્ત કરવા ઇચ્છે છે અથવા જીવનને નિરર્થક વેડફી દેવા માગતા નથી, તેઓ માટે પણ ધ્યાનની અત્યંત આવશ્યકતા છે અને આધ્યાત્મિક રીતે આગળ વધવા માટે તો ધ્યાન અનિવાર્ય બની રહે છે.
રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ એક જાપાની છોકરા વિશેની સુંદર વાતો કહેતા, ‘એક ગામડામાં આ છોકરો કોઈને ત્યાં નોકર હતો. એક દિવસ તેના માલિકે તેને નજીકના શહેરમાં જઈને ચીજવસ્તુઓ ખરીદી લાવવા કહ્યું. એ ચીજવસ્તુઓની યાદી અને તે માટેના પૈસા પણ તેને આપ્યા. છોકરો શહેરમાં તો આવ્યો, પણ તે કોઈ વાર શહેરમાં ગયો ન હતો, એટલે શહેરમાં દાખલ થતાં તે ત્યાંના ભભકાથી, ત્યાંની આકર્ષક દુકાનોથી અંજાઈ ગયો અને તે એક દુકાનેથી બીજી દુકાને જોતાં જોતાં ફરતો રહ્યો. આમ ને આમ તે પોતે શહેરમાં શા માટે આવ્યો છે, તે જ ભૂલાઈ ગયું. સાંજે છેલ્લી બસ ગામડે જવાની હતી ત્યારે તેને ભાન આવ્યું કે તેને તો ગામડે પાછું જવું પડશે એટલે તે તુરત જ બસમાં ચડી ગયો. ઘરે પહોંચ્યો ત્યારે માલિકે પૂછ્યું: ‘બધી વસ્તુઓ ક્યાં?’
‘અરે, એ બધું લેવાનું તો હું ભૂલી જ ગયો!’
આપણી સ્થિતિ પણ આવી જ છે. આપણે આ પૃથ્વી ઉપર આવીને સાંસારિક કાર્યોમાં અને ભૌતિક આકર્ષણોમાં એટલા ડૂબી જઈએ છીએ કે મનુષ્યરૂપે જન્મ લેવાનો, આ જીવન ધારણ કરવાનો મૂળ ઉદ્દેશ જ ભૂલી જઈએ છીએ. દરરોજ થોડો સમય ધ્યાન કરવાથી, આપણા મનનું વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરવાથી આપણે આપણા કાર્યના હેતુ પ્રત્યે, આપણા જીવનના હેતુ પ્રત્યે સચેતન થઈ શકીએ છીએ. આ સંદર્ભમાં શ્રીમા શારદાદેવી કહે છે: ‘તમારી ફરજ બજાવવા ઉપરાંત જપ, ધ્યાન અને પ્રાર્થના કરવાની પણ ખૂબ જરૂર છે. ઓછામાં ઓછું સવારે ને સાંજે તો એ બધું કરવું જ જોઈએ. આ જાતનો અભ્યાસ એ હોડીના સુકાન જેવો છે. સાંજે પ્રાર્થનામાં બેસતી વખતે પોતે આખા દિવસમાં સારાં કે નરસાં કેવાં કાર્યો કર્યાં છે, તેનો વિવેકબુદ્ધિથી વિચાર કરવો જોઈએ. જો તમે કામકાજની સાથે સાથે ધ્યાન કરો નહીં તો પછી તમે શુભ કરી રહ્યા છો કે અશુભ એની ખબર કેમ પડે?’ આમ, ધ્યાન દ્વારા મનુષ્ય પોતાનું આંતર-નિરીક્ષણ કરી શકે છે. પોતાનું વિશ્લેષણ કરી પોતાના આંતરિક દોષોને દૂર કરી શકે છે અને પોતાના જીવનને નિરર્થક ભટકતું અટકાવીને સાચા ધ્યેયની દિશામાં ગતિમાન કરી શકે છે, એટલું જ નહીં પણ એ ગતિને વેગ પણ આપી શકે છે.
દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરવા માટે ધ્યાનની આવશ્યકતા
વેદકાલીન ઋષિમુનિઓએ સ્વસ્થ અને નીરોગી સો વર્ષનું આયુષ્ય મનુષ્ય ભોગવી શકે છે, એ પ્રતિપાદિત કરી આપ્યું છે. તેઓ પોતે પણ એવું નીરોગી જીવન જીવતા હતા, કેમ કે તેમનું જીવન પ્રકૃતિની સાથે સંકળાયેલું હતું અને તેઓ દરરોજ પ્રાત:કાળે નિયમિત ધ્યાન દ્વારા પોતાના ચેતાતંત્ર ઉપર કાબૂ રાખી શકતા હતા. તેના પરિણામે તેઓ દીર્ઘાયુષી હતા. ધ્યાન દ્વારા આયુષ્યને લંબાવી શકાય છે, એ અંગે હવે વૈજ્ઞાનિકો પણ સંશોધન કરી રહ્યા છે. કેવી રીતે આયુષ્ય લંબાવી શકાય તેની વૈજ્ઞાનિક સમજ પણ તેઓ આપે છે. મૃત્યુ એ દરેક જીવ માટેની એક એવા પ્રકારની સમતુલન સ્થિતિ છે કે જ્યારે એન્ટ્રોપી વધુમાં વધુ હોય છે. થર્મોડાઈનેમિકસના બીજા નિયમ પ્રમાણે કોઈ પણ અરૂપાંતરિત તંત્રમાં એન્ટ્રોપી ત્યાં સુધી વહેતી રહે છે, જ્યાં સુધી એ તંત્ર સમતુલન સ્થિતિ પર પહોંચી ન જાય. એન્ટ્રોપી કોઈ પણ તંત્રમાં અવ્યવસ્થાનું પ્રમાણ દર્શાવે છે. જો આપણે એન્ટ્રોપીની વધતી ગતિને ધીમી કરી શકીએ, તો સમતુલન સ્થિતિ પાછળ ધકેલી શકીએ. તેવી જ રીતે આપણા જીવનમાં વધતા જતા તણાવોને જો ઓછા કરી શકીએ તો આપણા જીવનની સમતુલન સ્થિતિ એટલે કે મૃત્યુને પાછળ ધકેલી શકીએ. ધ્યાન માનસિક તણાવોને ઓછા કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને મૃત્યુને પાછળ ધકેલે છે. આમ, ધ્યાન દ્વારા મનુષ્ય પોતાના આયુષ્યને લંબાવી શકે છે. વળી, રોગો ઉપર કાબૂ મેળવવાથી, શરીરનું સ્વાસ્થ્ય સારું રહેવાથી પણ મૃત્યુ પાછળ હટે છે. એટલું જ નહીં પણ ધ્યાન મનના ઊંડામાં ઊંડા પ્રદેશોમાં લઈ જાય છે. એના પરિણામે અચેતન મનમાં રહેલા સંસ્કારોને સમજવાની દૃષ્ટિ મળે છે. આથી મનુષ્ય આંતરિક રીતે પણ સ્વસ્થ બને છે. પોતાના મન ઉપર કાબૂ મળવાથી બહારની પરિસ્થિતિઓમાં પણ તે સ્વસ્થ રહી શકે છે. આ રીતે ધ્યાન મનને સુસ્થિર બનાવે છે. તેને પરિણામે પણ મનુષ્ય નિરામય આયુષ્ય ભોગવી શકે છે.
સાચો આરામ મેળવવા ધ્યાનની આવશ્યકતા
ખરેખરું ધ્યાન શરીર અને મનને પ્રફુલ્લિત બનાવે છે, શરીર અને મનને આરામ આપે છે. આ વિષે સ્વામી વિવેકાનંદ કહે છે કે, ‘કલાકેકની ધ્યાનાવસ્થા પછી જ્યારે તમે તેમાંથી બહાર આવશો ત્યારે તમને તમારા જીવનના સુંદરમાં સુંદર આરામની અવસ્થાનો અનુભવ થયો લાગશે. તમારા શરીરયંત્રને સારામાં સારો આરામ આપવાનો એકમાત્ર રસ્તો છે, ધ્યાન; જે ગાઢમાં ગાઢ નિદ્રા પણ તમને એવો આરામ નહીં આપે. આમ, ઊંડા ધ્યાનમાં શરીરને, જ્ઞાનતંતુઓને અને મનને સાચો આરામ મળી જાય છે, જે કલાકોની નિદ્રામાંથી પણ મળતો નથી.’ આથી, જેઓ ઊંડું ધ્યાન કરતા હોય તેમને નિદ્રાની ઓછી જરૂર પડે છે. અને છતાં તેમનાં તન અને મન તાજગીથી ભરેલાં રહે છે. પરિણામે સામાન્ય મનુષ્ય જે કાર્ય કરે છે, તે કાર્ય તેઓ ઓછા સમયમાં વધારે ઝડપથી કરી શકે છે. આથી, ધ્યાન દ્વારા સમય અને શક્તિ બંનેમાં વૃદ્ધિ કરી શકાય છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે ધ્યાનની શક્તિ આપણને સર્વકંઈ મેળવી આપે છે. જો તમારે પ્રકૃતિ ઉપર સત્તા મેળવવી હોય તો તે તમને ધ્યાન દ્વારા મળી શકે. જે બધી વૈજ્ઞાનિક શોધો થઈ રહી છે, તે બધી ધ્યાનની શક્તિ દ્વારા થાય છે.
આમ, ધ્યાન દ્વારા શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શક્તિઓનો વિકાસ, આંતરિક શક્તિઓની જાગૃતિ, દૈનિક જીવનમાં સ્વસ્થતા, સમતા, સ્થિરતા અને શાંતિ પ્રાપ્ત થાય છે. આજે વિશ્વના મોટા ભાગના દેશો એટલે જ ભારતના યોગ અને ધ્યાન પ્રત્યે આકર્ષિત થયા છે. તાજેતરમાં જ એક વર્તમાનપત્રમાં સમાચાર હતા કે જર્મનીમાં યોગના નવા નવા કેટલાય વર્ગો શરૂ થયા છે. અમેરિકામાં પણ હવે ઘણા લોકો ધ્યાન અને યોગ પ્રત્યે વળ્યા છે.
(ક્રમશ:)
Your Content Goes Here