રામકૃષ્ણ મઠ, અમદાવાદ
સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજીએ ગુજરાતની મુલાકાત દરમિયાન તા.૨૮/૯/૨૦૨૩, ગુરુવારે સવારે રામકૃષ્ણ મઠ, અમદાવાદની સાણંદ તાલુકાના લેખંબા ગામમાં નવસંપાદિત જમીન પર નિર્માણાધીન પ્રાર્થનાખંડ, સાધુનિવાસ અને ભક્તનિવાસના પરિસરમાં પગલાં પાડ્યાં હતાં અને આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે શ્રીરામકૃષ્ણદેવનાં આગમનથી સત્યયુગ પ્રારંભ થયો છે, એમ સ્વામી વિવેકાનંદે કહેલું છે. સત્ય પ્રત્યેની નિષ્ઠા, જે ભગવાનમાં શ્રદ્ધા હોય તેની ભક્તિ, માનવસેવા જેવા દૈવી ગુણો થકી જીવનમાં આગળ વધાય છે. શ્રીરામકૃષ્ણદેવે યાત્રા વખતે પહેલાં ગરીબોની સેવા કરવા માટે આગ્રહ રાખ્યો હતો. જેની જે જરૂરિયાત હોય એ પ્રમાણે એની સેવા કરો. આ ભૂમિમાં એવું દેખાય છે કે ભવિષ્યમાં મઠ થશે ને તમને ખેંચી લાવશે. શ્રીરામકૃષ્ણે તમને જોઈ લીધા છે. હવે એ જ તમને ખેંચી લાવશે. સરળ શબ્દોમાં અને હળવી શૈલીમાં રમૂજી ટુચકા કહીને અર્થગંભીર રીતે મનુષ્ય-જીવનનું ધ્યેય ઈશ્વરપ્રાપ્તિ છે—એમ ૨૫૦ જેટલાં ઉપસ્થિત શ્રોતાજનોને સમજાવ્યું હતું.
રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજીને ૯૫ વર્ષના યુવાન ગણાવીને તેમનું સ્વાગત કર્યું હતું. રામકૃષ્ણ મઠ, અમદાવાદના અધ્યક્ષ સ્વામી પ્રભુસેવાનંદજીએ લેખંબામાં આકાર લઈ રહેલા પ્રથમ તબક્કાના બાંધકામની વિગત આપી હતી. ભવિષ્યમાં, બીજા તબક્કામાં થનાર રામકૃષ્ણ સાર્વજનિક મંદિર, વિવેકાનંદ થીમ પાર્ક, તેમજ શૈક્ષણિક અને આરોગ્ય સેવાના પ્રકલ્પો માટેના બાંધકામની જાણકારી આપી હતી, જે સહુ સાધુસંતોના આશીર્વાદ તથા લોકોના સહકારથી પાર પડશે એવી શ્રદ્ધા સ્વાગતના શબ્દોમાં પ્રગટ કરી હતી.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
તાજેતરમાં સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ તથા ચેન્નઈ મઠના અધ્યક્ષ સ્વામી ગૌતમાનંદજી રામકૃષ્ણ મિશનની 125મી જયંતી નિમિત્તે રાજકોટની વિશેષ મુલાકાતે પધાર્યા હતા. તેમણે ૨૮ સપ્ટેમ્બરના રોજ રાજકોટ આશ્રમ ખાતે બંધાયેલા નવા કમ્પ્યુટર બ્લોકનું ઉદ્ઘાટન કર્યું હતું.
તારીખ 29ના રોજ યોજાયેલી જાહેરસભામાં તેઓએ અત્યંત મનનીય વક્તવ્ય આપ્યું હતું. સાથોસાથ રાજકોટ આશ્રમ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘માનવતાનું પ્રસ્ફુટિત પદ્મ’ તથા ‘Ramakrishna Mission in Gujarat—Focus: Gujarat Tirthyatra’ સ્મરણિકાનું તેમના વરદ હસ્તે વિમોચન થયું હતું. ઉપરાંત, ૯૫ વર્ષની જૈફ વયે પણ તેમણે દ્વારકા, સોમનાથ, પોરબંદરમાં જે સ્થળે સ્વામી વિવેકાનંદ રહ્યા હતા એ સ્થળોની વિશેષ મુલાકાત લીધી હતી. તેમણે આપેલું પ્રવચન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે.
Your Content Goes Here