(21 ડિસેમ્બર, ગુરુવારના રોજ સ્વામી પ્રેમાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ પ્રેમાનંદ’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. – સં.)

ઈ.સ. ૧૯૧૬ના માર્ચ મહિનામાં વસંતની એક મધ્યાહ્ને એક યુવતી રામકૃષ્ણ મિશનના પ્રેસિડેન્ટ સ્વામી બ્રહ્માનંદને મળવા માટે મઠમાં આવી. માબાપે બળજબરીથી વિવાહ કરાવી દીધો છે. માટે તે સાસરેથી ભાગીને મઠમાં આવી પહોંચી હતી. સ્વામી બ્રહ્માનંદની પાસે લઈ જતાં જ એ તેમના પગમાં પડી ગઈ અને કહ્યું, “પિતૃદેવ! સાંસારિક જીવન જીવવાની મારી કોઈ ઇચ્છા નથી. તમારા ઉપદેશોનું પાલન કરતાં કરતાં આ મઠમાં રહી બાકીનું જીવન વિતાવવા ઇચ્છું છું. મારી એક જ આકાંક્ષા છે—ઈશ્વરની સાધના અને એમની ઉપલબ્ધિ. એકમાત્ર ઈશ્વરને જ હું મારાં દેહ-મન-પ્રાણ સમર્પિત કરીશ.”

યુવતીની સહજ નિષ્ઠા અને અકપટભાવ જોઈને મહારાજ વિગલિત થઈ ગયા અને કહ્યું, “બેટા, આ તો એક મઠ છે. તું કેવી રીતે અહીં રહી શકીશ? માબાપ પાસે પાછી ફરી જા. તેઓ તારી ચિંતા કરતા હશે. એમની સાથે રહે; ધાર્મિક પુસ્તકો, શ્રીરામકૃષ્ણ અને સ્વામીજીની ઉપદેશાવલીનો અભ્યાસ કર. શ્રીરામકૃષ્ણને પ્રાર્થના કર. તેઓને તારા અંતરની વ્યાકુળતાની ખબર જ છે. અવશ્ય તારી પ્રાર્થનાનો ઉત્તર આપશે. પછીથી તું નિવેદિતા બાલિકા વિદ્યાલય અથવા ગૌરીમાના આશ્રમે જઈ શકે છે. તારા મનમાં સદ્‌બુદ્ધિ જાગ્રત થઈ છે. ઈશ્વર પ્રતિ ભક્તિ ન હોય તો મનુષ્ય-જીવન સાચે જ વૃથા.”

પરંતુ યુવતીએ જિદ્દ પકડી કે તે પિતાજીના ઘરે પાછી ફરશે નહિ. તેથી સ્વામી બ્રહ્માનંદે એને આશીર્વાદ આપી ગૌરીમાના આશ્રમે મોકલી દીધી.

યુવતીના ચાલ્યા ગયા પછી મહારાજે ધીરે ધીરે મઠના પુસ્તકાલયમાં આવીને જોયું કે સ્વામી પ્રેમાનંદ પત્ર લખે છે. તેઓ તેમની પાસે બેઠા. એ જ સમયે સ્વામી બ્રહ્માનંદે ઉચ્ચ ભાવરાજ્યમાં પ્રવેશ કર્યો. જેઓ તેમને નિહાળી રહ્યા હતા, તેઓએ તેમના જ્યોતિર્મય મુખમંડલ ઉપર ભાવમય આનંદની દીપ્તિનાં દર્શન મેળવ્યાં હતાં. એ સમયે તેઓના ચહેરાનો ભાવ અને વ્યવહાર અવર્ણનીય હતો. સ્વામી પ્રેમાનંદે પણ આ દર્શન કર્યાં. તેમણે ઉપસ્થિત યુવા સાધુઓને કહ્યું, “મહારાજને સારી રીતે નીરખો! આ જે ભાવ જુઓ છો, એને પરમહંસ ભાવ કહેવાય!”

થોડી વાર બાદ મહારાજે સાધારણ ચેતનાના સ્તરે પાછા ફરી સ્વામી પ્રેમાનંદને કહ્યું, “શ્રીરામકૃષ્ણની દિવ્યલીલા કોણ સમજી શકે? સ્વામી વિવેકાનંદની ઇચ્છા હતી કે કિશોરીઓ માટે એક મઠ બનાવે. હવે હું જોઉં છું કે નજીકના ભવિષ્યમાં જ તેમની ઇચ્છા પૂર્ણ થશે. પ્રભુ (શ્રીરામકૃષ્ણ) ત્યાગના આદર્શનો જે ઉપદેશ આપતા, એનાથી કિશોરીઓ અનુપ્રાણિત થાય છે. આજે જે યુવતી આવી હતી એ તેનાં રૂપ, પવિત્રતા, વ્યાકુળતા, અને સરળતામાં દેવી સમાન હતી!”

એ દિવસે જ સાંજ ઢળ્યા પછી સ્વામી પ્રેમાનંદ સ્વામી વિવેકાનંદના મંદિરની સામે જે બિલ્વવૃક્ષ છે, એની નીચે બેસીને ધ્યાન કરી રહ્યા હતા. એમની સાથે કેટલાક તરુણ સંન્યાસીઓ પણ ધ્યાનરત હતા. ધ્યાન બાદ એક યુવા સંન્યાસી નીરવતાનો ભંગ કરીને બોલ્યો, “શ્રદ્ધેય મહારાજ, આધ્યાત્મિક જીવનની શરૂઆતમાં અમારા મનમાં જે નિષ્ઠા અને ઉત્સાહ હોય છે, એ કેમ ચિરસ્થાયી રહેતાં નથી? એ હંમેશાં કેમ એકધાર્યાં ટકી રહેતાં નથી?” સ્વામી પ્રેમાનંદે ઉત્તર આપ્યો, “આપણા ઉત્સાહને દૃઢ કરવા માટે ત્રણ વસ્તુઓની જરૂર છે—સાધુસંગ, ઇષ્ટાનુરાગ, તથા ચરિત્રની પવિત્રતા.” યુવક સાધુએ પૂછ્યું, “પરંતુ મહારાજ, અહીં બેલુર મઠમાં તો અમે શ્રીરામકૃષ્ણના સાક્ષાત્‌ શિષ્યોનો પવિત્ર સંગલાભ કરીએ છીએ.” મહારાજે ઉત્તરમાં કહ્યું, “શ્રીરામકૃષ્ણ કહેતા કે, ‘સાધુનું તુંબડાનું બનેલું કમંડળ તીર્થે તીર્થે ભ્રમણ કરીને પાછું ફર્યા છતાં જેવું કડવું હતું, તેવું જ કડવું રહે.’ તું સાધુસંગનો શું અર્થ કરે છે? તેમના જીવન તરફ જુઓ, તેમની પવિત્રતા, તેમનો અનુરાગ, પ્રેમ તથા કરુણા જુઓ, અને એ પોતપોતાના જીવનમાં ઉતારીને જુઓ તો.”

ત્યાર બાદ, જે યુવા સાધુએ સ્વામી બ્રહ્માનંદની ભાવસમાધિ નીરખી હતી, તેની તરફ જોઈને પ્રેમાનંદ મહારાજ કહેવા લાગ્યા, “તેં શું (બ્રહ્માનંદ) મહારાજની પૂર્ણ ભાવાવસ્થા વિસ્તારપૂર્વક સમીક્ષા કરીને જોઈ છે? એને કહે છે, પરમહંસ અવસ્થા. આવી અનુભૂતિ શ્રીરામકૃષ્ણને વારંવાર થતી. તમારા સમગ્ર શરીર અને મન વડે સાધુસેવા કરો. એમની પાસે જઈને પ્રશ્ન કરો, તથા એમના ઉપદેશને વિશ્વાસ અને શ્રદ્ધાની સાથે અનુસરો. એકમાત્ર ત્યારે જ તમે જન્મ-જન્માંતરથી સંચિત મલિનતા તથા સંસાર-સુખભોગના સંસ્કારમાંથી મુક્ત થશો. સાધુઓનું અનુસરણ કરવાથી ભક્તિ વધે અને અંતર શુદ્ધ બને. સાંસારિક સંસ્કારમાંથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય છે સાધુસંગ, કારણ કે સાધુ જ છે—ઈશ્વરનો જીવંત પ્રકાશ.

“અંતર શુદ્ધ થવાથી મન એકાગ્ર, સૂક્ષ્મ અને શુદ્ધ થાય, ત્યારે સાધક ઈશ્વરના દર્શનલાભ કરે. વચમાં વચમાં નિર્જનમાં જાઓ, વિચાર-બુદ્ધિનો પ્રયોગ અને આત્મ-વિશ્લેષણનો અભ્યાસ કરો, ત્યારે જ તમે તમારી આધ્યાત્મિક ઉન્નતિના પથમાં, જે સૂક્ષ્મ વિઘ્નો રહેલાં છે એ શોધી શકશો. તમે જોઈ શકશો કે, ઘણાં સૂક્ષ્મ સંસ્કાર, ચિંતા તથા કર્મ-જનિત અભ્યાસ અવચેતન મનમાં સુપ્ત અને સંતાયેલાં પડેલાં છે. નિર્જનમાં પોતાના મનનું વિશ્લેષણ કરો, વિઘ્નોને શોધી કાઢો, ત્યાર બાદ એમને દૂર કરવા માટે મક્કમ સંગ્રામ કરો.”

Total Views: 166

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.