(નવેમ્બરના અંકથી આગળ)
૫. સ્થળ અને કાળથી અતીત જવા માટે ધ્યાનની આવશ્યકતા
સામાન્ય રીતે મનુષ્ય સ્થળ, કાળ અને કારણમાં બંધાયેલું પ્રાણી છે. આથી જ મન દ્વારા પૂર્ણ ચેતનાને પામી શકાતી નથી કે જાણી શકાતી નથી. પૂર્ણ સત્યની કે શાશ્વત શાંતિની પ્રાપ્તિ માટે મનથી અતીત જવું જરૂરી છે. અને એ માટે એકમાત્ર ધ્યાન જ અસરકારક સાધન છે. આધુનિક વૈજ્ઞાનિકોએ પણ મનની પ્રગાઢ શાંતિમાં મનની કઈ સ્થિતિ છે, તેની સમજૂતિ ભૌતિક વિજ્ઞાનનાં તથ્યો દ્વારા આ પ્રમાણે આપી છે:
પ્રવાહી હિલિયમ (Liquified Helium) ૨.૧૦ એબ્સોલ્યુટ તાપક્રમ સુધી ઠંડું કરવામાં આવે છે, ત્યારે આશ્ચર્યજનક રીતે તેનો પ્રવાહ એકદમ ઘર્ષણવિહીન થઈ જાય છે. અને આમ થવાથી સાધારણ પ્રવાહી કે વાયુ જેમાંથી પસાર ન થઈ શકે તેવાં અત્યંત નાનાં છિદ્રોમાંથી પણ પ્રવાહી હિલિયમ પસાર થઈ શકે છે. આ ગુણધર્મને સુપરફ્લુયીડીટી (superfluidity) કહેવાય છે. જસત, પારો, ટીટેનિયમ, સીસું, ટીન જેવી ધાતુઓનું તાપમાન જ્યારે O0K જેટલું ઓછું કરવામાં આવે ત્યારે તેમાંથી વિદ્યુતપ્રવાહ કોઈપણ અવરોધ વગર પસાર થઈ શકે છે. ધાતુઓના આ ગુણધર્મને સુપર કન્ડકિ્ટવિટી (superconductivity) કહેવાય છે. સુપરફ્લુયીડીટી અને સુપર કન્ડકિ્ટવિટી મનની ઘર્ષણવિહીન અને અવરોધવિહીન અવસ્થા સાથે અદ્ભુત સામ્ય ધરાવે છે. વળી, તેમાં ધાતુઓના આ બંને ગુણધર્મો એક ડિગ્રી સેન્ટિગ્રેટના સોમા ભાગમાં બદલાઈ જાય છે. તેવી રીતે અવરોધવાળી સ્થિતિમાંથી મન જ્યારે અવરોધવિહીન સ્થિતિમાં પહોંચે ત્યારે મનના ગુણધર્મો બદલાઈ જાય છે. ધ્યાન કાયમ ઘર્ષણ અને અવરોધ સહન કરતા મનને ઘર્ષણવિહીન અને અવરોધવિહીન સ્થિતિમાં લઈ જાય છે. આવી સ્થિતિમાં મનના પ્રસ્થાનને મનનો ક્વોન્ટમ જમ્પ (quantum jump) કહી શકાય. અને એ જાણે કે મનનું ચેતન અવસ્થામાંથી અતિચેતન અવસ્થામાં જવા જેવું છે. મન જ્યારે આ સંપૂર્ણ સઘન સ્થિતિમાં પહોંચે ત્યારે સમય, સ્થળ અને કારણ (Time, space and causation)થી પર થઈ અનંતને આંબી જાય છે અને પરમ સત્યનો સાક્ષાત્કાર કરે છે. શાશ્વત શાંતિ પામે છે. અલબત્ત, આ ધ્યાનની ઉચ્ચતમ અવસ્થા, સમાધિની અવસ્થાની વાત છે. પણ ધ્યાનનો થોડો ઘણો પણ નિયમિત અભ્યાસ અચેતન મનની બાધાઓને ધીરે ધીરે દૂર કરી પરમ શાંતિ મેળવવાની પ્રક્રિયામાં સહાયભૂત થાય છે. આ રીતે ધ્યાન દ્વારા મનને પરમ શાંતિમાં સ્થિર કરી શકાય છે અને એવા મનથી જે કાર્યો થાય છે, એમાં જીવનની સફળતા રહેલી છે અને જીવનની સૌથી મોટી સફળતા તો પરમ સત્યને પામવાની અને તેમાં જીવન જીવવાની છે. એ સફળતા ધ્યાન જ આપી શકે.
૬. ધ્યાન આપે છે આઘાતોમાં સ્વસ્થ રહેવાની શક્તિ
જીવનભરની કમાણી જે બેંકમાં મૂકી હતી અને તેના વ્યાજમાંથી પાછલી જિંદગી સારી રીતે જીવી શકાશે એવી આશા, માધુપુરા બેંક તૂટી પડતાં ભાંગી પડી અને એ આઘાત જીરવી ન શકતી એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી. એ જ રીતે શેરબજારમાં રોકેલાં નાણાં ડૂબી જતાં પણ આત્મહત્યા કર્યાનાં ઘણાં ઉદાહરણો જોવા મળે છે. એકના એક પુત્રના મૃત્યુનો આઘાત ન જીરવાતાં પાગલ થઈ ગયાનાં ઉદાહરણો પણ મળે છે. જીવનની આવી વિષમ સ્થિતિઓમાં એ જ મનુષ્યો સ્વસ્થતાપૂર્વક ટકી શકે છે અને મુશ્કેલીઓનો હિંમતભેર સામનો કરી શકે છે, જેઓ પોતાના રોજિંદા જીવનમાં નિયમિત ધ્યાનનો અભ્યાસ કરતા હોય કેમ કે ધ્યાનથી તેમની આંતર્ચેતના જાગૃત રહે છે, વિવેકશક્તિ જાગૃત થાય છે, ઊંડી સમજ આવે છે, બાહ્ય ઘટનાઓને મૂલવવાની એક દૃષ્ટિ આવે છે અને એટલે જ જે સંજોગોમાં સામાન્ય મનુષ્યો નાસી છૂટવાનો કે આત્મહત્યાનો માર્ગ લે છે એ સંજોગોમાં ધ્યાનનો નિયમિત અભ્યાસ કરનાર મનુષ્ય સહેલાઈથી આઘાત પચાવી જાય છે અને મુશ્કેલીઓ પાર કરી જાય છે. સ્વામી વિવેકાનંદનાં શિષ્યા માદામ કાલ્વેનું જીવન આ અંગે પ્રત્યક્ષ ઉદાહરણ પૂરું પાડે છે.
ફ્રાન્સમાં માદામ કાલ્વે સુવિખ્યાત ગાયિકા હતાં. તે સમયે તેઓ શિકાગોના ઓપેરા થિયેટરમાં સંગીતનો કાર્યક્રમ આપી રહ્યાં હતાં. લોકોએ તાળીઓના ગડગડાટથી એમના સંગીતને વધાવી લીધું. પણ કોણ જાણે કેમ તેમને હૃદયમાં બેચેની થવા લાગી. હતાશાનો ભાવ તેઓ અનુભવવા લાગ્યાં અને તેમને મનમાં થતું હતું કે કાર્યક્રમ ટૂંકાવીને જતાં રહે. પણ લોકોના દબાણથી તેમણે બધા કાર્યક્રમો પૂરા કર્યા અને એ એમનો સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ રહ્યો. પછી લોકોની પ્રશંસા સાંભળવાની પરવા કર્યા વગર તેઓ ખૂબ ઝડપથી ગ્રીન રૂમમાં ચાલ્યાં ગયાં અને ત્યાં ખૂબ દુ:ખદ અને આઘાતજનક સમાચાર એમની રાહ જોઈ રહ્યા હતા. એ સમાચાર હતા એમની એકની એક દીકરી, એમના જીવનનો એકમાત્ર સહારો, જે સમયે તેઓ પોતાના જીવનનો સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ આપી રહ્યાં હતાં ત્યારે બળીને મૃત્યુ પામી હતી.
તેમના માટે આ આઘાત અસહ્ય હતો. પુત્રીનો વિયોગ તેઓ સહી શકે તેમ નહોતાં એટલે તેઓ પણ આત્મહત્યા દ્વારા પોતાનું જીવન ટૂંકાવવા વિચારી રહ્યાં હતાં. તેમની સહેલીએ તેમને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ તેઓ કોઈ પણ રીતે આઘાતમાંથી બહાર નીકળી શક્યાં નહીં ત્યારે તેમની સહેલીએ તેમને કહ્યું કે અહીં હિન્દના યોગી સ્વામી વિવેકાનંદજી આવ્યા છે. તું એક વાર તેમને મળ. તને સાચી શાંતિ મળશે, પણ તેઓ એમ કરવા માટે પણ તૈયાર થયાં નહીં અને આત્મહત્યા કરવા માટે તળાવમાં પડવા માટે ગયાં. પણ આશ્ચર્યની વાત એ કે તેમણે ચાર ચાર વાર જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કર્યો પણ ચારેય વખત તેમણે પોતાના મનની અર્ધચેતન અવસ્થામાં સ્વામી વિવેકાનંદના નિવાસસ્થાને જવાના રસ્તે પોતાને ઊભેલાં જોયાં એટલે દરેક વખતે તે પોતાના ઘરે પાછાં ફરતાં હતાં. ઇચ્છવા છતાં પણ આત્મહત્યા કરી શક્યાં નહિ અને પાંચમી વખત તો તેઓ જાતે જ અજ્ઞાત રીતે સ્વામી વિવેકાનંદના નિવાસસ્થાને પહોંચી ગયાં. નોકરે દરવાજો ખોલ્યો, તેઓ અંદર ગયાં અને ત્યાં દીવાનખાનામાં એક ખુરશી ઉપર બેસી પડ્યાં. થોડી જ વારમાં પાસેના ઓરડામાંથી ધીર ગંભીર મધુર અવાજ સંભળાયો: ‘દીકરી, ગભરાઈશ નહીં, અંદર આવ.’ અને તેઓ યંત્રવત્ સ્વામી વિવેકાનંદના અભ્યાસખંડમાં પ્રવેશ્યાં. તેમણે સ્વામીજીને ખુરશી ઉપર બેઠેલા જોયા. ત્યાં તો સ્વામીજી ફરી બોલ્યા, ‘દીકરી, શાંત થા.’
સ્વામીજીની પ્રશાંત મુખમુદ્રા અને મધુર શબ્દોએ એમના ઉપર જાદુઈ અસર કરી. આટઆટલા દિવસોથી મનમાં રહેલાં ભય, હતાશા, અશાંતિ જાણે ક્યાંય ચાલ્યાં ગયાં અને એમને થયું કે જીવન જીવવા જેવું છે. સ્વામીજીની ધ્યાનાવસ્થાના પ્રભાવે એમનું ચિત્ત શાંત થઈ ગયું. અને પછી તો તેઓ પણ ધ્યાન કરવા લાગ્યાં અને ધ્યાન દ્વારા તેમણે જીવન જીવવાની શક્તિ પ્રાપ્ત કરી લીધી. આ રીતે ધ્યાન જીવનથી હારી ગયેલા, થાકી ગયેલા, નિરાશ થયેલા મનુષ્યોને નવું જીવન બક્ષે છે અને એમની આંતર્શક્તિઓ પ્રગટ કરે છે. એટલું જ નહીં પણ ધ્યાન દ્વારા તેમને જીવનનો સાચો રાહ પણ મળે છે.
૭. ધ્યાનથી સર્જકતા પ્રગટ થાય છે
સાવ સામાન્ય મનુષ્ય પણ જો નિયમિત ધ્યાન કરે તો તે પોતાના અંતરના ઊંડાણમાં રહેલી દિવ્યતાના સંપર્કમાં આવે છે અને આ દિવ્યતા જાગૃત થતાં તેને દિવ્યશક્તિઓ પ્રાપ્ત થાય છે. અનેક વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનના જે મહાન સિદ્ધાંતો શોધ્યા તે તેઓએ ધ્યાનાવસ્થામાં જ શોધ્યા હતા. કવિવર રવીન્દ્રનાથ ટાગોરને જેના માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો તે ગીતાંજલિનાં ગીતો પણ ધ્યાનાવસ્થામાંથી જ પ્રગટ થયાં હતાં. ભારતમાતાનું મહાન ચિત્ર જેમણે દોર્યું તે અવનીન્દ્રનાથ ટાગોરને ભગિની નિવેદિતાએ કહ્યું હતું કે ‘ચિત્ર દોરતાં પહેલાં ધ્યાન કરો.’ અને એ ધ્યાનાવસ્થામાં એમને સુંદર દૃશ્યો દેખાતાં. આ રીતે વૈજ્ઞાનિકો, કલાકારો, સાહિત્યકારો અને સાધકો બધાંને ઊંડા ધ્યાનમાંથી મહાન સર્જનની પ્રેરણા પ્રાપ્ત થાય છે.
૮. ધ્યાનથી જીવનમાં પરિવર્તન
ધ્યાન સામાન્ય મનુષ્યને તો મહાન બનાવે છે, પણ ધ્યાન ગુંડાઓ, ડાકુઓ, લૂંટારાઓ વગેરેમાં પણ મહાન પરિવર્તન લાવે છે. અને એટલા માટે જ તો હવે જેલમાં કેદીઓ માટે પણ ધ્યાનના-વિપશ્યનાના વર્ગો શરૂ કરવામાં આવે છે અને એનાથી કેદીઓની વૃત્તિમાં ઘણું ઘણું પરિવર્તન નોંધાયેલું જોવા મળે છે. તેમની હિંસક અને લડાયક વૃત્તિઓ ધ્યાનથી શાંત બની જાય છે. આપણે પેલા લૂંટારાની સુપ્રસિદ્ધ કથા તો જાણીએ જ છીએ. જંગલમાંથી પસાર થઈ રહેલા નારદ મુનિએ એ લૂંટારાને સમજાવ્યું કે લૂંટ કરવી એ પાપ છે. પણ લૂંટારો માનતો હતો કે તે તેનાં માતાપિતા, પત્ની, પુત્ર-બધાં માટે લૂંટ કરે છે એટલે એ પાપના ભાગીદાર સહુ કોઈ બને છે.
નારદજીએ તેના પરિવારજનોને પૂછી આવવા જણાવ્યું. એ પ્રમાણે તે નારદજીને વૃક્ષના થડ સાથે બાંધીને પોતાના ઘરે પૂછવા ગયો. બધાંને પૂછ્યું. સહુએ જવાબ આપ્યો: ‘એ પાપ તું કરે છે, એમાં અમે ભાગીદાર ન બનીએ.’ લૂંટારાની આંખ ખૂલી ગઈ. નારદજી પાસે આવીને તેમના પગમાં પડી તીવ્ર પશ્ચાત્તાપ કરવા લાગ્યો. નારદજીએ તેને ભગવાનનું ધ્યાન કરવાનું કહ્યું. મંત્ર આપ્યો. એ લૂંટારો રાત-દિવસ ભગવાનના ધ્યાનમાં મગ્ન બની ગયો. એટલા ઊંડા ધ્યાનમાં લીન થઈ ગયો કે તેના શરીરની આજુબાજુ ઊધઈના રાફડા લાગી ગયા. તેને આજુબાજુનું કંઈ ભાન ન રહ્યું. વરસો સુધી આ રીતે તપશ્ચર્યા કર્યા બાદ તેણે આકાશવાણી સાંભળી, ‘હે ઋષિ, જાગો, હવે તમે લૂંટારા નથી રહ્યા. ઊધઈના રાફડા એટલે કે વલ્મીકમાંથી તમારો જન્મ થયો છે, એટલે તમે હવે ઋષિ વાલ્મીકિ ગણાશો.’ આપણે જાણીએ છીએ કે ઋષિ વાલ્મીકિ કેટલા મહાન હતા! તેમણે રામાયણની રચના કરી. લૂંટારાને પણ ઋષિમાં પરિવર્તન કરવાની પ્રબળ શક્તિ ધ્યાનમાં રહેલી છે. ધ્યાનથી મન હકારાત્મક બને છે. તેની બધી નકારાત્મક વૃત્તિઓ ધ્યાનના પ્રભાવથી ખરી પડે છે અને મન શુદ્ધ થતાં માનસિક સ્વાસ્થ્ય પણ ઉત્તમ બને છે. ધ્યાન દ્વારા જ મનુષ્ય પોતાની પ્રકૃતિ ઉપર વિજય મેળવી શકે છે. જેણે પોતાના બેકાબૂ મન અને બંડખોર પ્રકૃતિ ઉપર વિજય મેળવી લીધો છે, એ વિશ્વવિજયી સમ્રાટ કરતાં પણ મોટો સમ્રાટ ગણાય.
૯. આધ્યાત્મિક સાધના માટે તો ધ્યાન અનિવાર્ય છે
આધ્યાત્મિક જીવન એટલે અધિ + આત્મિક એટલે આત્મા તરફની ગતિ જેમાં થઈ રહી છે, એવું જીવન. આત્મા તરફ ગતિ કરવા માટે અસરકારક સાધન ધ્યાન છે. ધ્યાન દ્વારા જ મનુષ્ય પોતાની ચેતનાનાં ઊંડામાં ઊંડા સ્તરો સુધી પહોંચી શકે છે. અંતરનાં રહસ્યો ધ્યાનમાં જ પ્રગટ થાય છે. આત્માનો પ્રદેશ ધ્યાનમાં જ ખૂલે છે. આ વિષે સ્વામી વિવેકાનંદ કહે છે: ‘આધ્યાત્મિક જીવન માટે ધ્યાન એ સહુથી વધુ મજબૂત છે. ધ્યાનમાં આપણે ભૌતિક પરિસ્થિતિમાંથી મુક્ત થઈ જઈએ છીએ. આપણા દિવ્ય સ્વભાવનું આપણને ભાન થાય છે. ધ્યાનમાં આપણે કોઈ બહારની મદદ ઉપર આધાર રાખતા નથી. આત્માનો સ્પર્શ ખૂબ જ અંધકારમય જગ્યાને પણ ઘણા જ ઉજ્જ્વળ રંગોથી રંગી શકે છે. ખરાબમાં ખરાબ વસ્તુને પણ તે સુગંધિત બનાવી શકે છે. પાપીને પણ તે દિવ્ય બનાવી શકે છે. એથી બધું વેર અને બધો સ્વાર્થ અદૃશ્ય થઈ જાય છે.’ ધ્યાનથી આત્માનો સંપર્ક થતાં આત્માના ગુણો મનુષ્યના જીવનમાં પ્રગટ થાય છે. આત્માના ગુણો છે: પ્રેમ, આનંદ, ત્યાગ, સંવાદિતા, શાંતિ, શક્તિ. કોઈ પણ જાતની વિશેષ મહેનત કર્યા વગર માત્ર દરરોજ નિયમિત ધ્યાન કરવાથી જ આ ગુણો મનુષ્યને સહજપણે પ્રાપ્ત થાય છે. બાકી વિશ્વની કોઈ દુકાને, કોઈ પણ કિંમતે આમાંનો કોઈ પણ ગુણ ખરીદી શકાતો નથી. આથી આત્માના દિવ્યપ્રકાશમાં જો જીવન ધારણ કરવું હોય તો ધ્યાન અનિવાર્ય છે.
ઊંડા ધ્યાનમાં મનુષ્ય દેહભાવથી પર બની જાય છે. તેને પછી બાહ્યજગતનું ભાન રહેતું નથી. તેવા મનુષ્યમાં અપાર તિતિક્ષા, ક્ષમા, ઉદારતા આવી જાય છે. તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ મહાવીર સ્વામીના જીવનમાંથી મળે છે. ભગવાન મહાવીરનું દીક્ષાનું તેરમું વર્ષ પસાર થતું હતું. વિહાર કરતાં કરતાં તેઓ છમ્માણિ ગામે આવ્યા હતા. સંધ્યા સમયે ગામની બહાર વૃક્ષ નીચે તેઓ ઊંડા ધ્યાનમાં મગ્ન હતા. આવા સમયે બળદનો ગોવાળ મહાવીરને પોતાના બળદોની દેખરેખ રાખવાનું કહીને ગામમાં ગયો. ઊંડા ધ્યાનમાં મગ્ન મહાવીરને ગોવાળની વાત સંભળાઈ નહીં. બળદો તો ચરતા ચરતા ક્યાંય આગળ નીકળી ગયા. ગોવાળ પાછો આવ્યો. પૂછ્યું, ‘મુનિ મહારાજ, મારા બળદો ક્યાં?’ મહાવીર તો એ જ ઊંડા ધ્યાનમાં લીન હતા. એમને આ પણ સંભળાયું નહીં. એટલે બીજી વાર પૂછ્યું, પણ કંઈ જવાબ ન મળ્યો. ફરી ફરીને પૂછ્યું પણ જવાબ જ નહીં, એટલે ગોવાળ ખિજાયો અને બોલ્યો: ‘તું તે કેવો છે? આટઆટલી વાર બરાડા પાડીને કહું છું તોય તું સાંભળતો નથી? તારે કાન છે કે કોડિયાં?’ મહાવીર તો એવા ઊંડા ધ્યાનમાં લીન હતા કે જ્યાં દેહાધ્યાસ હતો જ નહીં. સંભળાય તો જવાબ આપે ને? પણ કંઈ પણ સંભળાતું જ નહોતું!
ગોવાળ ખૂબ ગુસ્સામાં આવી ગયો. એણે જાડા ખીલા જેવા દર્ભશૂળ લીધા અને તેના બે છેડા કાનમાં નાખીને બરાબર ઠોકયા. અને તેના બહાર રહેલા છેડા કાપી નાખ્યા. આટલું બધું કરવા છતાં મહાવીર તો ઊંડા ધ્યાનમાં જ મગ્ન રહ્યા. શારીરિક પીડા કેટલી ભયંકર હશે, પણ તેનીય તેમના ઉપર કંઈ અસર ન થઈ. ધ્યાન પૂરું થયું તોપણ એ જ સ્વસ્થતા અને શાંતિ એમના ચહેરા ઉપર વિલસતાં હતાં. એમના મનમાં ગોવાળ પ્રત્યે સહેજ પણ ગુસ્સાની લાગણી કે વેરભાવના ન આવ્યાં. પછી ફરી ધ્યાનમાં મગ્ન હતા, ત્યારે એ જ કાષ્ટશલાકા તેમના કાનમાંથી બહાર ખેંચી કાઢવામાં આવી, ત્યારે પણ તેઓ સ્વસ્થ હતા. આ વેદનાની તેમના પર કોઈ અસર ન થઈ. આ છે ધ્યાનનો ઊંડો પ્રભાવ.
મહાવીર સ્વામી તો સૈકાઓ પહેલાં થઈ ગયા, પરંતુ આ યુગમાં જ સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ અને શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજીની પીઠ પર ૧૯૨૧માં એક ઘારું પડ્યું હતું. ડોક્ટરોને, પીઠમાં જ્યાં એ ઘારું પડ્યું હતું ત્યાંથી ઓપરેશન કરી માંસનો એક મોટો ટુકડો કાપી નાખવો જરૂરી લાગ્યો. તે માટે ક્લોરોફોર્મ આપી બેભાન બનાવીને પછી જ આવું ઓપરેશન કરી શકાય તેમ હોવાથી ડોક્ટરોએ એ માટેની તૈયારી કરી, ત્યારે સ્વામી તુરીયાનંદજીએ કહ્યું: ‘ક્લોરોફોર્મની જરૂર નથી. તમે તમારે જે કંઈ કાપકૂપ કરવી હોય તે કરો!’ આવી પીડાદાયક શસ્ત્રક્રિયા વખતે તેમના મુખ પર દુ:ખની એક રેખા ફરકી ન હતી. આ જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા! સ્વામી તુરીયાનંદજીના જીવનમાં બે-ત્રણ વાર શરીર પરની શસ્ત્રક્રિયા થઈ. પણ ક્યારેય તેમણે ક્લોરોફોર્મનો ઉપયોગ કરવા દીધો ન હતો! ઊંડા ધ્યાનના પરિણામે દેહભાવથી પર થઈ જતા, દેહની પીડાની કોઈ અસર થતી નથી. આવાં ઘણાં ઉદાહરણો આવા યોગી પુરુષોના જીવનમાંથી મળી રહે છે.
Your Content Goes Here