(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’નાં એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.)
ગીતાની અનુબન્ધ-ચતુષ્ટય
અનુબન્ધ-ચતુષ્ટય
સંસ્કૃત ગ્રંથોના અધ્યયનની એવી પરંપરા છે કે સર્વપ્રથમ અનુબન્ધ-ચતુષ્ટય પર વિચાર કરવામાં આવે છે. આ ચાર અનુબન્ધ છે—(૧) વિષય, (૨) અધિકારી, (૩) પ્રયોજન અને (૪) પરસ્પર સંબંધ. એટલે કે ગ્રંથ કયા વિષયનું પ્રતિપાદન કરે છે, તેને વાંચવા માટે કોણ અધિકારી છે, વાંચવાનું પ્રયોજન શું છે અને વિષય અને ગ્રંથનો પરસ્પરનો સંબંધ શું છે. જ્યારે ગીતાના સંદર્ભમાં આપણે આ અનુબન્ધ-ચતુષ્ટય પર વિચાર કરીએ છીએ, ત્યારે ગીતાનું માહાત્મ્ય દર્શાવનાર આ બે શ્લોક નજર સમક્ષ આવે છે—-
पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं।
व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्॥
अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम्।
अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्॥
सर्वोपनिषदो गावो दोग्धा गोपालनंदन:।
पार्थो वत्स: सुधिर्भोक्ता दुग्धं गीतामृतं महत्॥
‘પાર્થ અર્જુનને પ્રતિબોધિત કરવા માટે સાક્ષાત્ સ્વયં ભગવાને જેને પ્રગટ કરી, જેને પુરાણમુનિ વ્યાસે શ્લોકબદ્ધ કરીને મહાભારતની વચ્ચે ગ્રથિત કરી, જે અઢાર અધ્યાયવાળી અને અદ્વૈત-અમૃતની વર્ષા કરે છે, જે ભવરોગને દૂર કરવાવાળી ભગવતી છે, આવી હે ભગવદ્ગીતા, હું તમારું ધ્યાન કરું છું.’
‘સમસ્ત ઉપનિષદ ગાય છે, તેમનું દૂધ દોહવાવાળા ગોપાલનંદન છે, પાર્થ અર્જુન વાછરડું છે અને ગીતામૃતરૂપ આ દૂધનું પાન કરવાવાળા સુધીજન છે.’
ઉપરની પંક્તિઓથી ગીતાની સમજૂતી પર પ્રકાશ પડે છે. ઉપનિષદમાં કહેવાયા પ્રમાણે બ્રહ્મ-જીવનું અદ્વૈતપણું કે એકત્વ જ તેનો વિષય છે. એટલે જ તો ગીતાને ‘અદ્વૈતામૃતવર્ષિણી’ કહેવામાં આવે છે. ભવ-વ્યાધિને નષ્ટ કરવી, એ તેનું પ્રયોજન છે, એટલે તે ‘ભવદ્વેષિણી’ કહેવાઈ. ભવ-વ્યાધિથી મુક્ત થવાની ઇચ્છા કરનાર સુધીજન—વિવેકીજન તેના અધિકારી છે. વિષય અને ગ્રંથનો પરસ્પરનો સંબંધ પ્રતિપાદ્ય અને પ્રતિપાદકનો છે. આ નાના એવા પદ્યમાં ગીતાના રૂપ વિશે ઘણું કહેવાયું છે. ભગવાન નારાયણે સ્વયં પૃથા-પુત્ર અર્જુનને પ્રબોધિત કર્યો. અર્જુનનું ચિત્ત ભ્રમિત થઈ ગયું હતું. ભગવાન તેના ભ્રમને અદ્વૈતામૃતની વર્ષા દ્વારા દૂર કરે છે. વ્યાસ આ અમૃત દ્વારા ૧૮ અધ્યાયોવાળા ગ્રંથની રચના કરે છે.
કેટલાક લોકો કહે છે કે આજે આપણી પાસે જે સ્વરૂપમાં ગીતા છે, બિલકુલ તે જ રૂપે ભગવાન કૃષ્ણના મુખથી નિ:સૃત થઈ હતી. પણ આ કલ્પના યોગ્ય નથી. ગીતાના વર્તમાન રૂપમાં ૭૦૦ શ્લોક છે. જો વાર્તાલાપની ગતિથી પણ તે વાંચવામાં આવે, તો સમગ્ર ગીતાનો પાઠ કરતાં લગભગ દોઢ કલાક લાગે. તેનો અર્થ એ થયો કે ગીતાના શ્લોકોને જો અક્ષરશઃ કૃષ્ણાર્જુન-સંવાદ માનવામાં આવે, તો આ સંવાદ દોઢ કલાક ચાલ્યો. આપણે પહેલા અધ્યાયમાં જોઈએ છીએ કે યુદ્ધના પ્રારંભની બધી તૈયારીઓ થઈ ચૂકી હતી. બન્ને તરફથી શંખનાદ થઈ ચૂક્યો હતો. નગારાં અને ઢોલ વાગી ચૂક્યાં હતાં. મૃદંગ અને બ્યુગલ વગેરે પણ વાગી ગયાં હતાં. ત્યાર પછી અર્જુન શ્રીકૃષ્ણને રથ બન્ને સેનાઓની વચ્ચે લઈ જવાનું કહે છે. કૃષ્ણ અર્જુનની ઇચ્છા અનુસાર રથને વચ્ચે લઈ જાય છે અને અર્જુન વિષાદગ્રસ્ત થઈ જાય છે. અર્જુન સ્પષ્ટ કહી દે છે કે તે યુદ્ધ કરવા નથી ઇચ્છતો. યોગિરાજ કૃષ્ણને તો જુઓ—અર્જુનની વાત સાંભળીને કપાળમાં કોઈ સંકોચનની રેખા નથી. તેઓ જાણતા હતા કે અર્જુન જો યુદ્ધ ન કરે, તો પાંડવો કૌરવોને પરાજિત નહીં કરી શકે, છતાં પણ અર્જુનની દુર્બળતાયુક્ત વાણી સાંભળીને તેઓ ગભરાતા નથી, પરંતુ જાણે કે સ્મિત કરીને અર્જુનને કહે છે—
तमुवाच हृषीकेश: प्रहसन्निव भारत।
सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वच:॥ (२.१०)
અહીં ‘प्रहसन्निव’ શબ્દ બહુ મહત્ત્વનો છે. કૃષ્ણ અર્જુનના સઘળા વિલાપને જાણે કે બાજુ પર હડસેલી દે છે. એનાથી વધુ ભયાનક પરિસ્થિતિની કલ્પના ન કરી શકાય કે અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર નથી થતો. વિવિધ પ્રદેશોના યોદ્ધાઓ આવીને યુદ્ધ માટે તૈયાર ઊભા છે. યુદ્ધ શરૂ કરવા માટે માત્ર એક સંકેતની જરૂર છે. આવી ઘોર પરિસ્થિતિમાં અર્જુન યુદ્ધથી—પોતાના કર્તવ્યથી મોઢું ફેરવી લેવા ચાહે છે. એ ભલે કહેતો હોય કે તેના હૃદયમાં સ્વજનો અને ગુરુજનોને જોઈને અનુકંપા જાગી ઊઠી છે, પરંતુ અસલમાં તે ગભરાઈ ગયો છે અને રોગીની જેમ લવારો કરવા લાગ્યો છે. કૃષ્ણ અર્જુનની માનસિક દુર્બળતાના રોગને જાણી લે છે અને તેને દૂર કરવા માટે ગીતાનો ઉપદેશ પ્રબોધે છે. કલ્પના કરો કે કેટલા સમય સુધી આ વાતચીત ચાલતી રહી હશે! જો ઉપરના હિસાબ પ્રમાણે દોઢ કલાક સમજીએ, તો અર્થ એ થયો કે બન્ને તરફની સેનાઓ શંખ અને બ્યૂગલ ફૂંકીને દોઢ કલાક સુધી આ તમાશો જોઈ રહી કે વચ્ચે જઈને કૃષ્ણ અને અર્જુન શું કરી રહ્યા છે. પરંતુ આ સંભવ નથી લાગતું. એવું લાગે છે કે વધુમાં વધુ અડધા કલાકમાં કૃષ્ણે અર્જુનને સમજાવીને યુદ્ધ માટે તૈયાર કરી લીધો હોય.
શ્લોકબદ્ધ ગીતા : મહર્ષિ વ્યાસની રચના
વધુ એક વાત, જો ગીતાના શ્લોકોને શબ્દશ: કૃષ્ણ અને અર્જુનના મુખેથી નિ:સૃત થયા છે તેમ માનીએ, તો એમ પણ કહેવું પડશે કે કૃષ્ણ અને અર્જુન બન્ને કવિ હતા, જેઓ વાતો પણ કાવ્યાત્મક રીતે કરતા હતા. એટલું જ નહીં, સંજય અને ધૃતરાષ્ટ્રને પણ કવિની ઉપાધિ આપી શકાય, કારણ કે તેમણે પણ છંદોબદ્ધ ભાષાનો પ્રયોગ કર્યો છે. સામાન્ય વિચારની દૃષ્ટિએ આ સંભાવના યોગ્ય લાગતી નથી. આ બધાનો નિષ્કર્ષ એ થયો કે શ્રીકૃષ્ણે અર્જુનને તે સમયની બોલચાલની ભાષામાં સમજાવ્યો, તેની માનસિક દુર્બળતાને દૂર કરી અને તેને યુદ્ધ માટે પ્રવૃત્ત કર્યો. શ્રીકૃષ્ણના આ ઉપદેશરૂપી બોધને લઈને વ્યાસમુનિએ ‘ગીતા’ નામના ગ્રંથની રચના કરી, જેથી કૃષ્ણ અને અર્જુનના સંવાદનો લાભ સંસારની સમગ્ર માનવજાતને મળી શકે. એટલે જ તો વ્યાસની પ્રશંસામાં કહેવાયું છે—
नमोऽस्तु ते व्यास विशालबुद्धे
फुल्लारविन्दायतपत्रनेत्र।
येन त्वया भारत तैलपूर्ण:
प्रज्वालितो ज्ञानमय: प्रदीप:॥
‘હે ખીલેલા કમળપુષ્પની પાંખડીઓ સમાન નેત્રવાળા, વિશાળ-બુદ્ધિ વ્યાસજી, તમને નમસ્કાર, કે આપે મહાભારત-રૂપી તેલ દ્વારા જ્ઞાનમય પ્રદીપ પ્રજ્વલિત કરી દીધો.’
પહેલાંની એક પંક્તિમાં ગીતાને ઉપનિષદરૂપી ગાયોનું દૂધરૂપી અમૃત કહ્યું. એનો અર્થ એ છે કે ગીતા ઉપનિષદોનો નિચોડ છે. જે રીતે ગાય પોતાની અંદરના સારને પોતાના વાછરડાના પ્રેમથી દ્રવિત થઈને દૂધના રૂપમાં પ્રગટ કરે છે, તે જ રીતે ઉપનિષદરૂપી ગાયો અર્જુનરૂપી વાછરડા પ્રત્યેનાં સ્નેહ અને કરુણાથી વિચલિત થઈને ગીતા-દુગ્ધામૃતનું દાન કરે છે. વાછરડા વગર ગાય પારવો નથી મૂકતી, તેનાં થાનમાં દૂધ નથી ઊતરતું. ગાયનાં થાનમાં દૂધ આવ્યા પછી પણ જો ગોવાળ ન હોય તો દૂધ નથી દોહી શકાતું. આ જ રીતે, ઉપનિષદરૂપી ગાયો દૂધ આપે એ માટે અર્જુનરૂપી વાછરડાની જરૂર પડી છે. સામાન્ય ગાયને તો સામાન્ય ગોવાળ પણ દોહી શકે છે. પરંતુ ઉપનિષદરૂપી ગાયને દોહવા માટે અસાધારણ ગોવાળની જરૂર પડી અને એવો ગોવાળ આપણને ગોપાલનંદનના રૂપે પ્રાપ્ત થયો છે. આ ગોવાળ ઉપનિષદરૂપી ગાયોને દોહીને દુગ્ધામૃત ગીતાના રૂપમાં આપી જાય છે. આ દુગ્ધામૃતનું પાન કરવા માટેનો અધિકાર કોને પ્રાપ્ત થઈ શકે છે?—બુદ્ધિમાન વ્યક્તિને. જે વિવેકી છે, જેના હૃદયમાં એ દૂધ પીવાની ઇચ્છા છે, જેની બુદ્ધિમાં આ અમૃતનું પાન કરવાની ક્ષમતા છે, એ તેનો અધિકારી છે—એ ગીતા-જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે સુયોગ્ય પાત્ર છે.
ગીતાને દુગ્ધામૃત કહેવા વિશે એક વધુ અભિપ્રાય પણ છે. વિશુદ્ધ અધ્યાત્મ-વિદ્યા માત્ર અમૃત છે અને કર્મ માત્ર જળ છે. બન્નેમાંથી કોઈ એક મનુષ્ય માટે અપૂરતાં છે. મનુષ્યને બન્ને જોઈએ—તેને અમૃત પણ જોઈએ, સાથે-સાથે મર્ત્યભાવ પણ જોઈએ. માત્ર અમૃતથી સૃષ્ટિનું કાર્ય નથી થતું. માત્ર મૃત્યુથી જગતની સ્થિતિ નથી થતી. અમૃત અને મૃત્યુનો સમન્વય જ જીવન છે. સ્વર્ગનું અમૃત અને પૃથ્વીનું જળ જ્યારે બન્ને એકબીજામાં ભળી જાય છે, ત્યારે દૂધ બને છે. માત્ર જળ પીઈને કોઈ જીવતું રહી શકતું નથી. પણ માત્ર દૂધ પીઈને જીવતું રહેવું સંભવ છે, કારણ કે દૂધમાં અમૃતનો અંશ પણ ભળેલો છે. બરાબર તે જ રીતે, ગીતામાં પણ જ્ઞાનરૂપી અમૃત અને કર્મરૂપી જળ ભળેલું છે. ગીતાની આ જ વિશેષતાને કારણે તેને દુગ્ધામૃત કહેવાય છે. જ્ઞાન અને કર્મનો જેવો અપૂર્વ સમન્વય ગીતામાં પ્રાપ્ત થાય છે, એવો બીજે ક્યાંય નથી મળતો. એટલે જ તો ગીતાને બ્રહ્મવિદ્યા કહેવાય છે અને સાથેસાથે યોગશાસ્ત્ર પણ. બ્રહ્મવિદ્યાશાસ્ત્ર છે, જ્ઞાન છે; યોગશાસ્ત્ર કળા છે, કર્મ છે. અધ્યાત્મ અને વ્યવહારનો અપૂર્વ સમન્વય અને સંતુલન આ ગીતા છે.
ગીતાના અધ્યાયોની પુષ્પિકા
જ્યારે આપણે અધ્યાયોની સમાપ્તિમાં પુષ્પિકા વાંચીએ છીએ, તો શું બોધ થાય છે? પ્રત્યેક અધ્યાયની સમાપ્તિમાં આપણે વાંચીએ છીએ—“ॐ तत्सदिति। श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे…।” ॐ तत्सत्—આ પહેલું વાક્ય ઈશ્વરની સત્તાનો સ્વીકાર કરે છે. આ જડસૃષ્ટિની અંદર વિશ્વનું નિયમન કરવાવાળી એક પરમ બોધમય સત્તા વિદ્યમાન છે. આ બધો પથારો તે સત્તાનો જ છે. ઈશ્વર કોઈ વ્યક્તિ-વિશેષ નથી, જે આકાશમાં ક્યાંક બેઠા હોય. આ વિરાટ ઉપસ્થિતિ, આ નિરંતર સતનો—અસ્તિત્વનો ભાવ, આ શાસન કરનાર બધામાં અનુસ્યુત તત્ત્વ—આ જ ઈશ્વર છે. આને જ બુદ્ધે ‘ધમ્મ’ નામ આપ્યું છે. આ ઈશ્વર અનંત નિયમોનો ગુચ્છો છે. ત્યાં આકસ્મિકતા નામની કોઈ વસ્તુ નથી. સમગ્ર ઘટનાઓ, વિશ્વના બધા ક્રમ નિયમો દ્વારા બંધાયેલા છે. નિયમોને ન જાણવાને કારણે આપણે અશક્ત થઈ જઈએ છીએ. આ જ નિયમોની ખોજ જ્યારે બહાર એટલે કે ભૌતિક ધરાતલ પર કરવામાં આવે, તો તેને ‘Science’ કે વિજ્ઞાનની પ્રક્રિયા કહે છે. જ્યારે મનના સ્તર પર આ નિયમોનું સંશોધન કરવામાં આવે, ત્યારે આપણે તેને અધ્યાત્મની પરંપરા કહીએ છીએ.
Your Content Goes Here