(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. – સં.)
સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશનું વાંચન કરવું એટલે સાધકને માટે આધ્યાત્મિક ક્ષેત્રમાં અનાયાસે અવગાહન કરવું. તેની સાથે સાથે સંસ્કૃતિ પ્રત્યેની સ્વાભિમાનિતા, દેશભક્તિ, શ્રદ્ધા, ઉત્સાહ, શક્તિ આ બધું ધીરે ધીરે શરીર-મનમાં પ્રવેશ કરે છે.
ચાલો, અનંતના પથિક સ્વામી વિવેકાનંદનું દિવ્ય સ્મરણ કરીએ. કોઈ દિવ્ય શક્તિના ધ્યાનમાં નિમગ્ન બિલે (સ્વામી વિવેકાનંદનું નાનપણનું નામ) પાસેથી સાપ પસાર થઈ જાય છે છતાં પણ એને કોઈ ખબર રહેતી ન હતી! નાનપણથી ઈશ્વર શું છે, ઈશ્વરતત્ત્વ શું છે, એની શોધખોળ ચાલતી હતી. આમ, યુવા અવસ્થામાં પહોંચેલ નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદનું વિદ્યાર્થી તરીકેનું નામ) ઈશ્વરની ખોજના સંધાનમાં દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ પરમહંસદેવ પાસે પહોંચે છે. શ્રીરામકૃષ્ણદેવે જોયું કે કોલકાતાના સંસારી લોકોની તુલનામાં આ યુવાન ખૂબ જ સત્ત્વગુણી છે, જેને પોતાનાં કપડાં કે શરીર પ્રત્યે લેશમાત્ર પણ ધ્યાન નથી. નરેન્દ્રનાથે બીજાને પૂછેલ પ્રશ્ન શ્રીરામકૃષ્ણ પરમહંસને પણ પૂછ્યો, ‘મહાશય, આપે ઈશ્વરને જોયા છે?’ ‘હા,’ તરત જવાબ મળ્યો, ‘હા, મેં ઈશ્વરને જોયા છે? તને જોઉં છું એના કરતાં પણ વિશેષ સ્પષ્ટરૂપે મેં જોયા છે. તને પણ ઈશ્વરનાં દર્શન થઈ શકે, પણ હું કહું એમ કરવું પડે. ઈશ્વરનાં દર્શન કોને કરવા છે? પત્ની, સત્તા, પુત્રો, ધન, સંપત્તિ માટે લોકો ઘડો ભરીને આંસુ સારે છે; ભગવાન માટે કોણ આંસુ સારે છે?’ શ્રીરામકૃષ્ણદેવનો ત્વરિત આનંદ‑ અનુભૂતિપૂર્ણ જવાબ નરેન્દ્રનાથને સંતુષ્ટ કરે છે અને તે ધીરે ધીરે તેમની પાસે આવવા‑જવાનું શરૂ કરે છે. ઓજસ્વી, તેજસ્વી, બુદ્ધિમાન, દૃઢ ઇચ્છાશક્તિ સંપન્ન, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણવાળા, અંગ્રેજી માનસ ધરાવતા નરેન્દ્રનાથને પરમ ધીરતાપૂર્વક, આનંદપૂર્વક શ્રીરામકૃષ્ણ પરમહંસદેવ અદ્વૈતની ઝાંખી કરાવીને શ્રીમહાકાલીનાં દર્શન કરાવે છે, નિર્વિકલ્પ સમાધિની અનુભૂતિ કરાવે છે. આવાં કેટકેટલાં અનુભૂતિઓનાં દર્શન, વિચાર અને માર્ગદર્શન તેમને પ્રાપ્ત થાય છે. આ એક અદ્ભુત ઇતિહાસ બની ગયો છે, જાણે પૂર્વ અને પશ્ચિમનું મિલન થાય છે! આ ઐતિહાસિક ઘટનાના વિશદ વર્ણન માટે ‘યુગનાયક વિવેકાનંદ’ પુસ્તક વાંચવું રહ્યું.
નરેન્દ્રનાથમાં સુષુપ્ત બીજરૂપે રહેલ પ્રચંડ અને પ્રખર આધ્યાત્મિક શક્તિ શ્રીરામકૃષ્ણદેવના સંસર્ગમાં આવવાથી ધીરે ધીરે પ્રગટિત થઈ અને નરેન્દ્રનાથમાંથી બની ગયા સ્વામી વિવેકાનંદ! શ્રીરામકૃષ્ણદેવે હર્ષિત થઈ ઘોષણા કરી, ‘નરેન્દ્ર જગતને સંદેશ આપશે!’
પોતાના ગુરુદેવની મહાસમાધિ પછી આ પ્રખર ચુંબકીય આધ્યાત્મિક શક્તિ સાથે સ્વામી વિવેકાનંદ ભારતવર્ષનું પરિભ્રમણ કરવા નીકળી પડ્યા. નાના-મોટા, ગરીબ-તવંગરો, રાજા-મહારાજાઓ, દીવાનો સ્વામીજીની ચુંબકીય આધ્યાત્મિક શક્તિથી આકર્ષિત થઈ આનંદિત અને આશ્ચર્યચકિત બની જતા. એમાં મહારાજા મંગલસિંહ, અજીતસિંહ, જશવંતસિંહજી, હરિદાસ વિહારીદાસ દેસાઈ, શંકર પાંડુરંગ પંડિત વગેરે બુદ્ધિશાળી વિદ્વાનો સ્વામી વિવેકાનંદની આધ્યાત્મિક શક્તિથી આભા બની ગયા! પોરબંદરના બ્રિટિશ સરકારના વહીવટકર્તા શંકર પાંડુરંગ પંડિત એક મહાન વિદ્વાન હતા અને અથર્વવેદનું ભાષાંતર કરી રહ્યા હતા. તેમના વિશાળ પુસ્તકાલયથી સ્વામીજી આકર્ષિત થઈ ગયા હતા અને સાત સપ્તાહ સુધી ત્યાં રહ્યા હતા. શંકર પાંડુરંગ પંડિતે કહ્યું, ‘સ્વામીજી, આપની શક્તિને ભારતવર્ષ ઓળખી શકશે નહીં, તમે વિદેશ જાઓ, શિકાગોમાં વિશ્વધર્મપરિષદ આયોજિત થઈ રહી છે તેમાં ભાગ લો અને જ્યારે વિદેશના લોકો તમારી શક્તિને પિછાણશે ત્યારે ભારતના લોકો પણ ધીરે ધીરે આપને સમજી શકશે!’ સ્વામીજી ત્યાંથી દક્ષિણ ભારતની યાત્રાએ નીકળ્યા અને શિકાગોની હવા વધુ ને વધુ ફેલાઈ રહી હતી. દક્ષિણ ભારતમાં મદ્રાસના લોકો અને ખેતડીના મહારાજાની મદદથી દૈવી વિધાન પ્રમાણે સ્વામી વિવેકાનંદ અમેરિકાના શિકાગો શહેરમાં પહોંચી ગયા!
૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદે વિશ્વવિખ્યાત પ્રવચન આપ્યું! શરૂઆતમાં તો સ્વામીજી માત્ર પાંચ જ શબ્દ બોલ્યા, ‘મારાં અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ.’ વિશાળ જનમેદનીએ કેટલીક મિનિટો સુધી સ્વામીજીનું તાળીઓ પાડીને સ્વાગત કર્યું! સ્વામી વિવેકાનંદે જ્યારે શિકાગો વિશ્વધર્મપરિષદમાં ભારતીય સંસ્કૃતિની મહાનતા, ગહનતા, વિશાળતા, અને ઉદારતાને પોતાની અંગ્રેજી ભાષામાં, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી રજૂ કરી ત્યારે ત્યાંના રૂઢિવાદી લોકો અને વર્તમાનપત્રોએ પણ સ્વીકાર કર્યો કે આ છે સર્વશ્રેષ્ઠ પ્રવચન, વક્તા છે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ જગતમાં સુવિખ્યાત બની ગયા! અમેરિકાનાં દ્વાર તેમના માટે ખૂલી ગયાં!
આ સુવર્ણ તક ઝડપી સ્વામી વિવેકાનંદે સમગ્ર અમેરિકામાં પૂર્ણ શક્તિથી ભારતીય સંસ્કૃતિ અને વેદાંતનો પ્રચાર કરવાનો શરૂ કર્યું. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં એક છેડેથી બીજા છેડા સુધી ક્યારેક અઠવાડિયાનાં ૧૧ પ્રવચનો આપવા લાગ્યા! એ જમાનામાં લાઉડ સ્પીકર કે માઇક્રોફોન હતાં નહીં, સ્વામીજીને મોટા હૉલમાં સ્ટેજ ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતાં ફરતાં ઉચ્ચ સ્વરે આ પ્રવચનો આપવાં પડતાં! અમેરિકાના એક ખૂણામાં ક્યારેય સાધારણ તાપમાન હોય, તો ક્યારેક શૂન્યથી નીચે! શરીર અને મનની પરવા કર્યા વગર સ્વામીજીએ પ્રચંડ પુરુષાર્થ કર્યો. આ બાજુ કેટલાક સ્વાર્થી, ઈર્ષાળુ દેશવાસીઓએ જ સ્વામીજીની વિરુદ્ધમાં કટ્ટરવાદીઓ સાથે મળી સ્વામીજીના કાર્યને ખતમ કરવા માટે પૂરી શક્તિ લગાડી, પરંતુ સ્વામી વિવેકાનંદ સિંહ સમાન વીરતાપૂર્વક, નિર્ભયતાથી પોતાનું કાર્ય કરતા રહ્યા અને તેમણે પશ્ચિમને પોતાનો દિવ્ય સંદેશ પહોંચાડ્યો. સ્વામી વિવેકાનંદને ખબર હતી, ‘અહીં એક ટકોર દેશમાં લાખ ટકોર બરાબર છે.’ એટલે સ્વામી વિવેકાનંદે કોઈ પણ જાતની પરવા કર્યા વગર પૂર્ણ શક્તિથી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરવા માટે પોતાના લોહીનું એકેએક બિંદુ વહાવી દીધું. એક વર્ષ પછી સ્વામી વિવેકાનંદને ભારતના લોકોએ કહ્યું, ‘સ્વામીજી, હવે આવી જાઓ. અહીં ભારતમાં તમારી જરૂર છે.’ સ્વામીજીએ કહ્યું, ‘નહીં, જ્યારે યુરોપ અને અમેરિકા મારી સંસ્કૃતિ, મારો ધર્મ અને આધ્યાત્મિક શક્તિઓને જ્યારે પૂર્ણરૂપે સ્વીકાર કરશે ત્યારે મારો દેશ, મારા લોકો, મારી સંસ્કૃતિ પુન: જાગૃત બની જશે!’
સ્વામી વિવેકાનંદનું મન ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થામાં વિચરતું.
સ્વામીજીનું રહેવાનું, ખાવાનું, પ્રવચન ગોઠવવાનું વગેરે કાર્ય પશ્ચિમની સ્ત્રીઓ કરતી પરંતુ સ્વામીજી રહેતા નિર્વિકાર! સ્વામી તુરીયાનંદ મહારાજ કહેતા, ‘સ્વામીજી, હંમેશાં ઉચ્ચ ભાવમાં રહેતા અને સ્વામી બ્રહ્માનંદજી મહારાજ આનંદ સમાધિમાં રહેતા!’ બંને મહામાનવ તુરીય અવસ્થાથી જે કંઈ કાર્ય કરવાનું હોય એ બધું કરતા! સ્વામીજી ક્યારેક ટ્રેનમાં જતા ત્યારે મનની ઉચ્ચ અવસ્થામાં—ધ્યાન અવસ્થામાં પોતાનું ગંતવ્યસ્થાન ક્યાં ચાલ્યું જતું તેની પણ ખબર રહેતી નહીં! ફરી ફરીને ટ્રેન જ્યારે ગંતવ્યસ્થાન પર આવે, ત્યારે સ્વામીજી ઊતરતા.
એક વાર સ્વામી વિવેકાનંદને પ્રવચન આપવાનું હતું ત્યારે વારેવારે અરીસામાં જોતા હતા! ત્યારે પ્રવચનનો કાર્યભાર સંભાળતી સ્ત્રીઓ હસવા લાગી અને સ્વામીજીને કહ્યું, ‘સ્વામીજી, તમે પણ બધાની સામે આવતા પહેલાં અમારા લોકોની જેમ અરીસામાં વારેવારે જુઓ છો?’ ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘મારી લાડકી દીકરી, હંમેશાં ઉચ્ચ અવસ્થામાં સ્થિત રહેતા મારા મનને પાર્થિવ ભૂમિકા પર લાવવા માટે અરીસામાં જોઉં છું.’ શાસ્ત્રો કહે છે, ‘આધ્યાત્મિક ક્ષેત્રોમાં અનિર્વચનીય અવસ્થામાં હંમેશાં રહેવું, તેમની સાથે પ્રચંડ બૌદ્ધિક પુરુષાર્થ કેટલો કઠિન છે!’ ખરેખર, સ્વામીજીએ પોતાના આ કલ્યાણકારી મહાયજ્ઞમાં પોતાના શરીર અને મનની આહુતિ આપી દીધી હતી.
કેટલીક વાર સ્વામીજીનાં પ્રવચનમાં શ્રોતાઓનાં મન અનિર્વચનીય અવસ્થામાં ચાલ્યાં જતાં! આમાંના કેટલાકને પ્રવચન સાંભળ્યા પછી, થોડો સમય આરામ લેવો પડતો! આવી તો પ્રબળ આધ્યાત્મિક શક્તિ હતી સ્વામીજીની!
એક બહેન સ્વામી વિવેકાનંદ સાથે હાથ મિલાવે છે ત્યારે અનુભૂતિ કરે છે કે ‘તેઓ કેટલા પવિત્ર છે!’ કેટલાય સમય સુધી તે મહિલા પોતાનો હાથ ન ધોઈ શક્યાં! પવિત્રતાની સાક્ષાત્ મૂર્તિ હતા સ્વામીજી! સ્વામીજી વેદાંત વિષયક પ્રવચનમાં સ્થિતપ્રજ્ઞતાનો ઉલ્લેખ કરતા કહેતા કે જેમણે દિવ્ય અનુભૂતિ કરી હોય તે કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત થતા નથી, સ્થિતપ્રજ્ઞ રહે છે. સ્વામીજી પર જ આની કસોટી કરવા ત્યાંના કેટલાક યુવાનોએ નક્કી કર્યું અને સ્વામીજીને પ્રવચન આપવા માટે બોલાવ્યા. એક ટીપણું ઊંધું કરી, સ્વામીજીને તેના પર ઊભા રહી પ્રવચન આપવા વિનંતી કરી. તેઓ એ મંડળીને પ્રવચન આપવા માટે ઊભા થઈ ગયા અને થોડી વાર પછી આ યુવાનોએ સ્વામીજીના કાન પાસેથી સતત ગોળીબાર કર્યો, પરંતુ સ્વામીજી નિર્ભય અને સ્થિતપ્રજ્ઞ રહ્યા. અદ્ભુત હતા સ્વામી વિવેકાનંદ!
એક વાર ઝૂલતા પુલ ઉપરથી કેટલાંક અંગ્રેજ બાળકો નદીમાં રહેલાં ઈંડાંનાં કોચલાંને બંદૂક દ્વારા નિશાન લગાવી રહ્યા હતા પરંતુ એક પણ નિશાન લાગતું ન હતું. સ્વામી વિવેકાનંદ દૂર ઊભા રહીને હસતા હતા, ત્યારે બાળકોને ગુસ્સો આવ્યો અને કહ્યું, ‘તમે ધારો છો એટલું આ કામ સહેલું નથી. ચાલો, તમે નિશાન લગાવી જુઓ?’ સ્વામી વિવેકાનંદ બાળકો પાસે જાય છે અને બંદૂક હાથમાં લઈને, નિશાન તાકીને, એક પછી એક કોચલું વીંધી નાખે છે! બાળકો બોલી ઊઠ્યાં, ‘અદ્ભુત નિશાનેબાજ! અદ્ભુત નિશાનેબાજ! તમે કેટલા સમયથી આનો અભ્યાસ કરો છો?’ ત્યારે સ્વામીજીએ હસતાં હસતાં કહ્યું, ‘મારાં બાળકો, જીવનમાં પહેલી વાર બંદૂક ચલાવી રહ્યો છું.’ ત્યારે તો તેઓ વધુ આશ્ચર્યચકિત થઈ ગયા! ‘આ કેવી રીતે શક્ય છે?’ ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘એકાગ્રતાની શક્તિથી બધું જ શક્ય બને છે.’ આવી અદ્ભુત હતી સ્વામીજીની એકાગ્રતા!
ચાર વર્ષ વિદેશની ધરતી ઉપર ભારતીય સંસ્કૃતિની વિજય પતાકા ફરકાવીને સ્વામીજી ૧૮૯૭માં ભારત પાછા ફર્યા. સમગ્ર ભારતવર્ષે એમનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું! ઉત્સાહના પ્રચંડ વેગમાં સ્વામી વિવેકાનંદે ફરી ચેતનવંતી, જોમવંતી, પ્રેરણાસભર દિવ્યવાણીની અમૃતગંગા વહાવી! તેમાં સ્નાન કરી ભારત જાગ્રત અને ચેતનવંત બન્યું અને નવાં જોમ, શ્રદ્ધા, ગૌરવ, સ્વાભિમાનના પથ પર ડગલાં ભરવા લાગ્યું. આ મહાકાર્યમાં સ્વામી વિવેકાનંદે પોતાનો દેહ હોમી દીધો. પોતાના જીવનનું એક મહત્ કાર્ય પૂર્ણ થયું!
સ્વામીજીને લાગ્યું કે પોતાના શરીર પાસેથી એમણે વધુ પડતું કામ લીધું છે, હવે તેઓ વધુ સમય જીવિત રહી શકશે નહીં, તેથી તેમને એમ થયું કે એવું કંઈક કાર્ય કરીશ કે જે ચક્રને હજારો હિમાલયની શક્તિ રોકી નહીં શકે. એમણે પોતાના ગુરુદેવના નામે ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કરી, જે અટલ, નિરાડંબરૂપે, નિર્મલરૂપે, ચારેય યોગો—જ્ઞાન, ભક્તિ, કર્મ, રાજયોગના સમન્વય દ્વારા, સેવાના માધ્યમથી કોઈપણ જાતિ, વર્ણ, ધર્મ, સંપ્રદાયના ભેદભાવ વગર વિશ્વના બધા જ લોકો માટે દિવ્યતા-પ્રાપ્તિના આદર્શો રજૂ કરે છે.
મહાત્મા ગાંધી કહે છે, ‘સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચ્યા પછી મારો દેશપ્રેમ હજાર ગણો વધી ગયો છે!’ નેતાજી સુભાષચંદ્ર બોઝ કહે છે, ‘આજે સ્વામી વિવેકાનંદ હોત તો મારું મસ્તક તેમનાં ચરણે સમર્પિત કરી દેત!’ કવિવર રવીન્દ્રનાથ ટાગોર કહે છે, ‘જો તમારે ભારતવર્ષને પિછાણવું હોય તો સ્વામી વિવેકાનંદનો સંદેશ વાંચો, તેમાં બધું હકારાત્મક છે, નકારાત્મક કશું નથી!’
સ્વામી વિવેકાનંદે ભવિષ્યવાણી કરી છે, ‘ભારત વિશ્વવિજય કરશે પોતાની આધ્યાત્મિક શક્તિ દ્વારા! ભારતનો મહિમા એટલો ઉજ્જ્વળ બનશે કે પોતાનો ભૂતકાળનો મહિમા પણ મ્લાન બની જશે!’
તેમની આશા ભારતના યુવાનો પર હતી. આજે ભોગવાદ, સંશયવાદ, જડતા, સ્વેચ્છાચાર, ઉપભોક્તાવાદ વગેરે દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર આકરા પ્રહારો થઈ રહ્યા છે.
સ્વામી વિવેકાનંદ પોતે કહે છે, ‘હું આ પોતે નથી કરી રહ્યો. મને દિવ્ય શક્તિ કરાવી રહી છે. જે કોઈ આ કાર્યમાં લાગી જશે, તેનામાં મારી શક્તિ પ્રવેશશે.’
ચાલો યુવાનો! આપણે સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વિશેષ કરીને— ‘ભારતમાં આપેલાં ભાષણો’ અને ‘સ્વામી વિવેકાનંદના પત્રો’માંથી પ્રેરણા-પીયૂષનું પાન કરીને સબળ, જાગૃત બનીએ તથા આપણે સંસ્કૃતિની રક્ષા અને જતન કરીએ અને સ્વામી વિવેકાનંદની ભવિષ્યવાણીને સાકાર કરીએ.
Your Content Goes Here