(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજની અમેરિકા યાત્રા દરમિયાન તા. ૧૫મી ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ‘Unitarian Church of Hinsdale’ શિકાગો ખાતે આપેલ પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ. લિપિકાર છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.)

આજે મને ઘણો આનંદ થાય છે કે સ્વામી વિવેકાનંદે જે સ્થળે પ્રવચન આપ્યું હતું તે જ સ્થળે, તે જ દિવસે હું આપ સહુને સંબોધન કરી રહ્યો છું. કેવી સ્મૃતિ! મેં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે મેં એક સાઇન બોર્ડ જોયું, હું પ્રેરિત થયો. જેમાં લખ્યું હતું, “તમારી જે કંઈ પણ આધ્યાત્મિક પશ્ચાદ્‌ભૂમિકા હોય, જે કોઈ માન્યતા હોય, તમે ગમે તેવા દેખાતા હો, તમે જેને પણ પ્રેમ કરતા હો, તમારું અહીં યુનિટેરિયન ચર્ચ ઓફ હિન્સ્ડેલમાં સ્વાગત છે.”

આ જ લાગણીઓ અને ભાવના સાથે સ્વામી વિવેકાનંદે ૧૨૫ વર્ષ પહેલાં ૧૮૯૭માં ‘રામકૃષ્ણ મઠ’ની સ્થાપના કરી હતી. અને તેના બંધારણમાં તેમણે લખ્યું હતું, ‘માત્ર સંઘના સભ્યે જ નહીં, ગૃહસ્થ ભક્તે પણ તમામ ધર્મોનો આદર કરવો જોઈએ.’ તે સમયથી રામકૃષ્ણ મિશનના દરેકે દરેક કેન્દ્રમાં અમે દરેક ધર્મનો આદર કરીએ છીએ. ઘણાં કેન્દ્રોમાં વિશ્વના દરેક ધર્મનું ચિહ્ન લગાડવામાં આવે છે. એટલું જ નહીં, ક્રિસમસ તેમજ અન્ય ધર્મોના તહેવારો પણ ઊજવીએ છીએ. અમે માત્ર આદર કરીએ છીએ, એટલું જ નહીં પણ ઈશુ, બુદ્ધ, આદિ શંકરાચાર્ય, મહાવીર વગેરેની જન્મતિથિ નિમિત્તે કાર્યક્રમો પણ યોજીએ છીએ.

વિશેષમાં અમે ગુરુ નાનક, મહાવીર, બુદ્ધ, ઈશુ ખ્રિસ્ત વિષયક પ્રવચનોનું પણ આયોજન કરીએ છીએ. ક્રિસમસ ઇવના પ્રસંગે સાંજે કેરોલ્સનું ગાન પણ કરીએ છીએ, બાઇબલમાંથી વાંચન પણ કરીએ છીએ.

વિશ્વધર્મ-પરિષદના આયોજન પછી અનેક સ્થળોએ વિવિધ ધર્મપરિષદોનું અમે આયોજન કરીએ છીએ. એટલું જ નહીં પરંતુ અમે વિવિધ ધર્મોની સંવાદિતા વ્યાવહારિકરૂપે પણ અપનાવીએ છીએ, જે આજના સમયની માગ છે.

કારણ કે સેમ્યુઅલ પી. હન્ટિંગ્ટને એક સુંદર પુસ્તક લખ્યું છે,‘The Clash of Civilization and Remaking of a World Order,’ જેમાં તેઓ આંકડાઓના ઉલ્લેખ સાથે લખે છે: ‘મોટાભાગના દેશોની લડાઈ બાહ્ય રીતે શરૂ થતી હોય છે, પણ એવું નથી. જો તમે એમાં ઊંડા ઊતરો તો માલૂમ પડશે કે એ યુદ્ધો દેશોની સંસ્કૃતિ વચ્ચેના સંઘર્ષને કારણે ઉદ્‌ભવતાં હોય છે. અને આ સંસ્કૃતિ વચ્ચેનો સંઘર્ષ ત્યારે જ બંધ થશે, જ્યારે સ્વામી વિવેકાનંદે ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ આપેલ સંદેશ, જે અહીં બહાર લગાવવામાં આવેલ સાઇન બોર્ડમાં લખેલ છે, તેનો આપણે સ્વીકાર કરીશું. એ સંદેશ આ છે :

“પંથવાદ, ધર્માન્ધતા અને તેમાંથી પેદા થતાં ભયંકર ધર્મઝનૂન આ સુંદર જગતને વારસો સુધી આવરી રહેલાં છે. દુનિયાને એ ઝનૂને હિંસાથી ભરી દીધી છે અને માનવલોહીથી વારંવાર રંગી નાખી છે, સંસ્કૃતિઓનો નાશ કર્યો છે અને સમગ્ર પ્રજાઓને નિરાશામય બનાવી છે. આ ત્રાસદાયી રાક્ષસોનું અસ્તિત્વ ન હોત તો, આજના કરતાં માનવસમાજે વધારે પ્રગતિ સાધી હોત. પણ હવે એનો સમય ભરાઈ ગયો છે; અને આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો, એ એક જ લક્ષ્ય તરફ જતા જુદા જુદા માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃત્તિઓનો, સર્વ ઝનૂનવાદોનો અને તલવાર કે કલમથી થતા સર્વ ત્રાસનો મૃત્યુઘંટ હતો, એવી હું આગ્રહપૂર્વક આશા રાખું છું.”

યાદ રાખો કે એ સંદેશને યોગ્ય રીતે ન સાંભળ્યો એટલે જ ૧૦૮ વર્ષ પછી ૯/૧૧ ની ઘટના ઘટી. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યું અને હજારો માનવીઓ મૃત્યુ પામ્યા.

આજે પણ સ્વામી વિવેકાનંદનો સંદેશ એટલો જ પ્રસ્તુત છે. તેમણે કહ્યું હતું, “અમે માત્ર સહિષ્ણુતામાં જ માનીએ છીએ, એટલું જ નહીં, પરંતુ અમે એવું માનીએ છીએ કે બધા જ ધર્મો સાચા છે.”

જો વિશ્વની સંસ્કૃતિઓ વચ્ચે સંવાદિતા સર્જાશે, તો જ તે વૈશ્વિક સંસ્કૃતિમાં પરિણમશે અને તો જ વિશ્વમાં શાંતિ સ્થપાશે. અને એ ત્યારે જ સ્થપાશે કે જ્યારે ધર્મ-ધર્મ વચ્ચેની કટ્ટરતા, ધર્માન્ધતા, દુરાગ્રહ, ધર્મઝનૂન દૂર થશે. ગુજરાત પરિભ્રમણ વખતે જ્યારે સ્વામીજી જૂનાગઢ આવ્યા ત્યારે તેમની પાસે થેલામાં બે-ત્રણ જોડી ભગવાં વસ્ત્રો અને બે પુસ્તકો હતાં.

એક શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા અને બીજું થોમસ કેમ્પિસ દ્વારા લિખિત પુસ્તક ‘ઇમીટેશન ઑફ ક્રાઈસ્ટ’. લોકોને લાગ્યું કે કોઈ પાદરી આપણું ધર્મ-પરિવર્તન કરવા સાધુનાં ભગવાં વસ્ત્રોમાં આવ્યા છે. કોઈએ આશંકિત થઈને જ્યારે પૂછ્યું ત્યારે સ્વામીજીએ કહ્યું,

‘મને શ્રીરામકૃષ્ણદેવ પાસેથી ઉપદેશ મળ્યો છે. દરેક ધર્મનું અંતિમ લક્ષ્ય એક જ છે, અંતિમ તથ્ય તો એક જ છે. કેટલાક લોકો ‘God’ કહે છે, કેટલાક ‘અલ્લાહ’ કહે છે, કેટલાક ઈશ્વર, તો કેટલાક રામકૃષ્ણ કહે છે. એ બધાં એક જ સત્યનાં અલગ અલગ નામો છે. તેમના કહેવા પ્રમાણે આ જે કહેવાયું છે, તે જ વાત થોમસ એ. કેમ્પિસે પોતાના પુસ્તક ‘ઇમીટેશન ઑફ ક્રાઈસ્ટ’માં કહી છે.’

એ સાંભળીને છગનલાલ પંડ્યા એટલા તો પ્રભાવિત થયા કે જે વ્યક્તિ તે પુસ્તક લઈને આવી હતી અને એની ટીકા કરી હતી, એમણે એ જ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કર્યો અને ફૂટનોટમાં દરેક વાક્ય પછી શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાના તદનુસાર સંદેશને એમણે ટાંક્યો અને દર્શાવ્યું કે બંને પુસ્તકો એક જ સંદેશ આપે છે.

આમ, ધર્મોની સંવાદિતા વિશેના ઘણાં અંગ્રેજી પુસ્તકો અમે વાંચીએ છીએ અને અમારા સંન્યાસીઓ પોતાના જીવનમાં તેનું અનુસરણ પણ કરે છે, એ જ આજના સમયની માગ છે.

Total Views: 184

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.