જૂન 1899થી નવેમ્બર 1900 દરમિયાન સ્વામી વિવેકાનંદે પશ્ચિમી દેશોની બીજી વાર યાત્રા કરી હતી. આ સમય દરમિયાન તેઓ બે મહિના—એપ્રિલ અને મે, 1900—કેલિફોર્નિયા રાજ્યના આલામેડા શહેરમાં રોકાયા હતા. ત્યારની કેટલીક પ્રેરણાપ્રદ ઘટનાઓનું વિવરણ અહીં કરીએ છીએ. એ દિવસો દરમિયાન સ્વામીજીનાં ઘનિષ્ઠ શિષ્યા શ્રીમતી એડિથ એલન પ્રતિદિન એમનાં પ્રવચનો સાંભળવા આવતાં હતાં.
સ્વામીજી ખૂબ સરસ રાંધી શકતા. એવું ઘણા દિવસ થતું કે સ્વામીજી પ્રવચન સમાપ્ત કરીને સીધા રસોડામાં જતા રહેતા અને ઉપસ્થિત અનુયાયીઓ માટે સ્વાદિષ્ટ ભારતીય વાનગીઓ રાંધતા. ભારતીય વાનગીઓ રાંધવા માટેનાં શાકભાજી, મસાલા વગેરે પણ તેઓ ખરીદતા. એક દિવસ સ્વામીજી તથા શ્રીમતી એલન અથાણું ખરીદવા એક દુકાનમાં ગયાં. રસ ભરેલા એક મોટા પાત્રમાં અથાણાં ડુબાડીને રાખવામાં આવ્યાં હતાં. જેને અથાણું જોઈએ એને દુકાનદાર એક મોટા ચમચાથી કાઢીને એક લાકડાના વાટકામાં ભરીને આપતો. આવી રીતે વાટકામાં અથાણું ભરીને પાછા ફરતાં રસ્તામાં એકાએક કેટલોક રસ સ્વામીજીની આંગળી ઉપર લાગી ગયો. આહ્લાદિત થઈને સ્વામીજી પોતાની આંગળીઓ ચાટવા લાગ્યા.
અમેરિકામાં સભ્યતાનું પાલન કરવાનું ઘણું મહત્ત્વ હતું. સ્ત્રી અને પુરુષો કેવાં કપડાં પહેરવાં, કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે ભોજન કરવું વગેરે વિશે ખૂબ સજાગ હતાં. સ્વામીજી સામાન્ય રીતે તો આ બધા રીતિ-રિવાજોનું પાલન કરતા પરંતુ એમનું મુક્ત મન આ બધાની સામે ક્યારેક ક્યારેક બળવો પણ પોકારતું. આ સિવાય, જો તેઓ જોતા કે એમના અનુયાયીઓ આધ્યાત્મિક જીવનના મૂળભુત સિદ્ધાંતો જેવા કે—ત્યાગ, તપસ્યા, સત્યવચનનું પાલન, એકાગ્રતાનો અભ્યાસ વગેરેને ભૂલીને બાહ્ય આચાર-વિચાર ઉપર જ વધુ ધ્યાન આપવા લાગ્યા છે ત્યારે એમને સાવધ કરી દેવા માટે એવું કોઈક વર્તન કરતા કે જેથી તેઓ અભાનપણે જે ખોટા રસ્તા ઉપર જઈ રહ્યા હોય ત્યાંથી ઠોકર ખાઈને સાચા રસ્તા ઉપર પાછા વળે.
અહીં પણ શ્રીમતી એલન સ્વામીજીની ગભીર આધ્યાત્મિક અનુભૂતિ વિસ્મરીને સ્વામીજી અસભ્ય વર્તન કરી રહ્યા છે, એમ માની બેઠાં. તેથી તેઓ ચોંકી જઈને બોલી ઊઠ્યાં, “અરે, સ્વામીજી!” સ્વામીજીએ શીઘ્ર પ્રતિવાદ કરતાં કહ્યું, “તમે લોકો હંમેશાં આ બાહ્ય માળખાનું સૌંદર્ય ચાહો છો. આ જ તો અહીં તમારી સાથે તકલીફ છે. બાહ્ય માળખાની નહિ, પરંતુ આંતર-હૃદયમાં જે છે એની જ સાચી કિંમત છે.”
સ્વામીજીની સાથે રહેવાથી દિન-પ્રતિદિનની નાની-નાની ઘટનાઓ દ્વારા પણ કેટલું શીખવા મળતું! શ્રીમતી એલન કહે છે, “સ્વામીજી હંમેશાં હસી-ખુશીથી ભરપૂર રહેતા.” તેઓનો ચહેરો ક્યારેય ઊતરેલો દેખાતો નહિ. એક દિવસ તેઓએ કહ્યું હતું, “જો તમે કોઈને ઉદાસ તથા ઊતરેલા ચહેરાવાળા જુઓ તો એમ ન સમજી લેતા કે એને કોઈ આધ્યાત્મિક ઉપલબ્ધિ થઈ છે, હોઈ શકે કે એને પેટનો દુઃખાવો થયો છે.”
આ વિષયે સ્વામીજી ભારત પાછા ફરીને પોતાના એક શિષ્યને વિસ્તૃતમાં સમજાવતાં કહે છેઃ “પશ્ચિમમાં લોકો એમ માને છે કે માણસ જેટલો વધારે ધાર્મિક તેટલો તે બહારના દેખાવમાં ભારેખમ બની જવાનો, બીજા કોઈ વિષય અંગે તેના મોંમાંથી એક શબ્દ પણ નીકળશે નહિ! મારાં ઉદાર દૃષ્ટિબિંદુવાળાં ધાર્મિક પ્રવચનો સાંભળીને પશ્ચિમના ધર્મગુરુઓ આશ્ચર્યચકિત થઈ જતા; પણ જ્યારે બીજી બાજુ આવાં પ્રવચનો પછી મિત્રો જોડે મને વિનોદ કરતો જોતા ત્યારે તેઓ એટલા જ ગૂંચવાતા. કેટલીક વાર તો તેઓ પ્રત્યક્ષ મોઢે જ કહેતા: ‘સ્વામીજી! તમે તો ધર્મોપદેશક છો. આમ સામાન્ય માણસની પેઠે તમારે ઠઠ્ઠામશ્કરીઓ કરવી ન જોઈએ. આવી છૂટ તમને શોભતી નથી.’ હું ઉત્તર આપતો: ‘આપણે તો આનંદનાં સંતાનો છીએ; આપણે શા માટે ચીડિયા અને ગમગીન રહેવું?’ પરંતુ તેઓ મારા શબ્દોના ગૂઢાર્થ ભાગ્યે જ સમજતા.” (ગ્રંથમાળા, 8.392)
આવો પાછા ફરીએ પાસાડેનાના એ રસોડામાં કે જ્યાં રાંધતાં રાંધતાં પણ તેઓ આવાં પ્રાણવંત મોતીઓ વેરતા રહેતા, જેમ કે, “જો હું મારી જાતને જમીન ઉપર ચાલતી ક્ષુદ્ર કીડી કરતાં ઉચ્ચકક્ષાનો માનું તો હું અજ્ઞાની છું.” અર્થાત્, આપણી કિંમત કીડી કરતાં જરીકપણ વધારે નથી.
પણ આ જ સ્વામીજી પોતાના ભારતીય શિષ્યોને આમ કહે છે: “તમે સંમોહનની અસર તળે છો. બહુ બહુ સમયથી બીજાઓ તમને કહેતા આવ્યા છે કે તમે નિર્બળ છો, તમારામાં શક્તિ નથી; અને તમે તે સ્વીકારી લઈને એકાદ હજાર વર્ષથી એમ માનતા થઈ ગયા છો કે ‘આપણે કંગાળ છીએ; આપણે નકામા છીએ.’ અને (પોતાના દેહ તરફ આંગળી ચીંધી કહ્યું) આ શરીર પણ તમારા દેશની માટીમાંથી જ જન્મ્યું છે; પણ મેં કદી એવું માન્યું નથી અને તેથી જ તમે જુઓ છો કે ઈશ્વરની કૃપાથી જે લોકો હંમેશાં આપણને હલકા અને નિર્બળ માને છે તેમણે જ મને દૈવી સન્માન આપ્યું છે અને હજુ પણ આપી રહ્યા છે. જો તમે એમ માનવા લાગો કે તમારામાં અનંત શક્તિ, અનંત જ્ઞાન અને અજેય બળ રહેલાં છે, જો તે શક્તિઓને તમે પ્રગટ કરી શકો, તો તમે પણ મારા જેવા જ બની શકો.” (ગ્રંથમાળા, 8.383)
તો આ બે વિરોધાભાસનું સમાધાન શું છે? આધ્યાત્મિક જીવનમાં આપણે અવશ્ય વિનમ્ર થવાનું છે પણ જ્યારે કોઈ આપણી ઉપર અત્યાચાર કરવા આવે ત્યારે જો આપણે સાહસપૂર્વક પ્રતિકાર ન કરીએ તો આપણો સર્વનાશ થઈ જશે.
રસોડામાં જ અન્ય એક દિવસે સ્વામીજીએ કહ્યું હતું, “સાક્ષીભાવ કેળવો. ગલીમાં બે કૂતરાઓને સામસામે ભસતા જોઈને હું ત્યાં જઈને એમની સાથે ભસવાનું ચાલુ કરી દઉં તો હું એમના ઝઘડામાં ફસાઈ જઈશ. પરંતુ જો હું શાંતચિત્તે મારા કક્ષમાં રહીશ તો હું માત્ર એમનો સાક્ષી રહીશ. માટે સાક્ષીભાવ કેળવતાં શીખો.”
સ્વામીજી વધુમાં કહેતા, “મેડમ, ઉદાર હૃદયનાં થાઓ, હંમેશાં બે રીતે કોઈપણ ઘટનાને નિહાળો. જ્યારે હું આધ્યાત્મિક ઉચ્ચાસને વિરાજિત હોઈશ ત્યારે હું કહીશ ‘શિવોઽહમ્ શિવોઽહમ્.’ પણ જ્યારે મને પેટનો દુઃખાવો થશે ત્યારે હું કહીશ, ‘હે જગદંબા, મારી ઉપર કૃપા કરો!’”
સ્વામીજી આ વાત શ્રીરામકૃષ્ણ પાસે શીખ્યા હતા. ‘લીલાપ્રસંગ’માં વર્ણન છે: “શ્રીરામકૃષ્ણ કહેતા કે, ‘પંચભૂતના ફંદે, બ્રહ્મ પડીને રડે.’ આંખો મીંચી દઈને તમે ‘કાંટો નથી, ભોંક નથી’ એમ ગમે તેટલું મનને સમજાવો, પણ કાંટામાં હાથ પડતાં જ ભચ્ચ કરતોકને ભોંકાઈ જાય અને ઊંહકારા કરી ઊઠાય. તે જ પ્રમાણે ગમે તેટલું મનને સમજાવોને કે તમારો જન્મ નથી, મૃત્યુ નથી, પાપ નથી, શોક નથી, દુઃખ નથી, ક્ષુધા નથી, તૃષ્ણા નથી, તમે જન્મજરારહિત, નિર્વિકાર, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છો; પણ જેવી શરીરમાં બીમારી આવે, જેવું મન સંસારના રૂપરસાદિ પ્રલોભનો ઊભાં રહેતાં, કામ કાંચનના જોઈતા સુખમાં થાપ ખાઈને કોઈ એકાદ કુકર્મ કરી બેસે, કે એની સાથે જ મોહ, યંત્રણા, દુઃખ બધાં ઉપસ્થિત થઈને બધાય આચારવિચાર વિસરાવી દઈને તમને તદ્દન બેબાકળા કરી મૂકે!” (લીલાપ્રસંગ, 2.228)
શ્રીરામકૃષ્ણના ગુરુ તોતાપુરી એક વાર સખત લોહીના મરડાના રોગથી પીડાતા હતા. એક રાતની વાત છે, “આજે પેટની પીડા બહુ વધી ગઈ છે. તોતાપુરીને સ્થિર થઈને સૂવા પણ દેતી નથી. જરાક સૂઈ રહેવાનો પ્રયાસ કરતાં જ વળી પાછા ઊઠી જઈને બેઠા. ઊઠીને બેસતાં પણ ચેન નહીં. વિચાર્યું કે મનને ધ્યાન મગ્ન કરી દઉં, શરીરનું ભલે જે થવાનું હોય તે થાય. મનને સંકેલી લઈ શરીર ઉપરથી ખેંચી લઈને એકાગ્ર કર્યું ના કર્યું ત્યાં તો પાછી પેટની શૂળથી મન ફરી એ તરફ જ દોડવા માંડ્યું. ફરી પ્રયત્ન કર્યો, ફરી વાર એમ જ થયું. જ્યાં પહોંચીને દેહ ભુલાઈ જાય, તે સમાધિ ભૂમિ પર મન ચડે ના ચડે ને પાછું પીડાથી નીચું ઊતરી પડે. જેટલી વાર પ્રયત્ન કર્યો, બધીયે વાર નિષ્ફળ નીવડ્યો! ત્યારે તેમને પોતાના શરીર ઉપર ભારે ચીડ ચડી. વિચારવા લાગ્યા, ‘આ હાડ-માંસના પીંજરાની બળતરાને લીધે મન પણ આજે મારા વશમાં નથી. જવા દે, મેં તો જાણી લીધેલું છે કે કોઈ પણ હિસાબે આ શરીર હું નથી, તો પછી આ સડેલા શરીરના સંગમાં રહીને હવે શા માટે પીડા વેઠવી? હવે એને રાખીને શો ફાયદો? હમણાં જ આ ઘેરી રાતે એને ગંગામાં વિસર્જન કરી દઈને તમામ યાતનાનો અંત લાવું.
“એમ વિચાર કરીને નાંગટા વિશેષ પ્રયત્નપૂર્વક પોતાના મનને બ્રહ્મચિંતનમાં સ્થિર રાખીને ધીમે ધીમે પાણીમાં ઊતર્યા અને વધુ ને વધુ ઊંડા પાણીમાં આગળ ધપવા લાગ્યા. પણ ઊંડા જળવાળી ભાગીરથી આજે ખરેખર સુકાઈ ગઈ છે કે શું? કે પછી તોતા તેમના મનની ભીતરની છબીને એ પ્રમાણે બહાર પ્રગટ થયેલી જુએ છે એ તો કોણ કહી શકે? લગભગ સામા કાંઠા સુધી તોતા ચાલી આવ્યા, તોપણ માથાડૂબ પાણી મળ્યું નહીં! ક્રમે ક્રમે જ્યારે રાત્રીના અંધકારમાં સામે કાંઠે આવેલાં ઝાડ, ઘર બધાં ઓળા જેવાં દેખાવા લાગ્યાં, ત્યારે તોતા અવાક બનીને વિચારી રહ્યા, ‘આ શી દૈવી માયા! ડૂબી મરવા જેટલું પાણી પણ આજે નદીમાં નથી! આ તે શી ઈશ્વરની અપૂર્વલીલા!’ તે જ ક્ષણે જાણે કોઈએ અંદરથી એમની બુદ્ધિ ઉપરનું આવરણ હઠાવી દીધું! ઉજ્જ્વળ પ્રકાશે, ઝાકમઝોળ થઈ જતા તોતાના મને જોયું, ‘મા, મા, વિશ્વજનની મા, અચિંત્ય શક્તિરૂપિણી મા, જળે મા, સ્થળે મા, શરીર મા, મન મા, યંત્રણા મા, સ્વસ્થતા મા, જ્ઞાન મા, અજ્ઞાન મા; જીવન મા, મૃત્યુ મા; જે કાંઈ જોઉં છું, સાંભળું છું, વિચારું છું, કલ્પના કરું છું, બધું મા! તેઓ છે તેને નથી કરે છે અને નથી તેને છે કરે છે! જ્યાં સુધી શરીરની અંદર હોય ત્યાં સુધી તેની ઇચ્છા થયા વગર તેના પ્રભાવમાંથી મુક્ત થવાનું કોઈને માટે શક્ય નથી. મરવાનું પણ સામર્થ્ય નથી અને વળી શરીર, મન, બુદ્ધિની પેલી પાર પણ તે જ મા તુરીયા નિર્ગુણા મા! આટલા દિવસો જેને બ્રહ્મ કહીને ઉપાસના કરીને તોતા હૃદયનાં પ્રેમભક્તિ અર્પણ કરતા આવ્યા હતા, તે જ મા! શિવશક્તિ એક જ આધારે હરગૌરી મૂર્તિમાં અવસ્થિત; બ્રહ્મ અને બ્રહ્મશક્તિ અભેદ!’” (લીલાપ્રસંગ, 2.232)
સ્વામીજીની આ બધી વાતો સાંભળીને શ્રીમતી એલન કહેતાં, “હું તો આવી રીતે વિચારતી નથી.” સ્વામીજી હસીને ઉત્તર આપતા, “સાચે જ, મેડમ? ભલે, એથી વળી શું થઈ ગયું.” પરંતુ ઘણાં વર્ષો પછી શ્રીમતી એલન સ્વામીજીના શબ્દોને યાદ કરીને એની મહત્તા સમજ્યાં હતાં. તેઓએ લખ્યું હતું, “સ્વામીજીને અમે સમજી શક્યાં જ ક્યાં હતાં? અમને તો ખબર ન હતી કે તેઓ સાચે સાચ કોણ છે? તેઓ તો હતા ઈશ્વરીય સંદેશવાહક!”
તેઓ સ્વામીજીના પ્રત્યેક પ્રવચનમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓ લખે છે, “પરંતુ મારા હૃદયમાં સંઘરેલી યાદ તો એમની સાથે વિતાવેલ પળોની છે. તેઓ મારા પ્રતિ મૂર્તિમંત દયાસ્વરૂપ હતા. મોટાભાગના લોકો તેઓની પ્રચંડ શક્તિ ઉપર, તેઓની પ્રભાવિત કરી દેવાની ક્ષમતા ઉપર જ ભાર આપે છે. પરંતુ તેઓનું એક બીજું પાસું પણ હતું, તેઓનો ઉત્કૃષ્ટ પ્રેમ. તેઓ એક વાત્સલ્યવાન પ્રેમાળ માતૃસ્વરૂપ હતા.”
સ્વામીજીને મળતા પહેલાં શ્રીમતી એલન પ્રેતતત્ત્વના પ્રયોગો કરવા જતાં માનસિક ભંગાણનો શિકાર બની ગયાં હતાં. આ કારણે જ તેઓ પ્રથમ સ્વામીજીની પાસે માર્ગદર્શન મેળવવા આવ્યાં હતાં. સ્વામીજીના સ્નેહબંધનથી બંધાઈને તેઓએ જ્યાં સુધી સ્વામીજી કેલિફોર્નિયામાં રહ્યા હતા ત્યાં સુધી એમનો સંગ કર્યો હતો. છેવટે વિદાયની ક્ષણ આવી પહોંચી. શ્રીમતી એલન કહે છે, “કેલિફોર્નિયા છોડીને જતાં પહેલાં સ્વામીજીએ મને કહ્યું હતું કે જો હું ફરી ક્યારેય માનસિક ભંગાણનો અથવા તો અન્ય કોઈ સમસ્યાનો સામનો કરું તો તેઓને પોકારવાથી જ તેઓ જ્યાં પણ હશે ત્યાં મારો સાદ સાંભળશે. તેઓને આ વચનનો લાભ લેવાની આવશ્યકતા મારા જીવનમાં ઘણી વાર આવી ચૂકી છે.”
Your Content Goes Here