(સંપાદકની નોંધ – એક દાયકાથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, પ્રકાશન વિભાગની લેખન-સાધનામાં અલ્પ આહુતિ પ્રદાન કરવાનું મને સદ્ભાગ્ય મળ્યું છે. આ સાધના બે અધ્યાયમાં વિભાજિત છે.
શ્રીરામકૃષ્ણ કથામૃત, શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર, સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, તથા યુગનાયક વિવેકાનંદ—આ 5 આપણી ભાવધારાના મૂળભૂત ગ્રંથો છે. તેઓ આપણા માટે વેદ સમાન છે. 2012 થી લઈ 2015ના પ્રથમ અધ્યાય દરમિયાન આપણે આ પાંચેયને સાંગોપાંગ સંપાદન કરીને પુન: પ્રકાશિત કર્યા હતા.
આજે હવે બધાની પાસે મોબાઇલ ફોન આવી ગયો છે અને યુવાપેઢી તો હવે એની ઉપર જ માહિતી એકત્ર કરી રહી છે. આ યુગ પ્રયોજનને ધ્યાનમાં રાખીને 2018 થી 2023 દરમિયાન દ્વિતીય અધ્યાયમાં આપણે આપણું સમગ્ર સાહિત્ય આધુનિક ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરીને આપણી vivekananda.live વેબસાઇટ તથા મોબાઇલ એપમાં રાખીને સહજ ઉપલબ્ધ બનાવ્યું છે.
શ્રીરામકૃષ્ણ જ્યોતના બધા જ અંકો—એપ્રિલ 1989માં પ્રકાશિત પ્રથમ અંકથી લઈ આજના છેલ્લા અંક સુધી લગભગ 400+ અંકો તથા 6000+ લેખોને આપ સહુને નિઃશુલ્ક વાંચન માટે પ્રદાન કરવામાં આવ્યા છે, અને સાથે જ આપણાં મોટા ભાગનાં પુસ્તકો ઇ-બુક (eBook) સ્વરૂપમાં એમેઝોન કિન્ડલ તથા ગુગલ બુક્સ ઉપર રાખી દેવામાં આવ્યાં છે.
રાજકોટ આશ્રમ સ્થાપનાના 100મા વર્ષ તરફ આગેકૂચ કરી રહ્યો છે. આ શુભ ઉપલક્ષે 2024થી આપણે ત્રીજો અધ્યાય પ્રારંભ કરીએ છીએ. આપણું સાહિત્ય ઈશ્વરમાર્ગના પથિકો માટે પ્રાણપ્રદ ભાથાથી ભર્યુંભર્યું છે. એવા અનેક દળદાર ગ્રંથો છે કે જેના વેદાંતરૂપી અમૃતસરોવરમાં ડૂબકી લગાવીને સાધક અમરત્વ પામી શકે છે. હવે આપણે એક પછી એક આ પુસ્તકોને ગુજરાતીમાં અનુવાદ કરીને eBookના રૂપમાં પ્રકાશિત કરતા રહીશું.
આ કડીના “શ્રીમા શારદાદેવીની દિવ્યલીલા” સહિતનાં પ્રથમ 43 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. હવે શ્રીરામકૃષ્ણદેવની તિથિપૂજાના પાવન પ્રસંગે સ્વામી ચેતનાનંદ રચિત મૂળ અંગ્રેજી પુસ્તક “How to Live With God”નો શ્રી દુષ્યંતભાઈ પંડ્યા દ્વારા થયેલ ગુજરાતી અનુવાદ “શ્રીરામકૃષ્ણ સમીપે” શ્રીપ્રભુને પુષ્પાંજલિરૂપે અર્પણ કરીએ છીએ. આ કડીનાં અન્ય દળદાર પુસ્તકો હવે પ્રતિ એક કે બે માસે eBook સ્વરૂપે પ્રકાશિત થતાં રહેશે. નાણાંકીય સમસ્યા હલ થશે તો તેમને પુસ્તકાકારે છાપવામાં પણ આવશે.
જે ભક્તોના એકનિષ્ઠ સેવાયજ્ઞ દ્વારા પ્રકાશન જ્યોત અખંડ પ્રગટી રહી છે તે સહુને હું નમન કરું છું અને વિનંતી કરું છું કે આ સાધન-પ્રવાહ અવિરામ વહેવા દે.
ભવિષ્ય હંમેશાં અનિશ્ચિત હોય છે. સાધકનું જીવન છે આશા-નિરાશામાં ઝોલાં ખાતું, હવામાં વહેતા પાંદડા જેવું. औषधं जाह्नवीतोयं वैद्यो नारायणो हरि: છતાં પણ હૃદયમાં શ્રદ્ધારૂપી મશાલ પ્રગટાવી, વિઘ્નહર્તા શ્રીપ્રભુને સ્મરી, આવો, આપણે આ નવા અધ્યાયના શ્રીગણેશ કરીએ.)
ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે:
मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय।
निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः।।
‘માટે તું મારામાં જ મન સ્થિર રાખ અને મારામાં જ બુદ્ધિ પરોવી દે. એ પછી તું મારામાં જ રહીશ. એમાં શંકા નથી.’ (12.8)
આ ઉપદેશને ધ્યાનમાં રાખીને ‘વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લુઈસ, અમેરિકા’ના મિનિસ્ટર ઇન્ચાર્જ સ્વામી ચેતનાનંદે અંગ્રેજીમાં ‘How to Live with God: In the Company of Ramakrishna’નામના પુસ્તકની રચના કરી છે. તેનો ગુજરાતી અનુવાદ ‘શ્રીરામકૃષ્ણ સમીપે’ નામે પુસ્તકાકારે તૈયાર કરાયો છે. ચાલો, આપણે તે પુસ્તકની સમીક્ષા કરીએ.
પુસ્તકમાં કુલ 28 પ્રકરણ છે. પુસ્તકનું સમગ્રતયા વિષયવસ્તુ છે—શ્રીરામકૃષ્ણદેવનું લીલાચિંતન અને અનુધ્યાન. हरि अनन्त हरिकथा अनन्ता। એ ન્યાયે શ્રીરામકૃષ્ણના દિવ્યજીવનની સમૃદ્ધ આધ્યાત્મિક ભાવનાને સાંગોપાંગ સમજવી અને એથીય વિશેષ તો એને શબ્દબદ્ધ કરવી તે અતિ ભગીરથકાર્ય છે.
સૌંદર્ય વિશિષ્ટ શૈલીમાં લેખકે શ્રીરામકૃષ્ણના દિવ્ય-જીવનનાં વિભિન્ન પાસાંનું વિભિન્ન પ્રકારે સુલેખન કર્યું છે. શ્રીરામકૃષ્ણનો દૈહિક દેખાવ, તેમની લાગણીઓ, અને ભાવનાઓ, તેમણે કેવી રીતે ક્યાં-ક્યાં મુસાફરી-યાત્રા કરી, તેમની દૈનિકચર્યા, તેમના પહેરવેશની શૈલી, તેમની વિવિધ કામનાઓ, વિભિન્ન પ્રકૃતિના લોકો સાથેનાં તેમનાં વ્યવહાર-વર્તન, પોતાના શિષ્યોનું પ્રશિક્ષણ, તેમની અમૃતમયવાણી, ભક્તોનાં પાપગ્રહણ કરીને કેન્સરના વ્યાધિની અસહ્ય યાતના કેવી રીતે સહન કરી—આ સૌ વિષયવસ્તુનું પ્રસ્તુત પુસ્તકમાં વિશદ વિવેચન રસપ્રદ શૈલીમાં કરાયું છે. ઠાકુરના નામનું મહાત્મ્ય અને અવતારત્વને કેવી રીતે સમજવું તેનું માર્ગદર્શન પણ લેખકે કર્યું છે. વળી જો શ્રીરામકૃષ્ણ પુનઃ અવતરે ‘તો—ત્યારે’ એ અંગે પણ લેખકે માર્મિક વિવેચન અત્રે કર્યું છે.
શ્રીરામકૃષ્ણનાં પ્રત્યક્ષ દર્શન ન કરી શકાયાં તેથી આપણા દુર્ભાગ્ય બદલ આપણે વિલાપ કરીએ છીએ. ત્રસ્ત બની આપણે ચોતરફ અંધકાર ભાળીએ છીએ ત્યારે કોઈ માર્ગ સૂઝતો નથી. તે આપદ્કાળે આપણે ચિંતવી શકીએ કે શ્રીરામકૃષ્ણ આજે જીવંતપણે વિદ્યમાન છે અને આપણે શાંતિ અર્થે એમની સમીપ જઈ શકીએ છીએ. How to Live with God જેવાં પુસ્તક આપણને આમ કરવામાં અને આપણા હૃદયમાં શ્રીરામકૃષ્ણનાં આશ્વાસક વચનો ધારણ કરવામાં સહાયરૂપ બને છે.
આ પુસ્તક ઉપન્યાસ કે નવલકથા નથી કે વાંચીને અભરાઈએ ચઢાવી દેવાય. તેને આત્મસાત્ કરવા માટે નિત્યવાચન અને તત્પશ્ચાત્ મનન કરવું જોઈએ. એ હૃદયંગમ થઈને જીવનમાં ઓતપ્રોત થાય તો દુર્લભ માનવજન્મ સાર્થક થઈ જાય. ગ્રંથપૂજન કે ગ્રંથસ્તુતિથી વિશેષ ફળ મળતું નથી. તેનું સારતત્ત્વ આચારમાં પરિવર્તિત થવું જોઈએ.
આ પુસ્તક કેવું છે? तप्तजीवनं તથા कल्मषापहम्। સંસારના ત્રિવિધ તાપથી તપ્ત-દગ્ધ જીવોને માટે શીતળ જળ સમાન છે તથા સંસારની કાલિમારૂપ પાપોને દૂર કરનારું છે.
સ્વામી ચેતનાનંદ પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે:
“એક વખત શ્રીરામકૃષ્ણે એક ભક્તને કહ્યું હતું, ‘હાં જુઓ, ભાંગ, ભાંગ, એમ બોલ્યે કંઈ વળે નહિ, ભાંગ લાવો, ભાંગ વાટો, અને ભાંગ પીઓ…’ એ પછી કહ્યું, ‘તમે સંસારમાં રહેવાના, તે જરા ગુલાબી નશો કરીને રહેવું. કામકાજ કરતા જાઓ છો અને છતાં સાથે સાથે નશો પણ લાગેલો જ છે. ભાંગને શરીરે ચોપડ્યેય નશો ન ચડે. એને પીવી જોઈએ!’
“આ પુસ્તક પ્રકાશનનો ધ્યેય વાચકના મનમાં ઈશ્વરોન્માદ પેદા કરવાનો છે. દારૂડિયો દારૂના શીશાનું ઢાંકણું ખોલે છે, ત્યારે દારૂ પીધા પહેલાં જ દારૂની મહેંક તેને આનંદિત કરી દે છે. મેં આ પુસ્તકમાં આવી ‘ગુલાબી માદકતા’ સર્જવાનો અને શ્રીરામકૃષ્ણની દિવ્ય મહેંક પ્રસ્તુત કરીને વાચક માટે આનંદ-સુખ પેદા કરવાનો પ્રયાસ કર્યો છે. અત્તરની દુકાનમાં આપણે પ્રવેશ કરીએ એટલે આપણને ગમે કે ન ગમે, સુગંધ આપણાં નાકમાં પ્રવેશી જાય છે. આપણે તેને અવરોધી શકતા નથી. શ્રીરામકૃષ્ણનો દિવ્ય સંગ એવો છે. તેઓ જીવંત, પ્રેરક, આનંદી અને રમૂજભર્યા છે. દૃષ્ટિ કરાંવેંત તે ભ્રમ અને સંશય દૂર કરી દે છે અને આપણું રૂપાંતરણ કરી મૂકે છે. શ્રીરામકૃષ્ણના જીવન અને તેમના ઉપદેશ મારફત આપણે હૃદયંગમ કરીએ છીએ કે ઈશ્વર કપોળકલ્પિત નથી, ‘તેઓ’ આપણામાં અને આપણી ચોપાસ છે. શ્રીરામકૃષ્ણ ઈશ્વર-સાક્ષાત્કારને સરળ અને સુગમ્ય બનાવે છે.”
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની નોંધ કરનાર ‘શ્રીમ.’ પોતાની ઠાકુર વિશેની સ્મૃતિઓને આધારે જીવન વિતાવતા. એ સઘળી સ્મૃતિઓમાં પ્રગટ થતી શ્રીરામકૃષ્ણદેવની દિવ્યલીલાનાં વિભિન્ન પાસાંનું અધ્યયન, ચિંતન, મનોમંથન, માનસદર્શન અને અંતત: અનુશીલન દ્વારા નિદિધ્યાન વાચકના જીવનને પવિત્ર, વિશેષ ઉચ્ચતર અને સવિશેષ સાર્થક બનાવવામાં નિશ્ચિતપણે સહાયભૂત થશે.
આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ છે: આપણે ઈશ્વર કે અવતારને કેવી રીતે પ્રેમ કરી શકીએ? શ્રીરામકૃષ્ણનું પેલું કથન જુઓ—મનુષ્યજીવનનો ઉદ્દેશ છે ઈશ્વરને પ્રેમ કરવો. આપણે આ પુસ્તકના વાચન દ્વારા તેમના સંગમાં રહી શકીએ છીએ અને નિર્ભેળ સંબંધ પ્રસ્થાપિત કરી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે જ્યાં મન રહેલું હોય છે ત્યાં વ્યક્તિ જીવે છે. જેવી રીતે આપણે માનવ-સંબંધો પ્રસ્થાપિત કરીએ છીએ તેવી જ રીતે ઈશ્વર સાથે સંબંધ પ્રસ્થાપિત કરી શકાય.
આ પુસ્તકનું આલેખન એટલું તો સજીવ છે કે તે આપણા અંત:કરણમાં પ્રવેશીને મનના સંશય, બુદ્ધિની દ્વિધા, ચિત્તની કલુષિતતા અને અહંકારની સત્તાને નિર્મૂળ કરી દે છે. વળી તે આપણામાં ઈશ્વરક્ષુધા જગાડે છે.
આ પુસ્તકમાંના વિવિધ દિવ્ય પ્રસંગોનું આપણે કેવી રીતે લીલાચિંતન કરી શકીએ તેનું એક દૃષ્ટાંત સ્વામી ચેતનાનંદે પ્રસ્તુત પુસ્તકમાં નીચે મુજબ આપ્યું છે:
“બીજે દિવસે ૨૪મી એપ્રિલ, ૧૮૮૬ના રોજ ‘શ્રીમ.’ પોતાનાં પત્ની સાથે આવ્યા હતા; પોતાના પુત્રના મૃત્યુથી એ શોકાકુલ હતાં. ‘શ્રીમ.’એ લખ્યું છે:
“એ દિવસે, ‘શ્રીમ.’નાં પત્નીને પોતાની સેવા કરવાની ખૂબ તક ઠાકુરે આપી હતી. એનું કલ્યાણ ઠાકુરનું લક્ષ બની ગયું હતું. ઠાકુરને વાળુ કરાવવા માટે શ્રીમા સાંજે ત્યાં આવ્યાં. ‘શ્રીમ.’નાં પત્ની દીવો લઈ સાથે ગયાં.
“એની ગૃહસ્થી વિશે ઠાકુરે એને અનેક પ્રશ્નો કર્યા. એ ઉદ્યાનગૃહમાં ફરી આવવા ઠાકુરે એને વિનંતી કરી, તેમજ પોતાની નાની દીકરીને લઈને થોડા દિવસ ત્યાં શ્રીમા પાસે રહેવા આવવા પણ કહ્યું. ઠાકુરનું વાળુ પૂરું થતાં ‘શ્રીમ.’ની પત્નીએ એ એઠી થાળી ઉપાડી હતી. એની સાથે ઠાકુરે થોડી વાર વાત પણ કરી હતી. (ધ્યાન માટેનું અદ્ભુત દૃશ્ય આ છે.)”
લેખકના પોતાના શબ્દોમાં જોઈએ તો:
“મનુષ્યો પોતાની સ્મૃતિઓમાં જીવે છે. પોતાની સ્મૃતિઓને ચીટકી રહીને, લોકો હસે છે, રડે છે; એ ભૂતકાળને વાગોળે છે અને ભાવિનાં સ્વપ્નો જુએ છે. કેટલીક સ્મૃતિઓ સુષુપ્ત રહે છે પણ બીજી કેટલીક જીવંત હોય છે. કામારપુકુરમાં અને જયરામવાટીમાં, વારાણસીમાં અને વૃંદાવનમાં કે કોલકાતાની શેરી-ગલીઓમાં ભલે ઠાકુરની સ્થૂળ હાજરી આપણને ના દેખાતી હોય પણ આ સ્થાનો હજી ઊભાં છે. આ શેરીઓમાંથી આપણે રોજ પસાર થઈએ છીએ અને શ્રીરામકૃષ્ણ સાથે સંકળાયેલાં સ્થાનોને નિહાળીએ છીએ પણ આપણી સાંસારિક જવાબદારીઓમાં એટલા તો ગળાબૂડ છીએ, દરિદ્રતાથી અને માનસિક ઉપાધિઓથી એટલા તો પીડાઈએ છીએ કે, ઠાકુરની ઉપસ્થિતિ આપણા સ્મરણ પર ઉપર ઊપસી આવતી નથી. આપણા એ પ્રવાસ દરમિયાન, ઠાકુર ‘શ્રીમ.’ના ઘેર આવ્યા હતા અને આ માર્ગે ચાલ્યા હતા પણ એની યાદ કોઈ અપાવે તો, તે ક્ષણ પૂરતા, ઠાકુર આપણા મનમાં પ્રગટ થાય છે અને આપણે એમની હાજરી અનુભવીએ છીએ.
“‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની નોંધ કરનાર ‘શ્રીમ.’, પોતાની ઠાકુર વિશેની સ્મૃતિઓને આધારે જીવતા. ઝામાપુકુરના દિગંબર મિત્રના કુટુંબના ઘરમાં ઠાકુરે પૂજારી તરીકે કામ કર્યું હતું એ ઘરને પણ એ પ્રણમતા. પોતાના સાથીઓનું અચરજ નિહાળી ‘શ્રીમ.’ કહેતા કે, ‘આ શેરીમાં પગલાં પાડનાર કોઈપણ વ્યક્તિ યોગી થઈ જશે એ જાણો છો?’ ‘શ્રીમ.’ની દિવ્ય ઘેલછા ન સમજી શકનારને મન એ માત્ર અસ્થિર મગજના હતા.
“શ્રીરામકૃષ્ણની સ્મૃતિઓના આધારે જ ‘શ્રીમ.’ જીવ્યા હતા. મેદાનોમાં, પવિત્ર સ્થળોમાં અને કોલકાતાની શેરીમાંના શ્રીરામકૃષ્ણના પ્રવાસોને તાદૃશ નિહાળવામાં હું વાચકને સહાય કરીશ. ‘શ્રીમ.’ના અહેવાલને અને નજરે જોનાર બીજા લોકોના અહેવાલને આધારે આપણે ઠાકુરનાં પદચિહ્નોને અનુસરીશું. એમની સાથે ચાલતાં ચાલતાં, આપણે એમનો મોહક વાર્તાલાપ સાંભળીશું અને એમના તેજસ્વી ચિત્તે પ્રગટ કરેલી અનેક રસિક બાબતો શીખીશું. એમની સાથેનો પ્રવાસ હંમેશાં સુખદ જ નહીં હોય. મોટા ભાગનો સમય એ ઈશ્વરોન્મત્ત રહેતા. પ્રવાસ કરતી વખતે, ઠાકુરને અકસ્માત થાય નહીં તેનું આપણે ધ્યાન રાખીશું.”
સ્વામી સારદાનંદ કૃત ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ અને માસ્ટર મહાશય આલેખિત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યના આદિગ્રંથ કહેવાય, અક્ષય સેનની ‘શ્રી શ્રી રામકૃષ્ણ પુંથી’ પુરાણ ગણાય તો સ્વામી ચેતનાનંદ કૃત ઉપર્યુક્ત અંગ્રેજી પુસ્તકના ગુજરાતી ભાષામાં અનુવાદિત પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ સમીપે’ને ઉપપુરાણની કોટિનું ગણવામાં કોઈ અતિશયોક્તિ જણાતી નથી.
જેમના મનમાં માનવજાતના કલ્યાણની જ ભાવના નિરંતર રહ્યા કરતી હતી એવા શ્રીરામકૃષ્ણ પરમાનંદ પુરુષ હતા અને તેમણે સર્વ જીવોને પરમાનંદ-પ્રસાદની પ્રાપ્તિ અર્થે આવકાર આપ્યો હતો, આપી રહ્યા છે અને અનંતકાળ સુધી આવા સદ્ગ્રંથો દ્વારા આવકાર આપતા રહેશે.
લેખકના શબ્દોમાં કહીએ તો—આપણે કલ્પના કરીએ કે કદાચ ઠાકુર પંચવટીમાં કે ભવતારિણી કાલીના મંદિરમાં ગયા હશે. તેઓ થોડી જ વારમાં પાછા વળશે. આપણે તેમની રાહ જોઈએ.
Your Content Goes Here