(લેખક શ્રી હર્ષદભાઈ પટેલ રામકૃષ્ણ સંઘ સાથે વર્ષોથી જોડાયેલ છે. તેઓ એક સંનિષ્ઠ સેવક છે. -સં.)

શ્રીરામકૃષ્ણના જીવનમાં શિવ-તત્ત્વ પૂર્ણતઃ ઓતપ્રોત છે. શ્રીરામકૃષ્ણના આવિર્ભાવમાં શિવ-તત્ત્વ છુપાયેલું છે. કામારપુકુરમાંના તેમના પૈતૃકગૃહની બાજુમાં જુગીઓનું મહાદેવનું મંદિર આવેલું છે. તેમનાં માતા ચંદ્રામણિ એક દિવસ આ મંદિર સામે ઊભાં હતાં ત્યારે શિવલિંગમાંથી દિવ્ય જ્યોતિ નીકળીને ચંદ્રામણિની ચોપાસ વીંટળાઈને તેમના ઉદરમાં પ્રવેશી, તેઓ મૂર્છિત થઈ ગયાં. કાળક્રમે આ શિવ-જ્યોતિ ગદાધર રૂપે ૧૮૩૬ના ફેબ્રુઆરી માસની ૧૮મી તારીખ અને બુધવારે સંસારના કલ્યાણ અર્થે ધરાધામ પર અવતરી. આ થયું રામકૃષ્ણ રૂપે શિવતત્ત્વનું સંસારમાં અવતરણ.

અન્ય પ્રસંગ છેઃ ચંદ્રામણિએ ગદાધરને પ્રસવ આપ્યો પછી જોયું તો નવજાત બાળકને પહેલાં જ્યાં રાખ્યું હતું ત્યાંથી ક્યાંક ગૂમ થઈ ગયું છે! તપાસ કરતાં જોયું તો બાળક ધાન ઉકાળવાના ચૂલાની આગમણમાં પહોંચીને રાખ-ભસ્મથી લપેટાયેલાં અંગો વડે વિભૂષિત થઈ શોભતું પડેલું છે. આ થયો શ્રીરામકૃષ્ણને શિવ-ભસ્મનો લેપ!

ગદાધર મોટો થયો. એક વાર શિવરાત્રિ નિમિત્તે ગામમાં શિવ-મહિમા દર્શાવતું નાટક યોજાવાનું હતું. દુર્ભાગ્યે શિવનો અભિનય કરનાર એકાએક બીમાર પડી ગયો. ગદાધરને શિવનો પાઠ ભજવવાનું કહેવામાં આવતાં તે જટા, રુદ્રાક્ષ અને ભભૂતિનો સાજ સજીને શિવ-ચિંતનમાં એટલી હદે તન્મય થયો કે બહારની દુનિયાનું લવલેશ ભાન જ રહ્યું નહીં. આ થયું શ્રીરામકૃષ્ણમાં શિવભાવનું આરોપણ.

ગદાધર મોટા થઈને દક્ષિણેશ્વર પધાર્યા અને અહીં શ્રીરામકૃષ્ણ રૂપે ઓળખાવા લાગ્યા. તેઓ કાલીમંદિરના એક ઓરડામાં બિરાજતા હતા. કાલીમંદિરના સર્વેસર્વા મથુરબાબુ પોતાની કોઠીના એક ઓરડામાં બેઠા હતા. શ્રીરામકૃષ્ણ પોતાના ઓરડાની ઓતરાદી ઓસરીમાં લટાર મારી રહ્યા હતા. મથુરે જોયું, “શ્રીરામકૃષ્ણ એક તરફ ચાલે છે ત્યારે જગદંબા કાલી સ્વરૂપે જણાય છે, પાછા આવે છે ત્યારે સાક્ષાત્‌ મહાદેવ.” આ થયું શ્રીરામકૃષ્ણનું સાક્ષાત્‌ શિવ-સ્વરૂપ-ધારણ.

એક દિવસ શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના કાલી મંદિરના પરિસરમાં આવેલાં બાર શિવમંદિર પૈકીના એક શિવમંદિરમાં શિવપૂજા નિમિત્તે ‘શિવમહિમ્નઃ સ્તોત્રમ્‌’નો પાઠ કરતા હતા. ‘असित गिरि समं स्यात् कज्जलं सिन्धु पात्रे’ પદનો પાઠ કરતાં કરતાં ભાવોન્મત્ત બની ગયા અને અશ્રુ-વિસર્જન કરીને ઉચ્ચ ભાવાવસ્થામાં લીન થઈ ગયા. આ થયો શ્રીરામકૃષ્ણનો શિવ-તદાકારિતાનો સર્વોત્કૃષ્ટ ભાવ.

એક વખત શ્રીરામકૃષ્ણે પોતાના શિષ્ય ગંગાધર (સ્વામી અખંડાનંદ) ને કાલી મંદિરમાં લઈ જઈ ભવતારિણી-કાલીના ચરણતળે સૂતેલા શિવની મૂર્તિ બતાવીને કહ્યું હતું, “આ જો, ચૈતન્યમય શિવ શ્વાસોચ્છ્‌વાસ લઈ રહ્યા છે.” એ દિવસે ગંગાધરે મૃણ્મયમાં ચિન્મયનાં દર્શન કર્યાં હતાં. આ થયું મૃણ્મયમાં ચિન્મય શિવતત્ત્વનાં અન્યને દર્શન કરાવવાનું શ્રીરામકૃષ્ણનું સામર્થ્ય.

એક વાર શ્રીરામકૃષ્ણે પોતાના ભક્તોને કહ્યું હતું, “અહીં તો પાતાળ ફોડીને નીકળી આવેલા શિવ છે, બેસાડેલા શિવ નહીં.” આ થયું શ્રીરામકૃષ્ણનું જ્યોર્તિલિંગ સાથેનું સારૂપ્ય.

દક્ષિણેશ્વરના ભવતારિણી કાલીમંદિરના નટમંદિરની આગળની બાજુની છત પર શિવ અને તેમના અનુચરો નંદી અને ભૃંગીની મૂર્તિઓ છે. કાલીમંદિરમાં પ્રવેશતા પહેલાં શ્રીરામકૃષ્ણ જાણે કે તેમની અનુમતિ લેતા હોય તેમ એમને પ્રણામ કરતા. આ થયો શ્રીરામકૃષ્ણનો શિવ-તત્ત્વ પ્રત્યેનો મહાન આદરભાવ.

દક્ષિણેશ્વરમાં પ્રારંભના દિવસોમાં શ્રીરામકૃષ્ણને શિવપૂજા કરવાની ઇચ્છા થઈ. ગંગાકિનારાની માટી લઈ, ગૂંદીને તેમાંથી નંદી તથા ડમરુ અને ત્રિશૂલવાળી, સુંદર ધ્યાનસ્થ નેત્રવાળી, પદ્માસનમાં બેઠેલી શંકરની મૂર્તિ બનાવી. અતિશય સપ્રમાણ, સુંદર અને દેવભાવવાળાં ચક્ષુ સહિતની શિવમૂર્તિ જોઈને મથુરબાબુ વિસ્મય પામ્યા. તેઓ એટલા તો મુગ્ધ થઈ ગયા કે  તે શિવમૂર્તિ રાણી રાસમણિને પણ જોવા માટે મોકલી. તેઓ અત્યંત પ્રસન્ન થયાં. આ થયું  શ્રીરામકૃષ્ણનું શિવ-સ્વરૂપનું યથાર્થ જ્ઞાન.

શ્રીરામકૃષ્ણ મથુરબાબુ ઇત્યાદિ સાથે તીર્થાટન કરવા ગયા હતા. વારાણસીમાં નિવાસ કાળે નાવ-યાત્રામાં મણિકર્ણિકા ઘાટનું દર્શન થતાં તેઓ રોમાંચિત થઈ ઊઠ્યા. જોયું તો પિંગલવર્ણ જટાજૂટધારી દીર્ઘાકાર એક શ્વેતવર્ણ પુરુષ ધીરે ધીરે સ્મશાનની પ્રત્યેક ચિતા નજીક જઈ પ્રત્યેક વ્યક્તિને યત્નપૂર્વક ઉઠાડીને તેના કાનમાં તારક-બ્રહ્મમંત્ર પ્રદાન કરે છે … અંતે તે શિવમૂર્તિ શ્રીરામકૃષ્ણ સમીપ આવીને તેમનાં દેહમાં વિલીન થઈ. આ થયું શ્રીરામકૃષ્ણનું શિવ-અદ્વૈત.

પોતાના ભાણેજ હૃદય સાથે શ્રીરામકૃષ્ણ એક વાર કામારપુકુરથી કોલકાતા જઈ રહ્યા હતા. બર્દવાન સુધી બળદગાડામાં જતી વખતે એક ખેતરમાં મહાદેવને પ્રિય એક નાનો છોડ હતો એ જોઈ શ્રીરામકૃષ્ણને ત્યાં જ શિવપૂજા કરવાની તીવ્ર ઇચ્છા થઈ. જો કે તે સમયે એવી પૂજા માટે તેઓ ઔપચારિક રીતે પવિત્ર ન હોવા છતાં ખેતરમાં જ ધ્યાન-પૂજા કરવા બેસી ગયા અને ગહન ભાવમાં ડૂબી ગયા.

શ્રીરામકૃષ્ણે ૧૧ ઓક્ટોબર, ૧૮૮૪ના રોજ ભક્તોને કહ્યું હતું, “શિવ-પૂજાનો ભાવ શો, ખબર છે? શિવ-લિંગની પૂજા એટલે માતૃ-સ્થાન અને પિતૃ-સ્થાનની પૂજા. ભક્ત એમ કહીને પૂજા કરે કે ભગવાન જો જો કે હવે મારે જન્મ લેવો ન પડે, શોણિત-શુક્રની મારફત, માતૃ-સ્થાનમાં થઈને હવે સંસારમાં આવવું ન પડે.”

‘શ્રીરામકૃષ્ણ લીલામૃત’ નામના પોતાના પુસ્તકમાં વૈકુંઠનાથ સન્યાલે એક પ્રસંગ નોંધ્યો છે. એક દિવસ ગંભીરભાવે તેમણે શ્રીરામકૃષ્ણને કહ્યું હતું, “તમે સ્વયં શિવ છો, અંશ નહીં, તમે મને શિવનું ધ્યાન કરવા કહ્યું હતું. હું દરરોજ તેમ કરવા પ્રયત્ન કરું છું ત્યારે તમારું પ્રેમમય અને પરમ આનંદપૂર્ણ મુખારવિંદ મારી સમક્ષ તેજોમય સ્વરૂપે પ્રગટ થાય છે. હું તે સ્વરૂપને શિવના સ્થાને મૂકી શકતો નથી, કે વળી તેમ કરવા માગતોય નથી. હું તમને સ્વયં શિવ ગણું છું.” આ થયું શ્રીરામકૃષ્ણનું શિવ-સાયુજ્ય.

વળી, એક વાર દક્ષિણેશ્વરના પુષ્પોદ્યાનમાં શ્રીરામકૃષ્ણને સમષ્ટિ-શિવતત્ત્વનાં દર્શન થયાં હતાં.  તેમણે જોયું કે એક દિવસ પૂજા વખતે શિવના મસ્તક પર વજ્ર (માટીના બનાવેલા શિવલિંગના મસ્તકે જે ગોળાકાર નાનું માટીનું પીંડ સ્થાપેલું હોય તેને વજ્ર કહે છે) ચડાવવા જાઉં છું, એટલામાં બતાવી દીધું કે આ બ્રહ્માંડ રૂપી વિરાટ મૂર્તિ જ શિવ! ફૂલ ચૂંટવા જાઉં છું તો અચાનક બતાવી દીધું કે જુદાં જુદાં ઝાડ જાણે ફૂલના એક એક ગજરા.

રામકૃષ્ણ સંઘનાં બધાં કેન્દ્રોમાં તથા અન્યત્ર પ્રાર્થનાગૃહ કે ગૃહમંદિરોમાં શ્રીરામકૃષ્ણદેવની સંધ્યા-આરતી ગવાય છે—‘ખંડન ભવ બંધન’. આની રચના શિવાવતાર સ્વયં સ્વામી વિવેકાનંદે કરી છે. આ આરતીનાં છેલ્લાં ત્રણ ચરણ છેઃ

“જય જય આરતી તોમાર,

હર હર આરતી તોમાર.

શિવ શિવ આરતી તોમાર.”

આમ, શ્રીરામકૃષ્ણદેવની સંધ્યાઆરતીનું સમાપન ‘શિવ-નામ’થી કરાય છે. એથી વિશેષ તો સૌ પ્રથમ સ્થપાયેલ વરાહનગર મઠમાં, ઉપર્યુક્ત સંધ્યા આરતીની રચના પૂર્વે, શરૂ શરૂમાં, કાશીના વિશ્વનાથની આરતી ‘ભજ શિવ ૐકારા’ વગેરે સ્તવન સૂર સહિત, ખોલ-કરતાલ સંગાથે ગવાતાં હતાં. ‘જય શિવ ૐકારા! બ્રહ્મા વિષ્ણુ સદાશિવ! હર હર મહાદેવ!’ વિશ્વનાથનું આ સ્તવન ગંગાધર કાશીધામથી લાવ્યા હતા.

આમ, ઉપસંહાર રૂપે કહીએ તો શ્રીરામકૃષ્ણ છે—“એકાધારે શ્યામા-શિવ-શ્યામ”.

Total Views: 263

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.