શ્રીરામકૃષ્ણ: શરણમ્

અમેરિકા

પ્રિય અ….,

તમારો પત્ર મળ્યો અને સમાચાર જાણ્યા. માનસિક અને શારીરિક કષ્ટ શા માટે ભોગવી રહ્યા છો? આ દેશમાં ચાલ્યા આવો, પોતાનો વિસ્તાર કરો, એક જ શરીરમાં બંધાયેલા ના રહો. માત્ર પોતાની ચિંતા તો બહુ થઈ, હવે બીજાની ચિંતા કરો-એનાથી ઘણું ભલું થશે. શું કોઈ પોતાની ઇચ્છાનુસાર ચરિત્ર ઘડી શકે છે? ચરિત્ર જાતે જ ઘડાઈ જાય છે, મા ઘડી લે છે. વ્યર્થ બહાનાં ના કાઢો, રાજી થઈ જાઓ, હું તમારી રાહ જોઉં છું. તમારા પર મને વિશ્વાસ છે એટલે કહી રહ્યો છું, નહીં તો આવનારા તો ઘણાય લોકો છે. હિંમત ધીરે ધીરે આવે છે. મને જોયો નહીં? મને હિંમત ન થવાનાં ઘણાંય કારણો હતાં! તમે તો તૈયાર વ્યક્તિ છો-ચાલ્યા આવો!
રામચંદ્ર જ્યારે દક્ષિણપ્રાંતમાં વિચરણ કરી રહ્યા હતા ત્યારે એક વાર ચાતુર્માસ નિમિત્તે એક પર્વત પર આશ્રય લીધો. ત્યાં એક શિવાલય સિવાય બીજું કંઈ જ ન હતું. રામે લક્ષ્મણને શિવની અનુમતિ મેળવવા તેમની પાસે મોકલ્યા. લક્ષ્મણે શિવાલયમાં જઈને રામનું નિવેદન કહી સંભળાવ્યું. શંકરે મુખ દ્વારા કંઈ પણ ન કહીને એક જુદી જ મુદ્રા ધારણ કરી. તે એક નૃત્યમુદ્રા હતી-તેઓ પોતાનું લિંગ મુખમાં નાખીને નૃત્ય કરવા લાગ્યા. લક્ષ્મણે પાછા આવીને જ્યારે રામચંદ્રજીને આ વાત જણાવી ત્યારે તેઓ આનંદ વ્યક્ત કરવા લાગ્યા. લક્ષ્મણે કહ્યું, ‘પ્રભુ! હું તો કંઈ જ નથી સમજી શક્યો.’ શ્રીરામે કહ્યું, ‘લક્ષ્મણ! શિવે અનુમતિ આપી છે. અર્થ એ છે કે લિંગ અને જીભનો સંયમ કરીને જ્યાં પણ ઇચ્છા હોય ત્યાં રહો, તમે આનંદપૂર્વક રહી શકશો.’ આ કથા મેં બાળપણમાં એક સાધુ પાસેથી સાંભળી હતી, અત્યારે તેનો પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યો છું. વિશેષ શું લખું?
અ…, તમે ચાલ્યા આવો. તમે ‘હા’ કહેશો કે તરત જ ભાડું મોકલી આપીશ. જુઓ, મા જે કરશે તે થવાનું. બધાને મારા સ્નેહ વગેરે કહેજો અને તમે જાતે પણ સ્વીકારજો….

શુભાકાંક્ષી,
તુરીયાનંદ

Total Views: 171

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.