જે પ્રમાણે ઠાકુરની પ્રામાણિક જીવની ‘શ્રીશ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ સારદાનંદજી મહારાજે લખી છે, તે જ પ્રમાણે સ્વામીજીની પ્રમાણભૂત જીવની ‘યુગનાયક’ સ્વામી ગંભીરાનંદજીએ લખી છે. એ જ પ્રમાણે શ્રીમાના જીવન વિશે પણ ઘણું બધું લખાયું છે. પરંતુ તેમના વિશે આપણા સંઘમાં સૌથી પ્રમાણભૂત સ્રોત-સામગ્રી સમાન જો કોઈ પુસ્તક હોય તો એ સ્વામી ગંભીરાનંદજી લિખિત શ્રીમાની જીવની છે. તમે જાણતા જ હશો કે ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના જનરલ સેક્રેટરી તથા બાદમાં સંઘના અગિયારમા પરમ પૂજનીય પરમાધ્યક્ષરૂપે નિમણૂક થયા હતા.

આ લેખમાળામાં આપણે ગંભીરાનંદજી મહારાજ દ્વારા રચિત શ્રીમાની જીવની “શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર”ની વિષદ છણાવટ કરીશું. ઘાટા અક્ષરેથી લખાયેલ વાક્યો સ્વામી ગંભીરાનંદજી મહારાજના છે. આ પુસ્તકનું વૈશિષ્ટ્ય છે કે એમાં માત્ર શ્રીમાના જીવનની ઘટનાઓની તાલિકા નથી, એક યાદી માત્ર નથી બનાવી દીધી કે શ્રીમાના જીવનમાં આવી આવી ઘટનાઓ બની હતી. જેમ કે, આપણે શ્રીમાની સ્મૃતિકથા વાંચીએ છીએ. જે પણ ભક્ત કે સાધુ-સંન્યાસીઓએ સ્મૃતિકથાઓ લખી છે, તેઓ આપણને જણાવે છે કે શ્રીમાની પાસે જતા ત્યારે તેમને કેવા કેવા અનુભવો થતા, કેવા કેવા પ્રસંગો તેમણે નજરે જોયા હતા, તથા કયા કયા પ્રસંગોમાં તેઓની સહભાગિતા હતી, તથા આ ઘટના કે પ્રસંગ બાબતે તેઓનાં ખુદનાં શું મંતવ્યો હતાં વગેરે.

ગંભીરાનંદજી રચિત જીવનચરિત્રમાં શ્રીમા કોણ છે, તેઓના અવતરણનું દાર્શનિક તાત્પર્ય શું છે—એ દર્શાવવામાં આવ્યું છે. જેવી રીતે લીલાપ્રસંગમાં સારદાનંદજી મહારાજ અવતારનું પૃથ્વી પર અવતરણ, તેનું તાત્પર્ય તથા આપણાં વેદ-પુરાણ-ઉપનિષદ વગેરેની અવતાર વિશે શું અવધારણા છે, અવતારનું શું પ્રયોજન છે—આ બધું જ વિશદરૂપે સમજાવે છે, એ જ પ્રમાણે શક્તિનું યુગધર્મ-પ્રવર્તનમાં શું માહાત્મ્ય છે, શું પ્રયોજન છે, એ આ પુસ્તકના માધ્યમથી ગંભીરાનંદજી મહારાજ આપણને જણાવે છે.

શ્રીમાના શબ્દો તો મંત્રો સમાન છે. જ્યારે આપણે સંસ્કૃતના કોઈ મંત્રનો પાઠ કરીએ છીએ, શાસ્ત્રના કોઈ પુસ્તકનું પઠન કે સ્વાધ્યાય કરીએ છીએ, ત્યારે સૌપ્રથમ મંત્રોચ્ચાર કરીએ છીએ બાદમાં તેનો અર્થ, તેનું તાત્પર્ય સમજીએ છીએ. મંત્રોચ્ચાર શા માટે કરવામાં આવે છે? કારણ કે મંત્રો સ્વયં જ એક શક્તિપુંજ છે. એ શક્તિ મંત્રોના ઉચ્ચારણથી આસપાસના વાતાવરણમાં પ્રસરે છે, આપણાં હૃદય-મનની ભીતર જાય છે, અને તે સાધનાનું કાર્ય કરે છે. જ્યારે આપણે જપ કરીએ છીએ ત્યારે આપણા કુસંસ્કારો કેવા એક પછી એક કપાતા જાય છે, આપણાં કર્મોનો બોજ જેમ લાઘવ થતો જાય છે—એમ શ્રીમાના શબ્દોનો સ્વમુખે પાઠ કરવાથી જે કંઈ પણ ગરબડ-ગોટાળા હશે, તેનું નિવારણ થઈ જશે. આપણાં કર્મોનો ક્ષય થશે.

પ્રથમ પ્રકરણ છે “પ્રસ્તાવના”, જેમાં મહારાજજીએ દાર્શનિક દૃષ્ટિએ સમજાવ્યું છે કે શક્તિનું શું તાત્પર્ય છે, શા માટે અવતારની સાથે શક્તિ પૃથ્વી પર અવતરણ કરે છે, અને શક્તિના માધ્યમથી અવતાર આ પૃથ્વી પર જે અજ્ઞાન-તિમિર છવાયેલો છે, તેને દૂર કરવા પ્રયત્નમાન હોય છે—તે શક્તિના માધ્યમથી જ શક્ય બને છે.

જગતમાં નવો યુગધર્મ સ્થાપવામાં શક્તિને સાથે લઈને અવતાર લે ત્યારે શ્રીભગવાન સફળ બને છે.

ભગવાન શક્તિના માધ્યમથી જ યુગધર્મ-પ્રવર્તન કરવા સમર્થ હોય છે—જે પ્રકારે ભગવાન રામ, કૃષ્ણ, ચૈતન્ય મહાપ્રભુ છે. તેઓએ જ્યારે પૃથ્વી પર અવતાર ધારણ કર્યો, અને યુગધર્મ-પ્રવર્તન કરવા માટે—જે એમનું વૈશ્વિક મિશન હતું—તેનું અનુષ્ઠાન કર્યું ત્યારે તેમણે શક્તિની સહાયતા જ લીધી હતી. આથી જ મહારાજે સર્વપ્રથમ લખ્યું છે—સશક્તિક ભગવાન. ફક્ત ભગવાન નહીં, પરંતુ સશક્તિક ભગવાન, અર્થાત્‌ શક્તિની જ સહાયતાથી, શક્તિને સાથે રાખીને જ ભગવાન યુગધર્મ-પ્રવર્તન કરવા માટે સક્ષમ છે. હવે આ સક્ષમ શબ્દ ખૂબ જ વિચાર કરવા યોગ્ય છે. ભગવાન તો સર્વકર્તું, સર્વનિયંતા છે. તેઓ કંઈ પણ કરવા સમર્થ છે. પોતાના સામર્થ્યથી કંઈ પણ સાધિત કરી શકે છે. તો શું તેમને શક્તિ પાસેથી ક્ષમતા ગ્રહણ કરવી પડશે? તો હા, યુગધર્મ પ્રવર્તન માટે ભગવાન સ્વયં શક્તિ દ્વારા જ સક્ષમ બની શકે છે—આ સૌથી મોટું નિવેદન (statement) મહારાજશ્રીએ સર્વપ્રથમ આપી દીધું છે.

અને તો જગતના વિકાસક્રમમાં નિર્ગુણ બ્રહ્મ સંકળાયેલ છે એવી કલ્પના સાર્થક થાય છે.

નિર્ગુણ બ્રહ્મ માટે શક્તિ વિના કોઈ પણ કાર્ય કરવું કલ્પનાતીત છે. આપણાં હિંદુ શાસ્રો-વેદાંત કહે છે કે બ્રહ્મ, પુરુષ કે આત્મન્‌ નિષ્ક્રિય છે. તે સ્વયં કોઈ કર્મ કરી શકવા સમર્થ નથી. શક્તિના માધ્યમથી જ તે કર્મ કરી શકે છે. બ્રહ્મ આ જગત-સંસારમાં કોઈ પણ પરિવર્તન શક્તિના માધ્યમથી જ લાવી શકે છે.

જ્યારે ભગવાન મનુષ્યદેહ લઈ અવતરે છે ત્યારે પોતે આરાધના દ્વારા શક્તિને જગાડીને તેને લોકકલ્યાણને અર્થે ઉપયોગમાં લે છે.

નર-અવતાર ધારણ કરીને ભગવાન શક્તિની આરાધના કરે છે, અને આરાધના કરીને શક્તિને ઉદ્‌બોધિત કરે છે, આમંત્રિત કરે છે, જાગૃત કરે છે.

ઠાકુરના જીવનમાં આપણે જોયું છે કે શ્રીમા જ્યારે પ્રથમ વાર દક્ષિણેશ્વરમાં આવ્યાં હતાં ત્યારે ઠાકુર કેટલાક દિવસો તેમની સાથે રહ્યા, તેમને શિક્ષણ આપ્યું અને ત્યાર બાદ તેમણે એક દિવસ ષોડશીપૂજાનું અનુષ્ઠાન કર્યું, અને શ્રીમાની ભીતર દેવી ષોડશીનાં દર્શન કરતાં કરતાં પોતાની જપ-તપની સાધનાનું ફળ શ્રીમાનાં ચરણોમાં અર્પિત કરી દીધું હતું. આમ, શક્તિનું ઉદ્‌બોધન કરવું, શક્તિને જાગૃત કરવી જરૂરી છે. ત્યારે જ તે શક્તિ જગતના કલ્યાણ માટે વ્યવહૃત થશે.

Total Views: 180

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.