(વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી હર્ષદભાઈ પટેલ. -સં.)

કેટલાક શિષ્યો અને ભક્તોએ શ્રીમાનાં બગલા, કાલી, જગદ્ધાત્રી, સીતા, રાધા અને એવાં બધાં રૂપે દર્શન કર્યાં છે. શ્રીમાએ આ સ્વરૂપો કરુણાવશાત્‌ કે જરૂરિયાત પડ્યે ધારણ કર્યાં હતાં—પોતાનું સામર્થ્ય દર્શાવવા કદાપિ નહીં. શ્રીરામકૃષ્ણ અને શ્રીમાનો દિવ્યતા પ્રગટીકરણ બાબતે એ ભેદ છે કે ઠાકુર પોતાની સમાધિ અવસ્થા રોકી શકતા નહીં અથવા પોતાને વિવિધ સ્વરૂપે પ્રગટ કરતા પણ રોકી શકતા નહીં. પરંતુ શ્રીમાનો આ બાબતે પૂર્ણ સંયમ હતો. આ સંદર્ભમાં સ્વામી પ્રેમાનંદે પત્રમાં લખ્યું હતું, ‘ઠાકુર જ્ઞાન-સંપન્ન હતા અને અમે અનેક વાર તેમનાં ભાવ અને સમાધિ જોયાં છે. પરંતુ શ્રીમા અંગે શું? તેમણે આ શક્તિઓ અંદર જ સંયમિત કરી રાખી. કેવું અતિમાનવીય સામર્થ્ય હતું તેમનું!’ આ વિભાગમાં આપણે શ્રીમાની દિવ્યતા અંગેના સ્વાનુભૂત પ્રસંગો જોઈશું.

નોઆખલી (હાલમાં બાંગ્લાદેશમાં)માં મનોરંજન ચૌધરી નામના મા કાલીના પરમ ઉપાસક રહેતા હતા. શ્રીમ. રચિત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ વાંચીને તેઓ કોલકાતા આવ્યા. તેઓએ સૌ પ્રથમ દક્ષિણેશ્વર અને બેલુર મઠની મુલાકાત લીધી અને ત્યાર બાદ શ્રીમ. પાસે આવ્યા. શ્રી‘મ.’એ મનોરંજનને જયરામવાટી જઈ શ્રીમાનાં દર્શન કરવા સૂચવ્યું. મનોરંજન ટ્રેન દ્વારા વિષ્ણુપુર ગયા અને ત્યાંથી જયરામવાટી પહોંચ્યા. તેઓ આનંદથી અભિભૂત થઈ ગયા અને શ્રીમાની કૃપા માટે યાચના કરી. બીજા દિવસે પૂજા બાદ શ્રીમા તેમની પ્રતીક્ષા કરવા લાગ્યાં. મનોરંજને પ્રસંગને યાદ કરીને કહ્યું હતું:

જેવો હું પહોંચ્યો કે તરત જ શ્રીમાએ પૂછ્યું, ‘તારે મંત્રદીક્ષા લેવી છે?’ મેં જવાબ આપ્યો, ‘મા, હું એ અંગે કંઈ જ જાણતો નથી. તમારી મરજી પડે તેમ કરો.’ પુણ્યપુકુર તરફ આંગળી ચીંધીને શ્રીમાએ કહ્યું, ‘જા, તળાવમાં સ્નાન કરીને પાછો આવ.’

મેં ઝડપથી ડૂબકી મારીને સ્નાન કર્યું અને શ્રીમા સમીપ પહોંચ્યો. શ્રી‘મ.’એ મને પાતળી લાલ કિનારની સાડી કે ધોતિયું, એક રૂપિયો અને થોડાંક જાસૂદ પુષ્પ લઈ જવાનું કહ્યું હતું. તે હું લઈ ગયો હતો. તે બધું મેં શ્રીમા ચરણે સમર્પિત કર્યું. શ્રીમાએ મને મંત્રદીક્ષા આપી અને આંગળીઓની મદદથી કેવી રીતે જપ કરવો તે શીખવ્યું. ઠાકુરના ચિત્ર તરફ અંગુલિનિર્દેશ કરીને શ્રીમાએ કહ્યું, ‘તે તમારા ઇષ્ટ છે.’ દીક્ષા બાદ મેં શ્રીમાને ચરણે પ્રણામ કર્યા. મેં જ્યારે મારું મસ્તક ઊંચું કર્યું ત્યારે ત્યાં શ્રીમાને જોયાં નહીં, તેને બદલે મેં શ્રીમાને સ્થાને સ્પષ્ટપણે કાલીમાને બિરાજિત જોયાં. હું પુન: તેમના ચરણે પડ્યો અને તત્પશ્ચાત્‌ મેં બાહ્યજ્ઞાન ગુમાવ્યું.

શ્રીમાના શિષ્ય સ્વામી હરિપ્રેમાનંદે પોતાનાં સંસ્મરણમાં નોંધ્યું હતું:

શ્રીમા સંબંધિત એક ઘટના મારે કહેવી છે. મને તારીખ કે વર્ષ યાદ નથી અને મને તે મહત્ત્વનું પણ લાગતું નથી. શ્રીમાની ભત્રીજી રાધુ ઘણા લાંબા સમયથી કઠિન રોગથી પીડાતી હતી. પરિણામે તેનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું હતું. તેનામાં બોલવાનીય તાકાત રહી ન હતી. જ્યારે જ્યારે તે બોલવાનો પ્રયાસ કરતી ત્યારે તેના ગળામાંથી માત્ર ખોંખારાનો અવાજ આવતો હતો. શ્રીમા તેના પ્રત્યે અત્યંત દયાવાન હતાં. શ્રીમાએ મને કહ્યું, ‘હરિ, હું રાધુને બાંકુડા લઈ જઈશ. તું મારી સાથે આવજે. વૈકુંઠ (શ્રીમાના શિષ્ય) ત્યાં રહે છે. તે એલોપથિક ડૉક્ટર છે, પરંતુ હોમિયોપથીની સારવાર કરે છે. તેમની સારી ખ્યાતિ છે.’

મેં કહ્યું, ‘એટલે વૈકુંઠ મહારાજ, સ્વામી મહેશ્વરાનંદ?’ શ્રીમાએ કહ્યું, ‘હા, હા, તું બાંકુડામાં રહ્યો છે. તું તેમને ઓળખતો જ હોઈશ.’

મેં કહ્યું, ‘હા, મા, હું તેમને સારી રીતે ઓળખું છું. તેઓ બાંકુડા કેન્દ્રના વડા છે. તે સર્વોત્કૃષ્ટ હોમિયોપેથ છે.’

હું શ્રીમા અને રાધુ સાથે બાંકુડા કેન્દ્ર ગયો તે વખતે બાંકુડા કેન્દ્રમાં ઓરડાની સંખ્યા ઓછી હતી. બહારના લોકો માટે ત્યાં વ્યવસ્થા ઉપલબ્ધ ન હતી, ખાસ કરીને સ્ત્રીઓ માટે. તેથી રાધુની સારવાર માટે બે ઓરડાનું મકાન ભાડે રાખવામાં આવ્યું. એક ઓરડામાં રાધુ રહેતી અને બીજા ઓરડામાં શ્રીમા અને હું.

એક દિવસે સાંજના ડૉક્ટર મહારાજ (સ્વામી મહેશ્વરાનંદ) આવ્યા અને રાધુને જોયા-તપાસ્યા બાદ ચાલ્યા ગયા. અમારા ઓરડામાં નાનું સ્ટૂલ હતું. શ્રીમા તેના પર બેઠાં હતાં. હું સ્વેચ્છાથી શ્રીમાની પગચંપી કરવા લાગ્યો. ચરણો કરચલીવાળા અને શુષ્ક હતા. વધુમાં તે વખતે તેમનો દેહ દૂબળો-પાતળો હતો. ચરણ-ચંપી કરતી વખતે મારા મનમાં પ્રશ્ન ઉદ્‌ભવ્યો, ‘શું શ્રીમા ખરેખર જગદંબા છે? શું જગદંબાનાં ચરણો રક્તવાહિનીઓ દેખાય તેવાં કરચલીયુક્ત હોય?’ મારા મનમાં પ્રશ્ન ઘોળાતો હતો પણ મેં તેને વ્યક્ત કર્યો નહીં. મેં ચરણ-ચંપી ચાલુ રાખી.

ધીરે ધીરે એક ચમત્કારિક પરિવર્તન આવવા માંડ્યું. મેં જોયું કે તે ચરણો હવે વૃદ્ધ સ્ત્રીના જેવા દૂબળા-પાતળા રહ્યા નથી, તે યુવાન સ્ત્રીના જેવા પુષ્ટ-ભરાવદાર છે! બાજુમાં જ ફાનસ હતું અને મેં તેના પ્રકાશમાં સ્પષ્ટપણે આલતા-અંકિત બે સુંદર ચરણ; અંગૂઠા પૂર્ણત: વિકસિત અને એકબીજાની નજીક તેમજ અંગૂઠાના નખ અર્ધચંદ્રાકાર રૂપે સૌંદર્યમય જોયા. વળી ચરણોમાં રત્ન-ઝવેરાત જડિત સુવર્ણનાં નૂપુર પણ હતાં. મને આશ્ચર્ય ઊપજ્યું કે આ પહેલાં હું જેની ચરણ-ચંપી કરતો હતો તે કોનાં ચરણ હતાં?

વિસ્મિત અને સ્તંભિત થઈને મેં ધીમે ધીમે મારી દૃષ્ટિ શ્રીમાનાં ચરણોમાંથી ઉઠાવીને મુખારવિંદ તરફ કરી. મેં સુવર્ણ-વર્ણી, ત્રિનયની, ચતુર્ભુજાવાળી, ઘણાં આભૂષણોથી સુશોભિત, જગદ્ધાત્રીદેવીનું સ્વરૂપ જોયું. દેવીના મસ્તક પર મુકુટ હતો અને હાથમાં અસ્ત્ર-શસ્ત્ર ધારણ કર્યાં હતાં. અદ્‌ભુત આભા તેમના દેહમાંથી નિ:સૃત થઈ રહી હતી. આ સ્વરૂપ હું સંપૂર્ણપણે જોઉં તે પહેલાં મેં ‘મા, મા’ બોલતાં બોલતાં બાહ્યભાન ગુમાવ્યું.

મને ખબર નથી કે તે અવસ્થામાં હું કેટલો વખત રહ્યો. હું જ્યારે પુન: સહજ ચેતનાવસ્થામાં આવ્યો ત્યારે જોયું કે શ્રીમા મારી પીઠ પર હાથ ફેરવતાં ફેરવતાં કહી રહ્યાં છે, ‘ઓ હરિ, ઓ હરિ, તને શું થયું છે? ઊઠ, ઊઠ!’ હું ઊભો થયો અને પુન: તે વૃદ્ધ, દુર્બળ શ્રીમાને બીમાર ભત્રીજી તરફ નિહાળતાં જોયાં.

આ છે આપણાં જગદંબા—શ્રીમા શારદા—ભગવાન શ્રીરામકૃષ્ણનાં લીલાસહધર્મિણી! માનો જય હો! ઠાકુરનો જય હો!

આજનું રામકૃષ્ણ મઠ અને મિશન, બાંકુડા

જયરામવાટીમાં બનેલ એક પ્રસંગનું વર્ણન સ્વામી અરૂપાનંદે કર્યું છે:

અરૂપાનંદ: ‘મા, હું મારું સમગ્ર જીવન આ રીતે વિતાવીશ—મકાનો બાંધીને, બજારમાં ખરીદી કરીને, હિસાબ-કિતાબ રાખીને? આવાં કામ કરીને મને શું મળશે?’

શ્રીમાએ શાંતિપૂર્વક જવાબ આપ્યો, ‘વારુ, દીકરા! તારે બીજું શું કરવું છે? સ્વામીજીએ ઈશ્વર-સાક્ષાત્કારના સાધન રૂપે આ યુગમાં આવા પ્રકારનાં કામનું પ્રયોજન જોયું છે. જો તું આ કાર્ય નિષ્કામભાવે અને ઉપાસનાની દૃષ્ટિએ કરીશ તો તને મુક્તિ મળશે. તારે બીજું શું કરવું છે? તારે હિમાલયના એકાંતમાં તપસ્યા કરવી છે? ત્યાં રોટલાના ટુકડા કે ધાબળા માટે અંદરોઅંદર લડતા-ઝઘડતા સાધુઓ તને જોવા મળશે. પર્વતો અને ગુફાઓમાં જઈને અને આંખો મીંચીને બેસીને શું તને ઈશ્વરનાં દર્શન થશે? સ્વામીજી નિર્દિષ્ટ કર્મ-માર્ગમાંથી અન્ય કોઈ સારો માર્ગ છે ખરો? કામ કરતી વખતે વિચાર કે તું ઈશ્વરાર્થ કાર્ય કરી રહ્યો છે, અને તેમની સેવા કરી રહ્યો છે. તું અહીં જે કાર્ય કરી રહ્યો છે તે સાચે જ મારું કાર્ય છે. રાસબિહારી, મારી સામું જો.’

રાસબિહારીએ (અરૂપાનંદ) શ્રીમાના મુખ સામે જોયું અને દેખાયું કે તેમની સાથે વાત કરી રહેલાં સાદા-સરળ અને વયસ્ક નારીને સ્થાને તેમની સમક્ષ બિરાજિત છે જાજ્વલ્યમાન દેવી! તેમનું સમગ્ર સ્વરૂપ તેજોમય પ્રકાશથી ઉદ્દીપ્ત હતું. રાસબિહારી તે પ્રકાશમય સ્વરૂપ સામે જોવાનું ચાલુ રાખી શક્યા નહીં. અહોભાવ અને ભયથી આભા બનીને તેમણે આંખો બંધ કરી દીધી. તેમણે તરત જ શ્રીમાનો સુપરિચિત અવાજ સાંભળ્યો, ‘ઓ રાસબિહારી, તને શું થયું છે? તેં આંખો કેમ બંધ કરી? જો, મારા તરફ જો.’ રાસબિહારીએ આંખો ખોલી અને પહેલાંની જેમ જ શ્રીમાને તેમની સમક્ષ બેઠેલાં જોયાં—મુખ પર સદા ફરકતું મધુર સ્મિત કરતાં શ્રીમાનું સુપરિચિત સ્વરૂપ!

સ્વામી અરૂપાનંદે પોતાના જીવનના અંતિમકાળે એક અન્ય પ્રસંગ એક સંન્યાસીને વારાણસીમાં વર્ણવી સંભળાવ્યો હતો:

હું જયરામવાટીમાં હતો. શ્રીમાનું નવું ઘર ત્યારે નિર્માણ-કાર્ય હેઠળ હતું. હું અને હેમેન્દ્ર બાંધકામની દેખરેખ રાખતા હતા. શ્રીમા પ્રસન્ન મામાના એક મકાનમાં રહેતાં હતાં. કેટલીક વાર તેમના ભાઈઓ અમારી સાથે ફરિયાદના સૂરમાં દલીલ કરતા, ‘તમે સૌ અમારાં બેનને બધું આપો છો અને અમને વંચિત રાખો છો.’ આમ એક દિવસ ઝઘડો થયો અને હું ગુસ્સે ભરાયો. અકળાઈને હું સીધો શ્રીમા પાસે પહોંચ્યો. શ્રીમા ત્યારે પ્રસન્ન મામાના ઘરના વરંડામાં આંગણા તરફ નજર નાખતાં, ડાબા હાથમાં ઘડો લઈને ઊભાં હતાં. ગુસ્સે થઈને મેં શ્રીમાને કહ્યું, ‘મા, એટલું બધું ઝઘડવાનું, માથાકૂટ કરવાનું અને દખલ પહોંચાડવાનું થાય છે કે હવે કામ કરી શકું તેમ નથી’. આમ કહીને હું મકાનની સામે આવેલ ઘાસ છાયેલી ઝૂંપડીની ઓસરીમાં જઈને બેઠો. શ્રીમા શાંતિપૂર્વક ત્યાં જ ઊભાં રહીને બોલ્યાં, ‘જો તું અહીં કામ નથી કરી શકતો, તો તે સારું છે. અહીં તો આવું જ ચાલે છે.’ હું તેમની મારા તરફની અન્યમનસ્ક દૃષ્ટિને નિહાળી રહ્યો. એકાએક મેં જોયું કે તેમનું સ્વરૂપ તેજોમય બની ગયું છે અને ક્ષણભર તેમના દેહ ફરતે આભા જોવા મળી. શ્રીમા બીજું કંઈ બોલ્યાં નહીં. આ દર્શનથી મારો ઉચાટ તરત જ શાંત પડી ગયો. મારા મનમાં પૂર્ણ પરિવર્તન આવ્યું અને મેં મારા મનમાં વિચાર્યું, ‘મેં કોને કહ્યું કે હું કામ નથી કરવાનો?’ મેં જગ્યા છોડી દીધી અને વિશેષ ઉત્સાહ અને આદરભાવથી પુન: કામે લાગી ગયો. મેં ધોળે દિવસે, ખુલ્લી આંખે આ બધું સ્પષ્ટપણે જોયું હતું.

બાંકુડાના વૈકુંઠ (પછીથી સ્વામી મહેશ્વરાનંદ) એલોપેથિક ડૉક્ટર હતા, પરંતુ પાછળથી તેમણે હોમિયોપથી સારવાર શરૂ કરી હતી, કારણ કે જે ગરીબોને એલોપેથિક દવાઓ ખરીદવાનું પરવડી શકે તેમ ન હતું, તેમના માટે હોમિયોપેથ દવાઓ સસ્તી હતી. તેઓ પ્રખ્યાત અને સફળ ડૉક્ટર હતા અને શ્રીમાને તેમનામાં અત્યંત વિશ્વાસ હતો. તેઓ દવાનો પ્રથમ ડોઝ દરદીની જીભ પર મૂકતા અને બાકીના ડોઝ નાની પડીકીઓમાં પાછળથી વાપરવા માટે આપતા. એક વાર કોઆલપાડાના જગદંબા આશ્રમમાં શ્રીમા નિવાસ કરી રહ્યાં હતાં ત્યારે તેઓને મરડો થયો હતો. વૈકુંઠ બાંકુડાથી સારવાર અર્થે ત્યાં આવ્યા. તેમણે હોમિયોપેથ દવાની પેટી ઉઘાડી અને શ્રીમાની જિહ્‌વા પર દવાનું ટીપું મૂકવા નજીક આવ્યા, પરંતુ તેઓ જેવા દવા મૂકવા જતા હતા તેવા જ મૂંઝવણમાં પડી ગયા અને સ્તંભિત થઈ ગયા. તેઓ શ્રીમાના મુખારવિંદ સામે જોતા જ રહ્યા.

શ્રીમાએ કહ્યું, ‘ઓ વૈકુંઠ, મને દવા આપ.’ વૈકુંઠ ગભરાઈ ગયા અને તેમનો હાથ ધ્રૂજવા લાગ્યો. શ્રીમાની જિહ્‌વા પર દવાનું ટીપું મૂકવાને બદલે તેઓએ દવાની માત્રા પેટીમાં પાછી મૂકી દીધી અને શ્રીમાનાં ચરણે સાષ્ટાંગ પ્રણામ કર્યા. શ્રીમાએ પૂછ્યું, ‘વૈકુંઠ, શું થયું? તું મને દવા નહીં આપે?’ ધ્રૂજતાં ધ્રૂજતાં વૈકુંઠે કહ્યું, ‘હા, મા, હું તમને દવા આપીશ, પરંતુ મેં શું જોયું?’ પ્રશ્નનો જવાબ આપતાં પહેલાં શ્રીમાએ ચર્ચાનો વિષય બદલ્યો અને કહ્યું, ‘બેટા! મને મરડો થયો છે. સત્વરે મને કંઈક દવા આપ.’ વૈકુંઠે થોડી દવા શ્રીમાના હાથમાં મૂકી અને ગળી જવાનું કહ્યું. પછીથી વૈકુંઠે કહ્યું હતું કે તેમણે શ્રીમાના મુખારવિંદને સ્થાને જગદ્ધાત્રીદેવીનું મુખ જોયું હતું એટલે તેઓ મુખમાં દવા મૂકવાની હિંમત કરી શક્યા નહીં. તેથી ત્યાર બાદ તેઓ શ્રીમાને નાની પડીકીઓમાં દવા આપતા.

જયરામવાટીમાં શ્રીમાનું નિવાસ-સ્થાન

ચંદ્રમોહન દત્તે પોતાનાં સંસ્મરણોમાં નોધ્યું છે:

શ્રીમાએ કરુણાવશ મારી સમક્ષ પોતાનું સત્ય સ્વરૂપ પ્રગટ કર્યું. તેમણે મને સમજાવ્યું કે તે સ્વર્ગનાં દેવી હતાં. માનવરૂપ ધરી આપણને મુક્ત કરવા અવતર્યાં હતાં. હું કેટલીક વાર શ્રીમા સાથે જયરામવાટી જતો. એક વખત શ્રીમા કોલકાતાથી પાછાં ફરતાં હતાં અને કોઆલપાડા થઈને બળદગાડીમાં મુસાફરી કરી રહ્યાં હતાં. માર્ગમાં બળદગાડું વિષ્ણુપુર રોકાયું અને શ્રીમાએ રસ્તા પરના વૃક્ષ નીચે થોડો વિશ્રામ કર્યો. મારા મનમાં શ્રીમાના યથાર્થ સ્વરૂપને જોવાની અચાનક ઇચ્છા જાગી. તેમને વૃક્ષ નીચે એકલાં જોઈને મેં શ્રીમાને આજીજી કરી, ‘મા! તમે મને તમારા સંતાનની જેમ પ્રેમ કરો છો. તમારી સખાવતથી જ મારો અને મારા પરિવારનો નિભાવ કરું છું. તમે ભય અને વિપત્તિમાં અમારી રક્ષા કરો છો. હજુય મારા મનમાં વણપુરાયેલ ઇચ્છા છે. જો તે તમે પૂર્ણ કરો તો પછી કોઈ ઇચ્છા બાકી રહેશે નહીં.’ શ્રીમાએ મારી તે ઇચ્છા જાણવા માગી. મેં કહ્યું, ‘તમારા સાચા સ્વરૂપને જાણવાની મારી ઇચ્છા છે.’ શ્રીમા આ બાબતે સંમત થયાં નહીં. મારી હૃદયપૂર્વકની અને વારંવારની આજીજી જોઈને તેઓ અણગમાપૂર્વક સંમત થયાં અને તેમનાં સાથીદારોને કહ્યું, ‘તમે થોડાં બહાર જાઓ. મારે આની સાથે થોડી ખાનગી વાત કરવી છે.’

શ્રીમાએ કહ્યું, ‘જો, તું એકલો જ જોઈ શકીશ, બીજું કોઈ નહીં. મારું સત્યસ્વરૂપ જોઈને ભયભીત થઈ જતો નહીં, અને જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી કોઈને આ બાબત જણાવીશ નહીં.’ આમ કહીને શ્રીમાએ પોતાનું યથાર્થ સ્વરૂપ મારી સમક્ષ પ્રગટ કર્યું. તે જગદ્ધાત્રી દેવીનું સ્વરૂપ હતું. તે દિવ્ય તેજોમય સ્વરૂપ જોઈને હું ભયનો માર્યો ગભરાઈ ગયો. સમગ્ર પરિવેશને પ્રકાશિત કરતો સ્વર્ગીય તેજપુંજ તેમના દેહમાંથી વહી રહ્યો હતો. તેજના ચળકાટથી મારી આંખો અંજાઈ ગઈ. વળી શ્રીમાની બંને બાજુ ઊભેલાં જયા અને વિજયાને જોયાં. મારું શરીર સતત ધ્રૂજવા લાગ્યું. હું સ્થિર ઊભો રહી શકતો ન હતો. હું શ્રીમાનાં ચરણોમાં પડ્યો. ત્યાર બાદ શ્રીમાએ જગદ્ધાત્રી રૂપ સમેટી લીધું અને પુન: સાધારણ માનવીય રૂપ ધર્યું. તેમણે હળવેથી મને પંપાળ્યો અને ધીરે ધીરે મારી ધ્રુજારી બંધ થઈ. જ્યારે હું પૂર્વવત્‌ સ્થિતિમાં આવ્યો ત્યારે મને શ્રીમાએ પુન: કહ્યું, ‘હું જ્યાં સુધી જીવિત રહું ત્યાં સુધી આ વાત કોઈનેય કહીશ નહીં.’ મેં શ્રીમાને પૂછ્યું, ‘જયા અને વિજયા કોણ છે?’ શ્રીમાએ કહ્યું, ‘ગોલાપ અને યોગિન.’

Total Views: 116

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.