હિંદુ ધર્મમાં અવતારવાદ એક વિશિષ્ટ લાક્ષણિકતા છે. હિંદુ ધર્મમાં દસ અવતારો, ચોવીસ અવતારો ઇત્યાદિનો ઉલ્લેખ છે. આ અવતાર-સૂચિમાં ભગવાન બુદ્ધનો સમાવેશ થયેલો છે. તેઓ કરુણાવતાર હતા.
તેમનો જન્મ લુમ્બિની નામના વનમાં શાલવૃક્ષની નીચે ઈ.સ. પૂર્વે ૫૬૩માં વૈશાખ સુદી પૂર્ણિમાના રોજ થયો હતો. એમના જન્મથી તેમનાં માતાની ઇચ્છા સિદ્ધ થઈ હતી તેથી તેમનું નામ સિદ્ધાર્થ રાખવામાં આવ્યું હતું. તેમના ગોત્રનું નામ ગૌતમ હોવાથી તેઓ ગૌતમ તરીકે પણ ઓળખાતા. તેમને સાધનાના ફળ સ્વરૂપે બુદ્ધત્વ—illumination પ્રાપ્ત થયું હતું તેથી તેઓ બુદ્ધ કહેવાયા. તેમણે પ્રવર્તાવેલો ધર્મ તે ‘બૌદ્ધ ધર્મ’. ૧૮૭૯માં એડ્વિન આર્નોલ્ડે બુદ્ધનું જીવનચરિત્ર લખ્યું હતું—Light of Asia. અશ્વઘોષનું ‘બુદ્ધચરિત’ તે અંગેનો પ્રમાણભૂત ગ્રંથ છે.
બૌદ્ધ ધર્મ અને તેને જન્મ આપનાર હિંદુ ધર્મ વચ્ચે એક મુખ્ય તફાવત છે—હિંદુઓ સંચિત કર્મોને લીધે પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવે છે, પણ બૌદ્ધ ધર્મ તો એવો ઉપદેશ આપે છે કે “આ દૃશ્યમાન જગત માત્ર માયા જ છે તથા ક્ષણિક છે.” વળી બૌદ્ધ ધર્મ કહે છે, “જે કંઈ જુઓ છો, એ બધું જ માયા તરીકે જાણો.” અને હિંદુ કહે છે, “જાણો કે માયાની પાછળ પણ એ જ સત્યવસ્તુ રહેલી છે.” બૌદ્ધ ધર્મ કહે છે કે બૌદ્ધ ધર્મના આદેશ સંન્યાસ દ્વારા જ પાળી શકાય, હિંદુ ધર્મના આદેશ જીવનની બધી અવસ્થાઓમાં પાળી શકાય.
રાણી રાસમણિએ દક્ષિણેશ્વરમાં બંધાવેલ ભવતારિણી કાલી મંદિરના પરિસરમાં આવેલા, જે ઓરડામાં શ્રીરામકૃષ્ણે ચૌદ વરસ નિવાસ કર્યો હતો તેમાં અનેક દેવ-દેવીઓનાં ચિત્રો હતાં. તેમાં ભગવાન બુદ્ધની આરસની પ્રતિમા પણ હતી. આ સૌને શ્રીરામકૃષ્ણ નિત્ય પ્રાતઃકાળમાં વંદનાદિ કરતા હતા.
શ્રીરામકૃષ્ણના મુખે બુદ્ધ
શ્રીરામકૃષ્ણે ૨૪ મે, ૧૮૮૪ના રોજ દક્ષિણેશ્વરમાં એમના ઓરડામાં એકત્રિત થયેલા ભક્તો સાથેના વાર્તાલાપમાં કહ્યું હતું, “બુદ્ધદેવની વાત મેં ઘણીએ સાંભળી છે. એ દશ અવતારોમાંના એક અવતાર. બ્રહ્મ અચળ, અટલ, નિષ્ક્રિય, બોધસ્વરૂપ. બુદ્ધિ જ્યારે આ બોધ સ્વરૂપમાં લય પામી જાય ત્યારે બ્રહ્મજ્ઞાન થાય, ત્યારે માનવી બુદ્ધ થઈ જાય.”
૯ એપ્રિલ, ૧૮૮૬ના દિવસે શ્રીરામકૃષ્ણે બુદ્ધ વિશે જણાવ્યું હતું, “નાસ્તિક શા માટે? નાસ્તિક નહીં; મુખથી બોલી શક્યા નહીં. બુદ્ધ એટલે શું ખબર છે? બોધ-સ્વરૂપનું ચિંતન કરી કરીને તે જ બનવું—બોધ સ્વરૂપ થવું. … એ ઈશ્વરનો જ ખેલ, એક નવી લીલા, નાસ્તિક શેના? જ્યાં સ્વ-સ્વરૂપનો બોધ થાય ત્યાં અસ્તિ-નાસ્તિની વચ્ચેની અવસ્થા. … ઠીક, પણ અહીં બધુંય છે; ખરું ને?”
શ્રીમા શારદાદેવીની તીર્થયાત્રામાં બૌદ્ધવિહાર
રામકૃષ્ણ સંઘનાં વિશાળ મહાભવનોની પશ્ચાદભૂનો ખ્યાલ છે ખરો? શ્રીમા વારાણસી ગયાં હતાં તે સમયે તેઓ એક દિવસ બોધિગયા ગયાં. ત્યાંના બૌદ્ધમઠોની સમૃદ્ધિ જોઈને સંઘમાતા શ્રીમાના મનમાં પોતાનાં સંન્યાસી-સંતાનો કેવી રીતે આશ્રય વગર, અન્ન-વસ્ત્રના અભાવમાં, અથાગ પરિશ્રમ કરી ભારે કષ્ટ વેઠી મઠ ચલાવે છે, તે યાદ આવ્યું અને તેથી વ્યાકુળ થઈ ગયાં. તેમણે ઠાકુરને પ્રાર્થના કરી. આ પ્રાર્થનાના ફળ સ્વરૂપે બૌદ્ધકાલીન વિશાળકાય બૌદ્ધ મઠોના જેવાં રામકૃષ્ણ સંઘનાં અનેકાનેક કેન્દ્રો વિસ્તૃત વિસ્તારમાં, મહાકાય ભવનો સહિત ઉદ્ભવ પામ્યાં છે અને ઉદ્ભવ પામી રહ્યાં છે. આમ મહાવિસ્તૃતિનું બીજ-સૂત્ર બૌદ્ધમઠોમાં છે!
સ્વામી વિવેકાનંદના જીવનમાં બુદ્ધ
કાશીપુર ઉદ્યાનભવનમાં શ્રીરામકૃષ્ણ કેન્સરના વ્યાધિની સારવાર હેઠળ હતા. તે વખતે અનુગતો વચ્ચે એક દિવસ ભગવાન બુદ્ધ વિશે ચર્ચા ચાલી. નરેન્દ્ર (સ્વામી વિવેકાનંદ) બૌદ્ધ ધર્મનો ગહન અભ્યાસ કરી રહ્યા હતા એટલે એમણે બૌદ્ધ-ચર્ચામાં આગળ પડતો ભાગ લીધો. આ ચર્ચા પછી એમને બોધિગયા જવાની પ્રબળ ઇચ્છા થઈ. તારક (સ્વામી શિવાનંદ) અને કાલી (સ્વામી અભેદાનંદ)ને લઈને કોઈને જાણ કર્યા વિના એ ચાલી નીકળ્યા. તેઓ ભગવાં ધારણ કરીને બોધિગયા પહોંચ્યા. સાંજની ભવ્ય શાંતિમાં ત્રણેય જણ બોધિવૃક્ષ નીચે ધ્યાનમાં બેઠા. નરેન્દ્રને બુદ્ધ વિષયક રોમાંચક અનુભૂતિ થઈ. બુદ્ધના ભવ્ય જીવનપ્રસંગો, તેમની અપૂર્વ કરુણા, તેમના કલ્યાણકારી ઉપદેશો અને બૌદ્ધ ધર્મના જાદુઈ સ્પર્શથી પલટાઈ ગયેલા ભારતનો ઇતિહાસ—એ બધું એક ચિત્રપટની માફક એમણે ધ્યાનદશામાં નિહાળ્યું.
સ્વામીજીએ માર્ગારેટ નોબલને બ્રહ્મચારિણીની દીક્ષા આપીને ‘નિવેદિતા’ નામ આપ્યું ત્યારે નિવેદિતા પાસે ભગવાન બુદ્ધને ચરણે પુષ્પો અર્પણ કરાવીને ગળગળા અવાજે તેઓ બોલ્યા હતા, “જાઓ અને એમને પગલે ચાલો, જેણે પોતાને ‘બુદ્ધ’ની સિદ્ધિ મળતા પહેલાં બીજાના ઉત્કર્ષ માટે પાંચસો વાર પોતાની જિંદગી અર્પણ કરી હતી!” આ કથનમાં સ્વામીજીની બુદ્ધ-ભક્તિનો રણકો સંભળાય છે.
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ
“બુદ્ધનો દરેકે દરેક સિદ્ધાંત વેદાંતમાંથી નીકળેલો છે. માનવજાતિ દુઃખ શા માટે ભોગવે છે તે બુદ્ધે જાણ્યું અને એ દુઃખમાંથી બહાર નીકળવાનો માર્ગ તેમણે શોધી કાઢ્યો.”
“બુદ્ધ સિદ્ધ માનવ હતા. કોઈપણ ભેદભાવ વિના તેમણે સૌને ઉપદેશ આપ્યો; સૌને જ્ઞાનના પ્રકાશની, શાંતિની અનુભૂતિ કરાવી. બુદ્ધ સમાનતાના મહાન ઉપદેશક હતા, મહામાનવ હતા, પ્રત્યેક સ્ત્રી-પુરુષને આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવાનો સમાન હક્ક છે, એ બુદ્ધનો ઉપદેશ હતો. તેમણે સૌ માટે નિર્વાણનાં દ્વાર ખોલી નાખ્યાં હતાં. તેમણે માત્ર ઉપદેશ જ કર્યો ન હતો, પરંતુ જગતની ખાતર તેઓ પોતાના જીવનનું સમર્પણ કરવા તૈયાર હતા. તેમણે પુરોહિત અને અન્ય વર્ગ વચ્ચેના ભેદભાવનો નાશ કર્યો હતો. માનવીના ભલા ખાતર એ જન્મ્યા હતા. જગતના સઘળા ઉપદેશકોમાં એક એમણે જ આપણને ઉત્તમ રીતે સ્વ-અવલંબન શીખવ્યું. તેમણે મરણશય્યા પર કહ્યું હતું, ‘મારા પર અવલંબન રાખવું ન જોઈએ, આ નાશવંત દેહની ખોટી પ્રતિષ્ઠા રાખવી ન જોઈએ. બુદ્ધ એ વ્યક્તિ નથી, એ છે સાક્ષાત્કાર. તમારું નિર્વાણ તમે પોતે જ કરો.’”
ભગિની નિવેદિતાની કલમે
ભગિની નિવેદિતાએ પોતાના ગુરુદેવ સ્વામી વિવેકાનંદ વિશે લખેલ પુસ્તક ‘The Master As I Saw Him’માં એક પ્રકરણ છે—‘બુદ્ધ પ્રત્યેનો સ્વામીનો દૃષ્ટિકોણ’, આમાં નિવેદિતાએ આલેખેલું સ્વામી વિવેકાનંદનું બુદ્ધ વિષયક ચિંતન જોઈએ:
“સ્વામી(વિવેકાનંદ)ના જીવનમાં બુદ્ધ પ્રત્યે ભક્તિ જ સર્વપ્રધાન વિચારમૂલક અનુરાગ હતો. તેમની નજરે બુદ્ધ માત્ર આર્યોની અંદર જ શ્રેષ્ઠ ન હતા, પરંતુ પૃથ્વી પર જેટલા લોકોએ જન્મ ગ્રહણ કર્યો છે, તેઓની અંદર એકલા તેઓ જ ધીર પુરુષ હતા. સ્વામીજીએ એક માત્ર ‘લલિત વિસ્તર’ જ નહીં, પણ બૌદ્ધ ધર્મની મહાયાન શાખાનો વિખ્યાત ગ્રંથ ‘પ્રજ્ઞાપારમિતા’ મેળવીને તેનું અધ્યયન કર્યું હતું. સ્વામી પોતાના જીવનના છેલ્લા ભાગમાં ઓગણચાલીસમા જન્મદિવસે પ્રાતઃકાળે વળી એક વાર બુદ્ધગયા પહોંચી ગયા હતા. આ જ તેમના જીવનનું છેલ્લું ભ્રમણ હતું.
ભગવાન બુદ્ધના જીવનમાં સ્વામીજીને શ્રીરામકૃષ્ણ પરમહંસ જોવા મળતા હતા અને શ્રીરામકૃષ્ણના જીવનમાં ભગવાન બુદ્ધ દેખાતા હતા.
સ્વામી(વિવેકાનંદ)એ કહ્યું હતું, “બુદ્ધ વ્યક્તિ વિશેષનું નામ નથી, એ તો એક ઉચ્ચ અવસ્થા છે. ચાલો, આપણે બધા એ પ્રાપ્ત કરીએ. આ લો, તેની ચાવી!”
સ્વામી (વિવેકાનંદ) કયા ધર્માવલંબી છે એ બરાબર ખબર ન હોવાથી એક જણે ભૂલથી તેમને બૌદ્ધ કહેતાં તેઓ બોલ્યા હતા, “બૌદ્ધ! હું બુદ્ધના દાસના દાસોનો પણ દાસ!”, “તેઓ કેવા તેજસ્વી હતા! શું તેની તમે કલ્પના સુધ્ધાં કરી શકો?”, “તેઓ જ જગતમાં એક એવા મહામાનવ કે જેનું મન સદાકાળ પૂર્ણતઃ તટસ્થ હતું—આખા જગતમાં તેઓ એકલા જ પ્રબુદ્ધ માનવ હતા!”
Your Content Goes Here