શ્રીરામકૃષ્ણના માનસપુત્ર

શ્રીશ્રીજગદંબાના ભાવમાં નિમગ્ન શ્રીરામકૃષ્ણે એક દિવસે ભાવચક્ષુ વડે જોયું કે એક સુંદર છોકરો પંચવટીની છાયામાં ઊભો છે. આ દર્શનનું શું તાત્પર્ય હોઈ શકે છે, આ ચિંતાએ સરળ ચિત્તવાળા શ્રીરામકૃષ્ણને વ્યાકુળ કરી દીધા. ઘણા લોકોને પૂછતા પણ એમને સાચો જવાબ મળ્યો નહીં. વિશ્વાસુ સેવક ભાણેજ હૃદયના જવાબથી પણ તેઓ સંતુષ્ટ થઈ શક્યા નહીં. થોડા દિવસો પછી શ્રીશ્રીજગદંબાએ એક બીજી ઘટના બતાવીને આ રહસ્યનું સમાધાન કરી દીધું. સુખાસનમાં બેઠેલા શ્રીરામકૃષ્ણે ભાવચક્ષુઓ વડે જોયું, શ્રીશ્રીજગદંબા એક સુંદર બાળકને પોતાની ગોદમાં બેસાડીને કહી રહી છે, ‘આ તારો પુત્ર છે.’ ત્યાગ-વૈરાગ્યની ઘનીભૂત મૂર્તિ શ્રીરામકૃષ્ણ વિહ્વળ બની ઊઠ્યા! શ્રીશ્રીજગદંબાએ આ વરદાન-પુત્રના વિષયમાં એમને સમજાવતાં આશ્વાસન આપ્યું કે સાધારણ સાંસારિક સંબંધોથી પુત્ર નહીં, પરંતુ એક ત્યાગી, શુદ્ધ માનસપુત્રની એમને પ્રાપ્તિ થશે. શ્રીશ્રીજગદંબાની અપાર કૃપાના વિષયમાં વિચારીને પુરુષોત્તમ આનંદથી પુલકિત થઈ ઊઠ્યા. એમને યાદ આવ્યું, એક દિવસ એમણે જ શ્રીશ્રીજગદંબા પાસે હઠ કરી હતી, ‘મા, એક સાથી આપી દે—મારા જેવો.’ અને વધારે એમ પણ કહ્યું હતું, ‘મા, મારે તો સંતાન થશે નહીં, પણ ઇચ્છા થાય છે કે એક શુદ્ધ તત્ત્વ બાળક સર્વદા મારી સાથે રહે. આ જાતનો એક બાળક મને આપી દે.’ શ્રીરામકૃષ્ણ સમજી ગયા, ઇચ્છામયીની ઇચ્છાથી એમની મનોકામના પૂર્ણ થવાની છે.

અસીમ-અનંત-ભાવસિંધુ ભગવાન નરલીલા કરવા માટે ફરીથી જગતના મંચ ઉપર અવતીર્ણ થયેલા છે. સાધકોની યુગ-યુગાન્તરોની સાધનાથી પરિતુષ્ટ થઈને સ્વયમ્‌ નારાયણ નરરૂપમાં ઉપસ્થિત છે. એક જ ભગવાન યુગે યુગે અવતરિત થાય છે અને દરેક અવતરણોમાં એમનું એક વિશેષ કાર્ય હોય છે. લીલા- સંવરણ પહેલાં શ્રીરામકૃષ્ણે વર્તમાન અવતરણની વિશિષ્ટતાની ઘોષણા કરી. એમણે કહ્યું, ‘જે રામ, જે કૃષ્ણ, આજે એ જ રામકૃષ્ણરૂપે ભક્તો માટે અવતર્યા છે.’ (શ્રીરામકૃષ્ણ કથામૃત, પરિશિષ્ટ). શ્રીરામકૃષ્ણ ‘જીવન-વેદ’ના ભાષ્યકાર સ્વામી વિવેકાનંદે આને વધારે સ્પષ્ટ રૂપમાં પ્રચારિત કર્યું –

आचण्डालाप्रतिहतरयो यस्य प्रेमप्रवाह:
लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम्।

त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकीप्राणबन्धो
भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः॥१॥

स्तब्धीकृत्य प्रलयकलितं वाहवोत्थं महान्तं
हित्वा रात्रिं प्रकृतिसहजामन्धतामिस्रमिश्राम्।

गीतं शान्तं मधुरमपि यः सिंहनादं जगर्ज
सोऽयं जातः प्रथितपुरुषो रामकृष्णस्त्विदानीम्॥ २॥

શ્રીરામાવતારની ભેદભાવ રહિત કરુણા અને શ્રીકૃષ્ણાવતારની વેદોજ્જ્વલ પ્રજ્ઞા—બંનેનો એક જ સ્થાન પર સામંજસ્યપૂર્ણ પ્રકાશ કૃપાનિધિ શ્રીરામકૃષ્ણાવતારમાં છે. શાસ્ત્રોના વાસ્તવિક અર્થોનું ઉદ્‌ઘાટન, દુષ્ટોનું શાસન અને શોધન તથા સજ્જનોના પાલન તેમજ કલ્યાણ-વિધાન હેતુ જ ભગવાનનું અવતરણ થાય છે. શ્રીરામકૃષ્ણે પોતે જ કહ્યું છે, ‘અવતાર એટલે જે તારે તે.’ (કથામૃત, 51.2) ભગવત્‌ અનુરાગમાં ડૂબેલો પ્રેમી જુએ છે, ભક્તહૃદયની ચિર-અતૃપ્ત આનંદાકાંક્ષાઓની તૃપ્તિ માટે જ ભક્તનિધિ ભગવાનની આ નરલીલા છે. ભક્તની આ અભિલાષાના વિષયમાં શ્રીરામકૃષ્ણે પોતે વિજયકૃષ્ણ ગોસ્વામીને સમજાવતાં કહ્યું હતું, ‘મનુષ્ય-દેહ ધારણ કરીને ઈશ્વર અવતાર લે! ઈશ્વર સર્વ સ્થાનમાં, સર્વ ભૂતોમાં છે ખરો; પણ અવતાર ન હોય તો જીવની આકાંક્ષા પૂરી થાય નહિ, પ્રયોજન મટે નહિ. એ શેના જેવું ખબર છે? ગાયને તમે ગમે ત્યાં અડો, એટલે ગાયને અડ્યા કહેવાય. શિંગડાંને અડો તોય ગાયને અડ્યા કહેવાય, પણ દૂધ ગાયના આંચળમાંથી જ આવે.’ (કથામૃત, 51.17). અવતાર ગાયના આંચળ છે. અવતારમાં જ ઈશ્વરની પ્રેમ-ભક્તિનું આસ્વાદન મનુષ્ય કરી શકે છે. અવતારમાં અલૌકિક ઊર્જિતા ભક્તિના પ્રસ્રવણને જોઈને ભક્ત-હૃદય આનંદથી પ્રફુલ્લિત થઈ ઊઠે છે. બીજી તરફ સમાજશાસ્ત્રી જુએ છે, પ્રગતિના વિકાસક્રમમાં વિશ્વમાનવની અસીમ ઇચ્છા પ્રકાશિત થઈ છે મહામાનવમાં. (ચૈતન્યચરિતામૃતમાં અદ્વૈત પ્રભુના મતાનુસાર અવતાર-આવિર્ભાવનો ઉદ્દેશ છે ‘જીવ-ઉદ્ધાર’, પરંતુ રાય રામાનંદના મતાનુસાર ‘સ્વાદિતે નિજ માધુરી’.) અવતારત્વના ઉદ્દેશ ‘સમષ્ટિ મુક્તિ’ના પ્રયાસ તરફ આંગળી ચીંધતાં સ્વામી વિવેકાનંદે નવીન પ્રકાશ ફેંક્યો છે. ગિરિજાશંકર રાયચૌધરી લખે છે, ‘શ્રીરામકૃષ્ણદેવના અવતારત્વનો અર્થ સ્વામી વિવેકાનંદ કરી ગયા છે સમષ્ટિ રૂપમાં ઇતિહાસ પથ પર સમગ્ર જાતિનો ઉદ્ધાર.’ (ગિરિજાશંકર રાયચૌધરી: રામકૃષ્ણ ઓ અપર કયેકજન મહાપુરુષ, પાનાં ૮).

અસીમ શક્તિસંપન્ન સ્રોતસ્વિનીઓને એક સાથે ધારણ કરવામાં જ મહાસાગરની મહાનતા છે, છતાં પણ એમની અલગતા સુસ્પષ્ટ છે. મહામાનવના આવિર્ભાવથી વિશ્વમાનસમાં મહાપ્લાવન થાય છે; અને તિરોભાવ પછી પાછળ છોડી જાય છે, વિશિષ્ટતાનાં પદચિહ્નનો. મહત્‌ના પ્લાવનથી સાધારણ મનુષ્ય પોતાના ક્ષુદ્ર અહંનું વિસર્જન કરીને મહત્‌ના મહત્ત્વમાં ગર્વની અનુભૂતિ કરે છે, પોતાના ક્ષુદ્રત્વની સીમાનું અતિક્રમણ કરતાં કરતાં મહત્‌ના વિરાટત્વનો અનુભવ કરીને મહત્ત્વ પ્રાપ્ત કરે છે. વિશ્વમનનું મંથન કરીને અધ્યાત્મ ભાવઘન શ્રીરામકૃષ્ણ રૂપમાં પ્રાણવાન શક્તિશાળી એક મહાપ્લાવન સમુપસ્થિત છે, જેની તુલનામાં પહેલાં થયેલાં ઉત્થાન-સમૂહો ગોષ્પદ સમાન છે. સ્વામી વિવેકાનંદે લખ્યું છે, ‘…ભારતની આ વખતની નવજાગૃતિના તેજના અંબાર સામે તેના ઇતિહાસમાંની ભૂતકાળની બધી જાગૃતિઓનો મહિમા, ઊગતા સૂર્યની સામે તારાઓ ઝાંખા પડી જાય તેમ ફિક્કો પડી જશે અને આ પુનર્જાગ્રત થયેલી શક્તિની બળવાન અભિવ્યક્તિની સરખામણીમાં આવી જાગૃતિના ભૂતકાળનાં સર્વ સીમાચિહ્નો બચ્ચાંના ખેલ જેવાં લાગશે.’ (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ‘હિંદુ ધર્મ અને શ્રીરામકૃષ્ણ’).

મનુષ્ય-શરીરમાં ભગવાનના અવતરણથી અનુપમ લીલા-વૈચિત્ર્યની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. શ્રીરામકૃષ્ણ કહેતા હતા, ‘મનુષ્ય-લીલા શા માટે, ખબર છે? એની દ્વારા ઈશ્વરની વાત સાંભળી શકાય. એની અંદર ઈશ્વરનો વિલાસ. એની અંદર ઈશ્વર રસાસ્વાદન કરે.’ (કથામૃત, 47.1). તેઓ હજુ વધારે પણ કહે છે, ‘જેનું નિત્ય તેની જ લીલા. ભક્તોને માટે લીલા. એ નિત્યને નરરૂપે દેખી શકે ત્યારે પછી જ ભક્તો તેને ચાહી શકે, ત્યારે જ ભાઈ, બહેન, બાપ, મા અથવા સંતાનની સમાન સ્નેહ કરી શકે. એ નિત્ય પરમાત્મા ભક્તોના પ્રેમને માટે નાનકડા થઈને લીલા કરવા આવે.’ (કથામૃત, 19.5) અત્યંત સીમિત આધારમાં અસીમનો આત્મપ્રકાશ, પંચેન્દ્રિય-ગ્રાહ્ય પરિવેશમાં ઇન્દ્રિયાતીત દ્વન્દ્વાતીતનો વિકાસ. ભક્તગણ વિચિત્ર ઘટનાક્રમમાં પ્રકટિત રૂપોમાં અરૂપને પકડવાનો પ્રયાસ કરે છે. વૈષ્ણવ-સાધક તો આ અવતારલીલાને નિત્ય-સત્ય રૂપમાં માને છે. ‘અદ્યાપિઓ સેઇ લીલા કરેન ગૌરરાય…, કોનો કોનો ભાગ્યવાન દેખિબારે પાય.’ મનનશીલ સાધક માને છે કે ભગવાનની નિત્ય લીલા-વ્યંજના બીજાકાર રૂપમાં હંમેશાં વર્તમાન છે, ભગવાનના નાશવંત દેહ ધારણ કરવાથી, તે કેવળ પ્રગટ થાય છે. અવતાર-લીલા ભગવાનને માટે ખેલ છે, પરંતુ ભક્તહૃદયને માટે તે જ સત્ય, પ્રાણદાયિની અને વરદાયિની છે. મનુષ્ય વચ્ચે લીલા કરવાને માટે ઈશ્વર સ્વયમ્‌ અવતીર્ણ થાય છે. લીલા-ખેલ માટે પોતાની સાથે એ લીલા-ખેલનારાઓને લાવે છે, જે એમના ઘરના, એમના ગોત્રના છે. શ્રીશ્રીમાએ પણ કહ્યું છે, ‘જે જાર સે તાર, યુગે યુગે અવતાર.’

અવતાર ઈશ્વરકોટિ નિત્ય શુદ્ધ બુદ્ધ એક વિશેષ શ્રેણીના સાથીઓને સાથે લાવે છે; ‘અવતારની સાથે જેઓ આવે, તેઓ નિત્ય-સિદ્ધ અથવા કોઈનો છેલ્લો જન્મ.’ (કથામૃત, 23.1). આવા સુનિર્વાચિત ખેલાડીઓને લઈને કુશળ અધિનાયક સંસાર-મેદાનમાં અવતીર્ણ થાય છે. શ્રીરામકૃષ્ણે પોતાના મુખેથી કહ્યું છે, ‘તેઓ અને બીજા છોકરા-ભક્તો રાખાલ, ભવનાથ, પૂર્ણ, બાબુરામ વગેરે સાક્ષાત્ નારાયણ; મારે માટે દેહ ધારણ કરીને આવ્યા છે!’ (કથામૃત, 42.10). લીલા-વૈચિત્ર્યના સંપાદન માટે આવનાર આ અસીમ ગુણસંપન્ન ખેલાડીઓમાં એક ટુકડીની વિશિષ્ટતા હોય છે. તદુપરાંત દરેકની પોતાની એક વિશિષ્ટ ભૂમિકા રહે છે. દરેક પાર્ષદ પોતાને માટે નિર્દેશ કરેલી ભૂમિકાને વિચારરૂપથી સંપન્ન કરીને ત્રિતાપદગ્ધ જગતવાસીઓને નચાવતાં, રડાવતાં, હસાવતાં પ્રેયના ગર્ભમાંથી ખેંચી લઈને, શ્રેયના પંથાનુગામી બનાવી દે છે. સંસારના મનુષ્યો રંગીન કાચના ટુકડાઓનો મોહ ત્યાગીને હીરાના ટુકડાની શોધ કરવા લાગે છે, માટીના રમકડાના ટુકડાઓને ફેંકી દઈને ભગવાનનાં પાદપદ્મોનું શરણું લે છે. એક ક્ષણ માટે પણ ભ્રમિત થયેલ મનુષ્ય સમક્ષ પોતાનું ચૈતન્ય સ્વરૂપ જાણે ઝગમગી ઊઠે છે. મનુષ્યનો જીવનસ્રોત ભગવતોન્મુખ બનીને પ્રવાહિત થવા લાગે છે. મનુષ્ય મન-હોશ (ચૈતન્ય-મન) થઈને પોતાનું જીવન સાર્થક કરી લે છે.

અવતારની સાથે જેઓ લીલા કરવા આવે છે, તેઓ એક શ્રેણીના હોય છે. મનુષ્યના વેશમાં ભગવાનને મોટાભાગના લોકો ઓળખી શકતા નથી. ‘નર-લીલામાં અવતારને બરાબર મનુષ્યની રીતે જ વર્તવું પડે. એ કારણસર જ અવતારને ઓળખવો અઘરો. માણસ થયેલ છે તો બરાબર માણસ.’ (કથામૃત, 18.3).

કરુણાવશ તેઓ પોતાના વિશેષત્વ તરફ સંકેત કરે છે, ‘આ મનુષ્યની ભીતરમાં મનુષ્ય-રત્ન છે.’ સામયિક રૂપમાં માની લેવા છતાં પણ સંશયી મનુષ્ય આ વાક્ય ઉપર વિશ્વાસ કરી શકતો નથી. તે સમજી નથી શકતો કે પોતાની માયાશક્તિથી દેહધારણ કરીને અવતાર-પુરુષ રોગ, શોક, ભૂખ, તૃષ્ણાનો ભોગ કરે છે. પંચભૂતોના ઝાકઝમાળમાં અવતારને બધા ઓળખી શકતા નથી. કોઈક શુદ્ધચિત્ત સાધકોને જ કૃપાવશ ઈશ્વર પોતાને ઓળખાવે છે. આવા સૌભાગ્યવાનોને માટે અવતાર-લીલાનો અભિનય અનંત આનંદનો ભંડાર છે.

અવતારે લીલા ખેલા, અતીવ રંગેર!
જે બૂઝે સે બૂઝે, જે ના બૂઝે તાર ફેર!!

(શ્રીરામકૃષ્ણ પૂંથિ)

અવતાર અને એમના પાર્ષદોના લીલા-વિલાસની પાછળ પ્રેમી સાધક શ્રીભગવાનના બે ઉદ્દેશો નિહાળે છે. પોતાની જ સૃષ્ટિમાં આનંદસ્વરૂપ ભગવાન વિશ્વજનોથી ઘેરાઈને લીલા-વિલાસ દ્વારા આનંદ-ઉપભોગ કરે છે; લીલા-સહચરગણો આમાં યોગદાન કરીને પરમ કરુણામય ભગવાનને પરિતુષ્ટ કરતાં કરતાં પોતે પણ આનંદના ભાગીદાર બને છે. બીજી તરફ ભક્તોના પ્રેમની દોરી વડે બંધાઈને સચ્ચિદાનંદ ભગવાન મર્ત્યધામમાં આવે છે; હોકાયંત્રની સોયની જેમ ભક્ત-હૃદયના આકર્ષણથી ખેંચાઈને દયાનિધિ મર્ત્યધામમાં ભક્તો સાથે લીલાવિલાસ કરે છે, ભક્તોની જન્મોજન્મની આકાંક્ષાઓને તૃપ્ત કરે છે.

પુરુષોત્તમ ભગવાનના નરલીલા અભિનયમાં સાથીઓ એમના મુખ્ય સહાયકો છે. એકલા ખેલ જામતો નથી. લીલારંગમાં પૂર્ણતાની આવશ્યકતા હોય છે. પૂર્ણકામ પુરુષોત્તમ પ્રેમલુબ્ધ ભક્તો સાથે પ્રેમ-લીલા કરે છે, લીલાકારોના સાહચર્યથી જાણે આનંદની પૂર્ણતાનો ઉપભોગ કરે છે. વસ્તુત: પુરુષોત્તમ પોતે જ ભગવાન-ભક્ત રૂપમાં લીલાવિલાસ કરે છે. શ્રીરામકૃષ્ણ પોતાને બતાવીને કહેતા, ‘આની અંદર તેઓ સ્વયમ્‌ વિરાજમાન છે, જાણે સ્વયમ્‌ વિરાજિત થઈને આ બધા ભક્તોને લઈને કાર્ય કરી રહ્યા છે.’ એક એક સાથીની ભૂમિકામાં એક એક ભાવનું પ્રાધાન્ય હોય છે. વળી, સાથીઓમાં દરેકની સાથે લીલાનિધિ ભગવાનનો સંપર્ક પણ અલગ અલગ જાતનો હોય છે. સ્વામી સારદાનંદ લખે છે –

‘નિર્વિકલ્પ સમાધિ-અવસ્થાના સમય સિવાયના બાકીના બધા સમયે શ્રીરામકૃષ્ણ ભાવમુખે રહેતા એ અમે અગાઉ કહી ગયા છીએ. તેથી જ જોવા મળે છે કે તેઓએ પોતાની પાસે આવેલા પ્રત્યેક ભક્તની સાથે એક એક ભિન્ન ભિન્ન ભાવનો સંબંધ સ્થાપીને હંમેશ માટે તે તે સંબંધ અખંડિત રૂપે ટકાવી રાખેલો. .. એ બધા ભક્તોની સાથે શ્રીરામકૃષ્ણનો શાન્ત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય વગેરે બધા પ્રકારનો સંબંધ બંધાયેલો. અવશ્ય જુદી જુદી વ્યક્તિ સાથે ભિન્ન ભિન્ન પ્રકારનો સંબંધ હતો. જેમ કે, શ્રીયુત નરેન્દ્રનાથ એટલે કે સ્વામી વિવેકાનંદ વિશે કહેતા, ‘નરેન્દ્ર જાણે કે મારું સાસરું. (પોતાને બતાવીને) આની અંદર જે છે તે જાણે કે નારી અને (નરેન્દ્રને બતાવીને) એની અંદર જે છે તે જાણે કે નર.’ શ્રીયુત બ્રહ્માનંદ સ્વામી અથવા રાખાલ મહારાજને ખરેખર પોતાના પુત્ર તરીકે ગણતા.’ (શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, 2.45-46)

પોતાના શુદ્ધ સત્ત્વ માનસપુત્ર રાખાલને લઈને જશોદારૂપી શ્રીરામકૃષ્ણના લીલા-વિલાસમાં વાત્સલ્યનું રસાસ્વાદન થયું છે, બીજી બાજુ માતા-પુત્રના આ સુમધુર સંબંધે માતૃભાવમાં પ્રબુદ્ધ યુગધર્મ-પ્રવર્તનમાં સહાયતા કરી છે. શિશિરબિંદુમાં કિરણસિંધુ સૂર્યનારાયણ જે રીતે પ્રતિબિંબિત થાય છે, એ રીતે શ્રીરામકૃષ્ણના માનસપુત્ર રાખાલ અર્થાત્‌ રામકૃષ્ણ-સત્તા જ રાખાલ-ચરિત્રના માધ્યમથી અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણદેવમાં જ જાણે મૂર્ત થઈ ઊઠે છે! જનની યશોદાની આંખોના તારા, અત્યંત સુંદર, પવિત્ર શિશુ, શ્રીરામકૃષ્ણના દુલારા ચિર-બાળક એવા રાખાલ મુમુક્ષુજનોના સદ્‌ગુરુ છે, ત્રિતાપદગ્ધ સંસારવાસીઓના લોકગુરુ છે અને તેઓ જ છે રામકૃષ્ણ-સંઘના કર્ણધાર.

19મી સદીના કલકત્તા મહાનગરમાં ભોગવાદી સભ્યતાની દિવાળી પ્રજ્વલિત છે. પતંગિયાંના ટોળાની જેમ યુવાન સમુદાય આ યોગની અગ્નિમાં કૂદવાને માટે દોટ લગાવી રહ્યો છે. ‘જુડાઈતે ચાઇ, કોથાઈ જુડાઇ’ (શાંતિ ઇચ્છું છું, ક્યાં મેળવું શાંતિ?)નો આર્તનાદ કરતા કેટલાક લોકો અહીંતહીં દોડાદોડી કરી રહ્યા છે.

મહાનગરની નજીકમાં છે દક્ષિણેશ્વર તપોવન, જેના કેન્દ્રમાં છે શ્રીશ્રીજગદંબાનું મંદિર. એ તપોવનમાં શ્રીરામકૃષ્ણરૂપે માનવ-વેશમાં પુરુષોત્તમ ભગવાન અવતીર્ણ થયા છે. બાર વર્ષોની અભૂતપૂર્વ અલૌકિક તપસ્યા દ્વારા એમણે સમગ્ર માનવજાતિની આધ્યાત્મિક સંપદ-સુધાનું આહરણ કર્યું છે. ‘એમનું જીવન બધી જાતિઓનાં બધાં શાસ્ત્રોનું મૂર્તિમંત ભાષ્ય સ્વરૂપ છે.’ એમના જીવન અને વાણીનું અવલંબન કરીને, સત્ય-શિવ-સુંદરની અમર્ત્ય જ્યોતિએ મર્ત્યલોકમાં આંદોલન ઉત્પન્ન કરી દીધું છે. કામ-કાંચનમાં મોહગ્રસ્ત કલકત્તાવાસીઓ મુગ્ધ નેત્રોથી જુએ છે પુરુષોત્તમનું દિવ્ય-જીવન, સાંભળે છે એમની અમૃતમયી વાણી અને કદાચ એક ક્ષણ માટે પણ, ચેતના પાછી આવે છે. સત્યદ્રષ્ટા પુરુષના દિવ્ય સાંનિધ્યમાં આબાલવૃદ્ધ સૌ આંતરિક આનંદની ઉપલબ્ધિ કરે છે. અનેક લોકોને નવીન પ્રકાશનું સંધાન મળે છે, ક્ષણભંગુર હોવા છતાં પણ માનવ-જીવનનો એક મહત ઉદ્દેશ્ય છે, એને તેઓ સમજે છે, પ્રેરણા પ્રાપ્ત કરે છે. માનવ-જીવનની વિરાટ સંભાવનાનો સંકેત મેળવીને, આ સુંદર કઠિન રસ્તા ઉપર ચાલી નીકળે છે.

Total Views: 280

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.