(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ પુસ્તકમાંથી યોગ-વિષયક ઉપદેશ અહીં સંકલિત છે. કૌંસમાં ખંડ અને અધ્યાયનો સંદર્ભ આપવામાં આવ્યો છે. – સં.)

જ્ઞાન અને વિજ્ઞાન

જ્ઞાની ‘નેતિ નેતિ’ કરીને વિષયબુદ્ધિનો ત્યાગ કરે, ત્યારે જ બ્રહ્મને જાણી શકે; જેવી રીતે સીડીનાં પગથિયાં છોડી છોડીને અગાસીએ પહોંચી શકાય. પરંતુ જે વિજ્ઞાની, જે વિશેષરૂપે ઈશ્વરની સાથે વાતચીત કરે તે એથીયે કંઈક વધુ અનુભવ કરે. તે જુએ કે અગાસી જે વસ્તુની બનેલી છે, એ જ ઈંટ, ચૂનો, રેતીથી પગથિયાં પણ બનેલાં છે. ‘નેતિ નેતિ’ કરી કરીને જેનો બ્રહ્મ તરીકે અનુભવ થયો છે, તે જ જીવજગત થયેલ છે. વિજ્ઞાની જુએ કે જે નિર્ગુણ તે જ સગુણ.

અગાસી ઉપર માણસ બહુ વખત રહી શકે નહિ. પાછા ઊતરી આવે. જેઓએ સમાધિસ્થ થઈને બ્રહ્મદર્શન કર્યું છે તેઓ પણ ઊતરી આવીને જુએ કે એ ઈશ્વર જ જીવજગત થઈ રહ્યો છે. સા, રે, ગ, મ, પ, ધ નિ. નિ-સૂરે વધુ વખત રહી શકાય નહિ. અહં જાય નહિ; એટલે પછી જુએ કે ઈશ્વર જ હું, તે જ જીવ, જગત, બધુંય થઈ રહેલ છે. એનું જ નામ વિજ્ઞાન.

વિજ્ઞાની જુએ કે બ્રહ્મ અટળ, નિષ્ક્રિય, સુમેરુવત્. આ જગત સંસાર, ઈશ્વરના સત્ત્વ, રજ, તમ, એ ત્રણ ગુણોથી થયો છે. એ પોતે અલિપ્ત. વિજ્ઞાની જુએ કે જે બ્રહ્મ, તે જ ભગવાન; જે ગુણાતીત, તે જ ષડૈશ્વર્યપૂર્ણ ભગવાન. આ જીવ, જગત, મન, બુદ્ધિ, ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન એ બધું તેમનું ઐશ્વર્ય. (હસીને) જે શેઠને ઘરબાર હોય નહિ અથવા વેચાઈ ગયાં હોય એ શેઠ પછી શેઠ શેનો? ઈશ્વર ષડૈશ્વર્યપૂર્ણ. તેને જો ઐશ્વર્ય ન હોત તો એને માનત કોણ? (3.4)

ભક્તિયોગનું રહસ્ય

વિજ્ઞાની શા માટે ભક્તિ લઈને રહે? તેનું કારણ એ કે ‘અહંબુદ્ધિ’ જાય નહિ. સમાધિ અવસ્થામાં જાય ખરી, પણ વળી પાછી આવી પડે. અને સાધારણ જીવનો અહંભાવ કેમેય જાય નહિ. પીપળાનું ઝાડ આજ સાવ કાપી નાખો, તોય પાછું બીજે દિવસે કૂંપળ ફૂટી જ નીકળી છે!

જ્ઞાનપ્રાપ્તિ પછીયે વળી કોણ જાણે ક્યાંથી અહં આવી પડે! સ્વપ્નામાં વાઘ જોયો હોય, પછી જાગી ઊઠ્યા; તોય છાતી ધબક્યા કરે! જીવને હુંપણાને લીધે જ આ બધું દુઃખ.

સેવ્ય-સેવક ભાવ જ સારો. અહં તો જવાનો નથી, તો પછી રહે સાલા ‘દાસ હું’ થઈને. (3.5)

નિષ્કામ કર્મ અથવા કર્મયોગ

પૂજા, હોમ, યાગ, યજ્ઞ એમાં કાંઈ નથી. જો ઈશ્વર ઉપર પ્રેમ આવે તો પછી એ બધાં કર્મોની વધારે જરૂર નહિ. જ્યાં સુધી હવા ન આવે ત્યાં સુધી જ પંખાની જરૂર; જો પશ્ચિમનો પવન એની મેળે આવવા માંડે તો પંખો મૂકી દેવાય. પછી પંખાની શી જરૂર?

તમે જે બધાં કર્મ કરો છો, એ બધાં સત્કર્મ. જો ‘હું કર્તા’ એ અહંકાર છોડીને નિષ્કામ ભાવથી કરી શકો, તો બહુ સારું. એ નિષ્કામ કર્મ કરતાં કરતાં જ ઈશ્વરમાં પ્રેમભક્તિ આવે. એમ નિષ્કામ કર્મ કરતાં કરતાં જ ઈશ્વરપ્રાપ્તિ થાય.

પરંતુ જેમ જેમ ઈશ્વર ઉપર ભક્તિ આવશે, તેમ તેમ કર્મો ઓછાં થશે. ગૃહસ્થના ઘરની વહુ બે જીવવાળી થઈ હોય ત્યારે તેની સાસુ તેનાં કામ ઓછાં કરી નાખે. જેમ જેમ દિવસો વધે, તેમ તેમ સાસુ તેનાં કામ ઓછાં કરતી જાય. દસ માસ થયે જરાય કામ કરવા દે નહિ; વખતે ગર્ભને કાંઈ હાનિ પહોંચે કે પ્રસવમાં તકલીફ આવે તો? (હાસ્ય.) તમે જે બધાં કર્મ કરો છો એથી તમારું પોતાનું કલ્યાણ. નિષ્કામભાવે કર્મ કરી શકો તો ચિત્તશુદ્ધિ થાય, ઈશ્વર ઉપર પ્રેમ આવે. પ્રેમ આવે એટલે પછી માણસ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે. માણસ જગતનો ઉપકાર કરી શકે નહિ, ઈશ્વર જ કરે, કે જેણે ચંદ્ર, સૂર્ય બનાવ્યા છે, જેણે માબાપમાં સ્નેહ મૂક્યો છે, જેણે મહાપુરુષોમાં દયા મૂકી છે, જેણે સાધુભક્તોની અંદર ભક્તિ આપી છે. જે માણસ કામના રહિત થઈને કર્મ કરે તે પોતાનું કલ્યાણ કરે. (3.6)

હઠયોગ, રાજયોગ – ષટ્ચક્રભેદ અને સમાધિ

હઠયોગ અને રાજયોગ. હઠયોગી શરીરની કેટલીક કસરતો કરે, હેતુ એ કે એથી સિદ્ધિ મળે, આયુષ્ય લાંબુ થાય, આઠ પ્રકારની સિદ્ધિઓ આવે. એનો એ બધો હેતુ. રાજયોગનો હેતુ ભક્તિ, પ્રેમ, જ્ઞાન, વૈરાગ્ય. રાજયોગ જ સારો.

વેદાંતની સાત ભૂમિકાઓ અને યોગ-શાસ્ત્રનાં ષટ્ચક્રોમાં ઘણો જ મેળ છે. વેદની પહેલી ત્રણ ભૂમિકા અને આમનાં ત્રણ ચક્રો મૂળાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર એ સરખાં. આ ત્રણ ભૂમિકાઓમાં મનનો વાસ ગુદા, લિંગ ને નાભિમાં હોય. મન જ્યારે ચોથી ભૂમિકાએ ચડે, એટલે કે અનાહત-પદ્મે ચડે, ત્યારે જીવાત્માનું શિખાની પેઠે દર્શન થાય અને જ્યોતિ-દર્શન થાય. એ જોઈને સાધક કહેશે, ‘આ શું! આ શું!’

પાંચમી ભૂમિકાએ મન ચડે ત્યારે માત્ર ઈશ્વરની વાતો જ સાંભળવાની ઇચ્છા થાય, ત્યાં વિશુદ્ધ ચક્ર, છઠ્ઠી ભૂમિકા અને આજ્ઞા-ચક્ર એક. મન ત્યાં પહોંચે એટલે ઈશ્વર-દર્શન થાય. પરંતુ જેમ ફાનસની અંદરના દીવાને અડી શકાય નહિ કારણ કે વચ્ચે કાચની આડશ છે, તેમ ત્યાં ઈશ્વરને પકડી શકાય નહિ.

ષટ્ચક્ર-ભેદની પછી સાતમી ભૂમિકા, મન ત્યાં ગયે મનનો લય થાય, જીવાત્મા પરમાત્મા એક થઈ જાય, સમાધિ થાય, દેહભાન ચાલ્યું જાય, બાહ્યભાન રહિત થાય; અનેકતાનું જ્ઞાન ચાલ્યું જાય; વિચાર બંધ થઈ જાય. ત્રૈલંગ સ્વામી કહેતા કે વિચાર દ્વારા અનેકતાનું ભાન થાય છે, વિવિધતાનું ભાન થાય છે. સમાધિ પછી છેવટે એકવીસ દિવસે મૃત્યુ થાય! પરંતુ કુલકુંડલિની જાગ્રત ન થાય ત્યાં સુધી ચૈતન્ય થાય નહિ. (13.11)

Total Views: 139

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.