સ્વામી ગંભીરાનંદજી દ્વારા લિખિત ‘શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર’ પુસ્તકના પ્રારંભની ‘પ્રસ્તાવના’માંથી ઉદ્ધૃત કરીશું અને થોડી ચર્ચા કરીશું. ઘાટા અક્ષરે લખાયેલ વાક્ય ઉદ્ધરણ છે.
તેથી સ્વામી શારદાનંદે લખ્યું છે કે: ‘ચૈતન્ય સાથે શક્તિનું નિત્યમિલન સર્વત્ર પ્રત્યક્ષ કરીને જ શક્તિશાળી પદાર્થમાં તેમજ સમગ્ર જગતમાં ભારતના ઋષિઓએ શબરૂપી શિવ ઉપર નૃત્ય કરતી શક્તિની ઉપાસના કરી છે….
ગંભીરાનંદજી મહારાજ સ્વામી શારદાનંદજી દ્વારા લિખિત ઠાકુરની સૌથી પ્રમાણભૂત જીવની ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’માંથી ઉદ્ધૃત કરતાં લખે છે કે, “ચૈતન્ય સાથે શક્તિના નિત્ય મિલનને ચારે દિશાઓમાં, બધી જગ્યાઓમાં નિત્ય અવલોકન કરીને, તેમનાં દર્શન કરીને વિશેષ શક્તિશાળી પદાર્થોમાં તેમજ સમસ્ત જગતમાં ભારતના ઋષિગણે શબ તથા શિવાની આરાધના કરી.
સમગ્ર જગત શબ-શિવાની મિલનભૂમિ છે. શક્તિ અને ચૈતન્ય આ બેઉથી આ જગતનું સર્જન થયેલું છે. હવે કેવી રીતે શક્તિ અને ચૈતન્યથી જગત બનેલું છે? તો સાંખ્યદર્શન આપણને સમજાવે છે કે ચોવીસ તત્ત્વોનું આ દૃશ્યમાન જગત બનેલું છે—પંચ મહાભૂત, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, પંચ તન્માત્રા તથા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ પ્રકારે આ ચોવીસ તત્ત્વોનું આ જડ જગત બનેલું છે. જો કે આ જગતને જડ નહિ, પરંતુ પ્રકૃતિમય જગત કહીશું અને આ ચોવીસ તત્ત્વોથી બનેલી પ્રકૃતિની પાછળ એક અનંત શક્તિશાળી ચૈતન્ય સત્તા છે, જે સમય, અવકાશ, કાળ બધાંની પરે છે. આ ચૈતન્ય સત્તાને પુરુષ કહેવામાં આવે છે તથા આ ચોવીસ તત્ત્વોના સંમિશ્રણને અથવા તો ચોવીસ તત્ત્વોની અધિષ્ઠાત્રીને પ્રકૃતિ કહેવામાં આવે છે.
કોઈ પણ મનુષ્ય પાસે પાંચ જ્ઞાનેન્દ્રિય છે, પાંચ કર્મેન્દ્રિય છે, એક મન છે તથા બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે. પરંતુ આ બાહ્ય શરીર તો પ્રકૃતિમય છે, તેની પાછળ જે ચૈતન્ય સત્તા નિવાસ કરે છે—જેને વિભિન્ન દર્શનશાસ્ત્રોમાં આત્મા કે બ્રહ્મ અથવા તો પુરુષ કહેવામાં આવે છે—એ તો આ સર્વેથી અતીત (પરે) જ છે. તો આપણું શરીર હોય કે આ સંપૂર્ણ વિશ્વ, બધું એક બ્રહ્માંડ છે. ભૌતિકશાસ્ત્રીઓ આ જગતને અવકાશ અને સમય (space and time) તથા પદાર્થ અને ઊર્જા (matter and energy)ની રીતે જુએ છે. પદાર્થ અને ઊર્જા એટલે કે જેનો આપણે સ્પર્શ અને અનુભૂતિ કરી શકીએ છીએ, અને space and time અર્થાત્ વિસ્તાર, કદ (dimension) જેમાં આ પદાર્થ અને ઊર્જા નિવાસ કરે છે.
ભૌતિકશાસ્ત્રીઓ આનાથી આગળ કશું કહી શકતા નથી. આ પદાર્થ અને ઊર્જાને સંચાલિત કોણ કરે છે? એના અધિષ્ઠાતા કોણ છે? આ બાબતે તેઓ કહે છે કે કોઈ શક્તિ (forces) આને ચલાવે છે, જેના ચાર પ્રકાર છે. ગુરુત્વાકર્ષણ (Gravity), ચુંબકીય બળ (electromagnetism) મજબૂત પરમાણુ બળ (strong nuclear force) નબળા પરમાણુ બળ (weak nuclear force) જગતને ચલાવે છે.
જ્યારે આપણા ઋષિમુનિઓએ કહે છે કે આ જડ-પ્રકૃતિમય જગત છે, તેની પાછળ પણ એક સર્વદા નિત્ય નિયમિત ચેતન સત્તા છે—બ્રહ્મ; જે સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલયના વારંવારના ઘટનાક્રમ છતાં પણ એક અખંડ સત્તાના રૂપે હંમેશાં વિરાજમાન રહે છે. તો મનુષ્યનું શરીર હોય કે ચાહે વિશ્વબ્રહ્માંડ હોય જે પણ આપણે નિહાળીએ છીએ, તે જડ પ્રકૃતિ અને ચૈતન્યમય સત્તાના મિલનથી સર્જાયું છે. આપણા ઋષિમુનિઓએ જોયું કે ચૈતન્યની સાથે પ્રકૃતિનું નિત્ય મિલન સર્વત્ર નજરે દેખાય છે. આથી તેઓએ શબ અને શિવાની આરાધના કરી. શબ અર્થાત્ જે નિષ્ક્રિય ચૈતન્ય પદાર્થ છે તે, અને શિવા એટલે જે સક્રિય, ગતિશીલ શક્તિ છે એ.
પથપ્રદર્શક ગુરુની અંદર, જગદ્વિમોહિની સ્ત્રી મૂર્તિની અંદર, વિદ્યા, ક્ષમા, શાંતિ, મોહ, નિદ્રા, ભ્રાન્તિ વગેરે સાત્ત્વિક અને તામસિક ગુણોની અંદર એ જ અદ્વિતીય વરાભયકરા મુંડમાલિની દેવીનું દર્શન કરીને, તેની શ્રદ્ધાપૂર્વક આરાધના દ્વારા પોતે ધન્ય બન્યા અને માનવીને એ જ માર્ગે ચાલીને ધન્ય બનવાનો ઉપદેશ આપ્યો.’ (ભારતમાં શક્તિપૂજા: સ્વામી શારદાનંદ)
ગંભીરાનંદજી મહારાજ ખૂબ જ સુંદર રીતે દેવીનું વર્ણન કરે છે. દેવીના વર્ણનને આપણે બે રીતે જોઈ શકીએ છીએ—એક તો વેદાંતની દૃષ્ટિએ તથા બીજી ભક્તિ કે ભાવની દૃષ્ટિએ. વેદાંત કહે છે કે સમય, અવકાશ, પદાર્થ, ઊર્જા અને બળ વગેરેથી આ ચોવીસ તત્ત્વોની બનેલી પ્રકૃતિ જડ છે, તેને ચેતન પ્રદાન કરનાર ચૈતન્ય નિત્યસ્વરૂપ એક અલગ જ સત્તા છે, જેનાથી આ જગતનું સર્જન થયું છે. પરંતુ જો આપણે ભક્તિની દૃષ્ટિએ જોઈએ તો, એટલે કે શાક્ત મત પ્રમાણે પ્રકૃતિ છે, પણ તેને જડ કહેવી તથ્યહીન છે. એ તો વરાભયકરા અર્થાત્ સદા આપણને આશીર્વાદ પ્રદાન કરનારી દેવીમૂર્તિ, દેવીસ્વરૂપ છે. જેટલા પણ માનવીય ગુણો છે—અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ, વિદ્યા, ક્ષમા, શાંતિ, મોહ, નિદ્રા, ભ્રાંતિ વગેરે જે કોઈ આપણા સાત્ત્વિક કે તામસિક ગુણો છે—આ બધા ગુણો આ દેવીના પ્રભાવથી પ્રગટ થાય છે. આ દેવીને પ્રાપ્ત કરવા માટે આપણે આ દુર્ગુણોથી સદ્ગણો સુધી પહોંચવાની સાધના કરવાની છે, તથા દેવીના આશીર્વાદ પ્રાપ્ત કરીને આપણે ચૈતન્ય સત્તાની ઉપલબ્ધિ કરવાની છે.
તો આ શાક્ત મત અને વેદાંત મતમાં ઘણું અંતર છે. બંને કહે છે કે હા, આપણે પ્રકૃતિથી પરે જઈને ચૈતન્યની પ્રાપ્તિ કરવાની છે. પરંતુ વેદાંત કહે છે કે પ્રકૃતિ જડ છે, માટે તેનો ત્યાગ કરો અને ચૈતન્ય સત્તાને પ્રાપ્ત કરો. જ્યારે શાક્ત મત કહે છે કે પ્રકૃતિ દેવી છે, દિવ્ય છે. આથી તેની આરાધના કરીને, તેના આશીર્વાદ લઈને, તેને પ્રસન્ન કરીને, તેના શરણાગત થઈને, તેને પ્રાર્થના કરવાની છે કે—મા, તમે માર્ગ છોડો તો આપની પાછળ, આપના દ્વારા આવૃત્ત જે ચૈતન્યમય સત્તા છે અર્થાત્ આત્મા, બ્રહ્મ કે પુરુષ—તેનાં દર્શન કરી શકું યા તો તેમાં સ્થિત થઈ શકું.
ઠાકુર એક ખૂબ જ સુંદર દૃષ્ટાંત આપીને કહે છે કે, ભગવાન રામ, મા સીતા અને લક્ષ્મણજી ત્રણેય જંગલમાંથી પસાર થઈ રહ્યાં હતાં. સૌથી પહેલાં શ્રીરામ છે, પછી સીતાજી અને સૌથી છેલ્લે લક્ષ્મણ. તો મા સીતા વચ્ચે હોવાથી લક્ષ્મણજીને શ્રીરામનાં દર્શન થઈ શકતા નથી. તો લક્ષ્મણ શું માતા સીતાનો ત્યાગ કરશે, તો જ રામનાં દર્શન થશે? ઠાકુર કહે છે કે લક્ષ્મણ મા સીતાને પ્રસન્ન કરવા પ્રાર્થના કરે છે કે, “મા, આપ ભગવાન-દર્શન, ભગવાન પ્રાપ્તિના માર્ગમાં અંતરાય છો. કૃપા કરીને આપ માર્ગ છોડી દો તો હું ઈશ્વર-દર્શન કરી શકું.” તો પ્રકૃતિના શરણાગત થવાનું છે, પ્રકૃતિને પ્રાર્થના કરવાની છે, પ્રકૃતિની ભક્તિ કરવાની છે ત્યારે પ્રકૃતિ પ્રસન્ન થઈને આશીર્વાદ આપશે અને તેના પ્રભાવથી આપણે ઈશ્વરનાં દર્શન કરવા શક્તિમાન બનીશું—આ શાક્ત મત છે.
રામકૃષ્ણ સંઘમાં ઘણી વાર ચર્ચા (debate) થાય છે કે આપણે વેદાંતી છીએ કે શાક્ત કે પછી ભક્તિમાર્ગી? આપણે કયા મતને અનુસરીએ છીએ. પરંતુ મેં જોયું છે કે અમે અલગ અલગ સાધનાઓ કરીએ છીએ. સ્વામીજીએ રામકૃષ્ણ મિશનનો જે મુદ્રાલેખ બનાવ્યો છે—તેમાં કર્મ, જ્ઞાન, ભક્તિ અને ધ્યાન—ચારેય સાધનાઓને એકસમાન મહત્ત્વ આપ્યું છે, જેમ કે કુંડલિનીરૂપી સર્પ છે એ રાજયોગનું પ્રતીક છે, કમળ ભક્તિયોગનું પ્રતીક છે, જળતરંગો કર્મયોગનું પ્રતીક છે, તથા ઊગતો સૂર્ય જ્ઞાનયોગનું પ્રતીક છે. તો આ બધા યોગનું અનુષ્ઠાન કરીને, સાધના કરીને પરમહંસરૂપી આપણો આત્મા ઈશ્વર-પ્રાપ્તિ કરે છે. આ બધાં સુંદર પ્રતીકો ફક્ત બધા મતોનો જ સમન્વય નથી કરતા, પરંતુ વાસ્તવમાં તો બધા યુગોનો સમન્વય કરે છે.
જેમ કે, ભક્તિયોગને સમજવા માટે આપણે દ્વૈત વેદાંત કે વિશિષ્ટ અદ્વૈત વેદાંત અથવા તો શાક્ત ફિલસૂફીની સહાય લેવી પડશે. રાજયોગને સમજવા માટે સાંખ્યદર્શનને સમજવું પડશે તથા જ્ઞાનયોગને સમજવા માટે વેદાંત કે અદ્વૈત વેદાંત અથવા તો અજાતવાદ અને કર્મયોગને સમજવા માટે ગીતાપાઠ આવશ્યક છે. તો આપણા માટે આ સાધનાઓ મહત્ત્વની છે અને ત્યાર બાદ આ સાધનાને સમજવા માટે જે પણ દર્શનશાસ્ત્રની આવશ્યકતા હોય તેની સહાય લેવી. જો કે, આપણા સંઘમાં એવો પણ એક મત છે કે અદ્વૈત વેદાંત જ સર્વશ્રેષ્ઠ દર્શનશાસ્ત્ર છે અને તેના માધ્યમથી ચારેય સાધનાઓ સમજી શકાય છે.
બીજો મત એવો પણ છે કે પ્રત્યેક સાધનાને સમજવા માટે તેની સાથે સંકળાયેલા એક દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. આ બંને મત છે. એમાંથી આપણને જે પણ પસંદ પડે એ મત લઈ શકીએ છીએ.
વળી, શ્રીરામકૃષ્ણની ઉપાસનાથી સંતુષ્ટ થયેલ એ દેવીને વર્તમાનકાળમાં માનવકલ્યાણના કામમાં લાગી ગયેલી જોઈને પૂજ્યપાદ સ્વામી વિવેકાનંદે પોતાની પ્રસન્નગંભી૨ વાણીમાં કહ્યું છે કે : ‘જે શક્તિના ઉન્મેષમાત્રથી દિગ્ – દિગન્તરમાં એક પ્રતિધ્વનિ સંભળાઈ રહ્યો છે, તેની પૂર્ણાવસ્થાની કલ્પનાનો અનુભવ કરો ને વૃથા સંદેહ, દુર્બલતા ને દાસજાતિસુલભ ઇર્ષ્યા – દ્વેષનો ત્યાગ કરો અને આ યુગચક્ર – પરિવર્તનમાં સહાયભૂત થાઓ.’
ગંભીરાનંદજી મહારાજ લખે છેઃ “હજુ થોડા સમય પહેલાં તો શ્રીરામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયો. હજુ હમણાં જ તો શ્રીરામકૃષ્ણદેવના માધ્યમથી આ જાગ્રિતા શક્તિએ જગત-કલ્યાણનું આ કાર્ય આરંભ કર્યું છે, અને આરંભમાત્રથી જ સંપૂર્ણ જગતમાંથી તેનો જે પ્રતિધ્વનિ, એની પ્રતિક્રિયા આવી રહી છે, એ જોઈને કલ્પના કરો કે તેનો પૂર્ણ આવિર્ભાવ કેવો હશે! આથી વૃથા દુર્બળતા, સંદેહનો ત્યાગ કરો.”
આપણે ત્યારે ગુલામીની અવસ્થામાં હતા, તેથી મહારાજ કહે છે કે દાસ-ભાવનો ત્યાગ કરો, કારણ કે ગુલામ હંમેશાં પોતાના જ લોકોની નિંદા કરશે અને જેનો એ દાસ છે, તે માલિકની પ્રશંસા કરશે. વિદેશી જે કરે છે, તે સાચું અને આપણે જે કરીએ છીએ એ ખોટું. ગુલામ પ્રજાનું આ પ્રકારે નકારાત્મક વલણ થઈ જાય છે. આથી સ્વામી વિવેકાનંદ કહે છે કે દાસ-જાતિ સુલભ અર્થાત્ ગુલામ પ્રજાવાળી માનસિકતાનો ત્યાગ કરો અને આ મહાયુગચક્ર પરિવર્તનમાં સહાયરૂપ બનો.
ખ્રિસ્તી ધર્મ વિશે કહેવાય છે કે તેને સંપૂર્ણ વિશ્વમાં પ્રસરતા ૪૦૦ વર્ષ લાગ્યા હતા. સંપૂર્ણ જગતમાં એટલે કે, ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ ભલે યુરોપ-અમેરિકામાં હોય, પણ ઘણી મોટી સંખ્યામાં ખ્રિસ્તી લોકો સમગ્ર જગતમાં રહે છે. પરંતુ ભારતમાં જેવો જ ૧૮૮૬માં ઠાકુરે મહાસમાધિમાં પ્રવેશ કર્યો કે તેના સાત વર્ષ બાદ (૧૮૯૩માં) જ સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મ પરિષદમાં ઠાકુર દ્વારા ઉદ્બોધિત વેદાંત-પ્રચારનો પ્રારંભ કરી દીધો હતો. તો ૧૮૮૬માં ઠાકુરની મહાસમાધિ અને ૧૯૦૨માં સ્વામીજીની મહાસમાધિ, તો આ સોળ-સત્તર વર્ષના સમયગાળામાં સ્વામીજીએ સમગ્ર વિશ્વમાં ભગવાન શ્રીરામકૃષ્ણ અને વેદાંતની વાણીનો પ્રચાર કર્યો હતો. આ પ્રચારનો સ્વામીજીને અદ્ભુત પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો.
અમેરિકામાં સ્વામીજીનાં એક સ્ત્રીભક્ત જે એ વિશ્વધર્મ પરિષદમાં ઉપસ્થિત હતાં, તેમણે પોતાની સ્મૃતિકથામાં લખ્યું છે કે સ્વામીજીનું પ્રથમ પ્રવચન સાંભળીને તે સભામાં ઉપસ્થિત સર્વે અમેરિકન મહિલાઓ એટલાં પ્રભાવિત, આકર્ષિત થઈ ગયાં હતાં કે હજારો મહિલાઓ સ્વામીજીને મળવા માટે મંચ તરફ દોડી ગયાં! આ દૃશ્ય નિહાળીને સ્વામીજીનાં સ્ત્રીભક્તે વિચાર્યું કે આ આક્રમણ સામે પણ જો અડગ બનીને ઊભા રહી શકો, તો તમે સાચા ભગવાન! કેમ કે, સ્ત્રીઓની મોહિની-માયા હોય છે. આ જોઈને સ્વામીજી જો લોભ-કામમાં ફસાઈ ગયા હોત તો તેમનું તેજ ત્યાં જ નાશ પામત. પરંતુ આપણે જાણીએ છીએ કે સ્વામીજીએ આ આક્રમણનો જરા પણ વિચલિત થયા વિના સામનો કર્યો હતો. આથી તેમનું તેજ, તેમનો પ્રભાવ, ઓજસ્ તથા બ્રહ્મચર્ય આજીવન અખંડ રહ્યાં હતાં.
અમેરિકા વિશ્વનો સૌથી પ્રગતિશીલ દેશ છે. અમેરિકન મહિલાઓ વિશે સ્વામીજી સ્વયં કહે છે કે ત્યાં પડતા સફેદ સફેદ બરફ જેવું જ શુભ્ર-શુદ્ધ ચારિત્ર્ય ત્યાંની સન્નારીઓનું છે. વિદ્યા અને બુદ્ધિની બાબતમાં ત્યાંના પુરુષો જડ બુદ્ધિના છે. તેમના જીવનનું એક જ લક્ષ્ય છે—પૈસા કમાવવા. પરંતુ જેને આપણે સભ્યતા, સંસ્કૃતિ, મૂલ્યો વગેરે કહીએ છીએ, તેને ફક્ત ત્યાંની મહિલાઓએ જ બચાવીને રાખ્યાં છે.
સ્વામીજીના પ્રવચનના પ્રારંભના શબ્દોથી જ સંસ્કૃતિ અને સભ્યતામાં વિશ્વનો સૌથી પ્રથમ હરોળનો દેશ અમેરિકા પણ પ્રભાવિત થઈ ગયો હતો.
આથી ગંભીરાનંદજી મહારાજ કહે છે કે જે શક્તિએ આવિર્ભાવના પ્રારંભથી આ જગતને મોહિત કરી દીધું છે, તો આ શક્તિ તેના પૂર્ણરૂપે પ્રગટ થશે ત્યારે શું થશે? તેની કલ્પના કરો અને દ્વિધા અને સંશયનો ત્યાગ કરો. આપણે ગુલામ છીએ તો ભારતમાં અવતરિત થયેલાં મા-ઠાકુરનું આપણા માટે કશું મૂલ્ય નથી.
આપણે માની બેસીએ છીએ કે પશ્ચિમના ચિંતકો જેવા કે કાન્ટ, શોપન હોવર, કાર્લ માર્ક્સ અથવા તો પશ્ચિમના સંતો જેવા કે સેન્ટ ફ્રાન્સિસ, સેન્ટ ટેરેસા એવિલા વગેરે લોકો ભક્તિ, દર્શન કે ફિલસૂફીમાં સર્વશ્રેષ્ઠ છે, જ્યારે ભારતના સાધુ-સંતો કે દાર્શનિકો કંઈ જ નથી. આ પ્રકારની દાસ-જાતિ સુલભ ગુલામ માનસિકતાનો ત્યાગ કરો, અને આ મહાશક્તિના આવાહનને સંપૂર્ણરૂપે સ્વીકારીને તમારું જીવન તેને સમર્પિત કરો.
Your Content Goes Here