(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. – સં.)

બાળપણની ઘટના (૧૯૦૪-૦૫)

વિષયાંતર થતું હોવા છતાં એક-બે વાતોનો ઉલ્લેખ કરવો અહીં જરૂરી છે. મને ખૂબ નાનો મૂકીને મારી જન્મદાત્રી મા સ્વર્ગવાસી થઈ ગઈ હતી. એક-બેને બાદ કરતાં મારા બધા ભાઈઓ મારાથી મોટા હતા. પિતાશ્રીએ બીજાં લગ્ન કર્યાં નહોતાં.

૧૯૦૪ અથવા ૧૯૦૫ની સાલ હશે. એક દિવસ ચંદનનગરના બગીચાની ઊંચી દીવાલ ઉપર ચઢીને ખાવા માટે વિલાયતી આમળાં તોડતી વખતે નીચે પડી ગયેલો. મારી સાથે મારાથી બે વર્ષ મોટો ભાણેજ ભોળાનાથ પણ હતો. અમે આમળાં તોડવા માટે બપોરના બે વાગ્યે ગયા હતા. ઝાડ દીવાલને અડીને હતું, તેથી અમે તેની ઉપર ચડીને ફળ તોડી રહ્યા હતા. ફળનો એક ઝુમખો થોડો દૂર હતો, તેથી ભાણેજે કહ્યું, ‘તું એ ડાળીને લંબાવ, હું ફળો તોડી લઈશ.’ જેવી મેં ડાળી ખેંચી, તે નરમ ડાળ તૂટી ગઈ અને હું દિવાલની બહારની તરફ પડ્યો, જ્યાં ઈંટો પડેલ હતી, તેની ઉપર જ હું પડ્યો. ત્રણ કલાક સુધી બેહોશ રહ્યો. માથું ફાટી ગયું હતું અને ભ્રમરની પાસે આશરે દોઢ ઇંચ લાંબો કાંટો ઘૂસી ગયો હતો. ભાનમાં આવ્યો તો જોયું કે મારું મસ્તક માના ખોળામાં હતું અને તે રડતી હતી. તેની સાડી લોહીથી લાલ થઈ ગઈ હતી. તે વખતે માએ મને કાલી માનાં ચરણોમાં અર્પિત કરી દીધો હતો અને માનતા માની હતી કે જો હું બચી જઈશ, તો તે પોતાની છાતી ચીરીને તેમને લોહી ચડાવશે.

જ્યારે હું સાજો થયો, ત્યારે મને અમારા ઘરની પાસે જ આવેલ કાલી-મંદિરમાં લઈ જવામાં આવ્યો. પૂજા આદિ પછી માએ છાતી ચીરી લોહી ચડાવ્યું. હાય! આવી માની હું સેવા ન કરી શક્યો! તેમની સેવા કરવાની મારી પ્રબળ ઇચ્છા હતી, પરંતુ દુષ્ટ કાળે મને તેમની સેવાથી વંચિત કરી દીધો. જો મા મૃત્યુ ન પામી હોત, તો કદાચ હું સંસાર-ત્યાગ પણ ન કરી શકત. જ્યારે તેઓ મૃત્યુ પામ્યાં તે વખતે હું ટાઇફોઈડમાંથી સાજો થઈ રહ્યો હતો. તે વખતે પિતાજી તથા મોટા ભાઈ કોઈ ભયાનક રોગમાં સપડાયા પછી થોડા સાજા થઈ રહ્યા હતા.

મા નો દેહત્યાગ

તે એક અદ્‌ભુત ઘટના હતી. જે દિવસે પિતાજીએ ભાત ખાધા, એ જ દિવસે મેં શાકભાજીનો સૂપ પીધો. એક પછી એક એમ અમારા ત્રણની માંદગીમાં સેવા કરતાં કરતાં મા બીમાર પડી ગઈ હતી. બે દિવસ સુધી તેમને ઝાડાની સાથે તીવ્ર તાવ આવતો રહ્યો. ત્રીજે દિવસે સવારે તેમણે મારા મોટાભાઈને બોલાવી કહ્યું, ‘આજે સાંજે ચાર વાગ્યા પછી જો મને પાંચ મિનિટ પણ જીવિત રાખી શકો તો હું સો વર્ષો જીવીશ.’ તે શુક્રવારનો દિવસ હતો. બધાએ વિચાર્યું—કદાચ ઉન્માદની અવસ્થામાં આવું કહી રહી છે.

બપોરે ત્રણ વાગે તેમણે ઘરના બધા લોકોને પાસે બોલાવ્યાં. તે વખતે મારી દાદી જીવિત હતાં. માએ તેમને કહ્યું, ‘મને લેવા આવ્યો છે. જુઓ, સંદૂકની પાસે લાલ કપડા પહેરેલો બાર વર્ષનો એક સુંદર બાળક ઊભો છે. તે જ મને લેવા આવ્યો છે. બધાને મારી પાસે બોલાવો.’ હું અને પિતાજી બીજા ઓરડામાં હતા. વચ્ચે નીચે જવા માટેની સીડી હતી અને તેની બીજી તરફ માનો ઓરડો હતો. પિતાજી આરામખુરશીમાં બેઠા હતા અને હું ખાટ ઉપર સૂતો હતો. સીડી ઉપરથી કોઈ સ્ત્રી-સ્વર સંભળાયો, ‘નાની બહેન, હું તેને જીવિત ન રાખી શકી.’ મારા દાદી રડવા લાગ્યાં. અમે બધાએ તે સાંભળ્યું. પિતાજી દોડીને માના ઓરડામાં જઈ પહોંચ્યા. દાદીએ કહ્યું, ‘મારી મોટી બહેન (જે મૃત્યુ પામેલ હતાં અને ખૂબ જ ધાર્મિક સ્વભાવના હતાં) કહી ગઈ કે તે (માને) બચાવી ન શકી.’ (જે લોકો પ્રેતાત્મામાં વિશ્વાસ ધરાવે છે તેમને આ વિચિત્ર નહીં લાગે, પરંતુ અન્ય લોકોને તો જરૂર આશ્ચર્યજનક લાગશે.) ત્રણથી સાડા ત્રણ વાગ્યા સુધી મારી મા મૂર્છિત અવસ્થામાં હતી.

મારા સિવાય ઘરના બધા જ લોકો તેની પાસે હતા. માએ કહ્યું, ‘લખાઈ (લક્ષ્મીનારાયણ એટલે કે હું) ને મારી પાસે લાવો.’ બે જણા મારો હાથ પકડીને મને મા પાસે લઈ ગયા. મા સ્નેહપૂર્વક મને જોતી રહી અને મને વહાલ કરવાનો પ્રયાસ પણ કર્યો. તેમનાં નેત્રોમાંથી બે બુંદ આંસુ સરી પડ્યાં. મને પોતાની પાસે બેસવાનું સંકેતથી કહ્યું, પરંતુ મારામાં બેસવાની પણ શક્તિ નહોતી. યેનકેન પ્રકારે મને ટેકો આપીને તેમની પાસે બેસાડ્યો અને તેમણે ધીરે ધીરે પોતાનો હાથ ઊંચો કરી મારા શિરે રાખી, આશીર્વાદ આપ્યા.

આ રીતે મને પોતાની સ્નેહમયી માના આશીર્વાદ મળ્યા. શોક અને દુઃખના માર્યા મારી વાચા હણાઈ ગઈ હતી. આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. મહાપ્રયાસે બોલ્યો, ‘મા’ – આગળ કંઈ જ બોલી ન શક્યો. બેભાન જેવો થઈ ગયો, જેથી મને જલદી બીજા ઓરડામાં લઈ જઈ સૂવડાવી દીધો. ચાર વાગવામાં દસ મિનિટ બાકી હતી, ત્યાં સુધી મા વાતો કરી રહી હતી. ત્યાર બાદ તેમની વાચા બંધ થઈ ગઈ હતી.

દાદીએ પૂછ્યું, ‘બેટા, (ભગવાન નામનો) જપ કરી રહી છો કે નહીં?’ માએ ઇશારાથી ‘હા’ ભણી. વચ્ચે વચ્ચે તે ઘડિયાળ તરફ જોઈ રહી હતી. બરાબર ચાર વાગે તેમણે એક ઊંડો શ્વાસ લીધો. તેની આંખો પહોળી થઈ અને પ્રાણ નીકળી ગયા. પિતાજી બોલી ઊઠ્યા, ‘તે ગઈ, જુઓ મા (એટલે દાદી)! આંખમાંથી નીકળી રહી છે, અંગૂઠાના આકારની દીપશીખા જેવી એક જ્યોતિ અને રંગ ખૂબ વિચિત્ર—લીલો-પીળો-મિશ્રિત.

આ ઘટના (માના મૃત્યુની ઘટના) નું રહસ્ય

આ પ્રમાણે કઠોર મૃત્યુ મારી સ્નેહમયી માને છીનવીને લઈ ગયું. આ ઘટના ઉપર જેમ જેમ વિચાર કરું છું, તેમ તેમ લાગે છે કે આ સૃષ્ટિમાં જો કોઈ દોષ-ખામી હોય તો તે મૃત્યુ જ છે. ત્યારે મારી અવિકસિત બુદ્ધિથી વિચારતો, ‘બીજા લોકોનું મૃત્યુ થાય ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ મારી માનું મૃત્યુ કેમ થયું? ઈશ્વર શું મારી માને જીવિત રાખી શકતો નહોતો?’

આ મૃત્યુની સાથે એક બીજી પણ અદ્‌ભુત ઘટના જોડાયેલી છે. પિતાજી અને હું થોડા ઘણા સાજા થયા હતા. તે વખતે માના શરીરમાં રોગે પ્રવેશ કર્યો નહોતો, જો કે તે દુર્બળ તો ખૂબ થઈ ગઈ હતી. અમારા બગીચાની પાછળની બાજુ રહેતો એક બ્રાહ્મણનો પુત્ર ખૂબ બીમાર હતો. તે ૧૯-૨૦ વર્ષનો હશે. તેના પિતાનું મરણ થઈ ગયું હતું. તે પોતાની વિધવા માતાનો એકમાત્ર સહારો હતો. મારી માનું હૃદય કરુણાપૂર્ણ હતું, તેથી તે પેલા છોકરાની ખબર જોવા તથા મદદ કરવા ગઈ. અમારા ઘરની બાજુમાં એક ઝૂંપડીમાં રહેતી એક વણકર વૃદ્ધાને પણ તે સાથે લઈ ગઈ હતી. બગીચાની દક્ષિણ દિશાએ એક રસ્તો હતો. બ્રાહ્મણના છોકરાને જોવા માટે ઝાડીમાંથી પસાર થઈ તે રસ્તે જવાનું હતું. એ લોકો જઈ રહ્યા હતા, તે જ વખતે લાલ કપડાં પહેરેલ, અગિયાર-બાર વર્ષનો એક સુંદર બાળક માની પાસે આવીને બોલ્યો, ‘મા, તમે ક્યાં જઈ રહ્યા છો? શુક્રવારે ચાર વાગે તમે ગંગાસ્નાન કરવા જશો. જો આ વાત તમે કોઈને કરી, તો તમારા કોઈ પ્રિયજન મૃત્યુ પામશે અને તમે સો વર્ષો જીવશો.’ આટલું કહીને તે બાળક ઝડપથી ચાલતો થયો. તે દિવસે લગભગ મંગળવાર હતો.

આ વાત સાંભળીને મા અને પેલી વણકર વૃદ્ધા થોડી વાર સુધી તો કિંકર્તવ્યવિમૂઢ થઈ ગયાં. પછી માએ પેલી વૃદ્ધાને તે બાળકને બોલાવવા મોકલી કે જેથી તેને એક-બે પ્રશ્નો પૂછી શકાય. તે બાળક જે દિશાએ ગયો હતો તે તરફ તે વૃદ્ધા તેને શોધવા ગઈ. કેટલાયે લોકોને પૂછવા છતાં તેનો પત્તો ન મળ્યો એટલે વૃદ્ધા માની પાસે પાછી આવી ગઈ. માએ તેને સોગંદ આપી દીધા હતા કે આ વાત તે કોઈને કહેશે નહીં. ત્યાર પછી બ્રાહ્મણીને સાંત્વના આપીને મા પાછી ઘેર આવી ગઈ. આ ઘટના સવારે ઘટી કે સાંજે તેની ખબર નથી, પણ તે સત્ય હતી તેમાં કોઈ સંદેહ નથી. કારણ કે માના મૃત્યુ પછી નીચે વરંડામાં બેઠેલી પેલી વૃદ્ધાએ રડતાં રડતાં આ બધું જ કહ્યું હતું.

પિતાજી તે વૃદ્ધા ઉપર ખૂબ નારાજ થયા અને કહ્યું, ‘તેં પહેલાં કેમ જણાવ્યું નહીં?’ આ વાત સાંભળીને એ સમજવામાં વાર ન લાગી કે બીમાર હોવા છતાં મારી મા દવા કેમ લેતી નહોતી. ખૂબ વિનંતી કરવાથી તે કહેતી, ‘દવાથી મારો રોગ મટશે નહીં, તેથી લેવાની શી જરૂર? તેમજ તેમણે જે કહ્યું હતું કે ‘ચાર વાગ્યા પછી પાંચ મિનિટ પણ જીવિત રહીશ, તો સો વર્ષ જીવીશ.’ તે પણ સમજાઈ ગયું. અને, તે જ પૂર્વપરિચિત બાળકને જોઈ કહ્યું હશે, ‘તે મને લેવા આવ્યો છે.’ તે બાળક કોણ હતો? મોટા થયા પછી જ્યારે સાંભળ્યું કે – अंगुष्ठमात्रः पुरुषोड्न्तरात्मा सदा जनानां ह्रदये सन्निविष्टः (અંગૂઠાના આકારવાળો તે અંતરાત્મા જીવોના હૃદયમાં સ્થિત છે. – કઠોપનિષદ. ૨/૩/૧૭) अंगुष्ठमात्र पुरुषो ज्योतिः इव अधूमकः – અંગૂઠાના આકારનો પુરુષ ધુમાડાની જ્યોતિ જેવો છે. (કઠોપનિષદ, ૨/૧/૧૩). તથા हारित-पिंगल वर्ण पिंगलं हरितं लोहितं च – કોઈ કોઈ તેને પીળો, લીલો તથા લાલ પણ કહે છે. (બૃહદારણ્યક ઉપનિષદ, ૪/૪/૯) ત્યારે સમજણ પડી કે તે સમયે તેમણે જે જોયું તે બધું જ સાચું હતું. તે જીવાત્માનું સ્વરૂપ હતું. પુરાણોમાં જે ઉલ્લેખ છે કે યમદૂત કે કોઈ દૂત મૃત્યુ વખતે લેવા આવે છે, તેના ઉપર પણ શ્રદ્ધા બેઠી. જો કે, હજુ સુધી વચ્ચે વચ્ચે મનમાં પ્રશ્ન ઊઠે છે કે તે બાળક કોણ હતું?

આ ઘટનાના ચાર-પાંચ દિવસની અંદર જ અમે બધા વારાણસી જવા રવાના થયા. પોતાના જીવનકાળ દરમિયાન માએ ઘણી વખત વારાણસી જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યાં પહોંચીને ફરીથી હું ખૂબ બીમાર પડ્યો. ડૉકટરોએ મારા જીવિત રહેવાની આશા છોડી દીધી. જે દિવસે ડોકટરોએ નાસીપાસ થઈને આ વાત કરી, તે જ રાત્રે (આજે પણ મને બરાબર યાદ છે) ખાંસતાં ખાંસતાં મારા ગળામાં કફના એક ગોળા જેવું અટકી ગયું. કોઈ પણ રીતે હું તેને મોઢાંમાથી બહાર કાઢી શકતો નહોતો. આંગળીથી પણ નહીં, કોઈને બોલાવી શકતો પણ નહોતો. એટલામાં જોયું કે મા આવીને મારાં મસ્તક આગળ બેઠી. પહેલાં મસ્તક ઉપર હાથ ફેરવ્યો અને પછી મોઢામાં આંગળી નાખીને તે કફના ગોળાને બહાર કાઢી લીધો. મેં મા પાસેથી એ ગોળો માગી લીધો કે જેથી સવારે પિતાજીને બતાવી શકું. મા મારા મસ્તક ઉપર હાથ ફેરવતી રહી અને હું સૂઈ ગયો. સવારે આઠ વાગે જેવી આંખ ખુલી કે સૌ પહેલાં ચારે તરફ હું માને શોધવા લાગ્યો અને ‘મા- મા’ કહીને પોકારવા લાગ્યો.

પિતાજી ત્યાં જ હતા. મારી ચીસો સાંભળી ડરના માર્યા મારી પાસે દોડતા આવ્યા. અહા! શું હવે મને સ્નેહ કરવા મા સશરીર આવશે? મેં તેમને રાતની પૂરી ઘટના સંભળાવી, પરંતુ તે કફનો ગોળો ક્યાંય મળ્યો નહીં. કફના ગોળાની વાત સાંભળીને ડૉકટર તો હસ્યા. ચાર-પાંચ દિવસોમાં હું સાજો થઈ ગયો. તે વખતે મા મને પોતાની સાથે લઈ જાત, તો હું કેટલો ખુશ થાત!

મારી ધર્મની મા (૧૯૦૮-૦૯)

સાથે સાથે મારી ધર્મની માનો પરિચય પણ કરી લઈએ. તેમના સ્નેહનું વળતર હું આજ સુધી ચૂકવી નથી શક્યો. સ્વ. સેન મહાશયની વચેટ પુત્રી, જે શ્રી રાયની ધર્મપત્ની છે તે શ્રીમતિ સરયૂદેવી મારી ધર્મની મા છે. તેમની સાથે મારો પ્રથમ પરિચય ઈ.સ.૧૯૦૮-૦૯માં કલકત્તામાં થયો. કોઈ અજ્ઞાત સ્નેહની પ્રેરણાથી તેઓ મારા પ્રત્યે આકર્ષાયા. તે દિવસોમાં સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી મારા માથામાં સખત દર્દ થયા કરતું. તેમની સેવા, માતૃત્વના મૂર્તિમંત સ્વરૂપ જેવો તેમનો અત્યધિક સ્નેહ અને પોતાપણાની સાથે ‘બેટા, મારા સ્નેહ-ધન’ આ ઉચ્ચારણ સાંભળીને મારા મનમાં મારી ગર્ભધારિણી માની સ્મૃતિ જાગી ઊઠતી અને હું શોક અને આનંદથી અભિભૂત થઈ જતો. મારા મુખમાંથી કોઈ શબ્દ નીકળી શકતો નહીં, આંખોમાંથી ફકત અશ્રુધારા વહેવા લાગતી. તે દિવસો હું ક્યારેય જીવનપર્યંત ભૂલી શકીશ નહીં. તેઓ અવિવાહિત હતા, પણ તેમને જોઈને ક્યારેય લાગે નહીં કે તેઓ માતૃરૂપ માટે ઉચિત નથી. તેમનો સ્વભાવ ગંભીર હતો અને દૃષ્ટિમાં માતૃત્વ છલોછલ ભરેલું હતું. હે જગદંબા, ખરેખર તો તમે જ દરેક સ્ત્રીમાં માતૃરૂપે બિરાજમાન છો – સંસાર તમારા આ પ્રકાશથી ભ્રમિત અને સંમોહિત છે.

Total Views: 194

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.