(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.)
શ્રીકૃષ્ણનું ક્રાંતિક્રારી રૂપ
ગીતા: અગાધ રત્નાકર
આ પહેલાં આપણે ગીતાના અનુબન્ધ-ચતુષ્ટયના ‘વિષય’ અને ‘અધિકારી’ આ બે અનુબન્ધો ઉપર વિચાર કર્યો. હવે આપણે એ જોવાનો પ્રયાસ કરીશું કે ગીતાની રચના કયા ઉદ્દેશ્યથી થઈ છે. કેટલાક લોકો કહે છે કે અર્જુનના માધ્યમથી જીવોને આત્મજ્ઞાનનો બોધ આપવા માટે ગીતા કહેવામાં આવી. કેટલાક બીજા લોકોનો મત એવો છે કે ભક્તિ અને શરણાગતિના માધ્યમથી, ઈશ્વર-શરણાગતિ દ્વારા જીવના સંઘર્ષોનું નિવારણ કરવું જ ગીતાનું પ્રયોજન છે. એક વર્ગનો મત એવો છે કે ગીતામાં કર્મયોગની વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. અન્ય કેટલાક રાજયોગને ગીતાનો પ્રતિપાદ્ય વિષય માને છે. અમારી દૃષ્ટિએ આ બધા જ ઉત્તર યોગ્ય છે, કારણ કે ગીતામાં આ બધી જ બાબતોનું વિવેચન પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ગીતા તો એક અગાધ રત્નાકર છે. રત્નાકારનું—સમુદ્રનું તળિયું ન જાણે કેટલાંય અણમોલ રત્નોથી ભરેલું પડ્યું છે. મરજીવાઓ પોતપોતાની શક્તિ અનુસાર સમુદ્રમાં ડૂબકી લગાવે છે અને જે મોતી હાથ લાગે છે, તે લઈને ઉપર આવે છે. એટલે કે ડૂબકીમાર-મરજીવો તો એ છે, જે જાણે છે કે રત્નાકર અગણિત મોતીઓથી ભરેલો છે. ભલે તેને કદાચ બહુ મોટું મોતી મળી જાય, પરંતુ એ એવું નથી વિચારતો કે હવે સમુદ્રમાં આનાથી મોટું મોતી નહીં હોય. ગીતા આવો જ રત્નાકર છે. ગીતામાં ડૂબકી લગાવનાર પણ ઘણા છે. કેટલાક તો નામમાત્રના ડૂબકીમાર હોય છે, તેઓ જળની સપાટીથી વધુ ઊંડે નથી જઈ શકતા. કેટલાક તેની સરખામણીએ વધુ જાણકાર હોય છે, જે વધુ ઊંડે જાય છે, પરંતુ તેઓ પરત આવતી વખતે હાથમાં મોતીને બદલે છીપલાં અને શંખ લઈને આવે છે. ત્રણ-ચાર વાર પ્રયત્ન કરવાથી પણ જ્યારે આ લોકોને મોતી નથી મળતું, તો તેઓ એવું માની લે છે કે સમુદ્રમાં મોતી છે જ નહીં, સાગરનું તળિયું ખાલી છીપલાં અને શંખોથી જ ભરેલું છે.
ગીતા-રત્નાકરમાં ડૂબકી લગાવનારના પણ ત્રણ પ્રકાર છે. એક તો એ કે જે ઉપર ઉપર તરે છે. તેમની દૃષ્ટિ માત્ર સપાટી પર જ હોય છે. એટલા માટે તે ગીતામાં રાજનીતિશાસ્ત્રનું અનુસંધાન જુએ છે. તેમાંથી કેટલાક લોકો ગીતાને અર્થશાસ્ત્રનું સમર્થન કરનાર ગ્રંથ સમજે છે અને અન્ય કેટલાક લોકો યુદ્ધશાસ્ત્રને ગીતાનો પ્રતિપાદ્ય વિષય માને છે. આ તમામ તથાકથિત મરજીવા છે, જે હકીકતે તો એ નથી જાણતા કે ડૂબકી મારવી એટલે શું.
બીજા લોકો એ છે, જે ઊંડાણમાં જવાની કોશિશ તો કરે છે, પરંતુ પોતાના કામની કોઈ વસ્તુ તેમાંથી નથી મેળવી શકતા. તેઓ જડવાદી હોય છે. ભૌતિકવાદ જ તેમના જીવનનો આધાર હોય છે, એટલા માટે ગીતામાં તેમને એવું કશું નથી દેખાતું, જે તેમને મદદરૂપ થાય. એટલે તેઓ ગીતાને કવિ-કલ્પના કહીને ટાળી દે છે.
પરંતુ જે ત્રીજા પ્રકારના લોકો છે, તેઓ જ અસલી મરજીવા છે. તેઓ નિરંતર ડૂબકી મારતા રહે છે. શ્રીરામકૃષ્ણદેવની ભાષામાં આ ‘સાચા ખેડૂત’ છે. નકલી ખેડૂત એ છે, જે શોખને ખાતર ખેતી કરે છે. જો એકાદ-બે વર્ષ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિને કારણે પાક નષ્ટ થઈ જાય તો તેમનો શોખ ખતમ થઈ જાય છે અને ખેતીકામ છોડી દે છે. પરંતુ સાચો ખેડૂત પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ખેતીકામ નથી છોડતો, ભલે ઉપરાછાપરી વર્ષો દુષ્કાળ કેમ ન પડતો રહે. ગીતાના સંદર્ભે આવા અસલી મરજીવા નિરંતર ગીતા-સાગરમાં સ્નાન કરતા રહે છે, ડૂબકી લગાવતા રહે છે, તેનું મંથન કરતા રહે છે. સમુદ્રના મંથનથી અમૃત પણ મળે છે અને વિષ પણ. અમૃત ત્યારે મળે છે, જ્યારે મંથન કરનાર વિવેકબુદ્ધિને વલોણાથી વલોવે છે. આવા લોકોને જ ગીતા-માહાત્મ્યમાં ‘બુદ્ધિમાન’ કહેવામાં આવ્યા. પહેલાં આપણે જોયું કે આ બુદ્ધિમાન લોકો જ ગીતારૂપી દુગ્ધામૃતનું પાન કરવાના અધિકારી છે, અને મંથન કરવાથી વિષ ક્યારે મળે? જ્યારે વ્યક્તિ વિદ્વત્તાની ઇચ્છા સાથે તેને વલોવે છે ત્યારે. આવા લોકો વિષે શંકરાચાર્યે ‘વિવેકચૂડામણિ’ ગ્રંથમાં લખ્યું છે (૨૫)—
वाग्वैखरी शब्दझरी शास्त्रव्याख्यानकौशलम्।
वैदुष्यं विदुषां तद्वद् भुक्तये न तु मुक्तये॥
‘મોટેથી બોલી બોલીને પ્રવચન કરવું, શબ્દોની નદી વહાવી દેવી, શાસ્ત્રોની કુશળતાપૂર્વક અલગ અલગ રીતે વ્યાખ્યા કરવી, વિદ્વત્તાનું પ્રદર્શન કરવું—એ બધું વિદ્વાનોના ઉપભોગ માટે છે, મુક્તિ માટે નથી.’
તો, જે લોકો બુદ્ધિમાન છે, જે ડૂબકી લગાવે છે, તેઓ ગીતામાંથી અમૃત પ્રાપ્ત કરે છે, તેઓ સમજે છે કે ગીતામાં જે કહેવામાં આવ્યું છે, તે જીવને લક્ષ્ય બનાવી કહેવાયું છે. ગીતામાં જીવનના પરમ પુરુષાર્થને પામવાના જે ઉપાયો બતાવવામાં આવ્યા છે, તે મનુષ્યની પ્રકૃતિને કારણે, તેના સ્વભાવને કારણે ભિન્ન ભિન્ન થઈ જાય છે. દરેક મનુષ્યમાં ત્રણ પ્રકારની શક્તિઓ હોય છે. એક છે વિચારની શક્તિ, બીજી છે ભાવના અને ત્રીજી છે ક્રિયાની શક્તિ. વિચારની શક્તિ દ્વારા મનુષ્ય તર્ક અને ચિંતન કરે છે. ભાવનાની શક્તિના સહારે તે સ્નેહ અને પ્રેમ કરે છે અને ક્રિયાની શક્તિના માધ્યમથી તે કર્મ કરે છે. અથવા તો એમ કહી શકીએ કે વિચારશક્તિથી તે જાણે છે, ભાવનાશક્તિથી તે માને છે અને ક્રિયાશક્તિથી તે કર્મ કરે છે. પ્રત્યેક વ્યક્તિમાં આ ત્રણમાંથી કોઈ એક શક્તિની પ્રધાનતા હોય છે. જેમાં વિચારશક્તિ પ્રધાન છે, તે જ્ઞાનનો માર્ગ પસંદ કરે છે. જેમાં ભાવનાશક્તિ પ્રબળ છે, તે પ્રેમનો રસ્તો અપનાવે છે અને જેમાં ક્રિયાશક્તિની પ્રધાનતા છે, તેને કર્મનો પથ પસંદ આવે છે. જ્યારે આપણે આ ત્રણેય શક્તિઓને ઈશ્વરાભિમુખ બનાવી દઈએ છીએ, ત્યારે પહેલી વ્યક્તિ જ્ઞાનયોગી બની જાય છે, બીજી ભક્તિયોગી અને ત્રીજી કર્મયોગી. ગીતામાં બધી વ્યક્તિઓ માટે ભાથું છે.
Your Content Goes Here