(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી ઘનાનંદને વેદાંતનો પ્રચાર કરવા બેલુર મઠ દ્વારા યુરોપ મોકલવામાં આવ્યા હતા. તેમણે નવેમ્બર 1948માં લંડનમાં વેદાંત કેન્દ્રની શરૂઆત કરી હતી. 1969 સુધી, મૃત્યુપર્યંત, તેઓ કેન્દ્રના અધ્‍યક્ષ હતા. ત્યાં રહેતાં રહેતાં જ તેઓએ કેટલાંક પુસ્તકો પ્રકાશિત કર્યાં હતાં અને વિભિન્ન દેશોમાં ભ્રમણ કરીને પ્રવચનો આપ્યાં હતાં. -સં.)

આસન પછી પ્રાણાયામ આવે છે. પ્રાણાયામ દ્વારા આપણે દેહ-મનરૂપી યંત્રમાં રહેલ પ્રાણશક્તિનું નિયમન કરીએ છીએ. આ જ એક શક્તિ પૃથ્વીને ગોળગોળ ફેરવે છે, ફેફસાંને ચલાવે છે, અને હૃદયને ધબકતું રાખે છે. આ એક સાર્વભૌમિક શક્તિની જ આપણા વ્યક્તિગત દેહ અને મનમાં સીમિત અભિવ્યક્તિઓ જોવા—અનુભવવામાં આવે છે. જે રીતે એક વિદ્યુતના ગોળામાં કે બલ્બમાં રહેલ વિદ્યુત-તરંગ અન્ય ગોળામાં રહેલ તરંગથી ભિન્ન નથી, એ જ પ્રકારે આ શક્તિ પણ વિવિધ વ્યક્તિઓમાં ભિન્ન ભિન્ન નથી.

યોગનું લક્ષ્ય મનુષ્યને સંસારમાં વિદ્યમાન આ પ્રાણશક્તિનું નિયમન કરવાનું શીખવવું એ છે. આથી પ્રાણાયામ એટલે શ્વાસ-ઉચ્છ્વાસનું નિયમન કરવું એ નથી પરંતુ પ્રાણશક્તિનું નિયમન કરવું એ છે, જે આ દેહને પ્રાણવાન બનાવે છે. પ્રાણ જો આ દેહ-મનરૂપી યંત્રમાંથી નીકળી જાય તો હૃદયની ગતિ થંભી જાય છે, શ્વાસ બંધ પડી જાય છે અને આપણે કહીએ છીએ કે માણસનું મૃત્યુ થયું છે. અહીં ઇંગ્લેન્ડમાં લોકો કહે છે, ‘તેણે આત્માનો ત્યાગ કર્યો’, પરંતુ અમારા હિંદુઓનો એવો ભાવ છે કે આત્મા તેને ત્યાગી દે છે, એટલે કે સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીરને ત્યાગી દે છે. જો પ્રાણાયામનો અભ્યાસ કરવો જ હોય તો સાચી રીતે કરવો જોઈએ. ફક્ત પુસ્તકો વાંચીને કરવાને બદલે કોઈ (યોગ્ય) ગુરુ પાસેથી શીખીને પ્રાણાયામ કરવો ઉચિત છે.

પ્રાણાયામ બાદ પ્રત્યાહાર આવે છે. પ્રત્યાહારનો અર્થ છે, મનની વિખેરાયેલી શક્તિઓને એકત્ર કરવી. માની લો કે તમે કરિયાણાની દુકાનેથી રાઈના દાણાનું એક પડીકું ખરીદો છો, અને ખોલો છો અથવા તો ભૂલથી તે પડીકું ખૂલી જાય છે ને દાણા વેરાઈ જાય ત્યારે એ રાઈના દાણાને કઈ રીતે એકઠા કરશો? તેને સાવરણીથી એક જગ્યાએ એકત્રિત કરવા પડશે અને ત્યારે કદાચ એક એક કરીને વીણવા પડશે. વયસ્ક લોકોના મનની સામાન્યપણે આ જ સ્થિતિ હોય છે. કાચી ઉંમરમાં યુવાનોનાં મન અને હૃદય હાથમાં લીધેલા કોઈ પણ કાર્ય-વિશેષમાં એકાગ્ર થઈ જાય છે, પરંતુ લગ્ન કરીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશી ચૂકેલી વ્યક્તિનું અડધું મન અને હૃદય પત્નીમાં ચાલ્યું જાય છે અને અડધું સાંસારિક જવાબદારીઓ માટે બચે છે. બાળકનો જન્મ થતાં તેનાં મન અને હૃદયનો કેટલોક ભાગ એમાં ચાલ્યો જાય છે. આ પ્રમાણે મન અસ્તવ્યસ્ત થઈ જાય છે. વળી, બેંકમાં ખાતું પણ ખોલાવવું પડે છે અને પૂરતા રૂપિયા પણ જમા રાખવા પડે છે. મિત્રો વચ્ચે પોતાની પ્રતિષ્ઠા પણ જાળવી રાખવી પડે છે. આ રીતે તેની શક્તિ ક્ષીણ થતી રહે છે અને મન વિક્ષેપ પામે છે. ત્યાર પછી તે મનને ઈશ્વરમાં કેવી રીતે લગાવે? એ બહુ જ કઠિન લાગે છે. માનવ-મન પર બે પ્રકારની શક્તિઓ કાર્ય કરે છે; એક જે તેને અંતર્મુખી કરે છે, અને બીજી જે તેને બર્હિમુખી બનાવે છે. મનને અંતર્મુખી કરવું એ જ પ્રત્યાહાર છે અને ધ્યાનમાં બેસવાની શરૂઆતની સ્થિતિમાં સાધક આ જ પ્રયત્ન કરે છે.

ધારણા અર્થાત્‌ કોઈ એક સ્થાન પર મનને સ્થિર કરવું—એ યોગનું છઠ્ઠું અંગ છે. જો ધ્યાનનો વિષય ઈશ્વર હોય તો ધારણામાં ઈશ્વરને જગતના સર્જનહાર માનીને એમના પર મનને એકાગ્ર કરવામાં છે. યોગમાં ધ્યાનના વિષય કે પ્રત્યયની મનુષ્યની અંદર ધારણા કરવામાં આવે છે. અવશ્ય, દેહની બહાર ભગવાનની કલ્પના કરવાથી પણ ધ્યાનમાં ઘણો લાભ થાય છે, પરંતુ યોગમાં દેહની અંદર ભગવાનનું ધ્યાન કરવાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઈશુ ખ્રિસ્તે આપણને ‘સ્વર્ગમાં રહેલ પિતા’ને પ્રાર્થના કરવાનો ઉપદેશ આપ્યો છે, જાણે સ્વર્ગ આપણાથી દૂરનું કોઈ સ્થાન હોય, પરંતુ એમનો સર્વોચ્ચ ઉપદેશ છે, ‘સ્વર્ગનું રાજ્ય તમારી અંદર છે.’ અંગ્રેજ કવિ બ્રાઉનિંગની કવિતા ‘પિપ્પા પાસેસ’માં પિપ્પા ગાય છે, ‘સ્વર્ગમાં છે ઈશ્વર, મજામાં છે સંસાર.’ પણ મને ભય છે કે ઈશ્વરના સ્વર્ગમાં રહેવા છતાં પણ સંસારમાં ઘણી બધી સમસ્યાઓ છે. એનું કારણ એ છે કે ઈશ્વર સંસારના ચારસો કરોડ લોકોના હૃદયમાં હજુ પ્રવેશ્યો નથી. જો તે મનુષ્યના હૃદયમાં પ્રવેશ કરે તો મનુષ્યનું રૂપાંતરણ થઈ જશે, ત્યારે તે યોગી બની જશે.

માની લો, કોઈ વ્યક્તિ ઈશુ ખ્રિસ્તનું ધ્યાન કરે છે અથવા બહુ જ શ્રદ્ધા-ભક્તિ સાથે ઈશુનાં માતા મેરીનું ચિંતન કરે છે. પરંતુ યોગ દ્વારા પ્રચલિત ધ્યાનની પ્રણાલીમાં સ્થૂળ વ્યક્તિત્વ તથા ઈશુ અને મેરીના જીવનની ઐતિહાસિક ઘટનાઓના ચિંતનની કોઈ ઉપયોગિતા નથી. સાધકે આ બધું ભેદીને ઊંડાણમાં જવાનું છે. તેનું મન એક બિંદુ પર એકાગ્ર થવું જોઈએ. આ જગત વિશે વિચારવાથી કોઈ લાભ નથી. એ બધું તો પછી પણ વિચારી શકાય છે. પોતાની અંતરતમ સત્તા સુધી—જેને આપણે આત્મા કહીએ છીએ ત્યાં સુધી—પહોંચવાના પ્રયત્નમાં જ્યારે તે સ્વયંમાં ઊંડો ઊતરે છે ત્યારે તે બીજી વાતો વિશે વિચારી શકતો નથી.

Total Views: 123

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.