(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.)
શ્રીકૃષ્ણનું ક્રાંતિક્રારી રૂપ
ગીતાનું વાસ્તવિક પ્રયોજન: મોહ-નાશ
ગીતાનું વાસ્તવિક પ્રયોજન શું છે, આ પ્રશ્ન આપણને વારંવાર થાય છે. માની લઈએ કે જ્ઞાનયોગ કે ભક્તિયોગ કે કર્મયોગ દ્વારા આત્મ-સાક્ષાત્કાર અથવા ભગવદ્-પ્રાપ્તિની વાત ગીતામાં લખી છે, પણ કયા ખાસ ઉદ્દેશ્યથી ગીતાનું ગાન કરવામાં આવ્યું, તે સમજવાની અપેક્ષા મનુષ્ય રાખે છે, અને આ વાત ગીતાની ભૂમિકા જોઈને સ્પષ્ટ થઈ જાય છે. અર્જુન યુદ્ધ માટે તૈયાર થઈને આવ્યો હતો. તેણે કૌરવોની સેનાને જોવાની ઇચ્છા વ્યક્ત કરી અને તેથી શ્રીકૃષ્ણને રથને બન્ને સેનાઓની વચ્ચે લઈ જવાનું કહ્યું. જ્યારે અર્જુન કૌરવોની સેનાને જુએ છે, ત્યારે જ તેને કોણ જાણે શું થઈ જાય છે અને તે કહે છે કે હું યુદ્ધ નહીં કરું. કૌરવોની સેનાને જોઈને કહે છે—‘दृष्ट्वेमं स्वजनं कृष्ण’—હે કૃષ્ણ! આ સ્વજનોને જોઈને મારાં અંગો શિથિલ થઈ રહ્યાં છે. અહીં ‘સ્વજન’ શબ્દ અત્યંત મનોવૈજ્ઞાનિક છે. અર્જુન જાણે કૌરવોને નથી જોતો, પરંતુ તેના બદલે પોતાનાં સગાંસંબંધીઓને જુએ છે અને એટલા માટે મમત્વથી ઊપજેલા મોહનો શિકાર થઈ જાય છે. આ મોહને કારણે તે ઊલટી-સીધી વાતો કરવા માંડે છે. એક બાજુ તો તે કૌરવોને આતતાયી કહે છે અને બીજી બાજુ કહે છે કે આ આતતાયીઓને મારીને આપણને પાપ લાગશે. આ જાણે અર્જુન નહીં પણ તેનો મોહ બોલી રહ્યો છે, જરા વિચાર કરો, આ ગાંડીવધારી અર્જુનની કેવી દુર્દશા છે! આ કસોટીના સમયે તેની અંદર ધરબાયેલા સંસ્કાર અચાનક તેના પર હુમલો કરે છે અને એ નાઉમેદ થઈ જાય છે. તેની આંખે અંધારું છવાઈ જાય છે, અને તેનો કર્તવ્ય-અકર્તવ્યબોધ અદૃશ્ય થઈ જાય છે.
આપણા પર પણ આવા પ્રસંગોએ આવું જ વીતે છે. ત્યારે આપણું મન પણ મોહ અને પ્રમાદથી ઘેરાઈ જાય છે, બુદ્ધિ વશીભૂત થઈ જાય છે અને આપણા માટે દિશાઓ ઘોર અંધકારથી છવાઈ જાય છે. આપણે વ્યાકુળ થઈ જઈએ છીએ. આ જ મોહની અવસ્થા છે. આ મોહ બધું જ ભુલાવી દે છે. અર્જુન આ જ મોહથી ગ્રસિત થયો હતો અને ભગવાન કૃષ્ણ ગીતાના માધ્યમથી આ જ મોહને દૂર કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે જ તો તેમણે અંતમાં અર્જુનને પૂછ્યું (૧૮/૭૨)—
कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा।
कच्चिदज्ञानसम्मोह: प्रनष्टस्ते धनञ्जय॥
‘હે પાર્થ! શું તેં મારી વાત એકાગ્ર ચિત્તે સાંભળી? હે ધનંજય! શું તારા અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો મોહ નષ્ટ થયો?’
અર્જુન આ પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે (૧૮/૭૩)—
नष्टो मोह: स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत।
स्थितोऽस्मि गतसन्देह: करिष्ये वचनं तव॥
‘હે અચ્યુત! આપની કૃપાથી મારો મોહ નષ્ટ થયો છે, અને મને સ્મૃતિ પ્રાપ્ત થઈ છે. હવે હું સંશયરહિત થયો છું અને મારી બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે. હું આપની આજ્ઞાનું પાલન કરીશ.’
અહીં આપણે જોઈએ છીએ કે અર્જુનનો મોહ નષ્ટ થયો છે. મોહ નષ્ટ થવાથી અર્જુનને સ્મૃતિ પ્રાપ્ત થઈ, તેનું તાત્પર્ય એ છે કે મોહ જ્યારે ચિત્તમાં ઘૂસી જાય છે, ત્યારે સર્વપ્રથમ તે આપણી યાદશક્તિને ઢાંકી દે છે. આપણે સારું અને નરસું, ઉચિત અને અનુચિત, કર્તવ્ય અને અકર્તવ્ય વચ્ચેનો ભેદ ભૂલી જઈએ છીએ, તેથી જીવનના દ્વંદ્વોનો શિકાર થઈ જઈએ છીએ. શ્રીભગવાન ગીતાના માધ્યમથી આ મોહને જ દૂર કરવા માગે છે, જેથી અર્જુન પોતાના મૂળ સ્વભાવમાં પ્રતિષ્ઠિત થઈ જાય અને જાણી લે કે તેનું કર્તવ્ય શું છે.
આપણે કહી રહ્યા છીએ કે આમ, મોહનું નિરસન જ ગીતાનું પ્રયોજન છે. કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ વગેરે વિશેની વાતો પણ ગીતામાં છે, પરંતુ આ બધા યોગની સાર્થકતા મોહને દૂર કરવામાં જ છે. મોહ-નાશ ગીતાનો મૂળ સ્વર છે. જેમ શરણાઈના વાદનમાં એક મૂળ સ્વર વાગતો રહે છે અને એ મૂળ સ્વરના આશ્રયે વિવિધ પ્રકારની સ્વર-લહેરીઓ ઉત્પન્ન કરવામાં આવે છે, તે જ રીતે મોહ-નાશરૂપી મૂળ સ્વરનો આશ્રય લઈને વિવિધ યોગોની ચર્ચા ગીતામાં કરવામાં આવી છે.
પહેલાં કહેવાયું કે મોહ-નાશથી આપણી સ્મૃતિ પાછી આવે છે અને આપણે સંશયરહિત બનીને નિર્ભય બની જઈએ છીએ, આપણું મન શાંત થઈ જાય છે. માનવ આ જ શાંતિની તો થાક્યા વિના ખોજ કરી રહ્યો છે! તેની બધી જ ક્રિયાઓની પાછળ આ શાંતિનો જ સતત અને ઊંડો અભ્યાસ છે. મનુષ્ય શાંતિ પામવા માટેની કામનાથી જ અર્થોપાર્જન કરે છે, પરિવારનો વિસ્તાર કરે છે, પૂજા-પાઠ અને અધ્યયન-સ્વાધ્યાય કરે છે.
પરંતુ દુઃખ એ વાતનું છે કે શાંતિ તેનાથી દૂર જ રહે છે અને મનુષ્ય ભ્રમિત થઈ જાય છે. કશું વિચારી નથી શકતો કે શું કરવાથી શાંતિ મળશે. તે વિચાર કરે છે કે કદાચ પરિસ્થિતિઓમાં બદલાવ આવી જવાથી તેને સુખ પ્રાપ્ત થશે, સ્થાન બદલવાથી તેને શાંતિ મળશે. બરાબર આ જ દશા અર્જુનની થઈ હતી. તે વિચારે છે કે યુદ્ધ એક ભયંકર કર્મ છે. તે વિચાર કરે છે કે આ યુદ્ધને છોડીને જ વનમાં જવાથી તેને શાંતિ મળશે. એટલા માટે તે શ્રીકૃષ્ણ સમક્ષ વૈરાગ્ય અને જ્ઞાનની વાતો કરે છે. સાથે ને સાથે તર્ક દ્વારા પોતાના નિવેદનની પુષ્ટિ પણ કરતો રહે છે. તે કહે છે—યુદ્ધથી કુળનો નાશ થઈ જશે, કુળના નાશથી સનાતન કુળધર્મ નષ્ટ થઈ જશે અને ધર્મનો નાશ થવાથી સમસ્ત કુળને પાપ ગ્રસી લેશે. પાપ વધી જવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જશે અને હે વાર્ષ્ણેય! સ્ત્રીઓ દૂષિત થવાથી વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થશે. વર્ણસંકર તો કુળની હત્યા કરનાર અને કુળને નરકમાં જ લઈ જશે. પછી તો પિંડ અને તર્પણ વગેરેની ક્રિયાઓ લુપ્ત થઈ જશે અને તેના ફળસ્વરૂપે તેમના પિતૃઓની પણ અવનતિ થશે.
અહીં અર્જુનનું જ્ઞાન સમજી શકાય તેવું છે. તેનાથી એવું લાગે છે કે અર્જુન કુળ-નાશના દોષોને જાણતો હતો. તે ફરી કહે છે, “વર્ણસંકર ઉત્પન્ન કરવાવાળા આ દોષોથી કુલઘાતીઓના સનાતન જાતિધર્મ અને કુલધર્મ સમગ્ર નષ્ટ થઈ જાય છે. હે જનાર્દન! આપણે સાંભળ્યું છે કે જે મનુષ્યોનો કુલધર્મ નષ્ટ થઈ ગયો છે, તે અનંતકાળ સુધી નરકમાં વાસ કરે છે. તેથી ભલે આ કૌરવો લોભથી ચિત્તભ્રષ્ટ થવાને કારણે કુળ-નાશથી થનાર દોષને અને મિત્રોની સાથે વિરોધ કરવામાં પાપને નથી જોઈ શકતા, પરંતુ હે જનાર્દન! આપણે લોકો જે કુળ-નાશના દોષને જાણીએ છીએ, શા માટે આપણે પાપથી દૂર રહેવાનો વિચાર ન કરવો જોઈએ?
અને અંતે પોતાની વાતનો ઉપસંહાર કરતાં અર્જુન અત્યંત દુઃખને પ્રગટ કરીને કહે છે, “અરેરે! દુઃખ છે કે આપણે લોકો બુદ્ધિમાન હોવા છતાં મહાન પાપ કરવા માટે તૈયાર થઈ ગયા છીએ, જે રાજ્ય અને સુખના લોભથી પોતાના જ કુળનો નાશ કરવા માટે ઉદ્યત થયા છીએ. જો શસ્ત્રરહિત, સામનો ન કરવાવાળા એવા મને ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં મારી નાખે, તો એ પણ મારા માટે અતિ કલ્યાણકારી હશે.”
આમ કહીને, અર્જુને ધનુષ-બાણ ત્યાગી દીધાં અને રથના પાછળના ભાગે શોકમગ્ન થઈને બેસી ગયો. અર્જુનનું ચિત્ત મોહથી આવિષ્ટ છે, તેથી તેનો વિચાર અને ક્રિયાઓ—એ બધું ઊલટું થઈ રહ્યું છે. તેણે કર્તવ્યની દૃષ્ટિથી યુદ્ધ કરવું જોઈએ, પરંતુ તે તો યુદ્ધ છોડીને વનમાં જવા ઇચ્છે છે! જો તે કૌરવોને આતતાયી માને છે, તો તેણે તેમનો પ્રતિકાર કરવો જોઈતો હતો, પણ કહે છે કે આતતાયીઓને મારવાથી પાપ લાગશે! યુદ્ધથી કુળ-નાશ અને ત્યાર પછી પિતૃઓની અવનતિની વાત કરે છે, એ જાણવા છતાં કે યુદ્ધ કરવું એ તો ક્ષત્રિયનો સ્વધર્મ છે. વળી, અર્જુન એ પણ જાણે છે કે તે લોભ અને સુખની આકાંક્ષાથી પ્રેરિત થઈને યુદ્ધ નથી કરી રહ્યો, તે જાણે છે કે પાંડવો પોતાનો ન્યાયપૂર્ણ અધિકાર પ્રાપ્ત કરવા ઇચ્છે છે. તે જાણે છે કે દુર્યોધન યુદ્ધ વિના સોયની અણી જેટલી જમીન પણ પાંડવોને આપવાનો નથી. આમ છતાં એ કહે છે કે આપણે લોભ અને રાજ્ય-સુખ માટે કુળનો નાશ કરવા માટે ઊભા છીએ!
આ જ મોહની વિચિત્રતા છે. મોહથી ઘેરાઈ જઈને અર્જુન વિચારે છે કે મને અહીં શાંતિ મળે તેમ નથી. તે વનમાં જવાનો વિચાર કરે છે. તે સમજે છે કે સ્થાન-પરિવર્તનથી તેનો વિષાદ દૂર થઈ જશે. ત્યારે કૃષ્ણ અર્જુનને વનમાં જતો રોકે છે. તેઓ અર્જુનની કરુણા જોઈને વિચલિત નથી થતા, કે પ્રભાવિત પણ નથી થતા. તેઓ જાણી જાય છે કે અર્જુન વિચાર-રોગનો શિકાર થઈ ગયો છે, એટલે તે ઊલટું-સીધું બોલી રહ્યો છે.
જો અર્જુનના શબ્દોને સંદર્ભથી અલગ કરીને તેનો વિચાર કરીએ, તો એમાં એનું કંઈ વાહિયાતપણું નથી લાગતું, પણ એવું લાગશે કે તેની વાત તો યોગ્ય છે. પરંતુ જ્યારે આપણે વસ્તુસ્થિતિનો સામનો કરીએ છીએ અને તે સમયની પરિસ્થિતિઓના સંદર્ભમાં અર્જુનના શબ્દો પર વિચાર કરીએ છીએ, ત્યારે સાચે જ અર્જુનની વાતો વાહિયાત લાગે છે. શ્રીકૃષ્ણ તો મનોવૈજ્ઞાનિક છે, તેઓ અર્જુનની નબળાઈને સમજી જાય છે. તેઓ અર્જુનને ઉચિત ઔષધ પ્રદાન કરે છે અને તેને યુદ્ધનો ત્યાગ કરવાની મનાઈ કરે છે.
Your Content Goes Here