(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી વિમલભાઈ વ. દવે.
સ્વામી અતુલાનંદજી (જેઓ ‘ગુરુદાસ મહારાજ’ તરીકે ઓળખાતા) મૂળ અમેરિકન હતા. 1898માં તેઓ સ્વામી અભેદાનંદજીના સંપર્કમાં આવ્યા. તેમની પાસેથી જ તેમની બ્રહ્મચર્યની દીક્ષા અને સંન્યાસ દીક્ષા થઈ. જો કે તેમની મંત્રદીક્ષા શ્રીમા શારદાદેવી પાસે થઈ હતી. સ્વામી વિવેકાનંદજી, સ્વામી તુરીયાનંદજી વગેરે શ્રીરામકૃષ્ણદેવના બીજા ઘણા અંતરંગ શિષ્યોના પરિચયમાં આવવાનો લહાવો તેમને મળ્યો હતો. 1921માં તેઓ અમેરિકાથી ભારત આવી ગયા અને 1966માં 97 વર્ષની ઉંમરમાં મહાસમાધિ લીધી ત્યાં સુધી ભારતમાં જ રહીને પોતાના પુનિત સંતજીવન દ્વારા અસંખ્ય લોકોને પ્રેરિત કરતા રહ્યા. -સં.)
અમેરિકામાં વેદાંતનો વિસ્તાર
સ્વામી અભેદાનંદનાં રવિવારનાં પ્રવચનો પછી છપાતાં અને વેદાંતનાં અન્ય પ્રકાશનોની સાથે હૉલ પર તથા વેદાંત સોસાયટી પર એમનું વેચાણ થતું.
સ્વામી હવે લોકપ્રિય બન્યા અને એમનુું કામકાજ પણ વધતું ચાલ્યું. પ્રવચનો, વિદ્યાર્થીઓને અંગત માર્ગદર્શન તથા વેદાંત વિષયક પુસ્તકોનું લખાણ—આ બધી પ્રવૃત્તિઓને પરિણામે એમની વ્યસ્તતા વધી. વેદાંત સોસાયટી પણ હવે વધુ સમૃદ્ધ બની, અને બૌદ્ધિક જગત પણ હવે આ પ્રવૃત્તિ તરફ આકર્ષાયું. યુનિવર્સિટી, વિધવિધ ક્લબો અને સોસાયટીઓ તરફથી એમને નિમંત્રણો મળવા માંડ્યાં. વેદાંત સોસાયટીનું પુનર્ગઠન થયું અને શહેરના વધુ સારા વિસ્તારમાં એને સ્થાનાંતરિત કરવામાં આવી. સમાજના વિવિધ વર્ગોમાંથી વિદ્યાર્થીઓ આવવા માંડ્યા અને વેદાંત સોસાયટી હવે પ્રવૃત્તિથી ધમધમવા માંડી.
આ પરિવર્તન સ્વાભાવિક અને અનિવાર્ય હતું. જીવનમાં કશું સ્થાયી રહેતું નથી; કાં તો એ વૃદ્ધિ પામે કે પછી નાશ પામેે. પરંતુ પ્રારંભના જે વિદ્યાર્થીઓ હતા, એમને આ પરિવર્તન બહુ ગમ્યું નહીં. એમને શરૂઆતના દિવસોની શાંતિ અને સાદગી વધુ પસંદ હતી. આ પણ સ્વાભાવિક જ હતું. બધા એકબીજાને જાણતા હોય એવું નાનકડું જૂથ કોઈ વિદ્યાર્થીને ઘેર મળે અને જે આત્મીયતા અનુભવાય એનો ફાયદો દેખીતો છે. ત્યારે આ થોડાક વિદ્યાર્થીઓ અને આચાર્ય વચ્ચે આત્મીય, નજીકનો સંબંધ હતો. પરંતુ હવે ઘણી બધી અજાણી વ્યક્તિઓ સાથેના વિશાળ વર્ગોથી પરિસ્થિતિ બદલાઈ ગઈ. જો કે બધું જૂનું યથાવત્ ચાલુ રહે એવી અપેક્ષા રાખવી યોગ્ય તો નથી જ. એ જે હોય તે, પરંતુ સ્વામીને હવે એવું જણાયું કે એમણે એમના નાનકડા વર્તુળમાંથી બહાર નીકળવાની જરૂર છે, એમનો સંદેશ બધા વર્ગો સુધી પહોંચવો જોઈએ. વેદાંત માત્ર થોડાક લોકો માટે નહીં પરંતુ વિશાળ સમુદાય માટે છે, અને એમના કામની સફળતા માટે ન્યૂ યોર્કના બૌદ્ધિક વર્ગ અને સંપન્ન લોકો સાથે એમનો સંપર્ક જરૂરી છે.
ન્યૂ યોર્કની વેદાંતની પ્રવૃત્તિના આ તબક્કે સ્વામી તુરીયાનંદનો પ્રવેશ થયો. તેઓ ભારતથી ઇંગ્લેન્ડ થઈને સ્વામી વિવેકાનંદ સાથે અમેરિકા આવ્યા હતા. સ્વામી વિવેકાનંદ ત્યારે વેદાંત સોસાયટીના પ્રમુખ મિ. લેગેટના ગ્રામ નિવાસના મહેમાન બન્યા હતા. ‘તરોતાજા ભારતમાંથી’ આ શબ્દો દ્વારા અમને તેમનો પરિચય અપાયો હતો અને જૂના વિદ્યાર્થીઓ માટે એ શબ્દો જાણે કે એમની ભલામણ સમાન જ હતા. પાશ્ચાત્ય લઢણના સ્વામી અમને જોઈતા ન હતા. વ્યવસાયીકરણ અને પ્રવચનોનો તો અમેરિકામાં ક્યાં અભાવ હતો? અમને તો સાવ સરળ, ધ્યાનાભ્યાસી વ્યક્તિની જરૂર હતી. અમારા બધાનું ત્યારે આ વલણ હતું.
સાચું-ખોટું તો ખબર નહીં પરંતુ પરિસ્થિતિ તો આ હતી. સદાકાળે દૃઢ વ્યક્તિત્વ અને સકારાત્મક વલણ ધરાવતા સ્વામી અભેદાનંદ માટે એમનો પોતાનો માર્ગ હતો. એમને તો વેદાંતનો પ્રસાર કરવો હતો અને એ માટે એમની પોતાની એક યોજના હતી…. અને એમને એમાં સરસ સફળતા મળી; તેઓ ખૂબ સફળ વક્તા તો બન્યા જ, તેમનાં પોતાનાં લખાણો દ્વારા એમણે વેદાંતિક સાહિત્યને વિશેષ સમૃદ્ધ કર્યું. અનેક શહેરોમાં તેમને પ્રવચન માટે નિમંત્રણો મળ્યાં અને તેઓ જ્યાં પણ ગયા ત્યાં તેમને સ્નેહ, આદર અને આવકાર સાંપડ્યાં.
ન્યૂ યોર્કના કાર્યમાં સ્વામી અભેદાનંદની મદદ માટે સ્વામીજીએ સ્વામી તુરીયાનંદને મોકલ્યા હતા, અને આ કાર્યનો એમણે એમની પોતાની શાંત શૈલીથી આરંભ કર્યો. તેમણે ધ્યાનના વર્ગોનો હવાલો સંભાળ્યો, બાળકો માટે વર્ગોનું આયોજન કર્યું અને વિદ્યાર્થીઓ સાથે પરિસંવાદનું આયોજન કર્યું. સ્વામી અભેદાનંદ ન હોય ત્યારે એમણે વેદાંતના મથકમાં પ્રવચનો પણ આપ્યાં. જૂના વિદ્યાર્થીઓમાંથી ઘણા મિત્રો એમની આજુબાજુ એકત્રિત થયા અને એમનું પોતાનું એક નાનકડું વર્તુળ બની ગયું.
‘તરોતાજા ભારતમાંથી’ આ વિશેષણ સ્વામી તુરીયાનંદ માટે ખૂબ જ યોગ્ય હતું. ભારતનું વાતાવરણ જાણે કે એમના વ્યક્તિત્વને ઘેરી વળતું હતું. અમેરિકીકરણ એમને જરાયે સ્પર્શ્યું ન હતું. જૂના વિદ્યાર્થીઓએ જે ભારતની કલ્પના કરી હતી એ ભારત તેમનામાં પ્રતિબિંબિત થતું હતું—સાદગી, ધ્યાન અને અધ્યાત્મની ભૂમિ. નમ્ર, આનંદી, ધ્યાનમગ્ન આ સ્વામીને દુન્યવી બાબતોની કશી પડી ન હતી. જેઓ વેદાંતને બૌદ્ધિક સંતોષ આપતી એક વિચારધારા માત્ર નહીં પરંતુ પોતાના આધ્યાત્મિક જીવનમાં વ્યવહારુ માર્ગદર્શન આપતા તત્ત્વજ્ઞાન તરીકે ખૂબ ગંભીરતાપૂર્વક જોતા હતા, તેમણે સ્વામી તુરીયાનંદના વ્યક્તિત્વની ઘેરી અસર અનુભવી.
તો હવે અમારી પાસે એકબીજાથી પૃથક્ વ્યક્તિત્વ ધરાવતા અને વિદ્યાર્થીઓના અલગ અલગ જૂથને આકર્ષતા બે સ્વામીઓ હતા.
સ્વામી તુરીયાનંદના આગમન સાથે વેદાંતનો ત્યારનો પ્રચાર વધુ ઘનીભૂત બન્યો. સહેજ પણ ઉદ્દીપન થતાં પ્રજ્વળી ઊઠે એવો અધ્યાત્મ-અગ્નિ એમનામાં સદા દીપ્ત રહેતો. ઘણાં વર્ષો સુધી એમની સાથે સંલગ્ન રહેવાનું મળ્યું, એ માટે હું સ્વયંને સદ્ભાગી માનું છું. પૂરા સ્નેહ અને સંભાળપૂર્વક જે બીજ મારામાં સ્વામી અભેદાનંદે રોપ્યું હતું, એની સંભાળ અને સંવર્ધન આ નવા સ્વામીએ કર્યાં. સ્વામી અભેદાનંદ એમના માર્ગે આગળ વધતા રહ્યા. નવાં ક્ષેત્રોમાં એમણે ખેડાણ કર્યું અને નવાં બીજ તેઓ રોપતા રહ્યા. સ્વામી તુરીયાનંદે જે છોડ ઊગી રહ્યા હતા એમનું સંવર્ધન કર્યું. પરંતુ અહીં એ સ્પષ્ટતા કરી દઉં કે સ્વામી અભેદાનંદની માયાળુ, સંભાળપૂર્વકની નજર એમના જૂના વિદ્યાર્થીઓ પર સદા રહેતી જ. જો કે, આરંભના દિવસો જેટલો સમય કે ધ્યાન તેઓ હવે આપી શકતા નહીં. છતાં તેઓ એમને કદી ભૂલ્યા નહીં અને તેમનો સ્નેહ સદા યથાવત્ જ રહ્યો. કદાચ આ દિવસોમાં જ મને તેમના કોમળ, પ્રેમાળ હૃદયનો પ્રત્યક્ષ પરિચય થયો.
સ્વામી તુરીયાનંદ સાથે પ્રથમ મુલાકાત
સ્વામી અભેદાનંદ સાથેની મારી પ્રથમ મુલાકાત વિશે મેં લખ્યું છે. હવે સ્વામી તુરીયાનંદ સાથેની પહેલી મુલાકાત વિશે થોડું કહું.
ભારતથી નવા સ્વામી આવી રહ્યા છે એ સમાચાર વેદાંત સોસાયટીમાં પહોંચી ગયા હતા અને અમે એમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. આપણને કંઈક નવીનતા માટે, કંઈક પરિવર્તન, કંઈક ઉત્તેજના માટે હરહંમેશ લોભ રહેતો હોય છે. આ નૂતન આગમન માટે અમને ખૂબ જ અપેક્ષા હતી, અને અમે એમાં જરાયે નિરાશ ન થયા. કોઈ એક ચોક્કસ તારીખે સ્વામી આવવાના હતા. મારું દૈનિક કામકાજ પૂર્ણ થતાં રાબેતા મુજબ હું વેદાંત સોસાયટીમાં પહોંચી ગયો. અંદર પ્રવેશતાં જ મારો પહેલો સવાલ હતોઃ ‘નવા સ્વામી આવી ગયા?’ થોડાક મિત્રો હાજર હતા. કોઈક સોસાયટીના કામમાં વ્યસ્ત હતા, તો કોઈક અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા.
દીવાનખંડની બાજુમાં એક અન્ય ખંડ હતો. જ્યારે કોઈ મિટિંગ ન હોય ત્યારે ત્યાં દીવાબત્તી થતાં નહીં. જવાબ મળ્યો, ‘હા, જી, આવી ગયા. સ્વામી બાજુના ખંડમાં છે.’ મેં એ ખંડમાં ડોકિયું કર્યું અને અંધારામાં સ્વામીને એકલા, ધ્યાનસ્થ જોયા. મને આ કંઈક અસામાન્ય જણાયું, પરંતુ એમને ખલેલ ન પહોંચાડવાની ઇચ્છાથી હું તુરત પાછો ફર્યો અને મારા સહાધ્યાયીઓ સાથે બેઠો. એક ભાઈ તો થોડાક સમય માટે જ આવ્યા હતા અને પછી પાછા ગયા. અમે ત્રણ જણા જ રહ્યા. એમાંથી બે મિત્રોએ તો એ સાંજે જ સ્વામીને મળી લીધું હતું. અંતે સ્વામી પેલા અંધકારમય ખંડમાંથી બહાર આવ્યા અને અમને મળ્યા.
સ્વામી તુરીયાનંદનો દેખાવ સ્વામી અભેદાનંદ કરતાં સાવ જુદો પડતો હતો. તેઓ થોડા નીચા હતા અને ચહેરો એટલો સુરેખ ન હતો, પરંતુ એમની રીતભાત સામી વ્યક્તિને તુરત જીતી લે એવી હતી. એમનો ચહેરો યુવાનોમાં જોવા મળે એવો તેજસ્વી અને નિખાલસ હતો. સ્વામી અભેદાનંદ કરતાં કદાચ તેઓ થોડાંક વર્ષ મોટા હતા. જો કે સ્વામી અભેદાનંદ એમની વયની સરખામણીમાં વધુ યુવાન જણાતા, તો સ્વામી તુરીયાનંદ કોલેજના જોશીલા, યુવાન સ્નાતક જેવા દેખાતા. સ્વામીનો ચહેરો એ સમયે તો એકદમ આનંદપૂર્ણ, બુદ્ધિશાળી, વિચારશીલ યુવાન જેવો જ દેખાતો હતો. પાછળથી મને જણાયું કે કોઈ પણ માનવ-ચહેરામાં જોવા મળે તેના કરતાં સ્વામીના ચહેરાનો ભાવ એમના મનોભાવ પ્રમાણે અનેક સ્વરૂપો ધારણ કરતો રહેતો. ક્યારેક એમનો ચહેરો અદ્ભુત તાકાત અને અદમ્ય ઇચ્છાશક્તિ પ્રતિબિંબિત કરતો તો કોઈ અન્ય સમયે બાહ્યજગતના સંબંધથી તેઓ જાણે દૂર દૂર ચાલ્યા ગયા હોય એવું જણાતું. ક્યારેક નમ્રતાની મૂર્તિ તો ક્યારેક હૂબહૂ નિર્દોષતા અને પવિત્રતાસભર બાળક જેવા ભાવો એમના ચહેરા પર જોવા મળતા.
સ્વામીએ સ્મિતસહ અમારા ખંડમાં પ્રવેશ કર્યો. એમનો મારી સાથે પરિચય કરાવવામાં આવ્યો. તેમનું વર્તન સાવ સહજ હતું અને મને તો જાણે કે હું મારા કોઈ જૂના મિત્રને મળતો હોઉં એવું લાગ્યું. એમણે કહ્યું, ‘ઓહ! તો તમે આવ્યા છો, મેં તમારા વિશે સાંભળ્યું છે.’ મેં તેમના આગમનથી અમને બધાંને કેટલી ખુશી થઈ છે એ તેમને કહ્યુંઃ ‘તમે જાણો છો, સ્વામી! અમે ભારતને અને એની પવિત્ર ભૂમિ તરફથી આવતી દરેક વ્યક્તિ અને દરેક બાબતને કેટલો પ્રેમ કરીએ છીએ?’
સ્વામી હસ્યા અને એમણે કહ્યું, ‘એ ખરેખર સારું છે. જો કે મને આ દેશમાં આવ્યાને બહુ સમય નથી થયો. (તેઓ ઇંગ્લેન્ડથી આવ્યા બાદ થોડા સમય સ્વામીજી સાથે મિ. લેગેટના ગ્રામ-નિવાસમાં રહ્યા હતા) મને અહીં ઘર જેવું જ લાગે છે. મેં ધાર્યું હતું એવું અજાણ્યું તો અહીં મને જણાતું જ નથી. મને લાગે છે કે માનવ-સ્વભાવ બધે સરખો જ હોય છે. મને તો એવું જણાય છે કે હું અહીં મિત્રોની વચ્ચે જ આવ્યો છું.’ મેં કહ્યું, ‘અને એ સાચું જ છે, સ્વામી!’ તેઓ ફરી હસ્યા. તેમણે કહ્યું, ‘સરસ! સરસ! હા, તમે બધાં માનાં સંતાનો છો અને હું જાણું છું કે તમે ભારતને ચાહો છો.’ પછી અમે થોડી અંગત વાતો કરી. જેવી કે, ‘તમારી દરિયાઈ મુસાફરી સરસ રહી? તમને દરિયો ‘લાગ્યો’ ખરો? આ દેશમાં તમારી તબિયત હવે કેવી રહે છે?’ વગેેરે. સ્વામીએ મારી વય અને વ્યવસાય વિશે પૃચ્છા કરી. પછી બોલ્યા, ‘તમને ખબર છે, મિ. કે. થોડુંક સંસ્કૃત જાણે છે?’ મેં કહ્યું, ‘હા, સ્વામી. એ ભારે હોશિયાર છે. મને લાગે છે કે મારાથી તો તમે ત્રાસી જ જશો. મને તો સંસ્કૃતના મૂળાક્ષરોની પણ કશી ખબર નથી.’
‘ઓહ, એની કોઈ ચિંતા નહીં,’ તેઓએ કહ્યું, ‘સંસ્કૃત શીખીને તમે શું કરશો? તેમાં નિપુણ થવામાં તો તમારો જન્મારો ચાલ્યો જાય. તમે તમારા સમયનો વધુ સારો ઉપયોગ કરો. ‘મા’ના બાળક બની રહો, અને હરહંમેશ એમનું ચિંતન કરો. પરંતુ મિ.કે. બહુ મજાના માણસ છે. તેમણે પ્રૌઢાવસ્થા વટાવી છે અને છતાં હજુ લગ્ન કર્યાં નથી, કેવું સરસ?’
‘હા, સ્વામી, તેઓ બહુ જૂના વિદ્યાર્થી છે, મારા તો એ પરમ મિત્ર, અને વળી સ્વામીજીને પણ એ સારી રીતે ઓળખે છે.’
‘ઓહ, એ જાણીને ખૂબ આનંદ થયો. તમે પણ હવે સ્વામીજીને મળવાના છો.’
‘સ્વામી,’ મેં કહ્યું, ‘મિ.કે.એ આપની સમક્ષ સંસ્કૃત શ્લોકોનો પાઠ કર્યો?’
‘ના, એમણે માત્ર મને એટલું કહ્યું કે તેઓ થોડુંક સંસ્કૃત શીખે છે.’
‘ઓહ, મિ.કે.,’ મેં કહ્યું, ‘તમે થોડાક શ્લોકોનો પાઠ કરો, સ્વામીને એ સાંભળીને ખૂબ આનંદ થશે.’ મિ. કે.ને વધુ આગ્રહની તો જરૂર જ ન હતી. એમણે તુરત જ શરૂ કર્યું. ‘वासांसि जीर्णानि यथा विहाय’ વગેરે. જેવી રીતે વ્યક્તિ જૂનાં વસ્ત્રો ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે દેહસ્થિત જીવાત્મા જૂનાં શરીર ત્યાગીને નવા દેહોમાં પ્રવેશે છે. (ગીતા ૨:૨૨)
‘આહ! કેટલું સરસ! ચાલુ જ રાખો, મિ.કે., આ તો અદ્ભુત છે,’ સ્વામીએ કહ્યું. મિ.કે. તો ખુશ ખુશ થઈ ગયા, સ્વામીને એમનો શ્લોકપાઠ ગમ્યો તેથી એમને ભારે પ્રસન્નતા થઈ, પછી સ્વામીએ મારી સાથે વાત કરી. મને કહ્યું, ‘મેં જાણ્યું છે, તે મુજબ તમે પણ લગ્ન કર્યાં નથી.’
‘ના, સ્વામી, હું બ્રહ્મચારી છું. સ્વામી અભેદાનંદે અમને બધી સ્ત્રીઓમાં અમારી માતાનાં દર્શન કરવાનું શિખવાડ્યું છે, અને હું એમ જ કરવા પ્રયત્નશીલ છું.’
‘હા, હા, અમારા ગુરુએ અમને એ જ શીખવ્યું હતું. એ સૌથી સલામત માર્ગ છે. એમ જ કરતા રહો, અને એ કદાપિ ભૂલો નહીં. અમારા ગુરુએ દરેક સ્ત્રી જગન્માતાની પ્રતિનિધિ છે એનો સાક્ષાત્કાર કર્યો હતો. દરેક સ્ત્રીમાં—સારી, ખરાબ કે અન્યમાં—તેમને વિશ્વ માતૃત્વનાં દર્શન થતાં. હું એટલો તો પ્રસન્ન છું. શિવ! શિવ! ઇંગ્લેન્ડ અને અહીં પણ મને કેટલા બધા સરસ લોકોને મળવાનું મળ્યું.’
‘પરંતુ, સ્વામી, અમે એટલા તો પ્રવૃત્તિશીલ અને ભૌતિકવાદી છીએ! અહીંના પાશ્ચાત્ય જીવનની દોડાદોડ તમને નારાજ નથી કરી દેતી?’
‘હા, સાચું, એક પ્રજા તરીકે તમે મૂળ જ ભૌતિકવાદી છો, પરંતુ મને અપવાદો પણ જોવા મળ્યા છે. વળી, પ્રવૃત્તિ કંઈ ખરાબ નથી. મને તમારી ઊર્જા ગમે છે, તમે કેટલા સજાગ અને કર્મશીલ છો! મને અહીં ક્યાંય આળસુપણું જોવા મળતું નથી. માત્ર આ ઊર્જાને સંયમિત કરવી જોઈએ. તે અંતર્મુખ પણ થવી જોઈએ. નિવૃત્તિમાં પ્રવૃત્તિ—પણ યાદ રાખો, આળસ નહીં. તમારી પ્રજા હજુ ઘણી યુવાન છે. તમારે જીવનની થોડી મજા તો કરી જ લેવી જોઈએ. ભારતમાં અમને જીવનની મજા કેમ માણવી એ જ ખબર નથી. અમે એ ભૂલી ગયા છીએ. તમે ધીમે ધીમે જીવનનાં આધ્યાત્મિક પાસાં તરફ વધુ ધ્યાન આપશો, તો અમે થોડી વધુ ભૌતિક સગવડો અને મજા મેળવીશું. પૂર્વ અને પશ્ચિમ આ રીતે જોડાશે, આ બન્ને સંસ્કૃતિઓએ શીખવાનું છે. પરંતુ ભારત સર્વોચ્ચ આદર્શ ધરાવે છે. પશ્ચિમને હજુ એની કદર થઈ નથી. પરંતુ એ પણ હવે થઈ રહ્યું છે.
‘हरि: ॐ तत् सत्।’ પછી સ્વામીએ ખૂબ ધીમા સ્વરે જપ શરૂ કર્યો: ‘ॐ, ॐ, ॐ, ॐ.’
Your Content Goes Here