(‘ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ’ વિષયક આ શૃંખલામાં આ અંકમાં એક વધુ પીંછું ઉમેરાઈ રહ્યું છે. – સં.)
પંડિત ત્રણ પ્રકારના હોય છે. એક તો, જે ખરેખર પંડિત છે અને પંડિતાઈનો દેખાવ પણ કરે છે તે. બીજા મૂર્ખ હોવા છતાં પોતે પંડિત હોવાનો ડોળ કરે છે તે. અને ત્રીજા, જે બહુ જ વિરલ હોય છે, ખરેખર પંડિત હોવા છતાં કોઈ અહંકાર નહીં, પંડિતાઈનો દેખાવ નહીં તે.
૨૫મી જુલાઈ, ૧૯૨૭ના દિવસે કેશોદ તાલુકાના (જિ. જુનાગઢ) શેરગઢ ગામે જન્મેલા શ્રી કેશવલાલ વિઠ્ઠલજી શાસ્ત્રી આ ત્રીજા પ્રકારના પંડિત હતા. યોગાનુયોગ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સ્થાપના પણ ૧૯૨૭માં થઈ હતી. તેમનું મૂળ નામ કેશવલાલ મહેતા હતું. શાસ્ત્રીની ઉપાધિ મળવાથી તેઓએ શાસ્ત્રી અટક અપનાવી હતી.
અંગ્રેજીમાં કહેવત છે—‘Where there is a will, there is a way’—‘જ્યાં ચાહ, ત્યાં રાહ’. શ્રી શાસ્ત્રીજીના જીવનમાંથી આપણને આ કહેવતનું પ્રમાણ મળે છે. આંખો બાળપણથી જ ખૂબ નબળી—એમાં પણ એક આંખ તો સાવ જ કામ કરતી ન હતી, અને બીજી પણ સાવ નબળી હતી—તેથી ડોક્ટરે અંધાપો આવવાની બીકે ભણવાની ના કહી હતી. અધ્યયનની એટલી પ્રબળ ઇચ્છા કે તેમણે શાળામાં દાખલ ન થઈ ઘરે જ અધ્યયન શરૂ કર્યું.
આ જ પરિસ્થિતિમાં તેઓ સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, વારાણસીથી ૧૯૫૪માં ‘વેદાન્તાચાર્ય’ થયા, એટલું જ નહીં પણ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો, જે તેમણે તેમના ગુરુ શ્રી દીનાનાથ ઝાને ગુરુદક્ષિણારૂપે અર્પણ કરી દીધો, જે ગુરુ પ્રત્યેના તેમના અહોભાવનું એક વિરલ ઉદાહરણ છે. ત્યારબાદ ૧૯૬૭માં ગુજરાત વિદ્યાપીઠમાંથી ‘શિક્ષા-વિશારદ’ની પદવી પ્રાપ્ત કરી. તેમાં પણ તેઓ પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને આવ્યા અને પછી પ્રયાગ વિશ્વવિદ્યાલય દ્વારા તેમને ‘સાહિત્યરત્ન’ની પદવી પણ પ્રાપ્ત થઈ.
બીજા પક્ષે, તેઓ અત્યંત અધ્યાત્મ-પરાયણ, નિરહંકારી અને નિરાભિમાની હતા. એટલો સરળ માનવીય વ્યવહાર, પછી તે તેમના શિષ્યો હોય કે અન્ય અધ્યાપકો હોય, સંન્યાસીઓ હોય કે ધર્મગુરુ હોય કે પછી પરિવારજન હોય—દરેક માટે અત્યંત નિશ્છલ અને સરળ. ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની સાચી ભાવના એવી કે જે કોઈ તેમને મળે તેને આત્મીયતાનો ભાવ અનુભવવા મળે.
ત્રણ ડીગ્રીઓ પ્રાપ્ત કર્યા બાદ તેમણે ‘વિદ્યાવાચસ્પતિ’—Ph.D. માટે બહુ પ્રયત્ન કર્યો. મહારાજા સયાજીરાવ યુનિ; વડોદરાના શ્રી મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ તેમણે ગીતા ઉપર ૧૫ અધ્યાય સુધીનું કાર્ય કર્યું, ત્યાં નિકટના પરિજનના મૃત્યુ જેવી કેટલીક એવી કૌટુંબિક ઘટનાઓ ઘટી કે એ કાર્ય અધૂરું રહ્યું.
વળી કેટલાક સમય બાદ શ્રી મોદી સાહેબનું પણ મૃત્યુ થયું. શાસ્ત્રીજીનું મન ભાંગી ગયું, અને આમ તેઓ ડોક્ટરેટ પૂરું કરી ન શક્યા.
૧૯૪૭ થી ૧૯૮૭ સુધીના અધ્યાપન કાર્ય દરમિયાન તેઓ જેતપુર, બગસરા અને પછી ૩૩ વર્ષ જેટલા સુદીર્ઘ સમય માટે વિરાણી હાઇસ્કૂલ, રાજકોટમાં શિક્ષક તરીકે વ્યસ્ત રહ્યા. તેમને એક સમયે હેડમાસ્તર બનવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મારું કામ ભણવું-ભણાવવું છે, વહીવટી કાર્ય કરવાનું નહીં.
દેશ-વિદેશમાં વસેલા તેમના વિદ્યાર્થીઓ આજે પણ શાસ્ત્રીજી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.
આ દરમિયાન ૧૯૫૪માં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના તત્કાલીન અધ્યક્ષ અને પછીથી સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ૧૨મા પરમાધ્યક્ષ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના સંપર્કમાં તેઓ આવ્યા. મહારાજ તેમનાથી ખૂબ પ્રભાવિત થયા અને તેમના કહેવાથી શાસ્ત્રીજીએ બ્રહ્મચારીઓને સંસ્કૃત શીખવવાનું શરૂ કર્યું. અન્ય સંસ્થાઓને ખબર પડતાં સ્વામિનારાયણ, વૈષ્ણવ સંપ્રદાયોના આચાર્યો વગેરેએ પણ પોતાની સંસ્થાઓમાં સંસ્કૃત સાહિત્ય શીખવવાના આગ્રહથી તેમણે એ કાર્ય પણ કર્યું. આમ તેઓ ગુરુઓના પણ ગુરુ હતા. ઉપનિષદ, સંસ્કૃત, વેદાંત-દર્શન વગેરે વિષયો પર શ્રીરામકૃષ્ણ આશ્રમમાં સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ માટે વર્ગો શરૂ થયા. શાસ્ત્રીજી ‘હાર્ડ ટાસ્ક માસ્ટર’ હતા, હોમવર્ક પણ આપતા અને તપાસતા. ૧૯૫૪થી શરૂ થયેલ તેમની આ યાત્રા ૨૦૧૮ સુધી, તેમના દેહાંત સુધી અવિરત ચાલુ રહી અને ઘનિષ્ઠ રીતે તેઓ આશ્રમ સાથે સંલગ્ન રહ્યા.
તેમણે પોતાની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન અનેક પુસ્તકો લખ્યાં. માધ્યમિક શાળાઓ માટે વિભિન્ન વિષયો પર ૧૯ પુસ્તકો તેમજ M.Ed. અને B.Ed. ના વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકો લખ્યાં.
શ્રીરામકૃષ્ણ આશ્રમના પ્રકાશન વિભાગ માટે ‘શ્રીરામકૃષ્ણ દર્શનમ્’ જેવાં પંદરથી વધુ પુસ્તકોનો અનુવાદ કર્યો. શ્રીરામકૃષ્ણ આશ્રમના માસિક મુખપત્ર ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં ૨૦૦ થી વધુ લેખોનું લેખનકાર્ય કર્યું. એટલું જ નહીં, લગભગ ૨૫ વર્ષ સુધી તેમણે અન્યોની સહાયથી સંપાદનકાર્ય પણ કર્યું.
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના સંપાદક મંડળના સભ્ય પણ રહ્યા. તેમણે ભાષા અને વિષયવસ્તુ તેમજ સિદ્ધાંત બાબતે બિનસમાધાનકારી વલણ દર્શાવી આ માસિકનું સ્તર ઊંચું રાખવા માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત, સ્વામી વિવેકાનંદે અક્ષયકુમાર સેન રચિત જે ૬૫૦૦ પંક્તિઓવાળા બંગાળી પુસ્તક ‘રામકૃષ્ણ પૂંથિ’ની ભરપૂર પ્રશંસા કરી હતી, તેમાંની ઘણી ખરી પંક્તિનો ગુજરાતીમાં સમશ્લોકી અનુવાદ પણ તેમણે કર્યો.
સ્વામી વિવેકાનંદના પુસ્તક ‘રાજયોગ’ના શાસ્ત્રીજીએ સંસ્કૃતમાં કરેલા અનુવાદનું રામકૃષ્ણ મઠ અને મિશન, બેલુર મઠ દ્વારા પ્રકાશન કરવામાં આવ્યું.
આકાશવાણી ઉપર પણ તેમના ૫૦થી વધુ વાર્તાલાપો પ્રસારિત થયા છે. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં પ્રકાશિત શ્રેષ્ઠ ૧૧ લેખોનો સંગ્રહ પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ દ્વારા ‘અધીતની અન્વીક્ષા’ પુસ્તકરૂપે પ્રકાશિત થયો. તેમણે લખેલ પુસ્તક ‘વેદાંત પરિભાષા’ સોમનાથ સંસ્કૃત યુનિ. દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું અને પાઠ્યપુસ્તક તરીકે સ્વીકૃતિ પામ્યું.
સુપ્રસિદ્ધ પ્રકાશન સંસ્થા ‘ચૌખમ્બા સંસ્કૃત પ્રતિષ્ઠાન’ દ્વારા શાસ્ત્રીજી રચિત ‘ઉપનિષત્સંચયનમ્’ ત્રણ ખંડમાં પ્રકાશિત કરવામાં આવ્યું. તે એક અલભ્ય ગ્રંથ છે અને એ શાસ્ત્રીજી તરફથી સાહિત્યને એક અભિનવ અને બહુ મોટું પ્રદાન છે. આમાંથી પહેલા ખંડમાં પ્રમુખ ૧૦ ઉપનિષદો અને કુલ મળીને ત્રણેય ખંડોમાં ૧૦૮ને બદલે વિરલ અને જે અલભ્ય છે, તેવાં કુલ ૧૧૧ ઉપનિષદોનો અનુવાદ છે. આ ઉપરાંત ‘ચૌખમ્બા સંસ્કૃત પ્રતિષ્ઠાન’ દ્વારા જ ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા—શાંકર-ભાષ્ય સહિત’ પુસ્તક પણ પ્રકાશિત કરવામાં આવ્યું. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ જીવનપર્યંત તેમનું લેખનકાર્ય ચાલુ રહ્યું.
શ્રી શાસ્ત્રીજી અકિંચન હતા. કોઈપણ કાર્ય નિઃશુલ્ક, નિ:સ્વાર્થ ભાવે માત્ર અને માત્ર સેવાના રૂપે જ કરતા. ૧૯૯૬માં તેમના પર એક મોટું ઓપરેશન થયું હતું. તે વખતે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટે તેમના એ ઓપરેશનનો તમામ ખર્ચ આપવાનું કહ્યું, ત્યારે તેમણે કહ્યું, ‘હું ગૃહસ્થ છું, સંન્યાસી પાસેથી પૈસા લઈ ન શકું.’ ૨૦૦૪માં તેમની કામ કરતી એકમાત્ર આંખના મોતિયાનું ઓપરેશન થયું ત્યારે પણ આ જ વાત કહી તેમણે ના પાડી દીધી. તેમને ક્યારેય પૈસા કે ખ્યાતિની સ્પૃહા ન હતી.
તેમના કેટલાયે શિષ્યો આજે અત્યંત ઊંચા હોદ્દા પર છે અને પોત-પોતાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત છે. એવા જ એક શિષ્ય શ્રી હરીશભાઈ ઝવેરી, જેઓ સુપ્રિમ કોર્ટના એડવોકેટ હતા, તેમણે શાસ્ત્રીજીનાં ખૂબ સુંદર સંસ્મરણો લખ્યાં છે.
સાંદિપની સંસ્થા, પોરબંદર તરફથી સમગ્ર દેશમાંથી સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠતમ વ્યક્તિને આપવામાં આવતો ‘સાંદિપની ગૌરવ પુરસ્કાર— બ્રહ્મર્ષિ’થી ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા તેમને વિભૂષિત કરવામાં આવ્યા.
સીતારામ સેવા ટ્રસ્ટ, મહુવા દ્વારા ૨૦૧૨માં સંસ્કૃત સાહિત્યનો સર્વોચ્ચ ‘વાચસ્પતિ’ પુરસ્કાર સુપ્રસિદ્ધ રામાયણી શ્રી મોરારીબાપુના વરદ હસ્તે તેમને એનાયત કરવામાં આવ્યો.
શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા પણ ઘણી વખત તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું છે.
આમ, કેશવલાલ શાસ્ત્રીનું જીવન એક અદ્ભુત જીવન છે. સ્વામીજી કહે છે: કેટલાક લોકો એવા હોય છે જે બહારથી મહાન દેખાય છે અને અંદરથી પણ મહાન હોય છે. તે તો મહાન છે જ. કેટલાક બહારથી સામાન્ય દેખાય છે પણ અંદરથી મહાન હોય છે, તે પહેલાં કરતાં પણ વધુ મહાન છે. શાસ્ત્રીજી આવા બીજા પ્રકારના પંડિત હતા. જ્ઞાનની ચર્ચામાં, અદ્વૈતજ્ઞાનમાં પ્રતિષ્ઠિત, બહારથી આત્મીય વ્યવહાર પણ ભીતરથી નિ:સ્પૃહ. અદ્વૈત વેદાંતને તેમણે આચરણમાં લાવી બતાવ્યું હતું. શ્રીરામકૃષ્ણદેવે કહ્યું હતું, ‘અદ્વૈતના જ્ઞાનને આંચલમાં રાખી જે કરવું હોય તે કરો’, એનું ગૃહસ્થોમાં જો કોઈ ઉત્કૃષ્ટ ઉદાહરણ હોય તો તે છે શ્રી કેશવલાલ શાસ્ત્રી.
હું મારી વ્યક્તિગત વાત કરું તો ૧૯૮૯માં હું જ્યારે રાજકોટ આવ્યો, ત્યારે ગુજરાતી ભૂલી ગયો હતો. કારણ કે ઘણાં વર્ષો મેં બંગાળ અને રાંચીમાં વિતાવ્યાં હતાં. ત્યારે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું સંપાદન કાર્ય શ્રી મનસુખભાઈ મહેતાની સહાયથી તેઓ જ કરતા. આમ, પ્રકાશન વિભાગના તેઓ આધારસ્તંભ હતા.
તેમનાં પુત્રીઓ-પુત્ર, પૌત્ર, દોહિત્રો તથા એ બધાંની પત્નીઓ—તમામ પરિવારજનો દીક્ષિત છે. તેમના સુપુત્ર શ્રી નલિનભાઈ છેલ્લાં ૨૦ વર્ષથી આશ્રમના બધા જ કાર્યક્રમોનું સંચાલન કરે છે અને સેવાનિવૃત્ત થયા પછીના બીજા જ દિવસથી આશ્રમમાં સેવા આપી રહ્યા છે. આમ, પિતાના પગલે તેમણે પણ પોતાનું બાકીનું જીવન આશ્રમની સેવામાં સમર્પિત કરી દીધું છે. આ પરથી આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રીજીનો પરિવાર સંપૂર્ણપણે શ્રીરામકૃષ્ણદેવના રંગે રંગાયેલો છે.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૨૦૨૭માં શતાબ્દી ઉજવશે. જ્યારે પણ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો ઇતિહાસ લખાશે ત્યારે શ્રી શાસ્ત્રીજીનું નામ તેમાં અવશ્ય સામેલ હશે. શ્રી શાસ્ત્રીજીએ ૨૧મી માર્ચ, ૨૦૧૮ના દિવસે શરીર છોડી દીધું અને ઠાકુરધામમાં પહોંચી ગયા.
તેમના પરિવારજનોને ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના અવિરત આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરીએ.
Your Content Goes Here