(21 જુલાઈ, ગુરુપૂર્ણિમાના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એકનિષ્ઠ સ્વયંસેવક છે. – સં.)

અષાઢ માસની પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા. વેદ-વિભાજનના કર્તા, બ્રહ્મસૂત્રો અને મહાભારતના રચયિતા મહર્ષિ વ્યાસનો આવિર્ભાવ અને મહાસમાધિનો પાવન દિવસ. તેઓ વૈદિક જ્ઞાનના સર્વોત્તમ પ્રદાતા હોવાને કારણે સર્વ હિંદુઓ તેમને મહાનતમ ગુરુ તરીકે સ્વીકારે છે અને તેમના આવિર્ભાવ દિવસને ગુરુપૂર્ણિમા તરીકે ઊજવે છે.

મહર્ષિ પતંજલિ યોગસૂત્ર (૧.૨૬)માં જણાવે છે કે— स: एष: पूर्वेषामपि गुरु: कालेनावच्छेदात्। અર્થાત્‌ ઈશ્વર પ્રાચીન ગુરુઓના પણ ગુરુ છે, કારણ કે તેઓ કાળની મર્યાદાથી પર છે.

એટલે શ્રીરામકૃષ્ણદેવ કહે છે, ‘ગુરુ એક સચ્ચિદાનંદ. ઉપદેશ એ જ આપે. માણસ ગુરુ થઈ શકે નહીં.’ મહાભારત અને પુરાણોમાં નારાયણ, શિવ, બ્રહ્મા અથવા પાર્વતીનો આદિ ગુરુ તરીકે ઉલ્લેખ છે. તેઓએ બ્રહ્મવિદ્યા કે ગુરુમુખી જ્ઞાન નારદ, વ્યાસને આપ્યું અને આમ ગુરુ-પરંપરાનો આરંભ થયો.

ઔપનિષદિક ધારા અનુસાર ગુરુ રૂપે સૌ પ્રથમ સૃષ્ટિકર્તા બ્રહ્માનું પ્રગટીકરણ થયું હતું. તેઓ સત્ત્વના સર્વોત્તમ ધારક હોવાને કારણે તેમના અંતરાત્માએ ગુરુ રૂપે તેમને જ્ઞાનબોધ આપ્યો હતો. ઉપનિષદોમાં ગુરુ-પરંપરાનાં દર્શન થાય છે. કઠોપનિષદમાં જોવા મળે છે તેમ પ્રેયનો પૂર્ણતઃ પરિત્યાગ કરીને શ્રેયનું સર્વતોભાવેન વરણ કરનાર ઉત્તમોત્તમ શિષ્ય નચિકેતાને મૃત્યુદેવતા યમ બ્રહ્મવિદ્યાનું પરમજ્ઞાન પ્રદાન કરે છે. મુંડકોપનિષદમાં બ્રહ્મા, અથર્વ, અંગિરા, ભારદ્વાજ ઇત્યાદિ ગુરુ-શિષ્ય પરંપરાનું આલેખન છે. પ્રશ્નોપનિષદમાં ગુરુ પિપ્પલાદ સાથેના સુકેશા, સત્યકામ, સૌર્યાયણિ, કૌસલ્ય, ભાર્ગવ અને કબન્ધી એ છ શિષ્યોનો પ્રશ્નોત્તર-સંવાદ જોવા મળે છે. છાંદોગ્ય ઉપનિષદમાં ગુરુ-શિષ્ય પરંપરાનુસારના રાજા જાનશ્રુતિ અને ગાડાવાળા રૈક્ય, ગૌતમ ઋષિ અને સત્યકામ, શ્વેતકેતુ અને આરુણિ, સનત્કુમાર અને નારદ, પ્રજાપતિ અને ઇન્દ્ર—વચ્ચેના અધ્યાત્મ જ્ઞાનના સંવાદો જોવા મળે છે.

શંકરાચાર્યનું કથન છે, ‘ગુરુ-શિષ્ય પરંપરાને કારણે પરમજ્ઞાન સુરક્ષિત રહે છે.’ જન્મદાયિની માતા સૌ પ્રથમ જ્ઞાનદાતા છે. તેથી ઉપનિષદ વદે છે—मातृदेवो भव। જન્મ બાદ તે બાળકને કેવી રીતે ખાવું-પીવું, સૂવું, ચાલવું, બોલવું, પહેરવું, વર્તવું ઇત્યાદિનું પ્રાથમિક અને નિત્ય આવશ્યક જ્ઞાન શીખવે છે.

ભૌતિક જ્ઞાન આપનાર શિક્ષકો-પ્રાધ્યાપકો વગેરે બીજા ક્રમના જ્ઞાનદાતા છે. તેઓ વિદ્યાદાતા કહેવાય. બાળમંદિરથી ઉચ્ચ શિક્ષણ પર્યંતનું જ્ઞાન ઐહિક સુખની પ્રાપ્તિ કરાવે છે. આવા જ્ઞાનદાતા સેંકડો હોઈ શકે.

આધ્યાત્મિક જ્ઞાન પ્રદાન કરનાર ‘ગુરુ’ છે. આધ્યાત્મિક ગુરુ અધ્યાત્મ-જ્ઞાન પ્રદાન કરે છે અને મંત્રદાન પણ કરે છે. તે દીક્ષાદાતા ગુરુ પણ છે, પરમ ગુરુ છે, પરાપર ગુુરુ છે, પરમેષ્ટિ ગુરુ છે. આવા ગુરુ આત્મસાક્ષાત્કારનાં દ્વાર ઉન્મુક્ત કરે છે. આધ્યાત્મિક જીવનમાં ગુરુની આવશ્યકતા અનિવાર્ય છે.

શ્રીરામચંદ્રના ગુરુ હતા વસિષ્ઠ, શ્રીકૃષ્ણના ગુરુ હતા સાંદિપની, દેવોના ગુરુ હતા બૃહસ્પતિ, અસુરોના ગુરુ હતા શુક્રાચાર્ય, શ્રીચૈતન્યના ગુરુ હતા ઈશ્વરપુરી. ગુરુ-શ્રેણીમાં ઉપાધ્યાય, આચાર્ય અને ગુરુ એવી ઉત્તરોત્તર કક્ષાઓ છે.

ગુરુ-શિષ્ય પરંપરામાં જ્ઞાનબોધ અને મંત્રદીક્ષા એવાં બે અંગ છે. મંત્રદીક્ષા દ્વારા પ્રાપ્ત થતા મંત્રોના વિભિન્ન પ્રકાર છે—વૈદિક, પૌરાણિક, તાંત્રિક અને પરંપરાગત. વેદોની પ્રત્યેક પંક્તિ મંત્ર છે, પરંતુ ચાર વેદનાં ચાર મહાવાક્ય—अहं ब्रह्मास्मि, तत्त्वमसि, अयमात्मा ब्रह्म અને  प्रज्ञानं ब्रह्म એ અપરોક્ષાનુભૂતિ કરાવવામાં સમર્થ છે. મંત્ર પ્રાયઃ ચાર અંશનો બનેલો હોય છે. પ્રથમ આવે છે— ‘ૐ’ જે સગુણ બ્રહ્મનો સૂચક છે. દ્વિતીય છે—બીજમંત્ર. તે ઇષ્ટને બ્રહ્મ સાથે સંયુક્ત કરે છે. કેટલાક મંત્રોમાં તેમ કરાતું નથી. તૃતીય છે—ઇષ્ટનું નામ. ચતુર્થ ભાગ છે—नमः જેવો શબ્દ, જે મંત્રનું આત્માનુસંધાન કરે છે. આ અંશ પણ કેટલાક મંત્રમાં નથી હોતો.

શ્રીમા શારદાદેવી અવારનવાર કહેતાં, ‘जपात्‌ सिद्धि। ગુરુ પ્રદત્ત મંત્ર ઈશ્વરદર્શન કરાવે છેે.

ગુરુ-પરંપરામાં શિષ્ય માટે ગુરુ-નિષ્ઠા અત્યાવશ્યક છે. ઉપનિષદોમાંનાં ઉપમન્યુ, ઉદ્દાલક, આરુણિ, નચિકેતા, સત્યકામ ઇત્યાદિ પાત્રો ગુરુ-નિષ્ઠાનાં જ્વલંત દૃષ્ટાંત છે. એકલવ્યે જંગલમાં ગુરુની મૃણ્મયી મૂર્તિ બનાવીને નિષ્ઠાપૂર્વક ગુરુ-આરાધના કરી હતી અને ગુરુ દ્રોણાચાર્યની અનુપસ્થિતિમાં—પરોક્ષ રૂપે ધનુર્વિદ્યામાં પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું હતું.

જેમ દીક્ષાગુરુ હોય છે, તેમ શિક્ષાગુરુ પણ હોય છે. શ્રીમા શારદાદેવી કહેતાં કે, ‘દીક્ષાગુરુ એક જ હોવા જોઈએ, ભલે શિક્ષાગુરુ અનેક હોય.’ દીક્ષાગુરુ બદલી શકાતા નથી. ભાગવતમાં અવધૂતના ચોવીસ ગુરુ હતા—પૃથ્વી, વાયુ, આકાશ, અગ્નિ, ચંદ્ર, સાગર, મધમાખી, હાથી, હરણ, માછલી વગેરે. આ સૌ શિક્ષાગુરુ કહેવાય કે જેમની પાસેથી સાધક અધ્યાત્મ-માર્ગમાં આવશ્યક ગુણનિધિ પ્રાપ્ત કરી શકે. શું આપણે પણ સાકરનો ગાંગડો જોઈને તેને ખાવા દોડી જતી અસંખ્ય કીડીઓની અવિચ્છિન્ન હારમાળા જોઈને કંઈ ન શીખી શકીએ? —સાધક જીવનમાં નિરંતર ખંત.

જગદ્ગુરુ શ્રીરામકૃષ્ણ

આદિ ગુરુ શિવ, श्रीकृष्णं वंदे जगद्‌गुरुम्‌, ઇત્યાદિની પ્રાચીન ગુરુ-પરંપરાના ક્રમમાં આપણને શ્રીરામકૃષ્ણદેવ જગદ્‌ગુરુ રૂપે સાંપડ્યા છે. શંકરાચાર્ય ‘પ્રશ્નોત્તર-રત્ન-માલિકા’માં કહે છે — को गुरुः। अधिगततत्त्वः शिष्य-हिताय उद्यतः – सततम्‌।। કોણ ગુરુ છે? જેણે તત્ત્વ જાણ્યું છે અને શિષ્યના કલ્યાણ અર્થે નિરંતર ઝંખે છે.

શ્રીરામકૃષ્ણદેવે સગુણ સાકાર, સગુણ નિરાકાર અને નિર્ગુણ નિરાકાર—સૌનો આત્મસાક્ષાત્કાર કર્યો હતો અને જેવો અધિકારી, તેવી અનુભૂતિ પણ અન્યને કરાવી હતી. તેઓ દૃષ્ટિ, સ્પર્શ કે કથન—ગમે તે માધ્યમથી અધ્યાત્મજ્ઞાનનું અન્યમાં પ્રવહન અને સંચરણ કરતા હતા. છતાંય કોઈ જો ગુરુ, બાબા અને માલિક કહે તો તેમને કાંટો વીંધાવા જેવું લાગતું. તેઓ કહેતા, ‘એક સચ્ચિદાનંદ સિવાય બીજો ગુરુ નથી, તેમના સિવાય બીજો કોઈ ઉપાય નથી. એકમાત્ર તે જ ભવસાગરના સુકાની છે. ઈશ્વર જ ગુરુ.’

સ્વામી યોગાનંદ પૂર્વજીવનમાં વિવાહિત હતા, તેથી તેઓ વિચારતા કે હવે તેમનું જીવન વિફળ ગયું. એક વાર શ્રીરામકૃષ્ણે તેમનો હાથ પકડીને કહ્યું, ‘લગ્ન કર્યાં તે શું થઈ ગયું? અહીંની કૃપા હોય તો એક શું, લાખ લગ્ન કર તોય તારું કંઈ બગડશે નહીં.’ આવું હતું જગદ્‌ગુરુનું સામર્થ્ય!

શ્રીરામકૃષ્ણ કહેતા, ‘ગુરુકૃપાથી મુક્તિ. ગુરુકૃપા હોય તો કશો ભય નહિ. ગુરુવાક્યમાં શ્રદ્ધા જોઈએ. ગુરુની કૃપા થાય તો બધી ગાંઠો (અષ્ટપાશ) એક ઘડીમાં છૂટી જાય. ગુરુરૂપી શ્રીભગવાન સ્વ-સ્વરૂપને જણાવે છે. ગુરુની ઇષ્ટભાવે પૂજા કરવી જોઈએ. ગુરુને ઇષ્ટ રૂપે જાણો. જો માણસ ગુરુરૂપે ચૈતન્ય કરે, તો જાણવું કે સચ્ચિદાનંદે જ એ રૂપ ધારણ કર્યું છે. ગુરુ જાણે કે સાથી, હાથ ઝાલીને લઈ જાય.’

ગુરુ શિષ્યને અનુકૂળ એવું અન્ન તૈયાર કરી શકે છે, પરંતુ શિષ્યે તે આરોગવાનું છે, નહીંતર તે ભૂખ્યો રહેશે. રામકૃષ્ણ સંઘમાં શ્રીરામકૃષ્ણદેવને જ ગુરુ માનવામાં આવે છે. રામકૃષ્ણ સંઘની મહત્તા એ છે કે તેમાં આત્મસાક્ષાત્કારી ગુરુઓની પરંપરાનું સાતત્ય છે. ચાલો, આપણે સચ્ચિદાનંદ ગુરુને પ્રાર્થના કરીએ કે આર્યકાલીન ગુરુ-પરંપરા ભારતવર્ષમાં સર્વત્ર અક્ષુણ્ણપણે નિરંતર જળવાઈ રહે—અર્વાચીનકાળમાં પણ.

Total Views: 246

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.