ગીતાના ચોથા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, “આ અવિનાશી યોગ મેં વિવસ્વાનને કહ્યો હતો, વિવસ્વાને એ મનુને, (અને) મનુએ એ ઈક્ષ્વાકુને કહ્યો હતો.” અર્જુનને આ સાંભળી આશ્ચર્ય થયું. તેણે ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું, “આપનો જન્મ તો હમણાં થયેલો છે અને વિવસ્વાન(સૂર્ય)નો જન્મ પહેલાંનો છે માટે આપે આ યોગ પહેલાં કહ્યો, એમ હું શી રીતે જાણું?” ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું, “હું અને તું અનેક જન્મોમાંથી પસાર થઈ ગયા છીએ. હે અર્જુન, એ બધાને હું જાણું છું. તું, પરંતપ તે જાણતો નથી!”
આધુનિક માનવ અર્જુનની જેમ જ શ્રીકૃષ્ણની માનવલીલા વિશે જાણી સંશયમુક્ત થઈ જાય છે. તે શ્રીકૃષ્ણને સાધારણ રૂપે જુએ છે. ભગવાન શ્રીકૃષ્ણ આધુનિક માનવના અને અર્જુનના સંશયને દૂર કરવા પોતે ‘અવતાર’ છે તે વાતની પુષ્ટિ કરતાં કહે છે-
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे॥
“હે ભરત કુલોત્પન્ન, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મ વધે છે ત્યારે હું દેહ ધારણ કરું છું. સાધુજનોના રક્ષણને માટે, દુષ્ટોના નાશને માટે, અને ધર્મની સંસ્થાપના કરવા માટે હું યુગે યુગે જન્મ ધારણ કરું છું.”
પૂર્ણ બ્રહ્મ પરમેશ્વર, સચ્ચિદાનંદ સ્વરૂપ જે અવિનાશી છે, અજન્મા છે, શું તે માનવનું રૂપ ધારણ કરી પૃથ્વીલોકમાં અવતરણ કરી શકે? આવો પ્રશ્ન આધુનિક મનમાં થાય છે. અર્જુન પણ શ્રીકૃષ્ણને સખારૂપે જ, એક માનવરૂપે જ જુએ છે, માટે ભગવાન શ્રીકૃષ્ણ આ સંશય દૂર કરવા ઉપરોક્ત શ્લોકોના માધ્યમથી પોતે સ્વીકાર કરે છે કે તેઓ ઈશ્વરના અવતાર છે. ઈશ્વરના અવતારનું પ્રયોજન પણ અહીં તેઓ દર્શાવે છે—ધર્મની સ્થાપના અને અનિષ્ટ તત્ત્વોનો વિનાશ.
રોજિંદા જીવનમાં આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ નાનો એવો ગુનો થઈ રહ્યો હોય ત્યારે પોલીસને મોકલવામાં આવે છે, મોટી ઘટના બની હોય તો પોલીસ ઓફિસરને મોકલવામાં આવે છે, પણ જ્યારે સ્થિતિ બેકાબૂ બની જાય છે ત્યારે સૌથી મોટા અધિકારી જાતે જ આ કટોકટીવાળી પરિસ્થિતિને નિયંત્રિત કરવા પહોંચી જાય છે. એવી જ રીતે સમાજનાં દૂષણોને દૂર કરવા આચાર્યો, સંતો, ધર્મોપદેશકો જન્મ ધારણ કરે છે. પણ પરિસ્થિતિ જ્યારે અત્યંત વણસી ગઈ હોય, મોટા પાયે અધર્મ ફેલાઈ ગયો હોય ત્યારે ઈશ્વર પોતે મનુષ્યદેહ ધારણ કરી પૃથ્વી પર અવતરે છે.
ભગવાન શ્રીકૃષ્ણ અવતાર રૂપે પ્રગટ થયા ત્યારે સમાજની સ્થિતિ અત્યંત કથળી ગઈ હતી. કંસ જેવા ક્રૂર ઘાતકી રાજાઓએ આતંક મચાવ્યો હતો. દુર્યોધન, દુઃશાસન વગેરે દુષ્ટો પ્રજા પર અત્યાચારો કરતા હતા, ભરી સભામાં નારીઓનું અપમાન થતું હતું, મૂલ્યોનું ધોવાણ થતું હતું. ત્યારે યુગાવતાર ભગવાન શ્રીકૃષ્ણે મનુષ્યરૂપે અવતરીને ધર્મની પુનઃસ્થાપના કરી અને દુષ્ટોનો વિનાશ કર્યો.
શ્રીમદ્ ભાગવતમાં ભગવાન શ્રીકૃષ્ણ વિશે કહેવામાં આવ્યું છે—एते चांशकलाः पुंसः कृष्णस्तु भगवान् स्वयम्। બીજા અવતારો તો ઈશ્વરના અંશ કે કલારૂપ હતા, કૃષ્ણ તો સ્વયં પરમેશ્વર પોતે જ છે.
સ્વામી વિવેકાનંદજી કહેતા, “કોઈપણ દૃષ્ટિકોણથી જુઓ તો પણ તમને પ્રતીતિ થશે કે શ્રીકૃષ્ણનું ચરિત્ર સર્વાંગસંપૂર્ણ છે. એમ જ માનો કે જ્ઞાન, કર્મ, ભક્તિ, યોગ કે સર્વનું તેઓ પ્રત્યક્ષરૂપ છે.”
ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વને સર્વશ્રેષ્ઠ ભેટ છે—ગીતાના જ્ઞાનની. આધુનિક માનવની બધી સમસ્યાઓનો ઉકેલ તેમાં મળી જાય છે.
આધુનિક માનવ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. ક્યારેક તે હિંમત હારી જાય છે, કાયરતા અને દુર્બળતાનો શિકાર બની જાય છે અને પલાયનવાદનો આશરો લે છે. વિદ્યાર્થી હોય તો પરીક્ષામાં ‘ડ્રોપ’ લે છે, ગૃહસ્થ હોય તો સંસારધર્મ છોડી વનમાં જવાનો વિચાર કરે છે. (જો કે આ સ્મશાન-વૈરાગ્ય વધુ સમય ટકતો નથી) તો વળી કોઈ વિવિધ પ્રકારનાં વ્યસનોનો આશરો લઈ સમસ્યાઓને ભૂલવાનો પ્રયાસ કરે છે. કોઈ કોઈ તો આત્મહત્યાનો પ્રયત્ન કરે છે, ક્યારેક આત્મહત્યા પણ કરી બેસે છે. આવા સમયે ગીતાનો સંદેશ આધુનિક માનવ માટે માનસિક ટોનિકનું કામ કરે છે.
અર્જુન મહાભારતના યુદ્ધ માટે પૂરી તૈયારી સાથે મેદાનમાં આવે છે. પણ જ્યારે તેના કહેવાથી ભગવાન શ્રીકૃષ્ણ સારથિરૂપે તેના રથને બે સેનાઓની વચ્ચે સ્થાપિત કરે છે ત્યારે સામેની વિશાળ સેના તથા મહારથીઓને જોઈ ભયભીત થઈ જાય છે અને પોતાની કાયરતા, નામર્દાઈ અને નિર્બળતાને ઢાંકવા ભગવાન શ્રીકૃષ્ણને યુદ્ધનાં વિષમ પરિણામો વિશે લાંબું ભાષણ આપે છે અને “હું યુદ્ધ નહીં કરું” એમ કહી પોતાના ધનુષ્યને નીચે મૂકી દઈ રથની પાછળ બેસી જાય છે. અર્જુનને આશા હતી કે ભગવાન શ્રીકૃષ્ણ તેનો વાંસો થાબડશે અને કહેશે, “અર્જુન, તેં સારું કામ કર્યું છે. તું ઉદારચરિત છે, તને સૌ પર કરુણા છે, તું કોઈને હણવા નથી માગતો, યોદ્ધા થવાને બદલે તું ભિખારી થવાનું પસંદ કરે છે.” પણ ભગવાન શ્રીકૃષ્ણ તો મહાન મનોવૈજ્ઞાનિક છે. એ જાણી જાય છે, કે અર્જુનના આ ઉદ્ગારોનું કારણ તેનો મનોરોગ, તેની કાયરતા છે. આ મનોરોગીઓ માટે આઘાત-ચિકિત્સા (shock treatment)ની આવશ્યકતા હોય છે. માટે શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે-
क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते।
क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप॥
“હે પાર્થ, આ નામર્દાઈને વશ ન થા, આ તને શોભતું નથી. હે પરંતપ! હૃદયની આ તુચ્છ દુર્બળતાનો ત્યાગ કરી ઊભો થઈ જા (અને યુદ્ધ કર).”
સ્વામી વિવેકાનંદ કહેતા, “જો તમે આ સંદેશને વિશ્વમાં પ્રસરાવી દેશો—क्लैब्यं मा स्म गमः पार्थ —તો આ બધા રોગ, શોક, પાપ, અને દુઃખ ત્રણ દિવસની અંદર પૃથ્વીમાંથી અદૃશ્ય થઈ જશે. આ બધા નિર્બળતાના વિચારો ક્યાંય નહીં રહે.” તેમણે એવું પણ કહ્યું હતું, “જો કોઈ આ એક શ્લોકનો પાઠ કરે તો તેને સમસ્ત ગીતાના પાઠનું પુણ્ય મળી જશે, કારણ કે આ એક શ્લોકમાં ગીતાનો સંપૂર્ણ સંદેશો નિહિત છે.”
ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે—“क्लैब्यं मा स्म गमः पार्थ—હે પાર્થ, નામર્દાઈને પ્રાપ્ત ન થા” કોઈ પણ મર્દ માટે, પુરુષ માટે આ કઠોર શબ્દ છે, આઘાતજનક છે. શા માટે ભગવાન શ્રીકૃષ્ણ આવો આઘાતાજનક શબ્દ વાપરે છે? કારણ કે ભગવાન શ્રીકૃષ્ણ એક મનોવૈજ્ઞાનિકની જેમ અર્જુનની યુદ્ધમાંથી પીછેહઠ કરવા પાછળની નિર્બળતાને પારખી લે છે. અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને છેતરી શકે તેમ નથી. જાણે કે ઇરાદાપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણ એક કુશળ મનોવૈજ્ઞાનિકની જેમ આઘાત-ચિકિત્સા (shock therapy) આપે છે અને ભગવાન શ્રીકૃષ્ણનાં શબ્દરૂપી તીર બરાબર અર્જુનના હૃદયમાં લાગે છે અને તે સ્વીકાર કરે છે કે તેનામાં દૈન્યનો દોષ આવી ગયો છે. તે કહે છે-
कार्पण्यदोषोपहतस्वभावः
पृच्छामि त्वां धर्मसम्मूढचेताः।
यच्छ्रेयः स्यानिश्चितं ब्रूहि तन्मे
शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्॥
“દૈન્યના દોષથી મારી જન્મજાત પ્રકૃતિ દબાઈ ગઈ છે અને મારા ધર્મ અને ફરજ વિશે હું મૂંઝવણ અનુભવું છું; માટે હું તમને પૂછું છું કે મારું શ્રેય શામાં છે તે સ્પષ્ટ કહો, હું તમારો શિષ્ય છું, તમારી શરણે આવેલા એવા મને બોધ આપો.”
ગીતાનો આ સંદેશ—“क्लैब्यं मा स्म गमः पार्थ” આધુનિક માનવ માટે ટોનિક છે.
સ્વામી વિવેકાનંદજીએ ગીતા વિશે કહ્યું છે, ‘ગીતામાં અપાયેલો શ્રીકૃષ્ણનો ઉપદેશ તો જગતે ભાગ્યે જ જાણ્યો હોય તેવો બધામાં સર્વોત્તમ છે. જેણે તે અદ્ભુત કાવ્ય રચ્યું તે એક એવા આત્માઓ માંહેનો હતો કે જેમનાં જીવન જગતભરમાં નવજીવનના તરંગો ઉત્પન્ન કરે. ગીતા જેણે રચી તેના જેવું મગજ માનવજાત ફરીથી કદાપિ નહીં જુએ.’ આનાથી વધુ ગીતાની મહત્તા વિશે વધુ કોણ બોલી શકે?
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેલા નીચેના અદ્ભુત સિદ્ધાંતનું જગત સમક્ષ એ પ્રતિપાદન અને ઉદ્ઘોષણ કરે છે: ‘ગમે તે સ્વરૂપમાં જે કોઈ મારી પાસે આવે છે તે મને પામે છે. મને પામવાને મથતા સર્વ મનુષ્યોના જુદા જુદા માર્ગો અંતે મારી ભણી વળે છે.’
ગીતામાં પણ આપણે આ વાંચીએ છીએ અને જાણીએ છીએ કે આપણે કામ કરવાનું છે, સતતપણે આપણી પૂરી શક્તિથી કામ કરવાનું છે. આપણે જે કામ કરતા હોઈએ, પછી તે ગમે તેવું હોય, તેમાં આપણા સમગ્ર મનને લગાડવાનું છે. સાથોસાથ તેમાં આસક્તિ ન હોવી જોઈએ. એટલે કે બીજી કોઈ બાબત વડે આપણે કર્મથી દૂર ખેંચાવું ન જોઈએ; સાથોસાથ મરજી થાય ત્યારે આપણે તે કર્મને છોડી દેવાને પણ શક્તિમાન થવું જોઈએ.
ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેથી તેમના ગીતાના જ્ઞાનને આત્મસાત્ કરી માનવ-જીવન સાર્થક કરી શકીએ-
वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम्।
देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्॥
વસુદેવના દિવ્યપુત્રને, (અનિષ્ટ કરનારા) કંસ અને ચાણૂરનો વધ કરનારને, (માતા) દેવકીના પરમ આનંદને જગદ્ગુરુ કૃષ્ણને હું વંદન કરું છું.
Your Content Goes Here