(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી ઘનાનંદને વેદાંતનો પ્રચાર કરવા બેલુર મઠ દ્વારા યુરોપ મોકલવામાં આવ્યા હતા. તેમણે નવેમ્બર 1948માં લંડનમાં વેદાંત કેન્દ્રની શરૂઆત કરી હતી. 1969 સુધી, મૃત્યુપર્યંત, તેઓ કેન્દ્રના અધ્‍યક્ષ હતા. ત્યાં રહેતાં રહેતાં જ તેઓએ કેટલાંક પુસ્તકો પ્રકાશિત કર્યાં હતાં અને વિભિન્ન દેશોમાં ભ્રમણ કરીને પ્રવચનો આપ્યાં હતાં. -સં.)

યોગાસન સારાં છે, પરંતુ પર્યાપ્ત નથી. યોગનો આદેશ છે કે ઈશ્વર અર્થાત્‌ પરમસત્તા પર તમે મનને એકાગ્ર કરો. આધ્યાત્મિક એટલે આત્મા વિષયક ચિંતન કરવું. આ સંદર્ભમાં યોગશાસ્ત્રમાં ચેતનાનાં સાત સ્તર અથવા ચક્રોનો ઉલ્લેખ છે. એવું કહેવાય છે કે હૃદય-ચક્રમાં ધ્યાન કરવું જોઈએ, તેને સ્થૂળ હૃદયપિંડ ન સમજવું જોઈએ.

આનું તાત્પર્ય માનસિક કે આધ્યાત્મિક હૃદય છે, જે શરીરની અંદર હૃદય અને પેટની વચ્ચેના ભાગથી લગભગ એક ઇંચ ઉપર હોય છે, જ્યાં સાધક ઈશ્વરાવતારનું કે કોઈ મહાન આચાર્યનું અથવા તો ઈશ્વરનાં કોઈ પ્રતીક કે પ્રતિમાનું, જે કોઈનું પણ તે ધ્યાન કરશે, તેનાથી મનમાં પરિવર્તન આવશે.

જ્યાં સુધી મન હૃદયના નિમ્ન ભાગે આવેલાં ત્રણ ચક્રોમાં વિચરણ કરે છે ત્યાં સુધી તેને કોઈ લાભ નથી થતો. હૃદય-ચક્રથી આધ્યાત્મિક ચિંતનની શરૂઆત થાય છે.

કેટલાક લોકો કહે છે કે ભગવત્‌-ચિંતન કરવાથી પોતાનું મન ઊર્ધ્વગતિ કરે છે. આ સારું છે, પરંતુ તે સ્વાભાવિક રૂપે અને અભ્યાસના ફળસ્વરૂપે હોવું જોઈએ. ભ્રૂમધ્યમાં ધ્યાન કરવું જોઈએ, એવું વિચારવા માત્રથી ન થાય. જો તમે સફળતાપૂર્વક હૃદય-ચક્ર પર ધ્યાન કરી શકો તો અન્ય ચક્રો યોગ્ય સમયે ખૂલી જશે. ગુલાબનો છોડ રોપી શકાય છે પરંતુ તેને શીઘ્રતાથી પુષ્પિત ન કરી શકાય. એ જ રીતે ધ્યાનમાં ઉતાવળ ન કરવી જોઈએ; બળપૂર્વક કંઈક ચમત્કાર સર્જાય એવા પ્રયત્નો ન કરવા જોઈએ.

હૃદય-ચક્ર અત્યંત મહત્ત્વનું છે. એવું કહેવામાં આવે છે કે હૃદય-ચક્રમાં એક અષ્ટદળ કમળ છે. ધ્યાનની પૂર્વે તે બંધ પાંખડીઓવાળું ઝૂકેલી કળી રૂપે હોય છે, પરંતુ ધ્યાનના સમયે તે પૂર્ણ પ્રસ્ફુટિત અને ઊર્ધ્વમુખી થઈ જાય છે. એવી કલ્પના કરવામાં આવે છે કે કમળ ખીલેલું છે, તેની વચ્ચે સૂર્ય છે, તેની અંદર ચંદ્રમા અને તેમાં અગ્નિ. આ અગ્નિમાં ધ્યાનનો વિષય પ્રસ્થાપિત કરવામાં આવે છે. જેમ કે, માની લો કે શ્રીકૃષ્ણ આપણા ઇષ્ટદેવ છે, તો આપણે એવી કલ્પના કરીએ કે તેઓ એ અગ્નિ મધ્યે વિરાજિત છે. સૂર્યનું કમળ ચિંતન કરવાથી કમળની પાંખડીઓ બળી જતી નથી, કેમ કે સૂર્ય અને કમળ બંને આધ્યાત્મિક છે.

સાધનાની શરૂઆતની અવસ્થામાં પરમાત્માના રૂપની ધારણા કરીને ધ્યાન કરવું ઉચિત છે. પ્રથમ છે, રૂપ-ધ્યાન. એમનું હંમેશાં માનવીય રૂપમાં ધ્યાન કરવામાં આવે છે. ત્યાર બાદ ભગવાનના સગુણ-નિરાકાર રૂપનું ધ્યાન કરવામાં આવે છે અને અંતમાં નિર્ગુણ-નિરાકાર, અનંત વિશુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરાય છે. ધ્યાનની આ ક્રમિક પદ્ધતિ છે. આધ્યાત્મિક જીવન અને અનુભૂતિઓના આ ત્રણ સ્તર છે અને એ બધા માટે છે. આપણી ભીતર, હૃદયમાં ભગવાનના રૂપ-ધ્યાનથી આરંભ કરીને પ્રત્યક્ષ અનુભૂતિ સુધી સાધના કરવી જોઈએ.

ઈશ્વરનું સાકાર અને નિરાકાર રૂપ એક સિક્કાની બે બાજુઓ સમાન છે. જો તમે પાછળના અંકો વગર ફક્ત એક બાજુની અશોકચક્રની છાપવાળો સિક્કો જ ઇચ્છો તો તમને અશોકચક્રની બાજુવાળો સિક્કો નહિ મળે, કેમ કે ફક્ત એક બાજુવાળો સિક્કો હોઈ જ ન શકે. નિરાકાર ઈશ્વર સાકારનો આધાર છે. સમુદ્રનું દૃષ્ટાંત આ બાબતે ઉચિત છે. સમુદ્રના રૂપમાં પાણીનો એક પ્રકારે કોઈ આકાર નથી, પરંતુ મોજાંના રૂપમાં પાણીનો આકાર છે—મોજાંનો આકાર. મહાન વિભૂતિઓ સમુદ્રના વક્ષસ્થળ પરના તરંગો સમાન છે. આવા ગુરુઓ વિરલ હોય છે. અનાદિકાળથી ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષયક જે જ્ઞાન, વિચાર, ઉપદેશ અને આદર્શ આપણને મળ્યાં છે, એના મૂળમાં માત્ર ગણ્યા-ગાંઠ્યા જગદ્‌ગુરુઓ જ છે. પાશ્ચાત્ય દેશોમાં ઈશુ ખ્રિસ્ત, ભારતમાં શ્રીકૃષ્ણ અને અન્ય કેટલાક, તથા મહમ્મદ, બુદ્ધ અને સંભવત: કન્ફ્યૂશિયસ; બધા મળીને બહુ જ ઓછી સંખ્યા છે. એને આંગળીના વેઢે ગણી શકાય છે. તેમનો વિચાર કરતાં જ તેમનો આદર્શ મનમાં આવી જાય છે.

ધ્યાનનો આરંભ સાકાર ઈશ્વરના ધ્યાનથી કરી શકાય છે, પરંતુ કેટલાક શક્તિશાળી મનવાળા સાધકો નિરાકારથી પણ શરૂઆત કરી શકે છે. સામાન્ય રીતે તેઓ સગુણ નિરાકારનું ધ્યાન કરે છે. ઈશ્વરના ગુણોનું ધ્યાન કેવી રીતે કરવું? ઈશ્વરે કોઈક પ્રકારે વિશેષ રૂપ ધારણ કર્યું છે, આ ધારણા કર્યા વગર તેમના ગુણોનું ચિંતન કરવું કઠિન છે. તેથી આપણે કહીએ છીએ કે રૂપથી આરંભ કરવો યોગ્ય છે. એમાં કોઈ દોષ નથી, પરંતુ આગળ વધીને નિરાકાર સુધી પહોંચો. બાહ્ય જગતમાં વિચરણ કરતું મન ધીરે ધીરે એકાગ્ર થાય છે અને નિષ્ઠાપૂર્વક ધ્યાનની ગહનતામાં પ્રવેશ કરે છે. મહિનાઓ અને વર્ષોના ધ્યાનાભ્યાસથી જગતની સર્જનહાર, મૂળ પ્રકૃતિ પર ધ્યાન કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે, ત્યારે આપણો અહંકાર ભગવાનની આ શક્તિ—મૂળ પ્રકૃતિ સાથે એકરૂપ થઈ જાય છે.

વર્ષોની સાધના પછી અહંકારને, સીમિત વ્યક્તિત્વને વિસ્મૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અંતમાં, અહંકારનું અતિક્રમણ થશે. અહંકાર નષ્ટ નથી થતો, એનાથી પાર જઈ શકાય છે. એને ઓળંગવો પડે છે. યોગી દ્વારા પ્રાપ્ય પરમાત્મ-સત્તામાં અહંબોધ નથી હોતો. પરમાત્માને એક ગણવો પર્યાપ્ત નથી, કેમ કે એક સાથે તેનું વિરોધી અનેક, અદ્વૈતનું વિપરીત દ્વૈત હોય જ છે. તેથી અનંત પરમાત્માનું સૌથી ભૂલરહિત વર્ણન એ કહેવું થશે કે ‘તે શું નથી?’ સંસ્કૃતમાં તેને ‘નેતિ’, ‘નેતિ’ અર્થાત્‌ ‘આ નહીં’, ‘આ નહીં’ કહે છે.

ધારણા પછી ધ્યાન છે. ધ્યાન ખૂબ જ કઠિન છે. તે સમાધિ અથવા તો અતિચેતનાવસ્થાની ઠીક પહેલાંની સ્થિતિ છે. સમાધિ મનુષ્યને પ્રકાશિત કરવાવાળી ચૈતન્ય જ્યોતિની, મનોતીત શાંતિની ઉચ્ચતમ સ્થિતિ છે. ધ્યાનની તુલના એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડવામાં આવતા તેલની અતૂટ ધારા સાથે કરવામાં આવે છે. મન, ધ્યાનના વિષય પ્રત્યે ૨૪ મિનિટ નિરંતર રૂપે પ્રવાહિત રહે તો સમાધિ થાય છે. પાછલી શતાબ્દીમાં ભારતમાં એક મહાન ગુરુ (શ્રીરામકૃષ્ણ) થઈ ગયા છે, જેમનું દેહાવસાન ઈ.સ. ૧૮૮૬માં થયું. તેમનું કથન છે કે એ અવસ્થા (સમાધિ)માં ૨૧ દિવસથી અધિક રહેવું અત્યંત કઠિન છે. ૨૧ દિવસથી વધારે રહેવાથી દેહત્યાગ થઈ જાય છે પરંતુ તેઓ સ્વયં એ સ્થિતિમાં નિરંતર ૬ મહિના સુધી રહી શક્યા હતા. આ એક ચમત્કાર હતો. આ સ્થિતિમાં અહંકાર રહેતો નથી.

આ પ્રકારના ગહન ધ્યાન બાદ યોગની અંતિમ અવસ્થા સમાધિ કે અતિચેતનાવસ્થા થાય છે. બે પ્રકારની સમાધિ હોય છે. એક છે સવિકલ્પ સમાધિ. તેમાં પરમાત્મા સ્વયં વિકલ્પ છે અને તમે એની સાથે તાદાત્મ્ય સ્થાપિત કરો છો. એક બીજી છે નિર્વિકલ્પ સમાધિ. તેમાં કોઈ વિકલ્પ નથી રહેતો. કેવળ વિશુદ્ધ ચૈતન્ય સત્તા માત્ર રહે છે. તેનું વર્ણન કરવું અશક્ય છે.

અચેતન મનને ક્રમશઃ શુદ્ધ કરવું આવશ્યક છે અને તેના માટે મંત્રનો જાપ કરવો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. મંત્ર ચેતન સ્તરથી અચેતનમાં પ્રવેશ કરે અને ત્યાં પોતાનો પ્રભાવ પાડે છે. તમે એ નથી જાણી શકતા કે તે કેવી રીતે કાર્ય કરે છે. રોજ સવારે અને સાંજે લગભગ એક હજાર મંત્રજાપ કરવો જોઈએ અને ત્યાર બાદ ધ્યાનનો પ્રયત્ન કરવો જોઈએ. મંત્રજાપ ધ્યાન માટે મનને તૈયાર કરે છે. મંત્રનો જાપ જેટલો વધારે કરશો એટલું સારું છે. સૂતી વખતે સો વાર જપ કરો અને ત્યાર પછી ભગવાનના ખોળામાં મસ્તક રાખી સૂઈ જાઓ. એ તમારાં માતા-પિતા છે. ભગવાનને આપણી માતા સમજવામાં કોઈ દોષ નથી. આપણે સામાન્ય રીતે આવું કરીએ છીએ, કેમ કે પિતા કરતાં માતા આપણી વધુ નજીક હોય છે. આપણી કોઈ ભૂલ થાય તો પિતા સજા કરે છે, પરંતુ મા એવું નહીં કરે.

એવું ચિંતન કરીને સૂતી વખતે મંત્રનો જાપ કરવાથી તમે જોશો કે સવારમાં તમે મંત્રનો જપ કરતાં કરતાં ઊઠી રહ્યા છો. સૂતાં પહેલાં જે વિચાર તમારા મનમાં સર્વોપરી હશે, તે જ વિચાર સવારે સૌથી પહેલાં મનમાં ઊઠશે. આવું એટલા માટે થાય છે કે મંત્ર રાતના અચેતન મનમાં કામ કરી રહ્યો હતો. સવારે જાગતાં જ એ ચેતન મનમાં ઝળકી ઊઠે છે. મંત્ર અચેતન મનમાં વિચરણ કરતાં કરતાં તેને પવિત્ર કરી દે છે. તે ધીરે ધીરે મનુષ્યમાં પરિવર્તન લાવે છે.

યોગ એક સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ છે,  ‘જોડવું’. શબ્દકોષમાં યોગ શબ્દના ઓછામાં ઓછા સત્તર અર્થ છે, પરંતુ મુખ્ય અર્થ હંમેશાં એક જ રહ્યો છે અર્થાત્‌ ઈશ્વરની સાથે જોડાણ. યોગ એક વિજ્ઞાન છે, તે એક વ્યાવહારિક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે. એ જીવનધ્યેય પ્રાપ્ત કરવાનો એક ઉપાયમાત્ર નથી, પરંતુ આના દ્વારા કોઈ પણ સાંસારિક કાર્ય ખૂબ જ તત્પરતાથી તથા અન્યનું વધુમાં વધુ કલ્યાણ કરતાં કરતાં કરી શકાય છે.

Total Views: 37

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.