(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.)
આંતરિક પરિવર્તનથી જ શાંતિ
ગીતાનો અભિપ્રાય એ છે કે માત્ર બાહ્ય કારણોમાં, બાહ્ય પરિસ્થિતિઓમાં પરિવર્તન કરવાથી મનુષ્યને શાંતિ પ્રાપ્ત થતી નથી. પરિવર્તન તો આપણે આંતરિક કરવું પડશે. મનુષ્યે પોતાના મનમાં પરિવર્તન આણવું પડશે, તેણે પોતાની દૃષ્ટિ બદલવી પડશે. ત્યારે જ તે શાંતિનો અધિકારી થઈ શકશે. સ્થાન કે પરિસ્થિતિઓમાં પરિવર્તન કરવા માત્રથી આપણા સંસ્કારમાં પરિવર્તન થઈ જતું નથી. કોઈ નિર્જન ગિરિ-ગુફામાં જઈને બેસી જવા માત્રથી આપણા મનના સંસ્કાર નષ્ટ નથી થઈ જતા. આપણે જ્યાં પણ જઈશું, આપણું મન આપણી સાથે જશે. બાહ્ય રીતે ભલે આપણે સંસારનો ત્યાગ કરી દઈએ, પરંતુ અંદરનો સંસાર તો આપણી અંદર સદા-સર્વદા રહેવાનો જ છે. એટલે વનમાં જઈને આપણે એક નવો સંસાર ઊભો કરી લઈએ છીએ. વનમાં જવું એ કોઈ ખરાબ વાત નથી, ત્યાં જઈને તપસ્યા અને સાધના કરવાં અયોગ્ય નથી, પણ પ્રશ્ન એ છે કે શું આપણે વનમાં જવા માટેના અધિકારી છીએ? શું આપણે વનમાં જઈને સાધનામાં સમય વિતાવી શકીશું? આપણે વનમાં જઈને એક નવા સંસારનું નિર્માણ તો નહીં કરી લઈએ ને?
શ્રીકૃષ્ણે વનમાં જવાની વાતને ખરાબ નથી કહી. અર્જુને કુળ-નાશને કારણે થનાર દોષ ગણાવ્યા, તેનો કૃષ્ણે વિરોધ ન કર્યો. એનો અર્થ એ છે કે સિદ્ધાંતની દૃષ્ટિએ અર્જુનની વાત ખોટી ન હતી, પરંતુ એ સિદ્ધાંતનો જીવનમાં જેવો વ્યવહાર થવો જોઈએ, અર્જુન તેમાં થાપ ખાઈ ગયો હતો. સિદ્ધાંત તો સારા જ હોય છે. દોષ તેના આચરણમાં થતી ભૂલને કારણે પેદા થાય છે. બુદ્ધિમાન વ્યક્તિ એ છે, જે ભૂલને ઓળખી જાય છે. અર્જુન પોતાની આ ભૂલને જાણી લે, તે જ ઉદ્દેશ્યથી ભગવાન શ્રીકૃષ્ણ તેને કહે છે—‘प्रज्ञावादांश्च भाषसे’—તું પંડિતો જેવાં વચન બોલે છે. એટલે કે, તું વ્યવહારમાં પંડિત જેવું આચરણ નથી કરતો, માત્ર શબ્દોમાં જ પંડિત બની રહ્યો છે.
આપણા બધાની પણ આ જ સમસ્યા છે. આપણે પોતાની જાતને તો પંડિત કહીએ છીએ, પણ આપણા મનની આરસીમાં જ્યારે પોતાને જોઈએ છીએ, ત્યારે ત્યાં પાંડિત્યનો અંશ પણ દેખાતો નથી. આ જ આપણી અશાંતિનું કારણ છે. જ્યાં સુધી આપણે આપણા દોષને નહિ જાણી લઈએ, ત્યાં સુધી કોઈ વન-સ્થળ આપણને શાંતિ નહીં આપી શકે, કોઈ ગુફા આપણા માનસિક ખળભળાટને શાંત નહીં કરી શકે, કોઈ તીર્થ આપણા ઉદ્વેગને દૂર નહીં કરી શકે. શ્રીરામકૃષ્ણદેવ આને જ ‘મન અને મુખનો ભેદ’ કહે છે. તેઓ વારંવાર કહેતા, “કળિયુગની સૌથી મોટી સાધના છે—મન અને મુખને એક કરવું.” આધુનિક સમાજ મન અને મુખના ભેદથી પીડિત છે. વિચાર અને વાણીનો આ ભેદ જ માનસિક દ્વંદ્વોનું સર્જન કરે છે. અર્જુન આ જ માનવનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે તો શ્રીકૃષ્ણ તેની વાતોને પ્રજ્ઞાવાદનું નામ આપે છે. તેઓ અર્જુનની એ ભૂલ તેને સમજાવવા માગે છે. ભૂલને દૂર કરવાનો એકમાત્ર ઉપાય છે, પહેલાં તેને પકડી પાડવી. જે ખરેખર નિદ્રાધીન છે, તેને જગાડવો સરળ છે; પરંતુ જે ઊંઘવાનો ઢોંગ કરી રહ્યો છે, તેને જગાડવો કઠિન છે. મોટાભાગે આપણે ઊંઘવાનો ઢોંગ કરતા હોઈએ છીએ, એટલે આપણા માટે જાગવું મુશ્કેલ બની જાય છે. આપણે આપણા ચરિત્રના આ દોષને દૂર કરવાનો છે.
સ્મશાન-વૈરાગ્ય
અર્જુન ક્ષણિક વૈરાગ્યના આવેશમાં સંસારને છોડવાની વાત કહેવા લાગ્યો હતો, પણ શ્રીકૃષ્ણ તેને સમજાવી દેવા માગતા હતા કે આવો વૈરાગ્ય વધુ સમય ટકતો નથી. શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે, જેમ ગરમ તવા પર પાણીનું એક ટીપું પડે, તો તરત જ એ વરાળ બની ઊડી જાય છે, તેવો જ સંસારી વ્યક્તિઓનો વૈરાગ્ય હોય છે. તે એક ક્ષણ સુધી જ ટકે છે, અને બીજી જ ક્ષણે ‘છમ્’ કરીને ઊડી જાય છે. આવા વૈરાગ્યને શાસ્ત્રોમાં ‘સ્મશાન-વૈરાગ્ય’ અથવા ‘મર્કટ-વૈરાગ્ય’ કહ્યો છે. જેમ કે, જ્યારે આપણો કોઈ પ્રિય સ્વજન મૃત્યુ પામે છે, ત્યારે સ્મશાનમાં તેને ચિતામાં બળતો જોઈને આપણું મન વિષાદથી ભરાઈ જાય છે. તે સમયે જગત મિથ્યા છે એવું લાગે છે, સંસાર અસાર લાગે છે અને આપણને બધું જ ફિક્કું ફિક્કું, અરુચિકર લાગે છે. આવી અવસ્થામાં જો દુઃખનો આવેશ વધી જાય, તો આપણે આ સંસારનો ત્યાગ કરવાનું વિચારીએ છીએ. આ બધું સ્મશાન કે મર્કટ વૈરાગ્યની શ્રેણીમાં આવે છે.
ઘરમાં કોઈનો કોઈની સાથે ઝઘડો થઈ ગયો અને તે ગુસ્સામાં આવીને ઘર છોડીને જતો રહ્યો. ચિઠ્ઠીમાં લખતો ગયો કે હું ઘરથી તંગ થઈ ગયો છું, એટલે સાધુ બનવા માટે હિમાલય તરફ જઈ રહ્યો છું. ચિઠ્ઠી મળતાં જ પરિવારજનોએ રોકકળ મચાવી દીધી. પત્ની બહુ વ્યાકુળ થઈ ગઈ, માતા-પિતા માથું કૂટવા લાગ્યાં. બધી બાજુ તેને શોધવા માટે માણસો મોકલવામાં આવ્યા, પણ એ ન મળ્યો. કેટલાક મહિનાઓ બાદ અચાનક એક દિવસે કાશીથી તેનો પત્ર આવ્યો—‘તમે લોકો મારી ચિંતા ન કરતા, હું મજામાં છું. મને નોકરી મળી ગઈ છે. થોડા દિવસોમાં હું રજા લઈને આવીશ.’ આ સ્મશાન વૈરાગ્યનું જ ઉદાહરણ છે. આપણે પણ ક્યારેક સંસારની પરિસ્થિતિઓથી ગભરાઈને બધું જ છોડી દેવાનું વિચારીએ છીએ. અર્જુને પણ એમ જ વિચાર્યું હતું. પરંતુ કૃષ્ણ આવી મનોવૃત્તિને તિલાંજલિ આપી દેવાનું કહે છે. તેઓ તો એક જ વાત અર્જુનને કહે છે, “युद्धस्व”—અર્જુન! તું યુદ્ધ કર.
Your Content Goes Here