सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे।
तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः॥
ભગવાનનું ચરિત્ર કેવું છે? એ એવું રસાયણ છે કે જેનાં ગુણગાનથી મનુષ્ય કાયમનોવાક્યથી પવિત્ર થાય છે. રસાયણ એટલે ઔષધિ. ઔષધિ પિવડાવનાર વૈદ્ય જો લોભી અને લાલચુ હોય તો દર્દીને તરત ફાયદો થતો નથી. મનુષ્યને ભવરોગ થયો છે અને વૈદ્યરાજ છે પરમહંસ શિરોમણિ ભગવાન શ્રીશુકદેવજી. તેઓ એવા વૈદ્ય છે જે દેહભાનથી પર છે અને જેમનામાં વાસનાનો લેશ પણ નથી. એવા વૈદ્યરાજ ભાગવતના દસમ સ્કંધમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન-ચરિત્રનું વર્ણન કરે છે.
વસુદેવ-દેવકીનાં લગ્ન થયાં છે. દેવકીના લગ્નમાં પ્રેમને કારણે દેવકીનો ભાઈ કંસ સ્વયં રથ હાંકી રહ્યો છે. ત્યાં દેવતાઓએ આકાશવાણી કરી છે, ‘કંસ તું જેનો રથ હાંકે છે, એનો આઠમો ગર્ભ તારો કાળ બનશે.’ કંસ આકાશવાણી સાંભળીને દેવકીને મારવા માટે ઉદ્યત થયો છે. આ પ્રસંગ આપણને સૌને વિદિત છે, તેની વ્યાવહારિકતા અને તત્ત્વદર્શન જોઈએ.
વસુદેવ શુદ્ધ અંતઃકરણ છે, દેવકી શુદ્ધ બુદ્ધિ છે અને કંસ અહંકારનું પ્રતીક છે. જ્યારે જીવમાં અહંકાર પ્રવેશે છે ત્યારે જીવને શરૂમાં આનંદ થાય છે, પરંતુ તેનું પરિણામ વિનાશકારી હોય છે. વસુદેવ-દેવકી જીવ છે અને કંસ અહંકાર છે. તેથી પ્રથમ તબક્કામાં બંનેયને આનંદ થાય છે. પરંતુ તેનું પરિણામ દેવકી ઉપર પ્રહારરૂપે આવે છે. આપણી સ્થિતિ પણ આવી જ છે. સાધકમાં કોઈ પણ અહંકાર આવે, પછી ભલે તે વિદ્યાનો હોય, સદ્ગુણનો હોય, નામ-યશ-કીર્તિ-પદ-પ્રતિષ્ઠા-ખ્યાતિ-વિખ્યાતિ કે કોઈ પણ પ્રકારનો હોય—અહંકાર છેવટે વિનાશનું કારણ બને છે.
વસુદેવનું ચરિત્ર અતિ પવિત્ર છે, એટલે કંસનું પણ હૃદય-પરિવર્તન થાય છે, અને વસુદેવજીના વચન પર એને વિશ્વાસ આવે છે. વસુદેવજી કંસને વચન આપે છે કે જન્મતાંવેંત દેવકીનાં બધાં સંતાન હું તને સોંપીશ. કાળક્રમે વસુદેવ-દેવકીને ત્યાં પ્રથમ સંતાનનો જન્મ થાય છે અને વસુદેવજી વચન પ્રમાણે નવજાત બાળકને કંસ પાસે લાવે છે. બાળકને જોઈને કંસને દયા ઊપજે છે. તેથી તે વસુદેવજીને કહે છે કે બાળક મારું શું કરી લેવાનું છે! તે વસુદેવજીને પાછા મોકલી દે છે. દેવતાઓને વિચાર થાય છે કે જો કંસ વસુદેવજી સાથે મિત્રતા કરશે તો ભગવાનને આવવામાં મોડું થશે, તેથી દેવતાઓએ નારદજીને મોકલ્યા છે. નારદજી કંસને સમજાવે છે કે આ દેવતાઓની વાણી ગર્ભિત હોય છે. કયું બાળક આઠમું અને કયું પ્રથમ, એ કહી શકાય નહીં. નારદજીએ કંસની સામે ફૂલોની પંક્તિ બનાવી છે અને કંસને ગણવાનું કહે છે. કંસ ડાબેથી જમણે ગણે છે, ડાબું પ્રથમ થાય છે, અને જમણું અંતિમ પુષ્પ આઠમું થાય છે. નારદજી સમજાવે છે, ‘તેં ડાબેથી ગણ્યું એટલે જમણું પુષ્પ આઠમું થયું. પરંતુ જમણેથી ગણો તો આઠમું પ્રથમ થશે. દેવતાઓની વાણીનો ભરોસો નહીં.’ કંસ કહે છે, ‘તો શું બધાં બાળકોને મારી નાખવાનાં?’ નારદજી કહે છે, ‘હું તને સાવધાન કરવા આવ્યો છું.’
નારદજી કોને કહેવાય? જે જન્મ-મરણના ચક્રમાંથી જીવને મુક્ત કરે અથવા જે ભગવાનના નામનું દાન કરે છે, એનું નામ નારદ. નારદજી એ સમષ્ટિ મન છે. નારદજી જીવના કલ્યાણ માટે આવે છે. તેમનો એક જ ઉદ્દેશ છે—જે જીવ જ્યાં છે ત્યાંથી તેને ભગવત્પ્રેમી બનાવવો.
કંસ એક પછી એક દેવકીનાં છ સંતાનોની હત્યા કરે છે. અર્થાત્ ભગવાનનું આગમન થવાનું હોય એ પહેલાં મનુષ્યનું હૃદય ષડ્-વિકારોથી મુક્ત થવું જોઈએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અને માત્સર્ય—એ ષડ્-વિકારોના નાશથી સાધકનું હૃદય પવિત્ર થાય ત્યારે જ ભગવાનનું પ્રગટીકરણ થાય છે. કંસે વસુદેવ-દેવકીને કારાગૃહમાં બેડીઓથી બદ્ધ કર્યાં છે. આ જીવમાત્ર સંસારમાં અજ્ઞાનરૂપી કારાગૃહમાં અહંતા અને મમતાની બેડીઓથી બદ્ધ છે. જ્યારે ભગવાનનું પ્રગટીકરણ થવાનું હોય છે ત્યારે ભગવાન એ જીવને કેવળ પોતાના આશ્રિત બનાવે છે. વસુદેવ-દેવકીના જીવનમાં પણ આ જ ઘટના બની છે. વસુદેવ-દેવકીને ભગવાને સંસારના બધા જ આશ્રયોથી મુક્ત કર્યાં છે. બાહ્ય રીતે વસુદેવ-દેવકીને અત્યંત કષ્ટ છે, પરંતુ પારમાર્થિક રીતે વસુદેવ-દેવકી અત્યંત આનંદમાં છે. કારણ કે તેમને એકમાત્ર નારાયણના અવલંબન સિવાય બીજું કોઈ અવલંબન જ રહ્યું નથી.
ષડ્-વિકારનો નાશ થઈ મન પવિત્ર થાય ત્યારે શબ્દ-બ્રહ્મનું આગમન થાય છે. બલભદ્રજી શેષાવતાર છે. જ્યારે મનમાં સંસારની કોઈ કામના રહે નહીં ત્યારે શેષાવતારનું આગમન થાય છે. દેવકીના સાતમા ગર્ભ તરીકે શેષાવતારનું પ્રગટીકરણ થયું છે. હવે ભગવાન કેવા છે? કર્તુમ્-અકર્તુમ્-અન્યથા કર્તુમ્-સર્વસમર્થ. ભગવાને યોગમાયાને આજ્ઞા કરી છે, ‘તમે યશોદાજીની કૂખેથી પ્રગટ થાઓ, મારો જન્મ વસુદેવ-દેવકીને ત્યાં કારાગૃહમાં આઠમા સંતાનરૂપે થશે અને હું ગોકુળમાં તમારી જગ્યાએ આવીશ અને તમારે મારી જગ્યાએ દેવકીના આઠમા સંતાનરૂપે આવવું પડશે. દેવકીના સાતમા ગર્ભને તમે રોહિણીના ગર્ભમાં સ્થાનાંતરિત (સંકર્ષણ) કરો.’ તેથી રોહિણીની કૂખે જન્મેલ બલભદ્રજીનું એક નામ સંકર્ષણ પડ્યું છે. યોગમાયાએ ભગવાનની આજ્ઞાને શિરોધાર્ય કરી છે.
ભગવાન દેવકીના આઠમા ગર્ભરૂપે આવ્યા છે ત્યારે દેવતાઓએ ભગવાનની સુંદર સ્તુતિ કરી છે. આ સ્તુતિને ‘ગર્ભસ્તુતિ’ કહે છે. દેવતાઓ કહે છે,
सत्यव्रतं सत्यपरं त्रिसत्यं
सत्यस्य योनिं निहितं च सत्ये।
सत्यस्य सत्यमृतसत्यनेत्रं
सत्यात्मकं त्वां शरणं प्रपन्नाः॥ 10.2.26॥
દેવતાઓ ભગવાનને કહે છે, ‘પ્રભુ, તમે ગર્ભનું દુઃખ જોઈને ક્યાંક પાછા ન જતા રહો! કારણ કે તમે સત્ય સ્વરૂપ છો અને સત્યની રક્ષા માટે આવ્યા છો, અને તમે ત્રણેય ગુણોથી પર છો.. ઇત્યાદિ.’
હવે સુવર્ણકાળનું આગમન થયું છે. શ્રાવણ માસની કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર. જ્યારે ભગવાનના નામનું જીવના કર્ણમાં સતત શ્રવણ થાય છે, ત્યારે ભગવાનનું પ્રગટીકરણ થાય છે. અષ્ટમી તિથિ એ પખવાડિયાની મધ્યતિથિ છે. ભગવાને કૃષ્ણપક્ષનો સ્વીકાર કર્યો છે. ભગવાન કહે છે, ‘જેના જીવનમાં કાળિમા લાગી છે, એના જીવનને પવિત્ર કરવા માટે મેં કૃષ્ણપક્ષ સ્વીકાર્યો છે.’ ભગવાન સંધિકાળ સ્વીકારીને રાત્રીના ૧૨ વાગ્યે પ્રગટ થયા છે. ભગવાને યુગમાં પણ સંધિકાળ સ્વીકાર્યો છે. જ્યારે દ્વાપરનો અંત થયો છે અને કળિયુગની શરૂઆત થવાની છે, એ સંધિકાળમાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે. રોહિણી નક્ષત્ર તે બ્રહ્માજીનું નક્ષત્ર છે અને કંસના ત્રાસથી બચાવવા માટે વસુદેવજીએ પોતાની એક ભાર્યા જેનું નામ રોહિણી છે તેને નંદ-યશોદાજીના મહેલમાં સુરક્ષિત રાખી છે. આમ, રોહિણી માતાને અને બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે ભગવાને રોહિણી નક્ષત્ર પસંદ કર્યું છે. ભાગવતમાં વર્ણન છે. જ્યારે ભગવાનનું પ્રગટીકરણ થવાનું છે ત્યારે કાળ મનોરમ થયો છે.
अथ सर्वगुणोपेतः कालः परमशोभनः।
यर्ह्येवाजनजन्मर्क्षं शान्तर्क्षग्रहतारकम्॥10.3.1॥
જ્યારે સાધકના અંતઃકરણમાં ભગવાન પ્રગટ થવાના હોય છે, ત્યારે તેનું અંતઃકરણ દિવ્ય આનંદથી પરિપૂર્ણ થઈ જાય છે. અહીંયાં પણ એ જ ઘટના બની છે. આકાશ કહે છે, હવે ભગવાન મારી મર્યાદામાં આવવાના છે. વાયુ કહે છે, ભગવાનનો હું સ્પર્શ કરીશ. અગ્નિ કહે છે, કંસના ત્રાસથી બ્રાહ્મણોએ યજ્ઞ કરવાનું બંધ કર્યું છે, મને ઘણા સમયથી આહુતિ નથી મળી, હવે મને આહુતિ મળશે. જળ કહે છે, ભગવાન મારી સાથે ક્રીડા કરવાના છે. પૃથ્વી કહે છે, અરે! સૌથી ભાગ્યવાન તો હું છું, ભગવાન મારા વક્ષઃસ્થળ પર પોતાની દિવ્યલીલા પ્રગટ કરશે.
નંદ અને યશોદા કોણ છે? જે સર્વને આનંદ આપે તે નંદ છે અને બીજાને યશ આપે તે યશોદા છે. ગોકુળ કોને કહે છે? ‘गवाम् कुलम् इति गोकुलम्।’ ઇન્દ્રિયોનો સમૂહ તે હૃદય છે. ગોકુળ એટલે સાધકનું પવિત્ર હૃદય. સાધકનું શરીર તે મથુરા. મથુરા શબ્દને ઊલટાવી દઈએ તો ‘રાથુમ’ થાય છે. મધ્યમાં જે ‘થ’ છે એને બાદ કરીએ તો રામ શબ્દ બને છે. જેના જીવનમાં સતત રામ-નામનું સ્મરણ છે, તેનું શરીર મથુરા બને છે. એટલે આપણે શરીરને મથુરા બનાવીશું, હૃદયને ગોકુળ બનાવીશું અને સર્વને આનંદ આપતાં આપતાં બીજાને યશ આપીશું ત્યારે પરમાત્મા શ્રીકૃષ્ણનું પ્રગટીકરણ આપણા અંત:કરણમાં થશે.
કારાગૃહમાં ભગવાન વસુદેવજીના મનમાં આવે છે અને વસુદેવજીના મનથી દેવકીના મનમાં આવે છે, આને માનસી દીક્ષા કહે છે; તત્પશ્ચાત્ દેવકીના ગર્ભમાં આવે છે. દેવકીના ગર્ભથી મથુરામાં પ્રગટ થઈ ગોકુળમાં જાય છે, એ લીલા પરબ્રહ્મ પરમાત્માની મનસ્-પ્રિયતા અને બુદ્ધિ દ્વારા ભગવદાકાર વૃત્તિ ધારણ કરીને વિશ્વમાં સ્થૂળરૂપે ભગવાનને પ્રગટ કરવાની ક્રિયા છે. આ સમગ્ર સૃષ્ટિ ભાગવતી થઈ જાય અને ભગવન્મય થઈ જાય; એને જ ભગવાનને ગોકુળમાં લઈ જવાની ક્રિયા કહે છે. અર્થાત્ જે પરમ્-તત્ત્વ બુદ્ધિથી પર છે, તેને બુદ્ધિમાં લાવવું, બુદ્ધિમાંથી નેત્રોમાં લાવવું અને નેત્રથી સમગ્ર જગતમાં વ્યાપ્ત કરી દેવું—આ સિદ્ધાંત છે.
ભગવાનનું ગોકુળમાં પ્રગટ થવું અર્થાત્ બુદ્ધિના આશ્રયરૂપ ભગવાનનું બુદ્ધિમાં આકારિત થવું અને એમનું ઇન્દ્રિયો દ્વારા પ્રગટ થવું એ ગોકુળની લીલા છે. તેથી ગોકુળમાં કશું જડ નથી, સર્વકંઈ માત્ર ચેતન છે. ભગવાન શ્રાવણ માસની કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિએ મથુરાના કારાગૃહમાં પ્રગટ થયા અને ત્યાંથી ગોકુળમાં પધાર્યા છે. વૈષ્ણવ મહાત્માઓએ ભગવાનની લીલા-માયાને ત્રણ ભાગમાં વહેંચી છે. ૧, વિમુખજન મોહિની માયા; ૨, સ્વજન મોહિની માયા; ૩, સ્વ મોહિની માયા.
નંદોત્સવ શું છે? નવમીના દિવસે ગોકુળમાં નંદોત્સવ ઊજવવામાં આવે છે. સાધકે પોતાના જીવનમાં આ નંદોત્સવ રોજ ઊજવવો જોઈએ. પ્રાતઃકાળમાં ઊઠી સાધક આ નંદોત્સવનું ભાવપૂર્ણ ચિંતન કરે તો તેના હૃદયમાં પરમાત્માનું પ્રગટીકરણ થાય છે. નંદ ઉત્સવમાં સમગ્ર ગોકુળનાં ગોપગોપીઓ અને ગોપ-બાળકો શ્રીકૃષ્ણમય બન્યાં છે. ગોપ-ગોપી કોને કહેવાય? ગોપ-ગોપી કોઈ પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે ઇતર લિંગ નથી. જે પોતાની બધી જ ઇન્દ્રિયો દ્વારા સતત ભગવન્નામ સ્મરણ કરે તેને ગોપ-ગોપી કહે છે.
જ્યારે ગોપીઓના કર્ણમાં શ્રીકૃષ્ણ-જન્મના સમાચાર સંભળાયા ત્યારે ગોપીઓની એવી સ્થિતિ થઈ છે જાણે કે હજારો જન્મથી જે બ્રહ્મસંબંધ વિચ્છેદિત થયો હતો તે બ્રહ્મસંબંધનું પુનઃ સ્થાપન થયું છે. ગોપીઓના કર્ણ કહે છે, ‘અમે સૌથી વધુ ભાગ્યવાન છીએ કારણ કે શ્રીકૃષ્ણ-જન્મના સમાચાર સૌ પ્રથમ અમે સાંભળ્યા છે.’ ગોપીઓના પાદ કહે છે, ‘અરે! સૌથી ભાગ્યવાન અમે છીએ કારણ કે શ્રીકૃષ્ણનાં દર્શન માટે અમે દ્રૂત ગતિથી દોડી રહ્યાં છીએ.’ ગોપીઓનાં નેત્ર કહે છે, ‘ભાગ્યવાન અમે છીએ કે શ્રીકૃષ્ણ-દર્શનનું પ્રથમ સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું છે.’ ગોપીઓના હસ્ત કહે છે, ‘ભાગ્યવાન અમે છીએ કે શ્રીકૃષ્ણના શ્રીઅંગનો સ્પર્શ અમને થશે.’ ગોપીઓનું હૃદય કહે છે, ‘ભાગ્યવાન અમે છીએ કારણ કે જ્યાં સુધી અમે શ્રીકૃષ્ણ-દર્શન માટે દ્રવિત નહીં થઈએ ત્યાં સુધી બીજી કોઈ ઇન્દ્રિયને આનંદ મળવાનો નથી.’ અર્થાત્ ગોપ-ગોપીજનની તમામ ઇન્દ્રિયો શ્રીકૃષ્ણ-દર્શન માટે વ્યાકુળ થઈ છે.
ભાગવતમાં નંદ ઉત્સવના ૧૮ શ્લોકો છે. મહાત્માઓ અને આચાર્યો કહે છે, આ ૧૮ શ્લોકોનું જે નિત્ય પઠન કરે છે તેને ભાગવતના અઢાર હજાર શ્લોકના પઠનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. નંદ ઉત્સવનો પ્રથમ શ્લોક (૧૦.૫.૧) આ પ્રમાણે છે:
श्रीशुक उवाच
नन्दस्त्वात्मज उत्पन्ने जाताह्लादो महामनाः।
आहूय विप्रान् वेदज्ञान् स्नातः शुचिरलङ्कृतः॥
હવે આત્મજ એને કહેવાય કે જે પોતાની કૂખેથી પ્રગટ થયો છે. ભગવાન શુકદેવજી જાણે છે કે શ્રીકૃષ્ણ નંદબાબા થકી પ્રગટ થયા નથી, તો શા માટે આત્મજ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો? વિદ્વાનો અને મહાપુરુષો સમજાવે છે કે સર્વજીવની ઇચ્છા છે કે ભગવાન મારી કૂખેથી પ્રગટ થાય, પરંતુ ભગવાન એક સાથે ઘણા અવતાર લઈ શકે નહીં; તેથી ભગવાન કહે છે, ‘જે જીવ મને જે ક્ષણે પોતાનો પુત્ર માનશે, તે જ ક્ષણેથી હું એનો પુત્ર થઈ ગયો છું. ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् ।’ તેથી ભગવાન શુકદેવજીએ શ્રીકૃષ્ણને નંદના આત્મજ કહ્યા છે. નંદ ઉત્સવમાં ગોપ-ગોપીજનો કહે છે કે ‘નંદ ઘેર આનંદ ભયો; જય કનૈયાલાલ કી.’ અર્થાત્ નંદને ઘરે આનંદના ઘનીભૂત સ્વરૂપનું પ્રગટીકરણ થયું છે. તેથી ‘નંદ ઘેર કૃષ્ણ ભયો’ એવું નથી, પરંતુ ‘નંદ ઘેર આનંદ ભયો’ એવું સંકીર્તન કરવામાં આવે છે.
કૃષ્ણ અર્થાત્ જે સર્વના મનને પોતાના તરફ આકર્ષે છે તેનું નામ કૃષ્ણ. અને શ્રીકૃષ્ણ-પ્રેમની અવિરતધારા એનું નામ છે રાધા. રાધાજી એ શ્રીકૃષ્ણની કોઈ શક્તિ નથી, અપિતુ શ્રીકૃષ્ણ-હૃદયના પ્રેમનું પ્રગટીકરણ છે. રાધાજી અને શ્રીકૃષ્ણ બે અલગ નથી, પરંતુ એક છે. બે તન પરંતુ એક મન અને એક પ્રાણ છે. જન્માષ્ટમી નિમિત્તે આપણે આપણા શરીરને મથુરા બનાવી, હૃદયને ગોકુળ બનાવી અને સર્વ ઇન્દ્રિયો દ્વારા ભગવન્નામ-સ્મરણ કરી, આપણા મનુષ્યજીવનને ચરિતાર્થ કરીએ તેવી ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણકમળમાં પ્રાર્થના.
Your Content Goes Here