(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા)
મહાન ધનુર્ધર એકલવ્ય
એક દિવસ કૌરવ અને પાંડવ શિકાર કરવા ગયા. તેમની પાછળ પાછળ એક સેવક અને એક કૂતરો પણ ચાલી રહ્યો હતો. કૂતરો ચાલતો ચાલતો જંગલમાં પ્રવેશ્યો. નિષાદોનો રાજકુમાર એકલવ્ય ચિત્તાની ખાલનાં વસ્ત્રો પહેરીને વનમાંથી પસાર થઈ રહ્યો હતો. કૂતરો તેને જોઈને મોટેથી ભસવા લાગ્યો. કૂતરાનું ભસવાનું બંધ કરવા માટે એકલવ્યે શીઘ્રતાપૂર્વક એક પછી એક સાત તીર ચલાવ્યાં અને તેનું મોં તીરથી ભરી દીધું. હવે કૂતરો પોતાનું મોં પણ બંધ કરી શકતો ન હતો. એ ત્યાંથી ભાગીને પાંડવો પાસે શિબિરમાં આવ્યો.
કૂતરાનું મોં તીરોથી ભરેલું જોઈ સહુ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ એ અજ્ઞાત ધનુર્ધરને શોધવા નીકળી પડ્યા. એકલવ્યને મળ્યા પછી પાંડવોએ તેને પૂછ્યું, ‘તું કોણ છે?’
તેણે કહ્યું, ‘હું દ્રોણાચાર્યનો શિષ્ય એકલવ્ય છું.’ જવાબ સાંભળીને અર્જુન વિમાસણમાં પડી ગયો. તેણે દ્રોણ પાસે જઈ ફરિયાદ કરી, ‘આપે મને વચન આપ્યું હતું કે આપ મને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનાવશો, પરંતુ આપનો એક અન્ય શિષ્ય પણ છે જે મારાથી પણ મોટો ધનુર્ધર છે.’ દ્રોણને અર્જુનની વાત સહેજ પણ સમજમાં ન આવી. જ્યાં એકલવ્ય બાણ ચલાવવાનો અભ્યાસ કરતો હતો ત્યાં ગુરુ દ્રોણને અર્જુન લઈ ગયો. એકલવ્યે દ્રોણાચાર્યનો ચરણસ્પર્શ કર્યો અને સાષ્ટાંગ પ્રણામ કર્યા. દ્રોણ એને ઓળખી ન શક્યા. વર્ષો પહેલાં એકલવ્ય દ્રોણની પાસે આવ્યો હતો અને તેમને પોતાનો શિષ્ય બનાવવાની વિનંતી કરી હતી, પરંતુ દ્રોણ માત્ર ક્ષત્રિયોને જ શિક્ષણ આપતા હોવાથી એકલવ્યને મનાઈ કરી. એકલવ્યે દ્રોણની એક મૂર્તિ બનાવીને મૂર્તિ સમક્ષ બાણવિદ્યાનો અભ્યાસ શરૂ કર્યો હતો અને અંતે બાણ ચલાવવાની વિદ્યામાં નિપુણ બની ગયો હતો. એકલવ્યે પોતાની સઘળી હકીકત દ્રોણને સંભળાવી. દ્રોણ થોડી વાર ચૂપ રહ્યાં પછી ઇચ્છા ન હોવા છતાં બોલ્યા, ‘તું મારો શિષ્ય છે, એટલે તારે મને ગુરુદક્ષિણા આપવી પડશે.’ તે બોલ્યો, ‘અવશ્ય દઈશ.’ દ્રોણે કહ્યું, ‘તું મને તારા જમણા હાથનો અંગૂઠો આપી દે.’
એકલવ્યે જરા પણ ખચકાયા વગર આનંદપૂર્વક પોતાનો અંગૂઠો કાપી નાખ્યો અને તે દ્રોણને આપી દીધો. અર્જુન પ્રસન્ન થઈ ગયો, કારણ કે તેની ઈર્ષ્યાનું કારણ હવે દૂર થઈ ગયું હતું. ‘અર્જુન, કોઈ પણ તારી બરાબરી નહિ કરી શકે,’ દ્રોણના એ શબ્દો, હવે સત્ય સાબિત થઈ ગયા હતા.
સર્વોત્તમ ધનુર્ધર અર્જુન
બાણવિદ્યાના શિક્ષણનો સમય પૂરો થઈ ગયા બાદ દ્રોણે પોતાના શિષ્યો માટે પરીક્ષાનું આયોજન કર્યું. તેમણે એક વૃક્ષની ઊંચી ડાળી પર એક પક્ષીની મૂર્તિ રખાવી દીધી. ત્યાર બાદ તેમણે રાજકુમારોને બોલાવ્યા અને કહ્યું, ‘તમે બધા જલદીથી તમારાં ધનુષ ઊઠાવો અને વૃક્ષ પર રાખવામાં આવેલ પક્ષી પર નિશાન સાધો. ત્યાર પછી હું જ્યારે આદેશ કરું ત્યારે પક્ષીની આંખ પર તમારું તીર ચલાવજો.’
ત્યાર બાદ યુધિષ્ઠિર તરફ ફરીને દ્રોણ બોલ્યા, ‘તમે જ સહુથી પહેલાં પરીક્ષા આપો.’ યુધિષ્ઠિર તીર ચલાવવા માટે તૈયાર થયા. આચાર્યે પૂછ્યું, ‘શું તમે પક્ષીને જોઈ શકો છો?’ યુધિષ્ઠિરે કહ્યું, ‘જી હા.’ દ્રોણે પૂછ્યું, ‘તમે ફરી એક વાર જુઓ અને મને કહો કે તમને શું શું દેખાય છે?’
યુધિષ્ઠિરે કહ્યું, ‘હું પક્ષીને, વૃક્ષને, આપને અને મારા ભાઈઓને જોઈ શકું છું.’ સાંભળીને દ્રોણ સંતુષ્ટ ન થયા. તેઓએ કહ્યું, ‘તમે બાજુ પર ઊભા રહી જાઓ. તમારો વારો પૂરો થયો.’ વારાફરતી બધા રાજકુમારો સમક્ષ આ જ પ્રશ્ન કરવામાં આવ્યો, પણ અર્જુન સિવાય બાકીના બધાના મુખેથી ઉપર્યુક્ત એ જ ઉત્તર સાંભળવા મળ્યો. અર્જુનનો વારો આવ્યો ત્યારે અર્જુને કહ્યું, ‘મને પક્ષીની આંખ સિવાય બીજું કશું દેખાતું નથી.’
આથી દ્રોણ અત્યંત પ્રસન્ન થયા. તેમણે અર્જુનને પક્ષીનું વર્ણન કરવાનું કહ્યું. અર્જુને કહ્યું, ‘હું તો પક્ષીને નહિ, માત્ર તેની આંખને જ જોઈ શકું છું.’ દ્રોણે પ્રસન્ન થઈને આદેશ આપ્યો, ‘તીર ચલાવ.’ બીજી જ પળે પક્ષીની આંખ વિંધાઈ ગઈ. દ્રોણે આનંદપૂર્વક અર્જુનને ગળે લગાડી લીધો. ત્યારે દ્રોણના મનમાં થયું કે શા માટે અર્જુનના માધ્યમ દ્વારા જ દ્રુપદનો અહંકાર દૂર કરવામાં ન આવે!
એક દિવસ દ્રોણ ગંગાસ્નાન કરી રહ્યા હતા. ભયંકર મગરમચ્છે તેમની જાંઘને પકડી લીધી. જો કે તેઓ પોતે જ પોતાને છોડાવવા માટે સક્ષમ હતા, છતાં તેમને શિષ્યોને બૂમ પાડી કહ્યું, ‘જલદી કરો. આ મગરને મારી મને બચાવી લો.’ જેવું તેમણે આમ કહ્યું કે તરત જ અર્જુને પાંચ તીક્ષ્ણ બાણ ચલાવી મગરને મારી નાખ્યો. બીજા બધા લોકો માટીના પૂતળાની જેમ ઊભા જ રહ્યા. સ્વાભાવિક છે કે દ્રોણ અર્જુનને જ પોતાનો સર્વોત્તમ શિષ્ય માનતા હતા. તેઓએ તેને ‘બ્રહ્માસ્ત્ર’ આપ્યું અને કોઈ માનવ-શત્રુ પર ન ચલાવવા બાબતે સાવધાન પણ કર્યો. તેમણે અર્જુનને કહ્યું, ‘બાણ ચલાવવામાં કોઈ તારા જેવો નહિ થઈ શકે. તું અજેય અને મહિમાવંત બની રહીશ.’
Your Content Goes Here