૨૮.૧૦.૨૦૧૫ને બુધવારે જગદીશ મઢીમાં પ્રસાદ લઈ નર્મદે હરના સાદ સાથે પરિક્રમામાં સંન્યાસી આગળ વધ્યા. હવે અહીંથી સમુદ્રસંગમ સુધી નર્મદાનો તટ છોડીને ચાલવું પડે છે, કારણ કે અહીં જગદીશ મઢીથી સમુદ્રસંગમ લગભગ ૫૦-૬૦ કિલોમીટર જ દૂર છે. તેમાં ભરતી અને ઓટ આવવાથી નર્મદા મૈયાના બંને તટ તરફ દલદલ થઈ જાય છે, જેમાં ચાલવું અત્યંત ખતરનાક અને મુશ્કેલ છે. આથી, હવે રાજ્ય ધોરીમાર્ગ કે કાચો રસ્તો પકડીને કતપોર અથવા તો વિમલેશ્વર થઈને સમુદ્ર માર્ગે ડીઝલ-નૌકા દ્વારા નર્મદાસંગમનાં દર્શન કરી ઉત્તર તટે મિઠીતલાઈ પહોંચવાનું હોય છે.
શ્રીમા શારદાદેવીના શિષ્ય સ્વામી જપાનંદજી મહારાજ પોતાના જીવનમાં ઘણો સમય પરિવ્રાજકરૂપે રહ્યા હતા. તેમણે ‘પ્રભુ પરમેશ્વર રક્ષા કરે’ એ પુસ્તકમાં આ નર્મદાના દલદલની વાત કરી છે. તેઓ ગુજરાતમાં નર્મદાતટે સમુદ્ર તરફ પરિભ્રમણ કરી રહ્યા હતા ત્યારે દૂર દૂર સુધી નિર્જનતાને કારણે ખતરનાક દલદલ વિશે માહિતગાર થયા નહીં. આમ જોવામાં તો માટીનું સપાટ મેદાન હોય તેવું લાગે અને મહારાજ તેમાં ચાલવા લાગ્યા અને જાણે સાગર સમાન માટીના કાદવમાં ખૂંપી ગયા. જેમ જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ તેમ તેમ અંદર ખૂંપી જવાય. આમ, મહારાજનું લગભગ પોણા ભાગનું શરીર દલદલમાં ફસાઈ ગયું. આસપાસ કોઈ પણ હતું નહીં કે સહાય કરે. આમાં બીજા લોકો મદદ પણ ન કરી શકે, મદદ કરવા આવે એ પણ આમાં ખૂંપી જાય. નિશ્ચિત મૃત્યુ જાણે સમીપ છે, એમ જાણી મહારાજ પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રીરામકૃષ્ણદેવનું સ્મરણ કરવા લાગ્યા. આશ્ચર્યની વાત છે કે થોડા સમય પછી સાગરમાં ભરતી આવી અને વિશાળકાય મોજું આવ્યું. એ મોજાએ મહારાજને આ દલદલરૂપી કાદવમાંથી ખેંચીને બહાર દૂર કિનારા તરફ ફેંકી દીધા. આ રીતે મહારાજે જાણે નવજીવન પ્રાપ્ત કર્યું, મહારાજ કહે છે કે પ્રભુ પરમેશ્વર રક્ષા કરે તો બધું જ સંભવ છે!
આત્મકૃષ્ણ મહારાજ દ્વારા લિખિત ‘નર્મદા પરિક્રમા માર્ગદર્શિકા’ પુસ્તકમાં અમુક મંદિરો અને તીર્થનો ઉલ્લેખ હતો. તે મુજબ સંન્યાસી સડકનો માર્ગ છોડી ધૂળિયા માર્ગ તરફ આ મંદિરોનાં દર્શન કરવા માટે નીકળી પડ્યા. પ્રથમ અનરકેશ્વર, દૂધેશ્વર, વાઘેશ્વર અને સર્વેશ્વર મંદિરનાં દર્શન કરી સાંજ સુધીમાં ગુમાનદેવ હનુમાનજી મંદિર પહોંચ્યા. બપોરે દૂધેશ્વર મંદિર બંધ હોવા છતાં તેની પરસાળમાં બેસીને સંન્યાસીએ ભોલેબાબાને ત્રણ-ચાર ભજનો સંભળાવ્યાં. ત્યાંથી સર્વેશ્વર મંદિરની પાસે એક સદ્ગૃહસ્થને ત્યાં જલપાન કરી, પાણીની સુવિધા હોવાથી ફરી સ્નાન કરી લીધું અને સાંજે ગુમાનદેવ પહોંચી ગયા. આસપાસના વિસ્તારમાં ગુમાનદેવ હનુમાનજી મહારાજ ખૂબ જ પ્રખ્યાત છે. પાસે સેવા રુરલ ઝઘડિયાનું કેન્દ્ર છે, પરંતુ સંન્યાસી ધૂળિયા માર્ગેથી આવ્યા હોવાથી તે કેન્દ્ર સડકના માર્ગે રહી ગયું અને સીધા ગુમાનદેવ પહોંચી ગયા. મહંતશ્રી મનમોહનદાસજીએ પ્રેમપૂર્વક સ્વાગત-ભાવ દર્શાવ્યો. મંદિર બંધ થયા પછી પણ હનુમાનજી મહારાજને ફરી બીજા દિવસના શૃંગારની પૂર્વતૈયારી રૂપે પથ્થરના મસ મોટા મુખવાળા હનુમાનજી મહારાજને સિંદૂર થતાં હતાં, તેનાં પૂર્ણ દર્શન થયાં. રાત્રે પ્રસાદ લીધા પછી મંદિરની બહાર ‘C’ આકારમાં બે માળની વિશાળ અતિથિશાળા હતી. તેના એક ખંડમાં સંન્યાસીએ આસન લગાવ્યું. આખી અતિથિશાળા ભેંકાર ભાસતી હતી. રાત્રે ૧૦:૦૦ વાગે સહાયક પૂજારી સંન્યાસીને બોલાવી મહંત મહારાજ પાસે લઈ ગયા. કેટલાક બંગાળી ભક્તો વિવિધ પ્રકારનાં વ્યંજન અને મીઠાઈ લાવી પૂજ્ય મહારાજને પારણાં કરાવાના હતા, તે પ્રસાદ સંન્યાસીએ પણ પ્રાપ્ત કર્યો. પછી અતિથિશાળાએ આવીને શ્રીઠાકુર, મા, સ્વામીજી અને નર્મદામૈયાનું નામ લઈ નિદ્રાદેવીના ખોળામાં પોઢી ગયા.
બીજે દિવસે સવારે બાથરૂમમાં પાણી નહીં, કોઈ તો હતું નહીં, સંન્યાસી નીચેના બાથરૂમમાં આવી જુએ તો સદ્નસીબે પાણીની ડોલ ભરી હતી.
નિત્યક્રમ પૂર્ણ કરી ૨૯.૧૦.૨૦૧૫, ગુરુવારના રોજ સંન્યાસી નર્મદેહરના સાદ સાથે પરિક્રમામાં આગળ જવા નીકળી પડ્યા.
રસ્તામાં ગોપેશ્વર મહાદેવનાં દર્શન કર્યાં અને ત્યાં સ્નાન કર્યું, પછી પૂજારી મહારાજે મજાની ચા અને અલ્પાહાર કરાવ્યાં. ત્યાંથી નેશનલ હાઇવે ફોરલેનને પાર કરી નવા માંડવામાં રણમુક્તેશ્વર અને નર્મદામૈયાના મંદિરનાં દર્શન કર્યાં. સંન્યાસીએ નર્મદામાના ગર્ભમંદિરની ત્રણ પરિક્રમા કરી ત્યાં તો એક પરિક્રમાવાસી ગરજી ઊઠ્યા, ‘તમે નર્મદા મંદિરની પરિક્રમા કરી, હવે તમારી પરિક્રમા ખંડિત થઈ ગઈ.’ સંન્યાસીએ વ્યંગમાં તેમને કહ્યું, ‘બુદ્ધુ, નર્મદા મંદિરની હમણાં ત્રણ પ્રદક્ષિણા કરી, એટલે નર્મદા મૈયાની ત્રણ પરિક્રમા પૂરી થઈ ગઈ અને ચોથી ચાલે છે.’ અમુક નિરર્થક વિધિ-વિધાનો, રીતિ-રિવાજો દ્વારા સંકીર્ણ માનસ ધરાવતા અમુક માણસો પણ ભલા ભોળા લોકોને ધર્મની આડમાં ચક્રવ્યૂહમાં ફેરવતા રહેતા હોય છે.
એક સદ્ગુરુના આશ્રમમાં કેટલાક શિષ્યો રહેતા હતા. એક વાર બન્યું એવું કે હવન શરૂ થતાં પહેલાં આશ્રમમાં રહેતી બિલાડી હોમનું દહીં અને દૂધ ઢોળીને ચાલી ગઈ એટલે ગુરુદેવે એવો નિયમ બનાવ્યો કે જ્યારે હોમ શરૂ થવાનો હોય ત્યારે બિલાડીને પકડીને બાંધી દેવી. હવે સમયના પ્રવાહમાં ગુરુદેવ પણ ચાલ્યા ગયા. એમના શિષ્યો દ્વારા એ પરંપરામાં આશ્રમની પરિપાટી ચાલતી હતી. સમય જતાં આશ્રમમાં બિલાડી નહોતી, પરંતુ નિયમ બની ગયો હતો કે હોમ પહેલાં બિલાડીને પકડીને બાંધી રાખવી. એટલે બહારથી બિલાડી લાવે અને તેને હોમ પહેલાં બાંધીને રાખે!
આ રીતે અમુક રિવાજો શરૂ થઈ જતા હોય છે અને તેમાં ભંગ થાય તો જાણે કે આકાશ તૂટી પડ્યું હોય એવો ભય ફેલાવે! ઋષિ-મુનિઓએ બનાવેલાં ઘણાં વિધિ-વિધાનો, રીતિરિવાજો અત્યંત વૈજ્ઞાનિક સૂઝબૂઝવાળાં હોય છે માટે તેને પારખવામાં વિવેકશક્તિ જરૂરી છે.
Your Content Goes Here